
સંગીતા પટેલ
હું પહેલા ધોરણમાં હતી, ત્યારની આ વાત છે. મારી શાળા ફીની રસીદના નામના ખાનામાં “સંગીતા વાલજીભાઈ ચમાર” લખવામાં આવેલું. મમ્મી આ વાંચતા જ મારી શાળાએ પહોંચી. મારા શિક્ષકને કહ્યું, “અમારી જાતિ ચમાર છે અને અમે તે છુપાવી નથી પણ, અટક જન્મજાત પટેલ છે. તમે તમારી અટકના ખાનામાં મોદી લખો છો, ઘાંચી નથી લખતા”. પાંચ વર્ષની ઉંમરે આ સંવાદ કાંઇ સ્પર્શેલા નહિ. આ વાત અહીં અટકી ન હતી. 1987માં ઉચ્ચતર અભ્યાસના પ્રવેશ માટેના મૌખિક ઇન્ટરવ્યુમાં આવો અનુભવ થવાનો બાકી હતો. વિષય નિષ્ણાતે મારા પ્રોફાઇલ પેપર્સ જોતા જ પહેલો પ્રશ્ન એ પૂછેલો કે, તમે અનુસૂચિતજાતિમાં આવો છો અને તમારી અટક પટેલ કેમ છે. પ્રશ્ન સાંભળતા જ મારી માર્કશીટમાં મને મળેલો પ્રથમ વર્ગ નિરર્થક લાગેલો. ભારતના વિદ્વાન લેખક, દલિત ચિંતક અને માનવ હકના હિમાયતી આનંદ તેલતુંબડેનું પુસ્તક “Dalits Past, Present and Future” વાંચતા આ પ્રસંગો યાદ આવી ગયા.
મહારાષ્ટ્રના ખેલરાંજી નામના ગામડામાં, 2006માં એક પરિવારના તમામ સભ્યોને ગામના કહેવાતા ઉજળિયાતોએ નિર્મમ રીતે રહેંસી નાખેલા. આ ઘટનાનો માનવજાત સાથે સંકળાયેલા એકેએક આયામથી તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય તો એ છે આનંદ તેલતુંબડે. ખેલરાંજીના પુસ્તક પછી “Dalits Past, Present and Future”માં અસ્પૃશ્યતાના મૂળથી લઇને સાંપ્રત જાતિવ્યવસ્થાના એકેએક પડળ ઉજાગર કર્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આજે એની ચરમ ક્ષમતાએ છે ત્યારે પણ સદીઓ જૂનું જાતિ માળખું હજી અડીખમ છે. ઘણી બારીકાઇથી રચાયેલું આ જટિલ સામંતવાદી માળખું હજી પણ કેમ લોકોનું જીવનવિશ્વ છે? તેનો જવાબ આ પુસ્તકમાં છે.
વાત એમણે વેદકાલીન વ્યવસ્થાથી માંડીને દલિતોના આજના પ્રતિનિધિત્વ સુધી કરી છે. અતિ શુદ્રોએ તેમના સામાજિક દરજ્જા માટે અપનાવેલા “દલિત” શબ્દ માટે લેખક લખે છે, પ્રવર્તમાન હિન્દુ વ્યવસ્થા સામે એક લડાયક ઓળખ “દલિત” શબ્દથી છતી થઇ. આ જ દિશામાં દલિત પેંથર્સની સ્થાપના થઇ. પેંથર્સે દલિત પરિભાષામાં એક ક્રાંતિકારી કક્ષા જોયેલી અને પેંથર્સ વિચારધારાને આ શબ્દ માફક હતો. તેમાં પીડિતોના ઇતિહાસના ક્રાન્તિકારી અર્થને આવરી લેવીની ભાષાકીય ક્ષમતા અને વ્યાપક વર્ગ સુધી પહોંચવાની સઘન ક્ષમતા હતી. આમાં પેંથર્સને ભાષાકીય રચના કરતાં નક્કર તત્ત્વજ્ઞાનનું આકર્ષણ હતું. લેખક બૌદ્ધધર્મથી મળેલી બુદ્ધિસ્ટ અને સમયાંતરે બહુજન હિતાય, બહુજન સુખાય વિચારધારામાંથી કાંશીરામ બહુજન ઓળખ લઇ આવ્યા તેની પણ વાત કરે છે. આજે હયાત જાતિ વ્યવસ્થાને જોતાં લેખક કહે છે, ભારતીય સમાજ વ્યવસ્થામાં સાતત્ય અને બદલાવ બંને સમાંતર છે. ભૂતકાળ સાથેના સાતત્યમાં છે સામંતી જાતિગત સંસ્કૃતિ અને બદલાવ સાથે છે મૂડીવાદી વિકાસ.
વિશ્વની વ્યાપક ગુલામી પ્રથાને લઇને લેખક કહે છે, ગુલામીથી માણસ હોવાની જાગરૂકતા હણાતી નથી. પણ પ્રસંગોપાત બળવાખોરીમાં પ્રગટે છે. ગુલામીના ઇતિહાસમાં આવી બળવાખોરી મોટા પ્રમાણમાં જોવા મળી છે. ભારતમાં જાતિ વ્યવસ્થા સામે બળવાખોરી ખાસ જોવા મળી નથી. હા, ભક્તિ આંદોલનમાંથી કબીર અને રોહિદાસ આવ્યા પણ, જાતિ વિભાજનમાં એવા કોઇ પરિવર્તન ન આવ્યા. એનું કારણ હતું, ગામડાઓમાં શ્રમ આધારિત જાતિ વ્યવસ્થા.

આનંદ તેલતુંબડે
ભારતના ઇતિહાસની વાત કરતાં તેલતુંબડે કહે છે, સમયાંતરે આવેલું બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દલિતો માટે વરદાનરૂપ હતું. આ શાસનની જાતિ વ્યવસ્થા પર મોટી અસર પડી. લશ્કર, પોલીસ, કાયદો, વ્યવસ્થા, ન્યાયતંત્ર, આધુનિક શિક્ષણ, માનવ હક, લોકશાહી અને માનવ ગરિમાના નવા વિચારો આ બધું પહેલીવાર સમાજમાં આવતું હતું. નીચલી જાતિઓ લશ્કરમાં જોડાઇ. 1818માં ભીમા કોરેગાંવ ખાતે ઐતિહાસિક યુદ્ધમાં મહાર સૌનિકોના નાનકડા જૂથે મરાઠાઓના જંગી લશ્કરને મ્હાત આપેલી. શોષિતોના સશક્તિકરણની કદાચ આ પહેલી મિસાલ હતી. જાતિ વિરોધી ક્રાંતિના આદ્ય મહાત્મા ફૂલે પોતે મિશનરી શાળામાં ભણેલા. તેમણે અછૂતો માટે અબ્રાહ્મણ આંદોલન શરૂ કરેલું. મિશનરી સંસ્થાઓએ ભારતમાં શિક્ષણ આપવામાં મોટું યોગદાન આપ્યું. પણ મિશનરીઓનો ઉદ્દેશ જાતિ નિર્મૂલનનો ન હતો અને અછૂતો આધ્યાત્મિક ભાવે નહિ પણ જાતિ વ્યવસ્થામાંથી મુક્ત થવા મિશનરીઓ સાથે જોડાતા હતા. અછૂતો સરકારી કામો સાથે શહેરમાં આવતા થયા. બીજા સમુદાયો કરતાં વિસ્થાપનમાં અછૂતો આગળ નીકળી ગયા. તેમણે શિક્ષણ મેળવી વિકાસ સાધ્યો પણ નવા સ્વરૂપે નડતા જાતિગત અંતરાયો તેમણે વેઠવાના હતા.
આંદોલનની ક્ષિતિજે બાબાસાહેબ આંબેડકરના આગમન પહેલા ઘણી ચળવળ શરૂ થઇ ગયેલી. ફૂલે, શાહુજી મહારાજ અને સયાજીરાવ ગાયકાડની ભૂમિકા મોટી હતી. પણ ખરેખર ચળવળને આંબેડકરની જરૂર હતી. આંબેડકર આ પ્રારંભિક ચળવળ સંકલિત કરી તેને અખિલ ભારતીય દલિત આંદોલન સ્વરૂપે રાજકીય ક્ષેત્રની ઊંચાઇએ લઇ ગયા. બાબાસાહેબ માનતા હતા કે ભારતે સ્વતંત્ર થવું પૂરતું નથી. તમામ વર્ગોને ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતાની બાંયધરી મળે તેવા જીવનમાં ઊભા થવાની તક દરેકને મળવી જોઇએ અને આવી સ્થિતિ સર્જતું સુરાજ્ય મળવું જોઇએ.
સૌ પ્રથમ દલિત વિદ્રોહ “મહાડ સત્યાગ્રહ” સરકારની સામે થયા વગર, અહિંસક રાહે થયેલી સામાજિક-સાંસ્કૃતિક પહેલ હતી. પણ ડો. આંબેડકરને આ સત્યાગ્રહના કડવા ઘૂંટડા ભરવા પડ્યા અને તે પછી તેમના પ્રવચનોમાં હિન્દુવાદ વિરુદ્ધ કટુતા દેખાઇ. હિન્દુઓ તરફથી સુધારાની અપેક્ષા વ્યર્થ જણાતા રાજકીય ઉકેલની શોધ આદરી. પૂના પેક્ટથી ભ્રમનિરસન થયું અને ઉદ્દામવાદ ભણી ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી તરીકે કામદાર વર્ગની સ્થાપના કરી. પણ ડો. આંબેડકરને લાગ્યું કે જાતિ કેવળ શ્રમવિભાજન નથી. સામ્યવાદીઓને આ તથ્ય રૂચિકર ન લાગ્યું. તેઓ કામદાર એકતાને વળગી રહ્યા. આંબેડકરનો ધ્યેય તો જાતિ નિર્મૂલનનો હતો. તેમણે ‘શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો’ના નારા સાથે બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કરી. ત્યારપછી શિડ્યુલ કાસ્ટ ફેડરેશન અને છેલ્લે રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા. સામાજિક – રાજકીય ફલક પર આંબેડકર આજીવન સંઘર્ષ કરતા રહ્યા.
દેશની રાજકીય સ્થિતિથી સભાન આ લેખક લખે છે, સ્વાતંત્ર્ય પછીના બે દાયકા સુધી આંબેડકર અને દલિતો બંનેને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા. સરકારને આંબેડકર સ્મારક બાંધવું ય જરૂરી નહોતું લાગ્યું. 1966માં નાનું સ્મારક ઊભું કરવા મહુથી મુંબઇ સુધીની કૂચમાં લોકો પાસેથી અંશત: ફાળો એકઠો કરવામાં આવ્યો હતો. પણ કામદાર માગણીઓથી શાસક વર્ગ ભયભીત થયો. અને પછી દોર શરૂ થયો દલિત નેતાઓની વરણી, દલિત પક્ષો સાથે જોડાણ અને તેમના આઇકોન આંબેડકરને યાદ કરીને દલિતોને રીઝવવાની નીતિનો. તે વખતે કાઁગ્રેસ પક્ષ હતો, આજે ભા.જ.પ. આ કરી રહ્યું છે. આર.પી.આઇ.ના આંતરિક ખટરાગે આ રીતિ સરળ કરેલી. નેતાઓ તો ઢાળે ઢળી ગયા. આમાં ભોગ લેવાયો દલિત રાજકારણનો.
એક બાજુ લોભી રાજકારણ હતું ત્યારે બીજી બાજુ દલિતો પર અત્યાચારના બનાવો વધતા જતા હતા. દેશની સમગ્ર સ્થિતિમાં ય ઘણો અજંપ હતો. લોકો આંદોલનના માર્ગે હતા. વિદ્યાર્થી ચળવળ અને વિરોધ પક્ષ વગરના રાજકારણ પછી જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાન્તિનો પડકાર. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનું આપખુદી શાસન નિશાને ચડ્યું. લગભગ તમામ રાજ્યોમાં ખેત ચળવળ હતી. સી.પી.આઇ. (એમ.એલ.)ના નેતૃત્વ હેઠળ બિહારમાં જમીન આંદોલન અને 1967થી 1969માં નક્સલબારીના પગલે 346 બનાવો બન્યા. લગભગ આ જ ગાળામાં દલિત યુવાનોની પહેલી શિક્ષિત પેઢી ભેંકાર ભાવિ જોતી હતી. અનામત મળ્યાના નામે અપમાનિત થતા હતા પણ એ અનામતના લાભ હજી સુધી દેખાયા ન હતા. અમેરિકામાં બ્લેક યુવાવર્ગના બ્લેક પેંથર્સના પગલે દલિત પેંથર્સનો ઉદય થયો. રાજકારણની નાદારીથી કંટાળેલા નામદેવ ઢસાળ અને જે.વી. પવાર જેવા યુવાનોએ કમર કસી. કોલેરાનો રોગચાળો ડામવા દેવીને રિઝવવા કરાયેલા દલિત નરબલિની સામે “કાળો સ્વાતંત્ર્ય દિન” મનાવાયો. દલિત સ્ત્રીઓની નગ્ન પરેડ સામે રાજા ઢાલેએ રાષ્ટ્રધ્વજ પર પ્રશ્નાર્થ કર્યો. વિશ્વના તમામ શોષિતોની જેમ દલિતો વિદ્રોહી માર્ગે સંગઠિત થઇ રહ્યા હતા. દલિત પેંથર્સ અસ્તાચળે હતું ત્યાં કાંશીરામ “બહુજન ઓળખ” લઇને આવ્યા. પ્રજ્ઞા, શીલ, કરુણા (વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ), ચારિત્ર્ય (સ્વયંશિસ્ત) અને અનુકંપા (સમાનતા) જેવા સિદ્ધાંતો પર રચાયેલા બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ અલગ સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી. આંબેડકર જયંતી, બુદ્ધ જયંતી, દલિત મેળાવડા, નવા પ્રકારનાં ગીતો, નાટકો, દીક્ષાભૂમિ ખાતે ઉત્સવો, માનવ હક દૃઢ કરતા મહાડ સત્યાગ્રહની ઉજવણી, આંબેડકરની સ્તુતિ કરતાં ગીતો, બ્રેસ્લેટ, નેકલેસ, પોશાક, ધ્વજ-પતાકા અને અઢળક સાહિત્ય બહાર આવ્યું. ત્યાગ અને મુક્તિની વાત કરતા આ ધર્મથી સાંસ્કૃતિક ઓળખ ઊભી થઇ પણ ધર્માંતરમાં આંબેડકરની વિચારધારા અપેક્ષિત હતી એવો ઉદ્દામવાદી બદલાવ આમાં કેટલો? બૌદ્ધર્મ પછી પણ પેટાજાતિની ઓળખ તો સાથે રહી જ ગઇ. બીજી બાજુ હિન્દુ રૂઢિચુસ્તો બૌદ્ધ ધર્મને હિન્દુ ધર્મની એક શાખા જ ગણતા હતા. જેટલો રોષ તેમને ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્માંતર સામે હતો એટલો બૌદ્ધ ધર્મ સામે ન હતો. દલિતોના બૌદ્ધ ધર્માંતરથી તો તેમને રાહત હતી.
આવી પરિસ્થિતિમાં કાંશીરામ બહુજન નીતિથી સત્તા હાંસલ કરવાના વ્યૂહ સાથે આવ્યા. કાંશીરામના હાથે આઇડેન્ટીટીનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું. 1990માં નીઓ-લિબરાલીઝમ આવ્યું. આના પગલે નીચલો વર્ગ વિવિધ પ્રકારની કટોકટીમાં ભીંસાયો. અને આની સામે ઓળખનું રાજકારણ હાથ વગુ થયું. આ અનુઆધુનિક સ્તિથિથી મુંઝાયેલા લોકો ઓળખ ઊભી કરવા ફાંફે ચડ્યા. અને આવી માયાજાળમાં જાતિ નિર્મુલનનો ઉદ્દેશ સાવ વિસરાઇ ગયો. ઓળખ ઊભી કરવા તત્પર લોકોએ તો એવો વિરોધાભાસી દાવો કર્યો કે જાતિ નાશ કરી શકાતી ન હોય તો તેને માધ્યમ બનાવવી જોઇએ. અને આ સિદ્ધાંત તો લોકશાહીના સિદ્ધાંતથી તદ્દ્ન વિપરીત છે. આનાથી જાતિ એક કુંડાળમાં જતી રહેશે. તેનું વિસ્તરણ અટકશે અને લોકશાહી રચતા રાજકીય જોડાણો કુંઠિત થશે. આનાથી આંતરિક અભિમુખતા વધતી જાય છે અને વાસ્તવિકતાનો સામનો કરવાની તેના ક્ષમતા ઓછી થતી જાય છે.
આઇડેન્ટ્ટી પોલિટિક્સ સમાનતાના ભોગે ઊભું થાય છે. તે બૌદ્ધિકરીતે અપ્રગતિકારક છે અને રાજકીય આત્મઘાત છે. ઊંચનીચની વ્યવસ્થાને પુન:જીવિત કરીને નીચલા વર્ગોને ઉદ્દામવાદી ચળવળથી દૂર રાખવાનો મુખ્ય ઉદ્દેશ છે. જાતિનું ભૂત વર્ગ આધારિત રાજકારણના વિકલ્પથી જ ભાગશે. આ રોગનો ઇલાજ કરવાનો માર્ગ ભૂતકાળમાં જડ્યો નથી.
ભારતના અર્થતંત્રની દિશામાં જતા લેખક કહે છે, જુલાઇ 1991માં ભારત સરકારે નિઓલિબરલ આર્થિક સુધારા અપનાવ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી મિશ્ર અર્થતંત્ર આવ્યું અને ખાનગી ઉદ્યોગો અને નિરંકુશ બજારની હિમાયત થઇ. રાજ્યએ રૂઢિગત જાહેર સેવામાં કાપ મુક્યા. ખાનગી ઉદ્યોગો વધ્યા. બહુમતી વર્ગની પરવા કર્યા વગર ભદ્રલોકની સેવા કરવામાં રાજ્ય પ્રતિબદ્ધ થયું. આંતરરાષ્ટ્રીય અનુભવોમાં પણ નિઓલિબરાલીઝમથી દરેક ક્ષેત્રમાં અસમાનતા વધી હોવાનું પુરવાર થયું છે. આમાં સંવિધાન અકબંધ રહ્યું પણ દેશ નિઓ લિબરલ બન્યો અને વંચિતો તરફ થોડીઘણી નિસબત હતી તે મરી પરવારી. નિઓલિબરાલીઝમમાં પ્રાથમિક શિક્ષણ તબક્કે જ ખાનગીકરણ પ્રવેશ્યું. અને સરકારી શાળાઓને ભંડોળ બંધ થયા. શિક્ષણમાં તમામ કક્ષાએ ખાનગી ભાગીદારી આવી અને સરકારી શિક્ષણની તકો ઘટી. શાળા શિક્ષણ સામાન્ય દલિતના ગજા બહાર ગયું. માતાપિતાના વર્ગ-વર્ણ દરજ્જા અનુસાર શિક્ષણ મળે તેવી સ્થિતિ ઊભી થઇ. દલિતોમાં પણ શિક્ષણથી આગળ વધેલા લોકો અને બાકીના વચ્ચે વર્ગભેદની સ્થિતિ ઊભી થઇ. ખાનગી ઉદ્યોગો માટે અવકાશ ઊભો કરવા ગ્રામીણ શિક્ષણ પદ્ધતિ સમજી વિચારીને ખતમ કરી. ઉચ્ચતર શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થાઓ સરકારી ભંડોળ પર નહિ પણ, ખર્ચ-વસૂલાતના સિદ્ધાંત પર કામ કરે છે.
પશ્ચિમી ઉદારમતવાદી મૂલ્યો દલિત ચળવળને ઘણા માફક હતા એમ કહેવું જરા ય અતિશયોક્તિપૂર્ણ નથી. હાલનું ઉદારમતવાદી મોડેલ લોકશાહી વિચારધારાને અનુરૂપ નથી. સમગ્ર વિશ્વમાં આતંકવાદના નામે લોકોના મૂળભૂત હકો દબાવી દેવા સરળ બન્યા છે. ભારતમાં માઓવાદી કે આતંકવાદી કહીને અત્યાચારના વધતા જતા બનાવો સામે દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનો અવાજ દબાવી દેવામાં આવે છે. આ બધું લોકશાહીનું મ્હોરું પહેરીને જ કરવામાં આવે છે. WTO, IMF અને વિશ્વ બેન્ક જેવા વૈશ્વીકરણના ત્રણ આધાર સ્તંભો વૈશ્વિક શાસન સંસ્થાનની જેમ કામ કરે છે. મૂડીવાદની આધુનિક અસર હેઠળ જાતિવિહીન સમાજરચના થવાને બદલે જાતિ પોતે નવા વાતાવરણમાં ગોઠવાઇ ગઇ છે. મૂડીવાદના નવા વર્ઝન સમા નિઓલિબરાલાઝમે મૂલ્યવિહોણી પરંપરા માટે રસાળ ભૂમિ પૂરી પાડી છે.
દલિત રાજકારણથી નારાજ લેખક લખે છે, આવા જ વાતાવરણમાં દલિત રાજકારણની નિષ્ફળતાના પગલે બિન સરકારી સંગઠનો પ્રવેશ્યા. દલિત રાજકારણીઓની નિષ્ફળતા અને વિશ્વાસઘાતથી ઊભા થયેલા અવકાશમાં બિન સરકારી સંગઠનો માટે કામ કરતા યુવાનો સરળતાથી લોક વિશ્વાસ જીતી શક્યા. અને આ સંગઠનો તેમના વતી લડતા હોવાનું ચિત્ર ઊભું થયું. દલિતોની સમસ્યાઓ માટે આવી જ સંસ્થાઓ સરકાર સુધી જતી અને પ્રસંગોપાત સ્થાનિક યુવાનોને કામ આપતી. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિઓના સ્થાને બિન સરકારી સંગઠનોની પ્રવૃત્તિઓ વધતી ગઇ. ધાર્મિક સખાવતો સ્વરૂપે સ્વૈચ્છિક સંગઠનો અને મિશનરી સંશ્થાઓ તો હતી જ. એ પછી વિકાસલક્ષી સંગઠનો આવ્યા, નાગરિક સંગઠનો આવ્યા, વર્લ્ડ સોશિયલ ફોરમ જેવા નવા માળખાએ લોકોમાં રોષ સમાવવાની નવી ભૂમિકા ભજવી. સામાજિક ઉદ્દામ પરિવર્તનની સામે શાંતિપૂર્ણ ઉકેલની વાત કરી. બીજી બાજુ શિક્ષણથી પ્રગતિ સાધીને ઊભા થયેલા મધ્યમ વર્ગને રાજકારણીઓ કરતાં આ સંગઠનો વધુ હિતકારી લાગ્યા. અને ઉદ્દામ ડાબેરી હોવાનો પ્રભાવ પણ એમાં હતો. કાઁગ્રેસની મર્યાદા સામે હિન્દુત્વવાદી બળોને દલિતોનું મહત્ત્વ સમજાયું અને તેમણે દલિતોને રિઝવવાના ખંતપૂર્વક પ્રયત્નો આદર્યા. આર.એસ.એસ.ની સમરસતા અને આંબેડકરની સમતા વચ્ચે ભેદ પારખી ન શકતા કેટલાક દલિત બુદ્ધિજીવીઓ પણ આ પ્રવાહમાં આવી ગયા.
ઊભી થયેલી હાલની આ સ્થિતિને પૂરક ઇતિહાસમાં જતા લેખક કહે છે, કાઁગ્રેસે ખેડૂતોને લાભદાયી હરિતક્રાંતિની મૂડીવાદી વ્યૂહનીતિ અમલમાં મૂકેલી. તેની પરિણામે થોડાંક જ વખતમાં ગ્રામીણ ભારતની કાયાપલટ થઈ, ગામડાઓમાં મૂડીવાદ ઊભો થયો અને ઉદ્યોગો માટે કૃષિ ઉત્પાદકતા વધી. તેમાં દલિત, જમીન વિહોણા ખેતમજૂરો ગ્રામીણ અકુશળ શ્રમિકોની સ્થિતિએ પહોંચ્યા. જમીન સુધારા દરમિયાન બ્રાહ્મણ જમીનદારો શહેરો તરફ વળ્યા. અને તેમની બ્રાહ્મણવાદી સત્તા શુદ્ર ખેડૂતોને સોંપતા ગયા. આ નવા સમૃદ્ધ શુદ્ર ખેડૂતોમાં શિષ્ટાચારનો અભાવ હતો. સમાજને તાબે કરવાનો સદીઓ જૂનો અનુભવ ન ધરાવતા આ શૂદ્ર ખેડૂતોએ વેતન વિરુદ્ધ મૂડીવાદના દોરમાં નવી રીતે અત્યાચારો શરૂ કર્યા. ખેલરાંજીમાં બનેલી ઘટના આ જ સ્થિતિની નિપજ છે.
ગ્રામીણ ભારતમાં હજી અત્યાચારના બનાવો છે અને બીજી બાજુ આંબેડકર માટે શાસક વર્ગનો ખોટો દેખાડો છે અને અનામત મુદ્દે મીઢું મૌન છે. ઉજળિયાતોને 10 ટકા અનામતથી, જાતિ વ્યવસ્થા સામે અનામત વ્યવસ્થા તરફનો હિન્દુત્વવાદીઓનો વિરોધ પુરવાર થઇ ગયો છે. ગુજરાતમાં ભા.જ.પ.ના શાસનકાળમાં દલિતો પર અત્યાચારના કેસની સંખ્યા ચડતા ક્રમે છે. ઉનાકાંડ તેનો પુરાવો છે. સદીઓ જૂના સફાઇકામના વ્યવસાયમાં વાલ્મીકિ સમુદાયની આધ્યાત્મિક અનુભૂતિ નિહાળતા વડા પ્રધાન વર્ણાશ્રમ તોડવાના બદલે દૃઢ કરવાની ખેવના રાખતા હોવાની ખાતરી પાકી થાય છે.
દલિતોના આત્મસન્માન સમા ભીમા કોરેગાંવના ઇતિહાસને ભૂંસી નાખવાની નેમથી નિર્દોષ દલિત બૌદ્ધિકો, કર્મશીલો, કલાકારોની ધરપકડ, રોહિત વેમુલ્લાની આત્મહત્યાને દબાવી દેવાના પ્રપંચથી આંબેડકરી વિચારધારા ખતમ કરવાનો શાસક પક્ષનો મનસૂબો પાકો થાય છે. આ તમામ વરવી વાસ્તવિકતાઓથી વાકેફ લેખક આનંદ તેલતુંબડે કહે છે, લોકોને કોમવાદી બનાવવામાં મોદી સરકારે કરેલા નુકસાનની ભરપાઇ થઇ શકે તેમ નથી. “એક પ્રજા, એક દેશ, એક નેતાના” હિટલરના નારામાં “એક ધર્મ (હિન્દુ ધર્મ), એક ચુસ્ત સમાજ વ્યવસ્થા (વર્ણાશ્રમ) અને એક ભાષા (હિન્દી)” નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં દોડતા ભા.જ.પ.થી તેઓ ચિંતિત છે.
e.mail : sanita2021patel1966@gmail.com