Opinion Magazine
Number of visits: 9563622
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્રોસરોડ : સ્વાતંત્ર્યસંગ્રામની હૃદયસ્પર્શી કથા …

ભરત મહેતા|Opinion - Literature|23 October 2017

ક્રોસરોડ : વર્ષા અડાલજા : ISBN 978 935 122 3948 : પ્રકાશક – આર.આર. શેઠની કમ્પની, મુંબઈ :  પ્રથમ આવૃત્તિ – જાન્યુઆરી 2016 : કિંમત – રૂ. 450/-

ગુણવંતરાય આચાર્યની બેઉ દીકરીઓ હાલમાં ગુજરાતી નવલકથાની લોકપ્રિય લેખિકાઓ ગણાય છે. આધુનિકતાએ સ્ત્રીના પ્રશ્નો સંદર્ભે દાખવેલો અંધાપો ‘બત્રીસપૂતળીની વેદના’ (૧૯૮૨) દ્વારા ઇલા આરબ મહેતાએ દૂર કરેલો. એ આપણા નવલકથાના ઇતિહાસની સીમાસ્તંભરૂપ કૃતિ હતી. જેની વિવેચકોએ ઝાઝી નોંધ નથી લીધી. લોકપ્રિયતાની સાથોસાથ ઉચ્ચ મૂલ્યબોધ સાચવવો એ અઘરો હોય છે. ઈલા આરબ મહેતા અને વર્ષા અડાલજાએ એ કામ કર્યું છે. ગુજરાતી નવલકથા સંદર્ભે હાલમાં કોઈ મહત્ત્વાકાંક્ષી અને ગંભીર પ્રયત્ન નજરે ચઢતો નથી ત્યારે યથાશક્તિ ગંભીર પ્રયત્ન કરી પ્રગતિશીલ મૂલ્યબોધવાળી વાચનક્ષમ નવલકથા ‘ક્રોસરોડ’ એમણે આપી છે.

પાંચસો સાઈઠ પાનાંની આ નવલકથાનાં અનેક દ્રશ્યો વાચકને હચમચાવી મૂકે તેવાં છે. ‘ક્રોસરોડ’ નવલકથા અડધી સદી(૧૯૨૦-૭૦)નો સમય આલેખે છે. આ સમયગાળો -સાંસ્થાનિક ભારતની આઝાદીની લડાઈનો અને નવા ભારતની મથામણોનો ગાળો છે. નવજાત શિશુની હાલત બગડે ત્યારે કાચની પેટીમાં રાખવામાં આવે એવી હાલત આપણી આઝાદી પછી હતી એ પણ અહીં દર્શાવાયું છે. આવા કાળખંડની સામગ્રીનું આકલન કરવાની ક્ષમતા અને સીમાઓ તેમ જ એ સામગ્રીનું કળામાં રૂપાંતર કરવાની ક્ષમતા અને સીમાઓનું દર્શન આ નવલકથા કરાવે છે.

કાળખંડનું આકલન કરવા માટે, યુગચેતનાને ઝીલવા માટે લેખિકાએ કાઠિયાવાડના લખતરના પરિવેશના બે-ત્રણ પરિવારને કેન્દ્રમાં રાખ્યાં છે. તારાશંકર બંદોપાધ્યાયે ‘ગણદેવતા’માં આવો જ પ્રયત્ન કરેલો છે. ત્યાં સંપન્ન-વિપન્ન સવર્ણોથી માંડી દલિત કુટુંબ સુધી ત્રિજ્યા વિસ્તરે છે. અહીં રાધા-લખમણના ઉલ્લેખો છે પણ એ વિકસાવાતા નથી. ‘ગણદેવતા’માં યુગચેતનાની સાથોસાથ માનવસંબંધોની સંકુલતા છે તેનો પણ અહીં અભાવ છે.

અહીં અકસ્માતે ત્રણ દીકરી અને એક દીકરો ધરાવતી સ્ત્રી જયાબા વિધવા થાય ત્યાંથી કથા શરૂ થાય છે. કુટુંબને ઉગારવા મથતો એનો સત્તર વર્ષનો જુવાન દીકરો વિષ્ણુ ગામમાં પ્રતાપસિંહ બાપુના ટાપાટૈણા કરીને રોડવે છે. તે આકળવિકળ છે. એનો મિત્ર રામચંદ્ર કલકત્તા નોકરી કરે છે ત્યાં એને જવું છે. ગામથી તંગ આવી ગયો છે. બાપના મૃત્યુ પછી એની સગાઈ તૂટી ગઈ છે. પડોશી વાસંતી સાથેની એની મહોબ્બત દબાયેલા ડૂસકાં જેવી છે. રામચંદ્રની સાથે કલકત્તા ભાગી જઈને ‘યુગાંતર’ પ્રેસમાં નોકરી કરે છે. વિષ્ણુના કલકત્તાગમનથી કૃતિનું પરિમાણ વિસ્તરે છે. રામચંદ્ર અને મહમ્મદની સાથે નગરમાં રહેતા વિષ્ણુના કેટલાક રૂઢિચુસ્ત ખ્યાલો તૂટે છે. એ જાણે છે કે રામચંદ્ર અને મહમ્મદની આ ‘નોકરી’ તો એક બહાનું છે હકીક્તે બેઉ સશસ્ત્ર ક્રાંતિકારી મંડળના સભ્યો છે. એમની પ્રેરણાથી એ પણ એવા કામોમાં જોડાય છે. સરકારી ખજાનો લૂંટે છે. બોંબવિસ્ફોટ થતાં મહમ્મદનું મૃત્યુ થઈ જાય છે. રામચંદ્ર પકડાઈ જાય છે અને વિષ્ણુ પુનઃ કાઠિયાવાડ ખિસ્સામાં ક્રાંતિના પ્રતીક સમી પિસ્તોલ સાથે પાછો ફરે છે. પાછો ફરતો વિષ્ણુ ત્રીજા વર્ગમાં મુસાફરી કરતાં ગાંધી, ગાંધીજનોને જોઈને રાજી થાય છે. ગામની નાની મુલાકાત પછી ગાંધીજીની દાંડીયાત્રામાં જોડાય છે. પોલીસના મારથી ઘવાયેલો વિષ્ણુ સરકારી દવા પણ લેતો નથી. જેલમાંથી મુક્ત થઈને પાછા ફરતા એનું મૃત્યુ થાય છે. ગોરબાપાના મોત પછી જયાબા પર ઘરનો બોજો આવી ગયેલો આધારસ્તંભ લાગતો વિષ્ણુ પણ મૃત્યુ પામતા સમજણી કુમુદ પર જવાબદારી આવી પડે છે.

એક પછી એક પુરુષપાત્રોની વિદાય લેખિકાની રણનીતિનો જ ભાગ છે. ગામમાં મોભાદાર ગણાતા ભવાનીશંકર શેઠના દીકરા સાથે કુમુદનું લગ્ન થયેલું પણ પૈસાનો અહમ્ હોઈ કોઈનું માન ન જાળવતા એ પરિવાર સાથે બહેનનો વિવાહ વિષ્ણુને પીડેલો. એ રકઝકમાં જ એ કલકત્તા ભાગી છૂટેલો. આફ્રિકા ગયેલો ગોવિંદ અકસ્માતમાં ખોઈ જતાં એને મરેલો માનીને કુમુદ વિધવા જીવન જીવી રહી છે ત્યારે વિષ્ણુ ગામ આવેલો. વિષ્ણુના પત્રકારમિત્ર, કર્મશીલ પરાશર સાથે એ પુનઃલગ્ન કરે છે. જેથી ગામમાં વિવાદ થાય છે. ગોવિંદ જીવતો મળે છે તેથી કથામાં તાણ ઊભી થાય છે પણ ઉકેલાય છે. ગોવિંદનું ય મૃત્યુ થાય છે! કુમુદ પરાશરને પરણે છે. પરાશર સાથેનું કુમુદ મધુર દામ્પત્ય છે. પતિ જેવાં જ કામો એ પણ કરે છે. સખ્યના પાયા પરના દામ્પત્યના કારણે એમને ઋષિ – ચારુબાલા બે સંતોનોય પ્રાપ્ત થાય છે. પરંતુ હવે ‘મશાલ’થી કામ ચાલે તેમ નથી. ઐતિહાસિક જાસુસી નવલકથાઓ ય પરાશરને લખવી પડે છે. ત્યાર બાદ એક મિત્રની મદદથી મુંબઈ ફિલ્મની પટકથાઓ લખવા પણ જાય છે. કુમુદ-પરાશર-ઋષિ અને ચારુબાલા મુંબઈના ગિરગામના માળામાં ગોઠવાતા પંખીઓ બને છે. અહીં પણ કુમુદ સ્ત્રીસંસ્થામાં કામ કરે છે.

આઝાદી પછીની આ કથામાં ઘણા વળાંકો છે. એક કોમવાદી તોફાનમાં પરાશરનું મૃત્યુ થાય છે. કુમુદનો પુત્ર ઋષિ અને પુત્રવધૂ નર્યા સ્વકેન્દ્રી નીવડે છે. એ દ્વારા બે પેઢીનું અંતર જોવા મળે છે. પરંતુ જ્યારે ઋષિની પુત્રી પલ્લવી દાદી સાથે જોડાય છે ત્યારે એ લેખિકાના એક સ્વપ્ન જેવું લાગે છે. કુમુદ દાદી બને છે અને કોલેજમાં ગયેલી પલ્લવી દાદા-દાદીને, સ્વાતંત્ર્યને, ઉષા માસીને સાચા પરિપ્રેક્ષ્યમાં જોઈ શકે છે. એ રીતે કથા સુખાંત છે. કુમુદને સેવાસંસ્થામાંથી પણ હટાવવાતા પેંતરા થાય છે. પીડિત સ્ત્રીઓની પડખે ઊભા રહેવું હવે પંચાત ગણાવા માંડે અને સ્ત્રીસંસ્થા મોજ્શોખનું પ્લેટફોર્મ બની જાય એ કુમુદને મંજૂર નથી પણ મક્કમ કુમુદની જીત થાય છે. સ્વાતંત્ર્યસંગ્રામના દિવસોથી સ્વાતંત્ર્યોત્તર ભારત કેટલું જૂદું પડી ગયું તે જોવા મળે છે. ખોવાઈ ગયેલું રેશન કાર્ડ મેળવવા કુમુદે લાંચ આપવી પડે છે.

ઈ.સ. ૨૦૦૩માં પ્રગટ થયેલી ‘અસ્વપ્ન સુખીજીવન’(જયંત ગાડીત) નવલકથામાં નાયિકા રેવા ગાંધીજીએ ભારતમાં આફ્રિકાથી આવી પગ મૂક્યો ત્યારે જન્મેલી. આ રેવાની દીકરી, વહુ, સાસુ, દાદીમા લગીની યાત્રા ચાલે છે. એ નવલકથામાં સ્ત્રીઓનું જે અકુંઠિત વિશ્વ છે એવું આ નવલકથામાં નથી. આ નવલકથાની માફક ઇતિહસમાં નહીં નોંધાયેલા શહીદો જેવી સ્ત્રીઓ કુમુદની માફક રેવા ત્યાં હતી. આ નવલકથાની પણ સહુથી મોટી વિશેષતા એ છે કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અવગણાયેલી સ્ત્રીઓનું વિશ્વ અહીં કેન્દ્રમાં આવે છે. તેથી ઇતિહાસને તળિયેથી તપાસવામાં આવ્યો છે. (History from the below) ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે.’ એવી ટિળકવાણી ઉચ્ચારતા ભારતીયોએ સ્ત્રીઓની ગુલામીનો ઝાઝો વિચાર કર્યો ન હતો. તેથી આ કાળખંડમાં પિસાતી મહિલાઓ અહીં કેન્દ્રમાં છે. સામંતી સમાજમાં રિબાતી સ્ત્રીઓની એક પછી એક આવતી છબીઓ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે …’વાળી સંસ્કૃિતના લીરેલીરા ઉડાવે છે. ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં સ્ત્રીઓની જે અવદશા હતી એને બરાબર ચીંધે છે.

વિધવા જયાબાને કંતાનની સપાટુ પહેરવી પડે, દરબારગઢની સ્ત્રીઓ જો પુત્રીનો જન્મ આપે તો દીકરીને દૂધ પીતી કરવામાં આવતી. લત્તાબા-હર્ષદબા જે રીતે મોટી ઉમર સુધી અવિવાહિતા છે તેમને તો દીકરીને દૂધ પીતી કરી તરત મારી નાખવી યોગ્ય લાગે છે. આખી જિંદગીની રિબામણીની સરખામણીમાં આ પીડા ઓછી લાગે છે. ‘એકવાર ભગવાન ગરભની કોથળી પુરુષને દઈ દૈ તો જુવો કેવાં સીધા થઈ જાય’ (પૃ.૨૭૯) બાળકના જન્મને ‘નાકમાંથી નાળિયેર કાઢવા જેવું’ ગણાવે છે. દરબારગઢની એ ઘટનાનું લેખિકાએ પ્રભાવક વર્ણન કર્યું છે. વાસંતી પર સગો સસરો જ બળાત્કાર કરે છે! સ્ત્રીને શિક્ષણ આપતા ય ડર લાગે. પ્રતાપસિંહ પુત્ર માટે એક પછી એક નવી ગરાસણીને પરણતા જાય, ગામની દેખાવડી કુમુદ પર પણ એમનો ડોળો હોય! આઝાદીવેળાનું આ સામંતીવાસ્તવ હતું. જમનાને સગો બાપ વેચી દેતા હોય અને ભારતવિભાજન વેળાએ બળાત્કારનો ભોગ બનેલી મીઠીને પિયરિયાં-સાસરિયા કોઈ સ્વીકારતા નથી! ‘જૂઠા સચ’ નવલકથાની બંતી આ સંદર્ભે આપણને યાદ આવે. ‘જૂઠા સચ’ એ હજાર પાનાંમાં ફેલાયેલી, બે ભાગમાં વહેંચાયેલી નવલકથા છે. એ નવલકથા પણ લાહોરની ભોલા પાંડેની ગલીના એક બે પરિવારને કેન્દ્રમાં રાખીને ચાલે છે. એ નવલકથાની તારા અને કનક બેઉ નાયિકાઓ સ્ત્રીના સીમિત જગતમાંથી અકસ્માતે બહાર નીકળતા કંચન બને છે. જેમ અહીં કુમુદ અને ઉષાનું જોઈ શકાય. એક કલ્પના કરી શકાય કે જો ‘ક્રોસરોડ’ના ભવાની શંકર જ કોંગ્રેસી કાર્યકર હોત તો શું થાત ? એ વખતે ગાંધીના નામે ઘણાં તરી ગયા હતા જે ‘પાદરના તીરથ’માં જોઈ શકાય છે. ‘બેગમજાન’ ફિલ્મના કોંગ્રેસી માસ્તર પણ ઉદાહરણરૂપે તમે જોઈ શકો. ‘ક્રોસરોડ’માં કુમુદના પક્ષે બધા જ આદર્શવાદી પાત્રો જ છે. વાસંતી જેવી ભરીભાદરી સ્ત્રી મનનો માનેલ વિષ્ણુ ન મળે, બીજવર સાથે એના લગ્ન થાય, એ નપુંસક હોઈ એને છેડે જ નહીં એથી રાજી થાય! આમ, પાત્રો સતવાદી છે, સહનશીલ છે, આદર્શવાદી છે. ઉષા, લક્ષ્મી, જયાબા, ગોદાવરી, સમુકાકી, મહમ્મદના પિતા, હર્ષદબા, લત્તાબા આ કોઈને લોભ-લાલચ-‘ભૂખ’ની ઈચ્છાઓનું પજવતું જગત અહીં નથી. તેથી પાત્રો મૂઠી ઊંચેરા દૈવી પાત્રો છે. ભવાનીશેઠ જેવું પરિવર્તિત થતું પાત્ર બીજું નજરે ચઢતું નથી દીકરા અને પુત્રવધૂ સિવાય ઝાઝી કસોટી એની થઈ નથી. કથામાં ઘટનાઓ એટલી તીવ્ર ગતિએ નિરૂપાય છે કે પાત્રના માનસમાં ડોકિયું કરવાનો વખત લેખિકા આપતા નથી.

અડધી સદીની આ કથા છે. વળી, આ અડધી સદી અત્યંત ગતિશીલ હતી. વ્યક્તિ, કુટુંબ, રાજ્ય, ધર્મ બધું જ બદલાઈ રહ્યુ હતું. પુષ્કળ મજૂર આંદોલનો થયા હતા. ક્રાંતિકારીઓની કથા કેવળ રહસ્યમયી બોંબકાંડની કથા જ નથી, ખજાનો લૂંટવાની કથા જ નથી. વિશ્વાસ પાટિલની સુભાષચંદ્રના જીવન પર લખાયેલી નવલકથા ‘મહાનાયક’માં કોંગ્રેસ પ્રમુખ સુભાષચંદ્રની ખાદીની બંડી ઉતરી ગઈને, INAના લશ્કરના ગણવેશમાં આવી ગયા ત્યારે થયેલો આંતર વલોપાત ગેરહાજર છે. એવું અહીં વિષ્ણુ માટે લાગે. એ જ રીતે સશસ્ત્ર ક્રાંતિકારી બન્યો અને દાંડીયાત્રાના અનુભવે અહિંસામાં માનતો થઈ ગયો એ બેઉ ઘટનાઓ વખતે આંતરવલોપાત ગેરહાજર છે. વિષ્ણુની જેમ જ અસહ્ય બેકારીથી કંટાળીને તળાવમાં આપઘાત કરવા ગયેલા અિશ્વનને ‘ગ્રામલક્ષ્મી’માં ગ્રામલક્ષ્મી દર્શન આપે અને ગ્રામોદ્વારના કામો કરવાની યાદી આપે છે. બીજે જ દિવસે અિશ્વનને ઈજનેર તરીકેની સરકારી નોકરી મળતો પત્ર મળે છે પણ એ ‘સ્હેજપણ’ અચકાયા વિના ફાડી નાખે છે. ભાવના અને વાસ્તવનો દારુણ સંઘર્ષ ગુજરાતી નવલકથાકારોયે ટાળ્યો છે. જો કે લેખિકાએ વિવેદનમાં નમ્રપણે સ્વીકાર્યું છે કે- ‘કથામાં નાટ્યાત્મક વળાંકો માટે કલ્પનાના ઘેરા રંગો મેં પૂર્યાં છે’(પૃ.૬) સુનીલ ગંગોપાધ્યાયની ‘પ્રથમઆલો’, ‘સેઈ સમય’ નવલકથામાં પ્રલંબ સમયપટ કઈ રીતે ‘ચરિત્રો’ની મદદથી આલેખાયો છે તે આની સામે મૂકી શકાય. આ ‘પાત્રો’ છે ‘ચરિત્રો’ નથી. એમની ભાવનાઓ આપણને ગદગદિત કરે છે. વાસ્તવના નિર્મમ ચહેરાને રૂબરૂ થતાં એથી રોકે છે. ઘરમાં ચોરી કરીને ભાગી ગયેલ વિષ્ણુને ઘણાં વર્ષે પાછો આવેલો જોઈ તૂટી પડેલા જયાબા એ દેશભક્તિના કામમાં ગયો હતો ત્યારે ગૌરવ અનુભવે છે! સહુ કોઈ એ ક્રાંતિકારીનું અસહ્ય દારૂણ પરિસ્થિતિમાં ય ‘ગૌરવ’ લેવા માંડે એ આશ્ચર્ય પમાડે છે. જે રીતે વિષ્ણુ પણ રામચંદ્ર-મહમ્મદના પરિચય પછી ક્રાંતિકારી બનતા ઝાઝી મથામણ અનુભવતો નથી! વિધવા મા, રઝળતી બહેનોની અસહ્ય પરિસ્થિતિથી એ કલક્તા આવેલો એ હળવી ફૂંકથી ઊડી જતું અનુભવાયું.

નાયિકા નાનકડી છોકરીમાંથી દાદી બને એને પોતાના સંતાનો જ પોતે કેળવેલાં ઉચ્ચ મૂલ્યોથી દૂર જતાં વિષાદ અનુભવે એવી એક નવલકથાત્રયી ‘પ્રથમ પ્રતિશ્રૂતિ’ (આશાપૂર્ણા દેવી) છે. જેની નાયિકા સત્ય કુમુદની યાદ આપે. જે મૂલ્યો માટે સંઘર્ષ કર્યો એ મૂલ્યો સત્ય રસાતાળ થતાં જોઈ રહે છે.

આ નવલકથા એક વધુ સંદર્ભે મને બહુ મહત્ત્વની લાગી છે. સ્વાતંત્ર્યસંગ્રામમાં ગાંધીજીની હોય, ભગતસિંહની હોય કે સુભાષચંદ્ર બોઝની હોય લડત મુખ્ય રાજકીય હતી. ગાંધીજી માટે સમાજસુધારણાનો કાર્યક્રમ એ રાજકીય લડતનો વિકલ્પ ન હતો. આઝાદી પછી આપણે ગાંધીને કેવળ રેંટિયામાં, ખાદીમાં પૂરી દીધા. ગાંધી એટલે સ્વચ્છતા અભિયાન! અહીં બધા જ સ્વાતંત્ર્યસંગ્રામીઓ અંતે રાજકીય કાર્યકરો મટીને ‘સમાજસુધારકો’ કે ‘લેખકો’ બની જાય છે! રાજકીય લડતમાં ભાગ લેતો પરાશર પ્રગતિશીલ ફિલ્મો બનાવે કે નવલકથાઓ લખે છે. ઉષા નિશાળ-દવાખાનું કાઢે છે. રામચંદ્ર રોબીન્સ બનીને ‘ઇન્ડિયા ફાઉન્ડેશન’નું NGO ચલાવે છે. કયાં ગયા વ્યવસ્થા પરિવર્તનના ખ્યાલો? આમ, ગાંધી કપાઈ ગયેલા ગાંધી છે. ભગતસિંહ કહેતા હતા કે ‘દયાદાનથી દુનિયાની કોઈપણ સમસ્યાનો ઉકેલ ન આવે.’

નવલકથામાં ચારુ કુમુદને ‘હકીકત’ ફિલ્મ જોવા લઈ આવે છે. જેમાં એક ગીત આવે છે.

‘કર ચલે હમ ફિદા જાને વતન સાથિયોં
અબ તુમ્હારે હવાલે વતન સાથિયો …’

આ ગીતમાં ફેરફાર કરીને લખી શકાય – ‘અબ તુમ્હારે હવાલે વતન NGO’ જેવાં છેલ્લે હાલ છે. ગાંધી અનુયાયીઓની એક આકરી ટીકા હું અંતે આમાં વાંચી શકું છું. જેમણે વ્યાપક જનઆંદોલનોને તત્પશ્ચાત્ અવકાશ ન આપ્યો.

આ નવલકથાને એ રીતે પણ યાદ કરી શકાય કે મહમ્મદનું આઝાદી માટે બલિદાન નોંધ્યું છે. દેશ માટે ફના થનાર અનેકમાં મુસ્લિમો પણ હતા. આ એમને ઇતિહાસમાંથી કાંકરા-કસ્તરની જેમ વીણી વીણીને કાઢી નાંખવામાં આવે છે ત્યારે વર્ષાબહેને આપણી સહિયારી લડતની યાદ આપી છે. સુભાષબાબુની આત્મકથાનું નામ ‘ક્રોસરોડ’ છે એ પણ આ નવલકથા વાંચતા યાદ આવે. I.A.S.ની ડિગ્રી લઈને કલેકટર થઈ ઇતિહાસની કચરાપેટીમાં ફેંકાઈ જવું કે દેશ માટે મરું આ ક્રોસ રોડ હતા. એલ્યુિમનિયમના કારખાનાના મેનેજર બનવું કે સિંધુડો ગાવો એ મેઘાણી માટે ક્રોસ રોડ હતા. વિષ્ણુ-રામચંદ્ર-મહમ્મદ જેવાં લાખો આવા ક્રોસરોડ પર ઊભેલા હતા. જે આ નવલકથામાં દર્શાવાયું છે. ગાંધીએ જનચેતનાને શી રીતે  પ્રભાવિત કરી હતી એ અહીં ઝિલાયું છે એ ચેતનાનો એકાદ તણખો લખતર લગી પહોંચ્યો અને ‘રાંડીરાંડનું ફળિયું’ ગણાતું, જયાબા-સમુકાકીનું ફળિયું ‘શહીદનું ફળિયું’ કે ‘શક્તિપીઠ’ ગણાતું થયેલું.

‘અંકલ ટોમ્સ કેબિન’ નવલકથાકળાની દ્રષ્ટિએ વિશ્વની મહાન નવલકથા નથી, પરંતુ કરોડોના હૈયે કોતરાયેલી રચના છે તેવી જ રીતે આ નવલકથાના કેટલાંક પ્રશ્નો છે, છતાં આ રચના વાચકને એક કાળખંડમાં રસપ્રદ પ્રયાસ કરાવશે. ગુલામીની ઝંઝીરો શી રીતે તૂટી હતી એનો અંદાજ આવે છે.

e.mail : bharatmehta864@gmail.com

Loading

23 October 2017 admin
← ઘોંઘાટ, સત્યની ભૂખ અને thewire.in
An Immigrant’s Tale →

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved