ભારતીય સાહિત્યમાં દલિત સાહિત્ય જેટલા પ્રભાવશાળી અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આંદોલન ઘણાં ઓછા જોવા મળે છે. દલિત સાહિત્યની વિશેષતા એ છે કે તે જાતિગત દમનનો ભોગ બનેલા લોકોના અનુભવોમાંથી ઉદ્ભવે છે, જે તેને ઊંડાણપૂર્વકનું તેમ જ વધુ મૌલિક બનાવે છે. દલિત સાહિત્ય મુખ્ય પ્રવાહના ભારતીય સાહિત્યની પરંપરાઓને પડકારે છે તેમ જ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના જીવન અને સંઘર્ષને કેન્દ્રિત કરે છે.
આ લેખકોને એવા પ્રકાશન જગતનો સામનો કરવો પડે છે જે દલિત વાર્તાઓને ફક્ત “એક તક” માને છે અને તેઓને મુખ્ય પ્રવાહના સાહિત્યના ભાગ તરીકે સ્વીકારવામાં પણ અચકાય છે. આજે પણ બજાર, દલિત લેખનને ફક્ત એક દેખાડા પૂરતી જગ્યા પૂરી પાડે છે, અને તેના યોગ્ય પ્રચાર તેમ જ અનુવાદમાં ઓછી રુચિ દાખવે છે. જ્યારે મરાઠી દલિત સાહિત્ય હવે અનુવાદ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થોડી ઓળખ મેળવી રહ્યું છે, ત્યારે હિન્દી દલિત લેખકો સમાજની આંતરિક અને બાહ્ય સાંસ્કૃતિક વ્યવસ્થા સાથે મર્યાદિત સીમાઓમાં પોતાની લડત જાતે લડી રહ્યા છે.
છેલ્લા દાયકામાં દલિત વિમર્શ અંગે ઘણી મહત્ત્વપૂર્ણ કૃતિઓ જોવા મળી છે, જેમ કે અજય નાવરિયાની Unclaimed Terrain (2013), યશિકા દત્તની Coming Out as Dalit (2019), શાહુ પટોલેની Dalit Kitchens of Marathwada (2024), યોગેશ મૈત્રેયની Water in A Broken Pot: A Memoir (2023) અને સુજાતા ગિડલાની Ants Among Elephants (2017)નો સમાવેશ થાય છે. આ પુસ્તકો દલિત સાહિત્યમાં જાતિગત હિંસાથી પર છે, જેમાં શહેરી એકલતા, પોતાની ઓળખની શોધ અને આધુનિક વૈશ્વિક સંદર્ભો સુધીનો વિસ્તાર જોવા મળે છે. વિહાગ વૈભવ, પરાગ પવન અને સુનિતા મંજુ જેવાં નવાં લેખકો હવે લેખનમાં ફક્ત દમનનું વર્ણન કરી રહ્યા નથી, પરંતુ સાંસ્કૃતિક સત્તા, મૂડીવાદી વિકૃતિ અને સાહિત્યિક ઓળખના રાજકારણ પર પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. જેમ જેમ દલિત સાહિત્યનો વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ આજના લેખકો નવા પડકારોનો સામનો કરી રહ્યા છે, તેઓ દલિત સાહિત્યમાં આત્મકથાત્મક (Autobiographical) લેખનથી આગળ વધી રહ્યા છે. તેઓ આ સાહિત્યિક પરંપરાના બદલાતા જુસ્સા, સંઘર્ષ અને ભવિષ્ય પર વિવિધ દૃષ્ટિકોણ રજૂ કરે છે. વિહાગ વૈભવ જણાવે છે કે લાંબા સમયથી આત્મકથા દલિત સાહિત્યનો મુખ્ય પ્રકાર રહ્યો છે, જે જીવનની કઠોરતા અને તીવ્રતાને વ્યક્ત કરવાનું એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. આજનો સૌથી મોટો પડકાર આત્મકથાત્મક લેખનથી આગળ વધીને અન્ય સાહિત્યિક શૈલીઓને સ્વીકારવાનો છે. પરંતુ આ પરિવર્તન ફક્ત ત્યારે જ શક્ય છે, જો આપણે ઊંડાણપૂર્વક આત્મનિરીક્ષણ કરીએ અને આપણા દૃષ્ટિકોણ પર પુન:વિચાર કરીએ. તેઓ સાહિત્યમાં ઊંડાણ અને કલાત્મક વિવિધતા માટેની હિમાયત કરે છે. તેઓ કહે છે કે મૂડીવાદે આ ક્ષેત્રને પણ બદલી નાખ્યું છે.
લેખિકા અનિતા ભારતી માને છે કે આજે દલિત સાહિત્ય ઘણી મજબૂત સ્થિતિમાં છે. તેઓના મત મુજબ દલિત સાહિત્યનું સર્જન ફક્ત હિન્દીમાં જ નહીં પરંતુ ઘણી અન્ય ભાષાઓમાં પણ ઝડપથી થઈ રહ્યું છે. ફક્ત કવિતાઓ અને વાર્તાઓ જ નહીં, પરંતુ ડૉ. બાબા સાહેબ આંબેડકરનાં લખાણો, દલિત ઇતિહાસ, સંસ્કૃતિ અને અન્ય વિષયો પર પણ મોટી સંખ્યામાં લેખન કાર્ય થઈ રહ્યું છે. અન્ય એક યુવા લેખકનું માનવું છે કે આજે પણ સાહિત્ય જગતમાં પ્રભાવશાળી વ્યક્તિઓનું વર્ચસ્વ છે અને દલિત સહિત હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયનો અવાજ આજે પણ પોતાની ઓળખ અને સ્વીકૃતિ માટે લાંબો સંઘર્ષ કરી રહ્યો છે. દલિત લેખિકા સુનિતા મંજુ જણાવે છે કે, “શરૂઆતમાં દલિત સાહિત્યને માન્યતા માટેનો સંઘર્ષ કરવો પડ્યો કારણ કે તે પારંપરિક સાહિત્યિક માપદંડો પર ખરું ઉતરતું નહોતું. પરંતુ, સમય જતાં હવે તેને સ્થાન અને સ્વીકૃતિ મળી છે.” જ્યારે બીજી બાજુ કોલકાતાની લેખિકા જણાવે છે કે “અમે તેઓની સાહિત્યિક પરંપરામાં સામેલ થવા માટે લખી રહ્યા નથી. અમે અમારી પોતાની પરંપરા બનાવવા માટે લખી રહ્યા છીએ.”
દલિત સાહિત્યના પ્રકાશન બાબતે રાજકમલ પ્રકાશન તરફથી એવો દાવો કરવામાં આવે છે કે “રાજકમલ પ્રકાશન સમૂહે દયા પવાર, દલપત ચૌહાણ, પી.ઈ. સોનકાંબલે, રામ નાગરકર, નરેન્દ્ર જાધવ જેવા લેખકોના હિન્દી પુસ્તકો સૌપ્રથમ પ્રકાશિત કર્યા હતા. છેલ્લા એક દાયકામાં અમારા પ્રકાશનના 23 સૌથી વધુ વેચાયેલા પુસ્તકોમાંથી 6 દલિત-આંબેડકરવાદી સાહિત્ય પરના પુસ્તકો છે.” પરંતુ, આ બાબતે લેખિકા અનિતા ભારતી કહે છે કે, “પ્રકાશકો સામાન્ય રીતે ‘રોમાંચક’ અથવા ‘સનસનાટી’વાળી રચના પસંદ કરે છે, અને તેઓ જટિલ અથવા પ્રયોગાત્મક દલિત સાહિત્યમાં રોકાણ કરવા નથી ઇચ્છતા.” એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે કે જેમાં ફક્ત અગાઉથી સ્થાપિત અને જાણીતા નામને જ તક મળે છે. જેથી નવા અથવા ઉભરતા દલિત લેખકો માટે મુખ્ય પ્રકાશકો સાથે જોડાવવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. જેના પરિણામે ઘણાં દલિત લેખકોને તેમનાં પુસ્તકો જાતે જ પ્રકાશિત કરવાની અથવા નાના અને સ્વતંત્ર પ્રકાશકો પર આધાર રાખવાની ફરજ પડે છે કે જેમની પાસે મર્યાદિત સંસાધનો અને વિતરણ નેટવર્ક હોય છે. જેથી લેખનની પહોંચ પણ ઘણી મર્યાદિત થઈ જાય છે. દલિત દસ્તક અને દાસ પબ્લિકેશન્સના સ્થાપક સંપાદક કહે છે કે, “દલિત સાહિત્યને મર્યાદિત વિષય તરીકે જોવામાં આવે છે. દલિત સાહિત્યની નબળી વિતરણ વ્યવસ્થા અને જાણીતાં પુસ્તકોની દુકાનોમાં સ્થાન મેળવવામાં મુશ્કેલી જેવા પડકારોનો સામનો કરવો પડે છે. યોગ્ય મીડિયા કવરેજનો અભાવ હોય જેમાં વ્યાવસાયિક અને સામાજિક કારણો પણ જવાબદાર છે. આ તમામ કારણોસર બજારમાં દલિત સાહિત્ય મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે.” જો આપણે સામાજિક ન્યાયના વિચારમાં વિશ્વાસ રાખીએ છીએ અને દલિત લેખનને માત્ર વાંચવા નહીં પરંતુ, તેને સમજવા તેમ જ અનુભવવા માગીએ છીએ તો આ પ્રકારની ગંભીરતાથી આગામી સમયમાં દલિત સાહિત્ય ઘણું વિસ્તૃત થશે.
(સ્રોત – બી.બી.સી હિન્દી. http://bbc.com/hindi/articles/cq534ydx9l8o)
e.mail : nbhavsarsafri@gmail.com
![]()

