Opinion Magazine
Number of visits: 9484088
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત વિદ્વતા અને અધ્યયનશીલતાનો નક્કર પુરાવો એટલે શૈલજા પાઈક

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 October 2024

ચંદુ મહેરિયા

“મૈકઆર્થર ફાઉન્ડેશને મારી ઘણાં વરસોની મહેનત અને મારાં કામની અસરને માન્યતા આપી છે. જ્ઞાનના વિભિન્ન ક્ષેત્રોમાં દલિત અધ્યયનોએ જે યોગદાન આપ્યું છે અને જેમાં દલિત મહિલા વિદ્વાનના રૂપમાં મારી મહેનત પણ સામેલ છે; તેને મળેલું આ સન્માન છે.”

૨૦૨૪ની મૈકઆર્થર ફાઉન્ડેશનની આઠ લાખ અમેરિકી ડોલર કે પોણા સાત કરોડ રૂપિયાની ‘જીનિયસ ગ્રાન્ટ’થી નવજાયાં ત્યારનો; ઇન્ડો અમેરિકન દલિત મહિલા ઇતિહાસકાર શૈલજા પાઈક્નો, આ તત્કાલ પ્રતિભાવ હતો. મહારાષ્ટ્રના એક નાના ગામના દલિત પરિવારમાં જન્મેલાં, યરવડાની ઝૂંપડપટ્ટીમાં ઉછરેલાં અને આજે અમેરિકાના ઓહિયો સ્ટેટની સિનસિનાટી યુનિવર્સિટીનાં પ્રાધ્યાપક અને સંશોધક ડો. શૈલજા પાઈકની સફર ભારે દિલચસ્પ અને પ્રેરણાદાયી છે. ૧૯૮૧માં સ્થપાયેલ મૈક આર્થર ફાઉન્ડેશનની આ ‘જીનિયસ ગ્રાન્ટ’ અમેરિકાના ફળદ્રુપ ભેજાંઓને મળે છે. તેમની પંગતમાં પોતાનો પાટલો મંડાવનાર શૈલજા પાઈક પહેલાં દલિત મહિલા છે. ઘરઆંગણે ભારતમાં દલિતોની યોગ્યતા અને ગુણવત્તા સામે સવાલો ઊઠે છે ત્યારે શૈલજા દલિત વિદ્વતા, અધ્યયનશીલતા, ગુણવત્તા અને યોગ્યતાનો નક્કર પુરાવો છે.

પચાસ વરસનાં શૈલજા મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના મૂળ વતની છે. પાહેગાંવમાં એમનો જન્મ. ૧૯૯૦માં તેમના કુટુંબે પુણેમાં સ્થળાંતર કર્યું હતું. યરવડાની સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટી તેમનું નવું સરનામું બન્યું. દિવસે મજૂરી કરતા પિતા દેવરામ નાઈટ સ્કૂલમાં ભણીને કૃષિ સ્નાતક થયા હતા. ગામના એ પહેલા ગ્રેજ્યુએટ. શૈલજા સહિતની ચારેય દીકરીઓને ભણાવવાની તેમને ભારે હોંશ. એટલે ઝૂંપડામાં રહીને પણ તેમણે દીકરીઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી. માતા સરિતાએ તેમને જિંદગીની કઠોર વાસ્તવિકતાઓ અને અભાવોથી અળગી કરી અભ્યાસરત રાખી. શૈલજાએ સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીમાંથી ૧૯૯૪માં આર્ટસમાં ગ્રેજ્યુએશન અને ૧૯૯૬માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.

શૈલેજા પાઈક

૨૦૦૫માં એમોરી ફેલોશિપ હેઠળ શૈલજા ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયાં અને નવાં જીવનનાં દ્વાર ખૂલ્યાં. ૨૦૦૭માં અમેરિકાની વારવિક યુનિવર્સિટીમાંથી તેમણે પીએચ.ડી. કર્યું. ઘણા તેજસ્વી દલિત યુવાઓની જેમ શૈલજા પણ આઈ.એ.એસ. અધિકારી બનવા માંગતાં હતાં. તે માટે યુ.પી.એસ.સી.ની એકઝામ પણ આપી હતી. પરંતુ પિતાના અવસાનથી કુટુંબની જવાબદારી માથે આવતાં તેમણે અધ્યાપનનો વ્યવસાય સ્વીકારવો પડ્યો. જે આજે તેમને સિદ્ધિઓના ઉચ્ચ શિખરે લઈ ગયો છે. ૨૦૧૦માં શૈલજા સિનસિનાટી યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યાં તે પહેલાં તેમણે યેલ અને બીજી યુનિવર્સિટીઓમાં પણ ભણાવ્યું અને પચીસેક વરસોથી લેખન-સંશોધન કરી રહ્યાં છે.

શૈલજાને મૈકઆર્થર ફેલોશિપ આપવાનું કારણ, દલિત મહિલાઓના બહુઆયામી અનુભવો પર તેમના ફોક્સથી તેઓ જ્ઞાતિ અને ભેદભાવોનું કાયમીરૂપ અને આભડછેટ ચાલુ રાખવા પાછળની શક્તિઓને સ્પષ્ટ કરે છે તે છે, તેમ ફાઉન્ડેશને જણાવી ઉમેર્યું છે કે શૈલજાએ જ્ઞાતિ, લિંગ અને કામુકતાના આંતરસંબંધો પર ગહન અભ્યાસ કર્યો છે. તેમનું સંશોધન દલિત મહિલાઓના જીવિત અનુભવોમાં અભૂતપૂર્વ અંતદૃષ્ટિ પ્રદાન કરે છે. શૈલજાએ જીવનના શરૂઆતના બે દાયકા મહારાષ્ટ્રના યરવડાની ઝૂંપડપટ્ટીમાં પસાર કર્યાં છે. તેના જાત અનુભવોએ પણ તેમને આ અભ્યાસ માટે પ્રેરિત કર્યાં છે. જાહેર જાજરૂ અને પાણીનો અભાવ તેમનો રોજનો અનુભવ હતો. દાદી સાથે કથિત ઉચ્ચ વર્ણના લોકને ત્યાં જવાનું થયું, ત્યારે ભોંય પર બેસવાનું કે સ્કૂલમાં પટાવાળો દલિત વિદ્યાર્થીઓની કશીક નોંધણી માટે આવ્યો ત્યારે વર્ગમાં બધાની વચ્ચે ઊભા થવાનું અપમાન પણ તેમણે વેઠ્યું છે. કચરો, ગંદકી અને તેમાં રખડતા ભૂંડ તેમના રોજિંદો જીવનનો હિસ્સો હતાં.

“દલિત વુમન્સ એજ્યુકેશન ઈન મોડર્ન ઇન્ડિયા : ડબલ ડિસ્ક્રિમિનેશન” નામક શૈલજાનું પ્રથમ સંશોધન પુસ્તક ૨૦૧૪માં પ્રગટ થયું હતું. દલિતથી અદકી દલિત એવી દલિત મહિલાઓને શિક્ષણ માટે લિંગ (મહિલા હોવાના) અને જ્ઞાતિ(દલિત હોવાના)ના બેવડા ભેદભાવોનો સામનો કરવો પડે છે તેની વાત આ પુસ્તકમાં છે. ઔપચારિક શિક્ષણ સુધીની દલિત મહિલાઓની પહોંચ, તેની પ્રક્રિયા અને અસરો તેમના સંશોધનનો વિષય છે. શિક્ષણે દલિત મહિલાઓના જીવનમાં કેવા ફેરફારો આણ્યા છે કે તે જાદુની લાકડી બન્યું છે તે પણ દર્શાવ્યું છે. શિક્ષણ થકી જ દલિત મહિલાઓનાં જીવનમાં નોંધપાત્ર સામાજિક-આર્થિક પરિવર્તન આવ્યું છે. શિક્ષણે તેમને કાચા –ઝૂંપડાંના વસવાટની બહાર કાઢ્યા, રોજગારની નવી તકો આપી અને ભવિષ્ય ઉજળું બનાવ્યું છે, તે મહિલાઓના અનુભવો પરથી તારવ્યું છે. મહાત્મા ફુલે અને બાબાસાહેબ આંબેડકરની કલ્પનાનું શિક્ષણ અને ભારતમાં દલિતોને મળતાં વાસ્તવિક શિક્ષણના સ્વરૂપ વચ્ચેના વિરોધાભાસને પણ શૈલજાએ તપાસ્યું છે.

પિતૃસત્તાત્મક સમાજમાં કોઈ દલિત મહિલા ઇતિહાસકાર કાસ્ટ, જેન્ડર અને સેક્સુઆલિટી પર કામ કરે અને તેની વૈશ્વિક લેવલે નોંધ લેવાય તે સિદ્ધિ અસાધારણ છે. ૨૦૨૧માં પ્રગટ શૈલજા પાઈકના બીજા સંશોધનગ્રંથ “ઘ વલ્ગારિટી ઓફ કાસ્ટ : દલિત્સ, સેક્સુઆલિટી એન્ડ હ્યુમેનિટી ઈન મોડર્ન ઇન્ડિયા”માં લિંગ અને કામુકતા સાથે જોડાઈને જ્ઞાતિ કઈ રીતે મહિલા, ખાસ તો દલિત મહિલા સાથે અત્યાચાર કરે છે તેનો અભ્યાસ કર્યો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રના દલિત મહિલા તમાશા કલાકારોને કેન્દ્રમાં રાખ્યા છે. તમાશા એ મહારાષ્ટ્રના દલિતોની એક પારંપરિક કલા છે. જેમાં ગીત અને નૃત્યનો સમાવેશ થાય છે.  તમાશાના દલિત મહિલા કલાકારો જ્ઞાતિહિંસા અને યૌનહિંસા બંનેનો ભોગ બને છે. કથિત ઉચ્ચ વર્ણના લોકો માટે તમાશાના મહિલા કલાકારો જાહેર વેચાણની વસ્તુ જેવા હોય છે. તેઓ તેમને સ્વચ્છંદી અને ઉપભોગની ચીજ માને છે. ૨૦૦૩થી શૈલજા તમાશા કલાકારો વિષે અધ્યયન કરે છે. જ્ઞાતિ વર્ચસ કામુકતામાં કેવી રીતે કામ કરે છે તેનું સૂક્ષ્મ અધ્યયન તેમણે કર્યું છે.

સાતેક કરોડની આ ફેલોશિપ દલિત મહિલા ઇતિહાસકાર તરીકેના શૈલજાના અત્યાર લગીના કામનો પુરસ્કાર છે. ફેલોશિપ હેઠળ તેમણે કોઈ નવું કામ કરવાનું હોતું નથી. મૈકઆર્થર ફેલોશિપથી જ્ઞાતિવિરોધી, રંગભેદવિરોધી અને પિતૃસત્તાવિરોધી કાર્યોને વધુ મજબૂતી મળશે. ફેલોશિપ દ્વારા ભારતીય અમેરિકી દલિત મહિલા રૂપે શૈલજા અમેરિકાના પ્રતિભાશાળી, સર્જનાત્મક લોકોના ગ્રુપનો ભાગ બન્યાં છે. શૈલજા તેમના આગામી અધ્યયનોમાં સમાજશાસ્ત્ર, ધાર્મિક અધ્યયન, ભૂગોળ, મહિલાઓ અને લિંગ આધારિત અધ્યયન જેવા વિષયો પર ચોવીસ આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સહયોગમાં કામ કરવાનાં છે. દલિતો સંબંધી ઐતિહાસિક દસ્તાવેજોનું મરાઠીમાંથી અંગ્રેજીમાં અનુવાદનું કામ પણ તેમના અધ્યયનનો હિસ્સો છે. આધુનિક ભારતમાં જ્ઞાતિ વર્ચસ અને માનક કામુકતા તેમના ત્રીજા સંશોધન ગ્રંથનો વિષય છે.

શૈલજાને મળેલું મોટી ધનરાશિ સાથેનું સન્માન દલિતો, ખાસ કરીને દલિત મહિલાઓનાં વિચારો, કાર્યો, ઇતિહાસ અને માનવ અધિકારો માટેની લડાઈના વિશાળ યોગદાનનો ઉત્સવ છે. અન્ય મૈકઆર્થર ફેલો સાથે મળીને સામાજિક ન્યાયના વિષય પર કામ કરવાનો તે અવસર પણ બનશે. ભારતમાં દલિતો પ્રત્યે આચરાતા જ્ઞાતિગત ભેદભાવોનું વૈશ્વિકીકરણ કરવાના પ્રયાસોને આ ફેલોશિપ બળ પૂરું પાડશે તેવી પણ આશા જન્મે છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

30 October 2024 Vipool Kalyani
← માણસ આજે (૧૨) 
Promoting Love or instilling Hate and Fear →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved