
રાજ ગોસ્વામી
યાદગાર ફિલ્મોની આગળ-પાછળની કહાનીને યાદ કરીએ છીએ, પણ આજે એક એવી ફિલ્મની વાત, જે કોઈએ જોઈ નથી. મતલબ કે એવી અધૂરી ફિલ્મની વાત, જે ઓલમોસ્ટ 80 ટકા પૂરી થઇ ગઈ હતી, પણ એની પટ્ટી એવી તૂટી કે પાછી ચકરડા પર ચઢી ના શકી. ફિલ્મ જો પૂરી થઈને દર્શકો સમક્ષ આવી હોત તો સાચે જ યાદગાર અને સુપરહિટ સાબિત થઇ હોત.
એવું કેમ વિશ્વાસથી કહી શકાય? કારણ કે એ ફિલ્મનો આધાર એક એવી કાલજયી હિન્દી નવલકથા હતી, જેના ઉલ્લેખ વગર હિન્દી સાહિત્યની વાત અધૂરી રહી જાય. તેનું નામ હતું ‘મૈલા આંચલ,’ તેના રચિયતા હતા ફણીશ્વર નાથ રેણુ અને તેના પરથી બનનારી ફિલ્મનું નામ હતું ‘ડાગદર બાબુ’ (ડોકટર બાબૂ). કલાકારો હતાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન, ઉર્મિલા ભટ્ટ, ઉત્પલ દત્ત અને અમજદ ખાન. નિર્દેશક હતા નબેન્દુ ઘોષ, નિર્માતા હતા એસ.એચ. મુન્શી અને સંગીતકાર હતા આર.ડી. બર્મન. એનાં 12 ગીતો રેકોર્ડ થઇ ગયાં હતાં.
અનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂરે, 1981માં, રાકેશ પાંડે, રાધા સલૂજા, ગુલશન અરોરા અને અભી ભટ્ટાચાર્યને લઈને ‘મૈલા આંચલ’ નામથી એક ફિલ્મ બનાવી હતી, પરંતુ રેણુ સાથે તેનો સંબંધ માત્ર ટાઈટલ પૂરતો જ હતો, અથવા એવું કહો કે તેમણે ટાઈટલ ચોરી લીધું હતું. ‘મૈલા આંચલ’ નાયિકા પ્રધાન ફિલ્મ હતી. તેમાં એક અનાથ પણ પ્રેગ્નન્ટ છોકરીની આપવીતીની વાર્તા હતી.
‘ડાગદર બાબુ’ અથવા મૂળ નવલકથા ‘મૈલા આંચલ’માં એક એવા ડોકટરની વાર્તા હતી જે બિહારના એક સાવ પછાત ગામને તેનું કાર્યક્ષેત્ર બનાવે છે. એમાં એ બતાવામાં આવ્યું હતું કે તેને કેવી રીતે ત્યાં ગરીબી, કુરિવાજો, અજ્ઞાનતા, બીમારીનો સામનો કરવો પડે છે.
‘મૈલા આંચલ’ને હિન્દી સાહિત્યની પહેલી આંચલિક નવલકથા કહેવામાં આવે છે. આંચલ એટલે સાડીનો પલ્લુ અથવા છેડો, એમાં ‘ઇક’ પ્રત્યાય લગાવીને આંચલિક બંને, જેનો અર્થ થાય છે આંચલ સંબંધી. હિન્દીમાં આંચલનો અર્થ જનપદ, અથવા ક્ષેત્રીય અથવા પ્રાંતીય થાય છે. જે છેવાડાનો વિસ્તાર છે તે આંચલિક.
બિહારના મેરીગંજ ગામની એમાં વાર્તા હતી, જે હજુ ‘મેલુ’ છે અને જ્યાં સુધી ગરીબી અને અજ્ઞાનતા સમાપ્ત નહીં થયા ત્યાં સુધી મેલુ જ રહેવાનું છે. તેનાં ત્રણ પ્રમુખ પાત્રો હતાં; કમલી- જે એક અજ્ઞાત બીમારીથી પીડાય છે, ડો. પ્રશાંત – જે ડોક્ટર બનીને ગામમાં સેવા આપવા આવે છે અને વિશ્વનાથ મલિક – જે કમલીના પિતા અને જમીનદાર છે.
2020માં, અમિતાભ બચ્ચને સ્વામી વિવેકાનંદના વેશમાં પત્ની જયાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેઅર કર્યો હતો. એ સ્ટિલ ફોટો આ અધૂરી ‘ડાગદર બાબૂ’નો હતો, જો કે બચ્ચને ભૂલમાં તેને બંગાળી ફિલ્મ ગણાવી હતી. ફિલ્મમાં કમલી બનતી જયા ડોક્ટર પ્રશાંતના પ્રેમમાં પડી જાય છે એટલે તે બીમારીનું નાટક કરે છે અને ડોક્ટરને બોલાવે છે. ડોક્ટર આદર્શવાદી છે અને સ્વામી વિવેકાનંદમાં તે ખૂબ માને છે. ડોકટરને પ્રભાવિત કરવા માટે કમલી વિવેકાનંદનો વેશ ધારણ કરે છે. ડોકટર જ્યારે તેને જોઇને ચકિત થઇ જાય છે ત્યારે તે માથા પરથી ફેંટો ઉતારીને અસલી રૂપ જાહેર કરે છે.
‘મૈલા આંચલ’ માટે પદ્મશ્રી ખિતાબ મેળવનારા ફણીશ્વર રેણુ (1921-1977) નેપાળની સીમા પર આવેલા બિહારના ફારબિસગંજના હતા. હિન્દી વિવેચકો ‘મૈલા આંચલ’ને પ્રેમચંદની ‘ગોદાન’ની કક્ષાએ મૂકે છે. 1954માં તેમણે લખેલી ‘મારે ગયે ગુલફામ’ વાર્તા પરથી બાસુ ભટ્ટાચાર્યએ 1966માં રાજ કપૂર અને વહીદા રહેમાન સાથે મશહૂર ફિલ્મ ‘તીસરી કસમ’ બનાવી હતી. એનો સ્ક્રીનપ્લે નબેન્દુ ઘોષે લખ્યો હતો. ‘તીસરી કસમ’ની સફળતાથી પ્રેરાઈને નબેન્દુએ બતૌર નિર્દેશક ‘મૈલા આંચલ’ પરથી ‘ડાગદર બાબૂ’ બનાવાનું નક્કી કર્યું હતું.
નબેન્દુ ઘોષ એક પ્રમુખ બંગાળી લેખક હતા અને તેમણે ‘તીસરી કસમ’ ઉપરાંત ‘સુજાતા,’ ‘બંદિની,’ ‘દેવદાસ,’ ‘મજલી દીદી’ અને ‘અભિમાન’ ફિલ્મોના સ્ક્રીનપ્લે લખ્યા હતા. 60ના દાયકામાં તેમણે અશોક કુમાર અને ઇન્દ્રાણી મુખર્જીને લઈને ‘પ્રેમ – એક કવિતા’ નામની’ ફિલ્મ બનાવવા પ્રયાસ કર્યો હતો. ગુરુ દત્તની ‘કાગજ કે ફૂલ’ની વાર્તાની ક્રેડીટને લઈને તેમને દત્ત સાથે ઝઘડો થયો પછી તે તેમની પત્ની ગીતા દત્તને લઈને એક ફિલ્મ કરવા માંગતા હતા.
નબેન્દુ ઘોષની વાર્તા પરથી બિમલ રોયે 1954માં ‘બાપ બેટી’ (નલિની જયવંત, બાળ કલાકાર આશા પારેખ અને નાઝિર હુસેન) ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મના નિર્માતા એસ.એચ. મુન્શી બિહારના ગયા શહેરના હતા. તેમની બહુ ઈચ્છા હતી કે રેણુની ‘મૈલા આંચલ’ પરથી હિન્દીમાં ફિલ્મ બનાવવી જોઈએ અને તેનું નિર્દેશન નબેન્દુએ કરવું જોઈએ.
70ના દાયકાના મધ્યમાં ફિલ્મનું શુટિંગ શરૂ થયું હતું અને લગભગ 80 ટકા જેટલી ફિલ્મ બની ગઈ પછી નિર્માતા મુન્શી અને ફિલ્મ વિક્રેતા-ફાયનાન્સર મનિયા દાગા (એ પણ બિહારના હતા) વચ્ચે ઝઘડો થયો અને કામ અટકી ગયું. રેણુના પુત્ર દક્ષિણેશ્વર પ્રસાદ રાયના કહેવા પ્રમાણે ફિલ્મ સામાયિક ‘માયાપુરી’માં ‘ડાગદર બાબૂ’ની જાહેરાત પણ થઇ ગઈ હતી. તેની 13 રીલ બની ચૂકી હતી.
નબેન્દુના દીકરા શુભંકર ઘોષ આ ફિલ્મમાં સહાયક પણ હતા. તેમના કહેવા પ્રમાણે, “આ ઝઘડા દરમિયાન જ મુન્શીનું અવસાન થઇ ગયું હતું. ફિલ્મની નેગેટિવ્સ બોમ્બે લેબમાં રાખવામાં આવી હતી. 80ના દાયકામાં મુંબઈમાં પૂર આવ્યું તેમાં એ ખરાબ થઇ ગઈ હતી. પછી તેનું શું થયું તે કોઈને ખબર નથી.”
હિન્દી લેખક-પત્રકાર ડો. અરવિંદ દાસ આ ફિલ્મ બાબતે પૂરક માહિતી આપે છે. તેઓ કહે છે કે ફિલ્મના કલાકારો મશહૂર હતા. રેણુના ગામ ફારબિસગંજમાં જ્યારે તેનું શુટિંગ ચાલતું હતું ત્યારે ધર્મેન્દ્ર અને જયાને જોવા માટે લોકોની ભીડ ભેગી થઇ હતી. આર.ડી. બર્મને તેમાં અસાધારણ સંગીત આપ્યું હતું અને તે મુન્શી પરિવાર પાસે સચવાયેલું પડ્યું હોવું જોઈએ.
શુભંકર કહે કે કે તેમના પિતા નબેન્દુ ઘોષ અને રેણુ અચ્છા દોસ્ત હતા. તેઓ કાયમ તેમની પાસે ‘મૈલા આંચલ’ની પોકેટ બૂક રાખતા હતા. એ ઘણાં વર્ષોથી તેના સ્ક્રીનપ્લે પર કામ કરતા હતા. રેણુ મૈથિલી ભાષાની ફિલ્મો સાથે થોડો વખત સંકળયેલા હતા અને એમાંથી જ તેમને હિન્દી ફિલ્મો તરફ રુચિ જાગી હતી, પરંતુ બોલીવૂડમાં સાહિત્યિક કૃતિઓ સાથે જે છેડછાડ થતી હતી તેનાથી તે નારાજ હતા.
જેમ કે, ‘તીસરી કસમ’નો અંત બદલવા માટે તેમની પર ખૂબ દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ રાજી થયા ન હતા. એવી જ રીતે તેમને ‘ડાગદર બાબૂ’ને લઈને પણ આશંકા હતી. હિન્દીના જાણીતા લેખક રોબિન શો પુષ્પ તેમના સંસ્મરણમાં લખે છે કે રેણુએ તેમને કહ્યું હતું કે તે કદાચ ‘ડાગદર બાબૂ’ ફિલ્મને નહીં જુવે. કેમ એવું? પૂછતાં તેમણે કહ્યું હતું, “હું પહેલાં ફિલ્મની સમીક્ષા વાંચીશ … જોવા વાળાઓનો મત જાણીશ … બધું બરાબર લાગશે, ત્યારે જોવા જઈશ. બાકી, જે મૈલા આંચલે મને જે યશ આપ્યો છે, માન આપ્યું છે, સાહિત્યમાં સ્થાપિત કર્યો છે … એ કૃતિના વિકૃત રૂપને જોવાનું મારામાં સાહસ નથી.”
કાશ આ ફિલ્મ પૂરી થઇ હોત અને કાશ રેણુએ તે જોઈ હોત! કાશ આપણે પંચમ’દાનું સંગીત સાંભળી શક્યા હોત!
(પ્રગટ ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 15 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર