વિશ્વમાં કોવિડ-19ના કેસ એક કરોડને પાર થઈ ચૂક્યા છે, અને પાંચ લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, ત્યારે સ્વાભાવિક રીતે દુનિયાભરના સંશોધકોની પ્રાથમિકતા કોરોના વાઇરસની રસી શોધીને માનવજાતને આ મહામારીમાંથી ઉગારવાની છે. ભારતમાં પણ (મોટે ભાગે) વૈજ્ઞાનિક ઢબે સંશોધનો થઈ રહ્યાં છે. ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે વિકસાવેલી ‘કોવેક્સિન’ રસી હ્યુમન ક્લિનિકલ ટ્રાયલના તબક્કા સુધી પહોંચી છે. પણ આ બધાની વચ્ચે ભારતમાં ચેપી રોગોના નિયંત્રણ માટે કામ કરતી સરકારી સંસ્થા ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ’(ICMR)ની પ્રાથમિકતા શું છે?
ICMRના ડાયરેક્ટરે એક પત્ર જારી કર્યો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૫મી ઓગસ્ટ સુધીમાં કોવિડ-19ની રસી અમે લૉન્ચ કરી દઈશું. તેમણે પ્રયોગોમાં ભાગ લેવા માટે રિસર્ચ લેબોરેટરીઓને તાકીદે સ્વયંસેવકોની ભરતી કરવાનું સૂચન કર્યું. એટલું જ નહીં, ૧૫મી ઑગસ્ટની સમયમર્યાદાનું ચુસ્તીથી પાલન ન થાય તો પગલાં લેવાની ચેતવણી પણ આપી.
ઉતાવળ કરો, પણ ધીમે ધીમે
રસીના પ્રાણીઓ પરના પ્રયોગો પછી માણસ પરના પ્રયોગો ત્રણ તબક્કામાં થતા હોય છે. પહેલા તબક્કામાં જૂજ લોકોને રસી આપવામાં આવે છે અને રસીથી કોઈ આડઅસરો થાય છે કે નહીં, તે ચકાસવામાં આવે છે. આડઅસરો તરત જોવા મળે એ જરૂરી નથી. એટલે આદર્શ રીતે, ઓછામાં ઓછા છ મહિના સુધી આડઅસરો દેખાવાની રાહ જોવી જોઈએ. કોઇ જોખમી આડઅસર ન હોય તો પહેલો તબક્કો સફળ ગણાય. બીજા તબક્કામાં સેંકડોના જથ્થામાં લોકોને રસી આપવામાં આવે છે અને તેમનામાં વાઇરસ સામે અસરકારક પ્રતિદ્રવ્ય (એન્ટીબોડીઝ) ઉદ્ભવે છે કે નહીં, તે ચકાસવામાં આવે છે. પ્રતિદ્રવ્ય પેદા ન થતું હોય, તો રસી નકામી છે. આ તબક્કો બેથી ચાર વરસનો હોઈ શકે છે. છેલ્લા તબક્કામાં હજારોની સંખ્યામાં લોકોને રસી આપવામાં આવે છે. આ ત્રણ સફળ તબક્કાઓ પછી સરકારની નિયમનકર્તા સંસ્થા રસીની સ્વતંત્ર ચકાસણી કરીને તેના જથ્થાબંધ ઉત્પાદન માટે મંજૂરી આપે છે. આ સરકારી પ્રક્રિયા પોતે એકથી બે વરસનો સમય લે છે.
આમ, રસીના સંશોધનથી લોકો સુધી પહોંચવા સુધીની તેની પ્રક્રિયા લાંબી છે, પણ જરૂરી છે. ભૂતકાળમાં આ પ્રક્રિયા સાથે ચેડાં કરવાના પ્રયત્નો થયા ત્યારે માનવજાતે તેના દુષ્પરિણામો જોયેલાં છે.
કાચું કપાય ત્યારે …
વર્ષ ૧૯૫૫માં પોલિયોની રસી આવ્યા પછી તેમાં નિષ્ક્રિયને બદલે સક્રિય વાઇરસ હોવાનું માલૂમ પડ્યું હતું, પણ ત્યાર સુધીમાં વ્યાપક ધોરણે રસીકરણ થઈ ચૂક્યું હતું. પરિણામે આશરે ચાળીસ હજાર બાળકોમાં રસીના કારણે પોલિયોની હળવી અસર જોવા મળી હતી. વર્ષ ૧૯૭૬માં સ્વાઇન ફ્લુની વૈશ્વિક મહામારી ફેલાવાના ભયથી અમેરિકાની સરકારે “યુદ્ધના ધોરણે” રસી તૈયાર કરવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો. રસી શોધાઈ ને મંજૂરી પણ મળી. પરંતુ મોટા પાયે વપરાશ થયા પછી રસીકરણ પામેલાં કેટલાંક દરદીઓને લકવાની અસર થઈ. અંતે ખૂબ મોટું રોકાણ ધરાવતો આખો પ્રૉજેક્ટ રદ્દ કરવો પડ્યો. વર્ષ ૧૯૯૮માં રોટાવાઇરસની રસી વિશે પાછળથી જાણવા મળ્યું હતું કે તે બાળકોનાં આંતરડામાં અવરોધ પેદા કરતી હતી. વર્ષ ૨૦૧૭માં ડેન્ગ્યૂ તાવ સામેની ડેન્ગવેક્સિયા રસીની આડઅસરોનો ખ્યાલ બહુ મોડેથી આવ્યો હતો અને લૉન્ચ થયા પછી તેને પાછી ખેંચવી પડી હતી. દુનિયા આખીનો ભરડો લેનારા કોરોના વાઇરસની રસી ભારતમાં શોધાય તો તે ગૌરવની વાત હોઇ શકે, પણ તેની લાલચમાં નિયમો અને જરૂરી પ્રક્રિયાઓને અવગણી શકાય નહિ. ભારત સરકારની ક્લિનિકલ ટ્રાયલની માર્ગદર્શિકા બધા તબક્કા માટે ઓછામાં ઓછો પંદર મહિનાનો સમયગાળો આંકતી હોય, ત્યારે ICMRની દોઢ મહિના કરતાં પણ ઓછી સમયમર્યાદાનો વિરોધ થવો વાજબી છે.
નિષ્ણાતોની ચેતવણી, ICMRનો ખુલાસો
શક્ય છે કે ‘કોવેક્સિન’ના કિસ્સામાં હ્યુમન ટ્રાયલ-મનુષ્યપરીક્ષણના ત્રણેય તબક્કા એક સાથે કરવામાં આવે. આ પ્રકારની જોખમી ઉતાવળની ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સે સ્પષ્ટ ટીકા કરી અને દરદીઓ પર થઈ શકતી પ્રતિકૂળ અસરો વિશે ચેતવણી પણ આપી. ICMRના અધ્યક્ષ રહી ચૂકેલાં, વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નાં મુખ્ય વિજ્ઞાની સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે ગમે તેટલા પ્રયત્નો છતાં વર્ષ ૨૦૨૧ પહેલાં રસી શોધાવી શક્ય નથી. ‘ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ એથિક્સ’ના તંત્રી અમર જેસાણીએ ICMRના દાવાને અવૈજ્ઞાનિક ગણાવ્યો. તેમના મતે ક્લિનિકલ ટ્રાયલ સુધ્ધાં શરૂ થતાં પહેલાં રસીની તારીખ જાહેર થઈ ગઈ હોય એવો આ દુનિયાનો પ્રથમ કિસ્સો હશે. ICMRની જ એથિક્સ કમિટીના અધ્યક્ષ વસંત મુથસ્વામીએ પોતે સ્વીકાર્યું કે રસી જાહેર કરવાથી આપણે ઓછામાં ઓછા એક વર્ષ દૂર છીએ. કોવેક્સિનની સંશોધક કંપની ‘ભારત બાયોટેક’ના પ્રમુખ ડૉ. ક્રૃષ્ણા ઈલાએ પણ 2021 પહેલાં રસી ઉપલબ્ધ બનવી શક્ય ન હોવાનું જણાવ્યું.
વ્યાપક ટીકા પછી ICMRએ ચોખવટ કરી કે પત્રનો હેતુ ફક્ત બિનજરૂરી અડચણો દૂર કરીને પ્રક્રિયાને ઝડપી બનાવવાનો હતો તથા રસી તમામ જરૂરી તબક્કાઓમાંથી પસાર થશે. સાથે એમ પણ જણાવાયું કે તેની પ્રક્રિયા વૈશ્વિક ધોરણે સ્વીકૃત પદ્ધતિઓને અનુરૂપ જ છે. ત્યાર પછી એ વિવાદ શમ્યો તો છે, પણ એ નિમિત્તે જોવા મળેલું ICMRનું વલણ ચિંતાજનક છે. મહામારીએ દુનિયાનું સામાજિક અને આર્થિક સંતુલન હચમચાવી નાખ્યું હોય ત્યારે રાષ્ટ્રવાદના ગૌરવને કાબૂમાં રાખવું જરૂરી છે. પરંતુ તમામ ઔપચારિક પ્રક્રિયાઓની ઐસીકી તૈસી કરીને પતંજલિ-દિવ્ય ફાર્મસીના સ્વામી રામદેવે ‘કોરોનિલ’ લૉન્ચ કરી ત્યારે પણ રામદેવના દાવાની વૈજ્ઞાનિક ચકાસણીને બદલે પહેલી તકે સંસ્કૃતિગૌરવમાં સરી પડવાની વૃત્તિ જ વધુ પ્રમાણમાં જોવા મળી હતી. પછી પડકાર મળતાં અને સરકારે પણ કડક વલણ અપનાવતાં રામદેવે બેશરમીથી કોરાનાની અકસીર દવા રજૂ કર્યાનો દાવો પાછો ખેંચ્યો હતો અને જેની કશી સ્પષ્ટ વ્યાખ્યા નથી એવા ‘ઇમ્યુનિટી બૂસ્ટર’ તરીકે પોતાની દવાઓને મૂકવી પડી છે.
વિજ્ઞાનની હરીફાઈ સાથે ‘વૅક્સિન નેશનલિઝમ’
કોરોનાની રસી શોધવાની હોડ દુનિયાના અનેક સંશોધકો વચ્ચે ચાલી રહી છે. તેમાં હાલ ઑક્સફર્ડ યુનિવર્સિટીની AZD1222 રસી ત્રીજા તબક્કા સુધી પહોંચી ચૂકી છે, જે હેઠળ આઠ હજાર લોકો પર પરીક્ષણો થશે. ચીનની સિનોવેક બાયોટેકે પણ ત્રીજા તબક્કાનાં પરીક્ષણ શરૂ કર્યાં છે. (જો કે આ રસી સફળ થાય તો ભારત તેની આયાત કરશે કે આત્મનિર્ભરતા જાળવી રાખશે એ સ્પષ્ટ નથી!) અમેરિકાની મોડર્ના બાયોટેકની mRNA-1273 રસીના પ્રથમ બે તબક્કા સફળ થયા છે અને ત્રીજા તબક્કામાં આશરે 30 હજાર લોકો પર પ્રયોગો થવાના છે. જો કે પ્રયોગને લગતા નીતિનિયમોમાં ફેરફાર થવાને કારણે છેલ્લો તબક્કો પાછળ ઠેલાયો છે. આ ઉપરાંત પણ અનેક રસીઓ પ્રિ-ક્લિનિકલ, પહેલાં કે બીજા તબક્કા સુધી પહોંચી ચૂકી છે.
જો કે દુનિયાના દેશો અત્યારથી જ રસી શોધાય ત્યારે તેનો સૌથી પહેલાં પોતાના દેશ માટે પુરવઠો શી રીતે મેળવી શકાય તેની ગોઠવણો કરવામાં વ્યસ્ત છે. આ હોડ મુખ્યત્વે મોખરાના વિકસિત દેશો વચ્ચે જામી છે. રસીનો જથ્થો સૌથી પહેલાં કબજે કરવાની આ ખેંચતાણ માટે ‘વૅક્સિન નેશનલિઝમ’ શબ્દ પ્રચલિત થયો છે. માર્ચ મહિનામાં સમાચાર આવ્યા કે અમેરિકા જર્મનીમાં રસીનું સંશોધન કરી રહેલી કંપની ‘ક્યોરવેક’/CureVacમાં રોકાણ કરવાનું છે. તેનો જર્મનીમાં ઘણો વિરોધ થયો. ત્યાર પછી અમેરિકાએ ફ્રાન્સમાં રસીનું સંશોધન કરી રહેલી ‘સનોફી’/ Sanofi સાથે ત્રણ કરોડ ડોલરના રોકાણના સાટામાં રસી સફળ થાય તો તે ફ્રાંસથી પહેલાં અમેરિકાને વેચશે એવા કરાર કર્યા. ફ્રાન્સના વડાપ્રધાને લાચાર દલીલ કરી કે રસી આખી દુનિયા માટે જાહેર સંસાધન હોવી જોઇએ અને તમામ દેશોને તેનો સમાન માત્રામાં પુરવઠો મળવો જોઇએ. અમેરિકા હાલ દસ અબજ ડોલરનું ભંડોળ અનામત રાખીને બેઠું છે, જેથી રસી તૈયાર થાય કે તરત તેને હસ્તગત કરી શકાય. આ પૈકી 2.7 અબજ ડોલરનું રોકાણ તે દુનિયાની વિવિધ પાંચ કંપનીઓમાં કરી ચૂક્યું છે. યુરોપિયન યુનિયન, જાપાન, કેનેડા, સાઉદી અરેબિયા જેવા દેશોએ પણ ભેગા મળીને આઠ અબજ ડોલર ઊભા કર્યા છે, જો કે તેનો ઉપયાગ ક્યારે અને શી રીતે થશે તે સ્પષ્ટ નથી.
ભારત રસીનું વૈશ્વિક ઉત્પાદક ગણાય છે. એમ લાગતું હતું કે ભારતની કંપનીઓની મદદ વગર વૈશ્વિક માગને પહોંચી વળવું શક્ય બનશે નહીં. ભારતની ‘સિરમ ઇન્સ્ટિટ્યૂટ’ ઑક્સફર્ડ ખાતે તૈયાર થઈ રહેલી રસીના મહિને પચાસ લાખ લેખે ડોઝ તૈયાર કરવાની હતી. પણ બ્રિટનની સરકારે વચ્ચે પડીને આ સોદો રદ્દ કરાવ્યો અને પોતાના વધારાના 9 કરોડ ડોલરના રોકાણની મદદથી સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપની ‘અસ્ત્રાઝેનેકા’/ AstraZenecaમાં “સ્વદેશી” રસી તૈયાર થઈ શકે તેવી વ્યવસ્થા કરી. સરકારે રસીના 10 કરોડ ડોઝનો પ્રિઓર્ડર પણ કર્યો છે. ભારતની ‘સિરમ ઇન્સ્ટિટ્યૂટે’ પાછળથી ‘અસ્ત્રાઝેનેકા’ સાથે સોદો કરીને વર્ષના અંત સુધીમાં રસીના 40 કરોડ ડોઝ બનાવવાનું લાઇસન્સ મેળવ્યું છે.
અલબત્ત, એ યાદ રાખવું જોઈએ કે રસીના સંશોધનના ગંભીર પ્રયાસોની વિશ્વસનીયતા પાછળ એક સિદ્ધાંત સામાન્ય છે : તેમનો ઠરેલ અને વૈજ્ઞાનિક અભિગમ. જેમ કે, ઑક્સફર્ડના વિજ્ઞાનીઓએ કહ્યું છે કે કોઈ ઉતાવળ વિના, તમામ જરૂરી પ્રક્રિયાઓના પાલન પછી તેમની રસી લોન્ચ થતાં 2021નું વર્ષ આવી જશે. ICMR જેવી જોખમી ઉતાવળ કે ‘કોરોનિલ’ જેવા અવાસ્તવિક દાવાઓથી ભારતનું ગૌરવ વધવાનું તો બાજુ પર રહ્યું, તે દુનિયાની નજરમાં હાસ્યાસ્પદ બનશે અને ભારતનાં વૈજ્ઞાનિક સંશોધનોની વિશ્વસનીયતા ઓછી થશે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 13 જુલાઈ 2020; પૃ. 05-07