મને સૂચના આપવામાં આવી છે કે સંકટના સમયે ઓછાં પાનાંમાં બધી જ કટારો સમાઈ શકે અને દરેક વાચકને તેની મનગમતી વાચનસામગ્રી મળી રહે, એટલે મારે મારી કોલમ ૪૦૦થી ૫૦૦ શબ્દોમાં પૂરી કરવી. આ સ્થિતિમાં લાંબી લેખણે વિવેચન શક્ય નથી એટલે જે લેખ અહીં લખવામાં આવ્યો છે એ ભલામણરૂપે છે. ભલામણ મારા શ્રદ્ધાવાન મિત્રોને છે. દરેક પ્રકારના શ્રદ્ધાવાન. પછી તે હિંદુ હોય, મુસલમાન હોય, બ્રાહ્મણ હોય, ભારતીય હોય કે કોઈના અનુયાયી હોય. હાથ જોડીને વિનંતી છે અને સાચું માનજો અંદર તમારા માટે પરમ કરુણાભાવ છે. આપ એ તો જાણો જ છો કે મને તમારા વિચાર અને વલણ સ્વીકાર્ય નથી છતાં, પણ એ માણસાઈની વચ્ચે ન આવી શકે.
તમને કદાચ પ્રશ્ન થશે કે અમને જ સંબોધીને ભલામણ શા માટે? આનું કારણ એ છે કે તમે ભરોસે જીવનારા છો. મારી દૃષ્ટિએ મનુષ્યજીવન ત્યારે સાર્થક થયું કહેવાય જ્યારે મનુષ્ય પોતાનો દોરવાયેલો જીવે. વિચારે, શંકા કરે, પ્રશ્ન કરે, મુક્ત રીતે વિવેકને વફાદાર રહીને કોઈ ચીજ અપનાવે કે છોડે, ટોળાંથી અલગ પડીને બોલવાની કે ચાલવાની હિંમત ધરાવે. ટૂંકમાં હમણાં કહ્યું એમ પોતાનો દોરવાયેલો દોરાય, બીજા દ્વારા નહીં. પણ તમે આવું વલણ ધરાવતા નથી એટલે ચિંતા થાય છે.
આ બીજા એટલે કોણ? બીજા એટલે આપણને ગમતું કોઈ પ્રકારનું વલણ અને વલણને અનુરૂપ વ્યક્તિ. જેમ કે ધર્મ, સંપ્રદાય, પરંપરા, જ્ઞાતિ, વંશ, રાષ્ટ્ર, વિચારધારા વગેરે અને તેના પ્રવક્તા હોય એવી વ્યક્તિ. મહેરબાની કરીને આવા કોઈ બીજાને ભરોસે બેસી નહીં રહેતા, આનું એક કારણ એ છે કે આજે આપણે કોરોના સંકટમાં અડધે રસ્તે છીએ. આગળના દિવસો કેવા હશે એ કોઈ કહેતાં કોઈ કહી શકે એમ નથી. નસીબ સારાં હશે તો કદાચ ઓછી ઈજા સાથે પાર નીકળશું અને જો નસીબ ખરાબ હશે તો ખબર નહીં શું થશે!
બીજું કારણ એ છે કે કોરોના વાઈરસને તમારી શ્રેષ્ઠતાની જાણ જ નથી. આ જગતમાં આપણી સાથે જીવનારી અબજો પ્રજાતિઓ છે અને એમાંથી કોઈને ખબર નથી કે આ સૃષ્ટિમાં હિંદુ શ્રેષ્ઠ છે, કે મુસલમાન શ્રેષ્ઠ છે, કે ભારતીય શ્રેષ્ઠ છે, કે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. આવા શ્રેષ્ઠત્વના વાડા મનુષ્યને છોડીને કોઈ બીજી પ્રજાતિએ પાડ્યા નથી અને સ્વીકાર્યા નથી. આમ કોરોનાને તમારા કે તમારી પરંપરાના શ્રેષ્ઠત્વની જાણ નથી એટલે તેની સાથે તમારે એ રીતે જ કામ પાડવું પડશે જે રીતે એક મનુષ્યએ મનુષ્ય જાતિના દુશ્મન સાથે કામ પાડવું જોઈએ.
તો પહેલી ભલામણ એ છે કે મહેરબાની કરીને વૈજ્ઞાનિક મિજાજ અને તેણે વિકસાવેલા આધુનિક આયુર્વિજ્ઞાનનો સ્વીકાર કરજો. હવન-ધવાડા, દોરા-ધાગા, મન્નત-માનતા, ગાય-ગોબર, તાવીજ-માદળિયું, મંત્ર-તંત્ર, રામદેવ કે રવિશંકર, થાળી વગાડવી કે દીવા કરવા વગેરેને ભરોસે નહીં બેસી રહેતા. આનાથી કોરોના મરવાનો નથી. યાદ છે ને અમેરિકન પ્રમુખે તેમના જીગરજાન મિત્રને ખખડાવીને શું માગ્યું હતું? દવા માગી હતી, ગોમૂત્ર અને ગોબરની માગણી નહોતી કરી. તેમણે અને આ જગતમાં કોઈએ બે હાથ જોડીને પ્રજ્ઞા ઠાકુરને નથી કહ્યું કે ‘બહેન, કોરોનાને શાપ આપીને અમને બચાવોને!’
બીજી ભલામણ એ છે કે કમસેકમ કોરોના આપણી આસપાસ છે ત્યાં સુધી પોતાના શ્રેષ્ઠત્વના દાવાને બાજુએ મૂકીને મનુષ્ય તરીકે વર્તો. મનુષ્યે સામૂહિક મુકાબલો કરવાનો છે. માની લો કે કોરોનાની રસી કોઈ મુસલમાન શોધી કાઢે તો હિંદુ નહીં લે અથવા હિંદુ શોધી કાઢે તો મુસલમાન નહીં લે? આધુનિક આયુર્વિજ્ઞાન મનુષ્યે વિકસાવેલું છે એટલે આપણું સહિયારું છે. એ આપણે ત્યાંથી ચોરી કરીને મ્લેચ્છોએ વિકસાવ્યું છે એ બધી દલિતો ફુરસદના સમય માટે સાચવી રાખો.
અને ત્રીજી ભલામણ. જો આંખ ઊઘાડી રાખીને જીવવામાં વધારે પ્રકાશનો અનુભવ થતો હોય તો એ પ્રયોગ જાળવી રાખવામાં કોઈ નુકસાન નહીં થાય એની ગેરંટી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ઍપ્રિલ 2020