
રવીન્દ્ર પારેખ
રિક્ષા થોભી અને અમે ઊતર્યા. અમે એટલે હું, ઉદ્યોગપતિ રોહિત મારફતિઆ અને લેખક, પત્રકાર બકુલ ટેલર. હું પહેલી વખત અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય પાસે હતો. નીચે બંને બાજુએ બાંકડા હતા. પુસ્તકાલયમાં, ડાબી-જમણી બાજુએથી ચડીને પ્રવેશી શકાય એવાં પગથિયાં હતાં. નીચેથી જોયું તો વચમાં ચબૂતરા જેવું હતું ને જૂની શૈલીનું, ઘેરા લાલ, લીલા, ગુલાબી રંગોવાળું, ક્યાંક ઘસાઈ ગયેલા કોફીરંગી થાંભલાઓવાળું, ક્યાંક નાજુક કોતરણીવાળું મકાન આકર્ષતું હતું. વચમાં કાળાબોર્ડ પર સફેદ અક્ષરોમાં પુસ્તકાલયનું નામ ચીતરેલું હતું, તો ઉપર સુવર્ણરંગી પતરા પર દેવનાગરીમાં અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકશાળા કોતરાયેલું હતું. તેની ઉપર વીણાધારી સરસ્વતીનું નાનકું ચિત્ર હતું.
વચ્ચે ‘સરસ્વતીચંદ્ર’ના સર્જક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો ફોટો થાંભલા પર જોવા મળ્યો. આસપાસ વાર્નિશ કરેલાં લાકડાનાં જૂનાં કબાટોમાં વિષયવાર પુસ્તકો તાળાંમાં સચવાયેલાં હતાં. બહાર સ્ટેન્ડ પર છાપાં હતાં ને અંદર પુસ્તકો હતાં. આ ઉપરાંત અહીં 80 જેટલાં સામયિકો આવે છે એ પણ જાણ્યું.
આ પુસ્તકાલયની સ્થાપના ગોવર્ધનરામના પિતરાઈ ને એમના માર્ગદર્શક મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ, 25 એપ્રિલ, 1898(વૈશાખ સુદ ચોથ, સંવત 1954)ને રોજ ૩૦,૦૦૦ને ખર્ચે, પત્ની ડાહીલક્ષ્મીની સ્મૃતિમાં કરી. અંગ્રેજોનાં શાસનમાં તેને પુસ્તકાલયનો દરજ્જો મળ્યો. હજારો પુસ્તકો લાઈબ્રેરીઓમાં તો હોય, પણ તે આધુનિક મકાનમાં હોય તેની ફીલિંગ જુદી છે ને ડાહીલક્ષ્મી જેવી 127 વર્ષ જૂની લાઈબ્રેરીમાં હોય એની ફીલિંગ જુદી છે.
અમે પ્રવેશ્યા ત્યારે વિજ્ઞાનની વિદ્યાર્થિની નાઝનીને અમને આવકાર્યા ને લાઈબ્રેરી અંગે માહિતી આપી ને પછી પણ આપતી રહી. અમે લાકડાની ખુરશી પર બેઠા. એમ લાગ્યું, વાર્નિશ કરેલા સમયમાં બેઠા છીએ. ભીંતમાં ચણેલા ઊભા થાંભલાને સ્પર્શીએ તો એ સમય પણ આંગળીઓને અડકતો લાગે છે. અમે લાકડાનો દાદર ચડી ઉપર આવ્યા, પણ એમ લાગ્યું સમયમાં નીચે ઊતરી રહ્યા છીએ. ડાબી બાજુએ લોખંડી ઘોડાઓમાં વિષયવાર પુસ્તકો ગોઠવાયેલાં જોયાં. કેટલાંકનું બાઈન્ડિંગ પણ થયું હતું. એક જૂનું થોથું ઉપાડ્યું. નામ હતું – ‘ક્રોસવાયર’, લેખક રવીન્દ્ર પારેખ. મને હું અહીં જોવા મળ્યો એનો આનંદ હતો. આ વિભાગ સીતાબહેન જેવાં અનુભવી સન્નારી સંભાળે છે. અહીં lawને બદલે low જોવા મળ્યું. ‘લાયબ્રેરી’ શબ્દકોશમાં જ નથી, લાઈબ્રેરી છે. નડીઆદ, નડિયાદમાંથી કોઈ એકને અપનાવી શકાય કે કેમ? ક્યાંક નડીયાદ પણ વાંચવા મળ્યું. લાઈબ્રેરી થોડી સભાન રહે તો ગમે.
ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં મહિનાના પહેલા રવિવારે ‘ગ્રંથનો પંથ’ શીર્ષક હેઠળ પુસ્તકનો પરિચય અપાય તે સ્તુત્ય પગલું છે. સંસ્થામાં બાળકો માટે પણ અલગ વિભાગ છે. લગભગ 26,00૦થી વધુ પુસ્તકો આ લાઈબ્રેરીમાં યોગ્ય રીતે જળવાયાં છે. અહીં મેઘાણીનાં પુસ્તકો અલગ રીતે સચવાયાં છે. મહેન્દ્ર મેઘાણીએ યોગ્ય રીતે જ આ લાઈબ્રેરીને ‘પુરાતન યુગનો જ્ઞાનકોશ’ કહી છે. લાઈબ્રેરીને ઉચિત રીતે જ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ગ્રંથાલયનો શ્રી મૂળજીભાઈ અમીન એવોર્ડ પણ મળ્યો છે.
ડાહીલક્ષ્મીમાં 600-700 વર્ષ જૂની હસ્તપ્રતોનો ભંડાર છે. આ હસ્તપ્રતો ‘શ્રી નારાયણ હસ્તપ્રત ભંડાર’માં જળવાઈ છે. નડિયાદનો એ અક્ષરદેહ છે. ડાબી બાજુ વળીએ તો નડિયાદના સાક્ષરોની યાદી જોવા મળે છે અને અંદર જતાં ગોવર્ધનરામ, મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સાક્ષરોના પરિચય વંચાય છે, તો તેની નીચે, કાચમાં તેમનાં પુસ્તકો પણ જોવાં મળે છે, તો ઉપર, નડિયાદ નગરના ફોટોગ્રાફ્સ પણ ધ્યાન ખેંચે એ રીતે મુકાયા છે. અમે આ બધું જોતાં હતાં, ત્યાં કેમિકલ એન્જીનિયર અને લેખક, બીરેન કોઠારી આવ્યા. તેમને પહેલી વખત મળવાનું થયું. તેમણે લાઈબ્રેરીમાં સચવાયેલી ૩,૦૦૦ જેટલી હસ્તપ્રતો અંગે વાત કરી. ઉપરથી જોઈ શકાય એમ કાચ નીચે એકાદ હસ્તપ્રત જોવા મળી. મેં બીજી હસ્તપ્રત જોવા માંગી તો એમણે લાલ કપડામાં લપેટાયેલી ને સફેદ કવરોમાં રખાયેલી એક હસ્તપ્રત બહાર કાઢીને બતાવી. એ સમયના દેવનાગરી મરોડો જોઇને અભિભૂત થઇ જવાયું. નાઝનીને એક ટેબલ પર મોટો ચોપડો લાવીને મૂક્યો. એમાં હસ્તપ્રતોની વિગતો અનેક ખાનાઓમાં અપાઈ હતી. એ ખરું કે ઋતુઓની અસરો કાગળો, શાહી પર થતી હોય છે. જાળવણી છતાં કાગળો બરડ થતાં હોય કે તૂટી જતાં હોય છે. એ સ્થિતિમાં હસ્તપ્રતો જાહેરમાં મૂકવાનું હિતાવહ નથી, છતાં તે સમયની લખાવટનાં, જુદા જુદા હાથના (અક્ષરોના) મરોડનાં દર્શન થાય એ પણ જરૂરી છે. એવી વ્યવસ્થા હશે, પણ મારા જોવામાં એકાદ અપવાદ સિવાય ન આવી.
એ પછી નડિયાદની ગલીઓ, પોળોમાં જવાનું બન્યું. સાથે બીરેનભાઈ હતા તે નડિયાદી સાક્ષરોના ઘરો બતાવતાં હતાં. એક ઘર બતાવતાં કહ્યું- આ ઘર ગોવર્ધનરામની માતા શિવકાશીનું છે. ગોવર્ધનરામનું ઘર તો પૈતૃક છે, પણ આ ઘર ગોવર્ધનરામે પોતે બંધાવેલું. સાંકડી પોળોમાં જે થોડાં ઘર જોવાના થયાં, તેમાં ઇન્દુલાલ યાજ્ઞિક, કુલીનચન્દ્ર યાજ્ઞિક, મન:સુખરામ ત્રિપાઠી, રસાયણશાસ્ત્રી અને ગોવર્ધનરામના મિત્ર ટી.કે. ગજ્જર, ભૌતિકશાસ્ત્રના લેખક અને કર્નલ પ્રદ્યુમ્ન આણંદજી પંડ્યા, કવિ-ચિત્રકાર, નવલકથાકાર, અભિનેતા જયકૃષ્ણ ચીમનલાલ સુરતી, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસુ અંબાલાલ બુલાખીરામ જાનીનાં મુખ્ય હતાં. ઘણાં ઘરો મૂળ સ્વરૂપમાં રહ્યાં નથી, પણ જે રહ્યાં છે તે નડિયાદની ઓગણીસમી સદી સાચવીને બેઠાં છે. ઘરની આગળ જે તે સાક્ષરોનાં રેખાંકન સાથે પરિચયાત્મક તકતીઓ મુકાઈ છે. આવું મારી જાણમાં તો ગુજરાતમાં ક્યાં ય નથી. મોટે ભાગના વિકસિત શહેરોમાં સમય નવો નક્કોર વહે છે, ત્યાં ભૂતકાળ ન સચવાય તે સમજી શકાય એવું છે. બકુલ કહે છે તેમ નગરો થોડાં ગરીબ રહે તે પણ સારું છે. એ ગરીબીને જ સમય સાચવવાની પડી હોય છે, બાકી તો જ્યાં ને ત્યાં કોન્ક્રેટી જંગલો જ મળવાનાં.
વેલ, અમે ગોવર્ધનસ્મૃતિ મંદિર નજીક આવ્યા. આગળ જાળીવાળો જૂનો રંગીન દરવાજો હતો ને ઉપલા માળની નીચે, લાકડા પર સફેદ અક્ષરોમાં ચીતરાયું હતું- શ્રી ગોવર્ધનસ્મૃતિ મંદિર. આ ઘરમાં જાળીનો ગજબનો મહિમા હતો. નાની, મોટી જાળીઓ ને એમાંથી આવતાં કિરણો જે ભાત પાડે છે તે હવે ભાગ્યે જ જોવા મળે છે. એક પળ તો કોઈ અદીઠ સાક્ષરી હાથ અમને ઘરમાં લઈ જતો હોય એવું અનુભવાયું. એ સમયની બાંધણી એવી હતી કે વચ્ચે ખુલ્લું હોય, જેથી તડકો વિટામીનની ગરજ સારે. આ ઘર પણ એવું જ હતું. નીચે સોફા હતા. એના પર બેઠા, એટલામાં નડિયાદના વતની અને સૂરજબા મહિલા કોલેજના આચાર્ય ડો. હસિત મહેતા આવી ચડ્યા. ડાહીલક્ષ્મી લાઈબ્રેરીના તેઓ રાહબર છે. તેમણે રોહિતભાઈના પુસ્તક ‘સુરતનું ગૌરવવંતુ ગોપીપરું’ની પ્રશંસા કરતાં નડિયાદના નાગરવાડા અને સુરતના ગોપીપરાના સાક્ષરો વચ્ચે સામ્ય છે એવું જણાવ્યું. એમાં તથ્ય છે. મને તો ગોપીપરું અને નાગરવાડો એક જ ગર્ભનાળથી જોડાયેલાં લાગ્યાં છે. ચં.ચી. મહેતાએ તો નડિયાદની જેમ સુરતને પણ અસલ સાક્ષર નગરી જાહેર કરેલી. ટૂંકમાં, નડિયાદ અને સુરત સાક્ષરી સંબંધે જોડાયેલાં છે ને એ સંબંધ વિકસતો રહે એ ઇચ્છનીય છે.
બીરેનભાઈએ સ્કેન કરીને એક અવાજ સંભળાવ્યો – હું ગોવર્ધનરામની પાઘડી છું – ને બાજુમાં જ કાચના બોક્સમાં મુકાયેલી ગોવર્ધનરામની પાઘડી એમણે બતાવી. એ જ રીતે ગોવર્ધનરામ જે કિત્તો, કલમ વાપરતાં, જે શાહીદાનમાં શાહી ભરતાં એ બધું પણ જોવાનું થયું. એક સાવ સાંકડો લાકડાનો દાદર ચડીને ઉપર આવ્યા. એ ખંડમાં ગોવર્ધનરામનું હિંચકે ઝૂલતું બ્લેક લોન્ગકોટ, ધોતી, પાઘડી પહેરેલું મૂર્ત રૂપ જોયું ને અમે સૌએ એમની પાછળ ઊભા રહી ફોટા પડાવ્યા. સરસ્વતીચન્દ્રના ભાગો હસ્તાક્ષરમાં જોયા. આજે તો પેન/બોલપેનથી કે બોલીને ફટાફટ લખાય છે, પણ તે વખતે કલમને શાહીમાં બોળી બોળીને સરસ્વતીચન્દ્ર અને અન્ય સાહિત્ય ગોવર્ધનરામે કેમ કેમ લખ્યું હશે એ વિચારે ચકરાવે ચડી જવાય છે. ભીંતો પર કેટલાંક ચિત્રો, લખાણો ધ્યાનાકર્ષક હતાં. ગોવર્ધનરામનાં ઘરનાં કેટલાંક શ્રુતચિત્રો જોયાં, જે ઘર જોડે ઘણો મેળ ખાતાં હતાં. તેમનું અંગત પુસ્તકાલય પણ હતું, જેમાં સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી પુસ્તકો જળવાયેલાં હતાં.
નીચે માત્ર સામયિકોના કબાટનો ખંડ હતો. તેમાં સંસ્કૃતિ, વીસમી સદી, ભૂમિપુત્ર, જ્ઞાનસુધા, ગુજરાત, સ્ત્રીજીવન જેવાં પ્રતિષ્ઠિત સામયિકોની ફાઈલો હતી. એવા તો ચારેક વિભાગો હતા. બાકી હતું તે જન્મભૂમિની ફાઈલો પણ હસિતભાઈએ મેળવી હતી. મહાભારતનું સ્કેનિંગ થતું જોયું. કામ ધીમું હતું, પણ સમૃદ્ધિ વધારનારું હતું. કાગળો સંપત્તિ વધારે તે કરન્સી નોટો પરથી ખબર પડે, પણ કાગળો સંસ્કૃતિ પણ વધારે એ લાઈબ્રેરી ને ‘મંદિર’ પરથી અનુભવાય. નડિયાદ જનારે લાઈબ્રેરી અને મંદિરે જવું જ જોઈએ. એ તીર્થના અનુભવથી ઓછું નહીં જ હોય એવું ગર્વથી કહી શકાય …..
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ઑગસ્ટ 2025