Opinion Magazine
Number of visits: 9446700
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત આંદોલનોથી ધમધમતું ગુજરાત

પ્રકાશકુમાર રા. મહેરિયા|Opinion - Opinion|9 September 2018

ગુજરાતમાં ચારેકોર દલિત આંદોલનોની ધૂમ છે. રાજ્યના બધા જ ભૂભાગમાંથી નાના મોટા દલિત આંદોલનોના સમાચારો આવી રહ્યા છે. ક્યાંક બહુ મોટાપાયે, તો ક્યાંક સ્થાનિક સ્તરે પણ દલિત આંદોલનોથી ગુજરાત ધમધમી રહ્યું છે. પરિવર્તનના, બદલાવના, ક્રાંતિના એવા ઓગસ્ટ માસના પહેલાં ૨૫ દિવસોના  ગુજરાતના દલિત આંદોલનોની પ્રાપ્ત વિગતોની અહીં જે ઝલક આપી છે તેના પરથી જ લાગી રહ્યું છે કે ગુજરાતનો દલિત, આંદોલન માટે સજ્જ છે અને હવે તે અન્યાય અત્યાચાર સાંખી લેવાના મિજાજમાં નથી.

આમ તો ઉનાકાંડ, રોહિત વેમુલાની સાંસ્થાનિક હત્યા અને કેન્દ્રમાં દલિત વિરોધી શાસનકર્તાંઓથી તંગ આવેલા સઘળા ગરીબો સરકાર સામે વિરોધનું બ્યુગલ ફૂંકી રહ્યા છે. એમાં ગયા માર્ચ મહિનામાં દેશની સર્વોચ્ચ અદાલતે ૧૯૮૯ના અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદાની ધાર સાવ જ બૂઠ્ઠી કરી નાંખતા સુધારા કર્યા તેનાથી વિરોધનો સ્વર વધુ બુલંદ બન્યો. પરંતુ નરેન્દ્ર મોદી સરકારને તેની બહુ તમા નહોતી. સરકારે આ કાયદાને તેના મૂળ રૂપમાં પરત લાવવા વટહુકમની માંગણી ન ગણકારી અને સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટિશનનો રસ્તો લીધો જેમાં કોર્ટે કોઈ દાદ ન આપી. ગયા એપ્રિલમાં દલિતોના સ્વયંભૂ ભારત બંધ અને તેમાં ડઝનેલ દલિતોની હત્યા પછી પણ સરકાર ન જ જાગી. ઉપરથી સુપ્રિમ કોર્ટના જે જજસાહેબે એટ્રોસિટી કાયદાનો દલિત આદિવાસી વિરોધી ચુકાદો આપ્યો તેમને નિવૃત્તિ પહેલાં જ ગ્રીન ટ્રિબ્યૂનલના જજ બનાવી દીધા. આ બધાથી દલિતોનો આક્રોશ વધુ ફાટી નીકળ્યો. દલિત સંગઠનોએ ૯મી એપ્રિલે ફરી ભારત બંધનું એલાન આપ્યું. એટલે સરકાર સક્રિય થઈ અને ૧૯૮૯ના એટ્રોસિટી એકટને તેની મૂળ સ્થિતિમાં આણતું બિલ સંસદના વર્ષાસત્રમાં સર્વાનુમતિએ પસાર કરાવ્યું. સંસદના આ જ સત્રમાં ઓ.બી.સી. આયોગને બંધારણીય દરજ્જો આપતું બંધારણ સુધારા બિલ પણ પાસ થયું છે. એક રીતે આ દલિત આંદોલનની જીત છે. જેની સામે સરકારને નમવું પડ્યું છે.

જો કે ૧૯૮૯ના દલિત આદિવાસી અત્યાચાર પ્રતિબંધક કાયદાને લગતું આ સુધારા બિલ પર્યાપ્ત નથી. કેમ કે તેની સામે અદાલતી કાર્યવાહીની તલવાર ઊભી જ છે. ખરેખર  સરકાર જો આ કાયદાને કાયમી રક્ષણ આપવા માંગતી હોય તો તેને અદાલતી સમીક્ષાથી પર રાખતી બંધારણની નવમી અનુસૂચિમાં સમાવવો જોઈતો હતો. આ તો થયું નથી પણ ભા.જ.પી. સાંસદો બિલ પસાર કરવામાં તેમના ફાળા માટે જાતેને જાતે જ પોતાની પીઠ થાબડી રહ્યા છે. જે પાસવાન પુત્ર ચિરાગે, દલિતોવિરોધી ચુકાદો આપનાર જજની ગ્રીન ટ્રિબ્યુનલમાં જજ તરીકેની નિમણૂક રદ કરવા માગણી કરી હતી, તે માંગ પર તે હવે અડગ નથી અને તેમના પિતાશ્રી કેબિનેટમાં સ્થિર છે.  અત્યાચાર પ્રતિબંધક સુધારા બિલ સંસદના બંને ગૃહોમાં તો સર્વાનુમતે પસાર થયું પણ સંસદ બહાર તેનો નાનકડો પણ બહુ અકળાવે તેવો વિરોધ થયો. રાજધાની દિલ્હીમાં પોલીસોની નજર સામે બંધારણની હોળી કરી, ડો. બાબાસાહેબ આંબેડકર અને દલિતો વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આ બાબતની જાણ થતાં દેશભરમાં દલિતોનો રોષ ફાટી નીકળ્યો. ગુજરાતમાં અને દેશમાં અનેક દલિતોએ આ કૃત્ય કરનારા સામે પોલીસમાં લેખિત ફરિયાદો નોંધાવી. અમદાવાદમાં સુરેશ આગજા, અશોક સમ્રાટ અને અન્ય દલિત આગેવાનોની પહેલથી વિરોધ સભા મળી. તેમાં “સંવિધાન સુરક્ષા મંચ”ની રચના થઈ અને તેના ઉપક્રમે અમદાવાદના વાડજ વિસ્તારમાં બાઈક રેલી પણ યોજાઈ હતી.

દલિત આંદોલન જેટલું સામાજિક-રાજકીય મુદ્દે જોવા મળે છે તેટલું આર્થિક મુદ્દે જોવા મળતું નથી તે મહેણું પણ તાજેતરના “બિરસા આંબેડકર સ્વાધિકાર આંદોલન (BASA)”એ  ભાંગ્યું. નવી ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રમાં જ કૉન્ગ્રેસના દસાડાની અનામત બેઠક પર ચૂંટાયેલા ધારાસભ્ય નૌશાદ સોલંકીએ બિન સરકારી વિધેયક દાખલ કર્યું છે. છેક આઠમા દાયકાથી અનુસૂચિત જાતિ જનજાતિ પેટા યોજના અમલમાં છે. તે મુજબ સરકારોએ દલિત આદિવાસી વસ્તીના પ્રમાણમાં બજેટ જોગવાઈ કરી ખર્ચ કરવાનો હોય છે પણ કેન્દ્ર અને રાજ્યોની સરકારો તેમ કરતી નથી. વળી આ બાબતને કાયદાનું પીઠબળ ન હોઈ કાં તો જોગવાઈ મુજબના નાણાં ફાળવાતા નથી, ઓછા ફાળવાય છે અને તેથી ઓછા વપરાય છે. દેશના પાંચ રાજ્યોએ આ અંગેના કાયદા કર્યા છે અને દલિત અંદોલનની પણ તમામ રાજ્યોમાં કાયદાની માંગ છે. બિનસરકારી બિલને વિપક્ષ કૉન્ગ્રેસ અને અન્યનો ટેકો મળવાનો છે પણ તે પર્યાપ્ત નથી. એટલે BASA દ્વારા પ્રથમ તબક્કે ભા.જ.પ.ના તમામ દલિત આદિવાસી ધારાસભ્યોનું સમર્થન મેળવવાનું આંદોલન શરૂ કરાયું છે. તે પ્રમાણે અમદાવાદના બી.જે.પી.ના દલિત ધારાસભ્ય પ્રદીપ પરમાર અને વડોદરાના મનીષા બહેન વકીલનાં ઘરે શાંતિપૂર્ણ સત્યાગ્રહ દ્વારા સમર્થન મેળવવાના અસરકારક કાર્યક્રમો થયા. અપેક્ષા મુજબ ધારાસભ્યો હાજર નહોતાં કે આ અંગેનો તેમનો જાહેર મત તેમણે હજુ રજૂ કર્યો નથી. જો કે જ્યારે  આ બિલ અંગે સર્વસંમતિ સાધવા ગાંધીનગરમાં સર્વપક્ષીય સભા બોલાવવામાં આવી, ત્યારે બી.જે.પી.ના તમામ દલિત આદિવાસી ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. તેના પરથી તેમના વલણનો અંદાજ મળે છે.

બાબાસાહેબ આંબેડકરે દલિતોને આહ્વાન આપતાં કહ્યું હતું કે તમે મારી સઘળી વાતો ભૂલી જાવ તો ભલે પણ અલગ વસાહતો અને જમીનની માંગણી ન જ ભૂલતા. અગ્રણી દલિત કર્મશીલ ભાનુભાઈ વણકરે જમીનના પ્રશ્ને જ શહાદત વહોરી હતી. તેમની શહાદતની અર્ધવરસીએ ગાંધીનગરમાં વિશાળ રેલી અને સભા દ્વારા ભાનુભાઈના આત્મવિલોપન સંદર્ભે, સરકારે જમીન સહિતના મુદ્દે જે વચનો આપ્યા હતા તેનો જવાબ  માંગવામાં આવ્યો તો સૌરાષ્ટ્ર દલિત સંગઠને સાંથણી, ઘરથાળ અને સ્મશાનભૂમિ સહિતની જમીનની માંગ લઈને જૂનાગઢમાં જમીન અધિકાર ઝૂંબેશ શરૂ કરી છે. દલિતોની જમીનોની માંગણીની ચાર મહિના પૂર્વેની વિધિવત દરખાસ્તો અંગે સરકારે કંઈ જ ન કરતાં જૂનાગઢમાં “જવાબ આપો” મહારેલી અને સભા કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં દલિતો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન દ્વારા પોરબંદર અને રાજકોટમાં પણ આવા સંમેલનો કરવામાં આવશે. “સૌરાષ્ટ્ર દલિત સંગઠન” દ્વારા જૂનાગઠ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના તાલુકા અને ગ્રામ સામાજિક ન્યાય સમિતિઓના અધ્યક્ષો અને દલિત સરપંચોનું અધિકાર જાગૃતિ સંમેલન પણ યોજાયું હતું.

શિક્ષણ બાબાસાહેબના ત્રિસૂત્રમાં પ્રથમ ક્રમે છે. આજે દલિતોની જે થોડીઘણી પ્રગતિ દેખાય છે તેના મૂળમાં દલિતોની પહેલી પેઢીએ ભારે દુ:ખો વેઠીને જાતે કે પોતાના સંતાનોને અપાવેલું શિક્ષણ છે. પરંતુ ખાનગીકરણને કારણે શિક્ષણની જે વલે કરવામાં આવી છે તેનાથી સૌથી વધુ શોષાવાનું નબળા વર્ગોને જ આવ્યું છે. એક તરફ સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે તો બીજી તરફ ખાનગી શાળાઓમાં ભણતા દલિત આદિવાસી બાળકો તવંગર થઈ ગયા છે એમ માનીને તેમની સ્કોલરશિપ સહિતના લાભો બંધ કરી દીધા છે. દલિત અગ્રણી માર્ટિન મેકવાનના નેતૃત્વમાં, કિરીટ રાઠોડના સંયોજક પદે, “આભડછેટ મુક્ત ભારત અભિયાન”ના નેજા હેઠળ રાજ્યની ખાનગી શાળાના દલિત વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ અને ગણવેશ સહાય ચાલુ કરવા “વોટ નહીં, લોટ આપો”નું નવતર અભિયાન સમગ્ર રાજ્યમાં ઉપાડવામાં આવ્યું છે. અમદાવદ કલેકટરને લોટની થેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ પછી રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા મથકે આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

દલિત આગેવાન રાજુ સોલંકી અને તેમના સાથીઓ શિક્ષણના અધિકાર કાનૂન, ખાસ કરીને ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બાળકોના પ્રવેશ, બાબતે ખૂબ જ સક્રિય છે. “દલિત હક્ક રક્ષક સમિતિ”એ  આ માટે કાયદાકીય અને આંદોલનાત્મક સંઘર્ષો કર્યા છે. દર વરસે એડમિશન શરૂ થતાં જ તે માટેની કાર્યવાહી તેઓ શરૂ કરે છે. જેમને પ્રવેશ ન મળે તેમના પ્રવેશ, શાળા ટ્રાન્સફર અને એક કરતાં વધુ તબક્કામાં ચાલતી પ્રવેશ પ્રક્રિયા-જેવી થકવી નાંખતી અને ભારે કસોટી કરનારી પ્રક્રિયામાં રાજુભાઈ સતત મંડ્યા રહે છે. સાબરતીની નવનિર્માણ શાળાના વિદ્યાર્થીઓના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં શાળા છોડવાનું કારણ “અસામાજિક તત્ત્વોએ શાળાનો કબજો લઈ લીધો” હોવાનું જણાવ્યું હતું કે એક વિદ્યાર્થીના એલ.સી.માં તેની જાતિ “હિંદુ ભૈયાજી” લખી હોવાનું પણ રાજુભાઈ શોધી લાવ્યા છે. હવે “દલિત પેન્થર નારણ વોરા એજ્યુકેશન ફાઉન્ડેશન” મારફતે નબળા વર્ગના બાળકોને ફી માટેની આર્થિક સહાય, સમાજના સહકારથી પૂરી પાડી રહ્યા છે. તેમના આ કાર્યમાં, દલિત ઉપરાંત શિક્ષણનું જ્યાં અલ્પ પ્રમાણ છે તેવા દેવીપૂજક સમાજના બાળકોને પણ મદદ અને માર્ગદર્શન મળી રહ્યાં છે.

જ્ઞાતિ નિર્મૂલન સમિતિ, અમદાવાદ, ૨૨ બંધારણીય અધિકારો માટે છેલ્લા છ વરસોથી કાર્યરત છે તેના ઉપક્રમે સંજય પરમાર, રાજેશ સોલંકી અને કલ્પેશ વોરા દ્વારા તાજેતરમાં  અનામત રોસ્ટર એક્ટ અને ખાસ અંગભૂત યોજના એક્ટ માટે મંત્રીઓ, ધારાસભ્યો અને વહીવટી તંત્રને આવેદનપત્રો આપી રજૂઆતો કરવામાં આવે છે. દલિત કર્મશીલ કાંતિલાલ પરમાર અત્યાચારોના મુદ્દે ભારતના માનવ અધિકાર પંચમાં સતત રજૂઆતો કરત રહે છે અને સારા પરિણામો મેળવે છે. ભરત મૂસડિયાના નેતૃત્વમાં ચાલતું “રાજકોટ જિલ્લા દલિત યુવા વિકાસ સંગઠન”, વરસોથી લટકતા ધોરાજીની દલિત છાત્રાલયને સરકારી ગ્રાંટ મળે તે માટે અનેક વિરોધ કાર્યક્રમો અને મંત્રીઓને રજૂઆતો કરી છે. આ વખતે ભરતભાઈએ સૌરાષ્ટ્રના તમામ મંત્રીઓ અને રાજ્યના સામાજિક અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારને ગાંધીનગરમાં રૂબરૂ રજૂઆત કરી છે. સામાજિક કાર્યકર કૌશિક પરમાર દલિતો પરના અંદોલન દરમિયાનના ખોટા કેસો પાછા ખેંચાવવા કૃત નિશ્ચયી છે.

વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું આંદોલનકારી રૂપ સતત જોવા મળે છે. વડી અદાલતે શહેરોના ટ્રાફિક જામ અંગે સૂચન શું કર્યું કે અમદાવાદના મ્યુિનસિપલ કમિશનર અને પોલીસ કમિશનર લારી ગલ્લાવાળા, ફેરિયા અને રિક્ષાઓવાળા પર તૂટી પડ્યા. દબાણમુક્ત અને ટ્રાફિકજામ મુક્ત શહેર કરવા માટે જાણે કે લારી ગલ્લા અને રીક્ષાઓ હઠાવવી એ જ એક માત્ર રસ્તો છે. એટલે આ બધા ગરીબોને ધંધારોજગાર વગરના કરી દીધા. રાકેશ મહેરિયાના નેતૃત્વમાં અમદાવાદના લારી ગલ્લાવાળા એકત્ર થયા છે. તેમણે અમાદાવાદમાં વિશાળ રેલી કાઢી, ૨૦૧૪ના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો અમલ કરવાની માંગણી સાથે સત્તાવાળાઓને સવાલ કર્યો કે, પેટ પહેલાં કે પગ ? જિજ્ઞેશ મેવાણી લારી ગલ્લાવાળાઓના આંદોલનમાં મોખરે હતા, તો દલિત આદિવાસી ખાસ અંગભૂત યોજનનાના કાયદાની માંગણીના આંદોલનમાં અમદાવાદ અને વડોદરામાં પણ હતા. કચ્છ અને પાટણની જમીનોના મુદ્દે આ જ દિવસોમાં તેમણે આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા અને અમદાવાદના બાપુનગરમાં બૂટલેગરોનો ત્રાસ વધતાં ગરીબ મુસ્લિમ મહિલાઓ સાથે કમિશનર કચેરીએ હલ્લો કર્યો હતો. કચ્છના જિલ્લા મથક ભુજથી અડધી રાતે માજીદ આદમભાઈ થેબા નામક મુસ્લિમ યુવકની પોલીસે ધરપકડ કરી તે પછી તેને ગુમ કરી દીધા તો તે અંગે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકારમાં ઉગ્ર રજૂઆત કરી. એડવોકેટ શમશાદ પઠાણની આગેવાનીમાં હવે અમદાવાદથી ભુજની માજીદ ખોજ યાત્રાનું આયોજન થયું  છે. શમશાદ પઠાણ સામેની એક ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા બાર એસોસીએશનના અગ્રણીઓ સાથે જિજ્ઞેશ મેવાણીએ પણ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. અમદાવાદમાં જ્યારે ભાનુભાઈ વણકરના શહાદતની અર્ધવરસીના  આયોજનની બેઠક ચાલતી હતી, ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ઓઢ્વની ટીમ અને દાણીલીમડાની ટીમ સ્થાનિક પ્રશ્નોને લઈને સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનો ગજવી રહી હતી. રામોલ-જશોદાનગરની ટીમના અગેવાનો આઝાદી દિવસે અત્યાચારનો ભોગ બનેલા આણંદ જિલ્લાના સારસાના દલિત કુટુંબ વચ્ચે હતા. વડાપ્રધાન એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જૂનાગઢના આગેવાન ભરત પરમાર (બાંટવા ) અને  અમદાવાદ વેજલપુરના રાકેશ મહેરિયાને પોલીસે આગલા દિવસથી જ નજરકેદ કરી ડિટેઈઈન કરી લીધા હતા. RDAM ગાંધીનગર દ્વારા પાટનગરના ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના ન હઠાવવા દેખાવો ધરણાનો કાર્યક્રમ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે થયો હતો. છારાનગરમાં પોલીસે જે રીતે નિર્દોષ લોકો પર બેરહેમ જુલમ ગુજાર્યો, તેનો વિરોધ કરવામાં  જિજ્ઞેશ મેવાણી મોખરે રહ્યા હતા. બનાવના ૪૮ કલાકમાં છારા સમાજના યુવાનોએ જે શાંત અને અહિંસક પ્રતિકાર કર્યો તે અજોડ હતો, તે પછી જિજ્ઞેશભાઈની છારાનગરની મુલાકાત અને તેના બીજા અઠવાડિયે સાંસ્કૃિતક કાર્યક્રમ કરીને છારાનગરનો પોલીસ અત્યાચાર માનવ અધિકારોનું  હનન છે તે બાબતે સરકારનો જવાબ મંગાયો હતો. ભાઈ જિજ્ઞેશ અને તેમના સાથીઓ ગુજરાતના દલિત આંદોલનોમાં કેવા રણમોઝાર હોય છે તેના આ થોડા ઉદાહરણો છે.

ફેર વેલ ફેર નાડિયા સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ અમદાવાદ દ્વારા અમદાવાદના સરકીટ હાઉસમાં, નાડિયા સમાજની વાડી, નાડિયા સમાજનું બંધારણ, શિક્ષણમાં ઉન્નતિ,  કુરિવાજ નિર્મૂલન ગામડાંઓમાં સમૂહ લગ્ન જેવા પ્રશ્નો માટે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ  યોજાય કે “વણકર યુવા સમિતિ”, વડોદરા દ્વારા વિદેશમાં વસતા NRI વણકર જ્ઞાતિમિત્રો તેમ જ ભારતમાં વસતા અને NRI પાત્ર શોધતા વણકર જ્ઞાતિમિત્રોનું પસંદગી સંમેલન આયોજિત થવાનું હોય, પોલીસ અને સમકક્ષ જગ્યાઓમાં નોકરી માટે દલિત યુવાનોને તાલીમ આપવાનું આયોજન સંત રોહિદાસ સમાજ સંકુલ, ગાંધીનગર ખાતે થતું હોય તે પણ દલિત આંદોલનની અને દલિત સમાજની બલિહારીરૂપ બાબતો છે. થોકબંધ દલિત આંદોલનોથી ગુજરાત ગાજી રહ્યું છે. વેરવિખેરને બદલે કોઈ એક છત્ર નેતૃત્વ અને સમાન મુદ્દાઓ અંગે સૌ એક થઈએ તો શું ધાર્યું પરિણામ ન લાવી શકાય?  ગુજરાતના દલિતો તમે સાંભળો છો?

સૌજન્ય : “દલિત અધિકાર (પાક્ષિક)”, 01 સપ્ટેમ્બર 2018; પૃ. 01-03

Loading

9 September 2018 admin
← શેક્સપિયરના નાટકનો પહેલો ગુજરાતી અનુવાદ
An Urban Naxal ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved