પહેલાં આખા જગતને લૂંટીને હાથ લાગે એટલું ઘરભેગું કરવા સરહદો તોડી. વૈશ્વિકતા અને ઉદારતાનું નામ આપ્યું. પછી ખુલ્લી સરહદોનો ડર લાગવા માંડ્યો એટલે રાષ્ટ્રવાદના નામે ‘અમે’ અને ‘તમે’ના ઝઘડા આદર્યા. અને આજે હવે માનવી સામે ચાલીને પોતાને ટૂંકી, નાનકડી, પોતાનો પંડ સમાય એટલી સરહદમાં પૂરી રહ્યો છે. તમને નથી લાગતું કે આ બ્રહ્માંડમાં જો ઈશ્વર ક્યાં ય હોય તો એ અટ્ટહાસ્ય કરતો હશે? તમે શું સમજો છો પોતાની જાતને? તમારાં લાખો વર્ષ એ કુદરત માટે એક પળ માત્ર છે. તમારું ક્રોધ અને દ્વેષથી ભરેલું આયખું કુદરત માટે એક પળનો લાખમો ભાગ છે. કદાચ એવું પણ હોય કે ઈશ્વર માનવીના સંકટની ખાસ નોંધ પણ ન લેતો હોય, કારણ કે માનવી ક્યાં સૃષ્ટિના કેન્દ્રમાં છે! આપણે આપણી જાતને મહત્ત્વ આપીએ છીએ, બાકી ઈશ્વર માટે તો માનવી અબજો પ્રજાતિઓમાં એક છે. હા, સૌથી વધુ અવળચંડો અને તેથી તેના પર ઈશ્વર નજર રાખતો હોય અને આજે ખડખડાટ હસતો હોય એમ બને.
આપણે પ્રાર્થના કરીએ કે એવા દિવસો ન આવે, પણ જો એવા માઠા દિવસો આવે તો યાદ રાખજો, સગો બાપ પોતાનો જીવ બચાવવા કોરોનાથી મૃત્યુ પામેલા સગા દીકરાને ખભો આપીને સ્મશાને નહીં પહોંચાડે. એમ્બ્યુલન્સ અને હેલ્થ વર્કરોને બોલાવી લેશે. માનવપ્રાણી એટલું સ્વાર્થી છે કે એ પોતાની જાત બચાવવા પોતાનાને છોડી શકે છે અને પરાયાને વળગી શકે છે જેને સુખના દિવસોમાં તે ગાળો આપતો હતો અને પોતાને શ્રેષ્ઠ સમજતો હતો. જો જગતના લલાટમાં સંકટ લખાયું હશે તો આવું પણ બની શકે છે અને તેની શક્યતા ઠીક ઠીક પ્રમાણમાં છે.
માટે કરોનાનો પહેલો મૂળભૂત દાર્શનિક સંદેશ એ છે કે માનવી સામર્થ્યહિન છે. કુદરત જો લાંબો અને ઊંડો શ્વાસ લે તો પણ સૃષ્ટિ તળેઉપર થઈ શકે તો કુદરતની લાત તો બહુ દૂરની વાત છે. માટે માણસે માણસ તરીકે જીવવું જોઈએ. દરેક અર્થમાં. ભેગું કરવામાં, ભોગવવામાં, આંચકી લેવામાં, સ્વાર્થજનિત પ્રેમ અને દ્વેષ કરવામાં, દીવાલો રચવામાં અને તોડવામાં, ઇતિહાસ અને વર્તમાનનો વિવેક કરવામાં એમ દરેક રીતે. તમે જે તમારી મનભાવન દુનિયા રચી છે એ કુદરતની દુનિયાના કેન્દ્રમાં નથી, એ હાંસિયામાં ક્યાં ય કોઈ જગ્યાએ હોય તો હોય.
હવે બીજો સંદેશ વ્યવહાર જગતનો. એમ કહેવાય છે કે માનવસભ્યતાના ઇતિહાસમાં જ્યારે પણ ઝડપી, નિર્ણાયક અને સાર્વગ્રાહી પરિવર્તનો આવ્યાં છે ત્યારે માનવીએ તેની સાથે તાલમેલની સમસ્યા અનુભવી છે. પરિવર્તનો તો બાહ્ય ભૌતિક હોય છે અને તાલમેલ માનસિક હોય છે. ચિત્ત પરિવર્તનની દિશામાં એટલી ઝડપ નથી ધરાવતું જેટલું ભૌતિક જગત ધરાવે છે. આને કારણે તાલમેલની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ પછી અને તેમાં પણ પહેલી ઔદ્યોગિક ક્રાંતિ પછી તાલમેલની સમસ્યા વિકાસના દરેક વળાંક પર જોવા મળી છે. જાતિનિકંદનો, યુદ્ધો, વર્ગવિગ્રહો, પ્લેગથી લઈને કરોના સુધીના ઉપદ્રવો, ઇવન ત્રાસવાદ વગેરે તાલમેલમાં જોવા મળતી વિસંગતિઓનું પરિણામ છે.
૧૯૯૦ના દાયકામાં સામ્યવાદનું પતન થયું અને જગત ક્યારે ય જોયું નહોતું, અનુભવ્યું નહોતું એટલા પ્રમાણમાં નજીક આવી ગયું. સરહદો ખુલ્લી ગઈ. ઈરાદો ઝડપી વિકાસનો હતો અને તેણે સૌથી મોટો ભોગ શાસનનો અર્થાત્ રાજ્યનો લીધો. ઓછામાં ઓછું શાસન એ શ્રેષ્ઠ શાસન એવી ફિલસૂફી ફેશનમાં આવી. રાજ્યે કાયદો અને વ્યવસ્થા અને સરહદો સિવાયની બધી જવાબદારી છોડી દેવી જોઈએ એવી સલાહો આપવામાં આવતી થઈ. એક પછી એક ક્ષેત્રોમાં ખાનગીકરણ થવા લાગ્યું. આરોગ્ય, શિક્ષણ, ટ્રાન્સપોર્ટ, તાર-ટપાલ વગેરે લોકકલ્યાણનાં ક્ષેત્રો ગણાતાં હતાં અને માટે રાજ્યો કલ્યાણરાજ્યો કહેવાતાં હતાં. આજે કલ્યાણરાજ્ય ભૂતકાળની વાત બની ગઈ છે. ભારતનો જી.ડી.પી. જો આજે પાંચ ટકા હોય તો એમાં ત્રણ ટકાનો હિસ્સો તો આવી સેવાઓનો છે જેનું વ્યવસાયીકરણ કરવામાં આવ્યું છે. સેવાને વેપારમાં ફેરવી, તેને વિકાસ તરીકે ઓળખાવવામાં આવ્યો અને વિકાસદરમાં વધારો કર્યો. આ સિવાય કુદરતી સંપત્તિનું પણ ખાનગીકરણ કરવામાં આવ્યું. પાણી સુદ્ધાં. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે.
આજે અચાનક પ્રજાને શાસન અને શાસકની જરૂર વર્તાવા લાગી છે અને શાસક અને શાસનને તેની અસમર્થતાનું ભાન થવા લાગ્યું છે. માત્ર ભારતમાં નહીં, આખા જગતમાં. વડા પ્રધાને મંગળવારે તેમના રાષ્ટ્રજોગા પ્રવચનમાં લોકોને ધીરજ રાખવાની, બને ત્યાં સુધી ઘરે રહેવાની વગેરે પ્રકારની સાવધાનીની સલાહ આપી છે; પણ તેમણે એવી બાંયધરી આપી છે કે દેશનો એક પણ નાગરિક વૈદકીય સારવાર વિના વંચિત નહીં રહે? શું એ સરકારનો ધર્મ નથી? ધર્મ તો છે, પણ કરે કેવી રીતે? જેનાથી હું પરિચિત છું એ મુંબઈ શહેરની વાત કરીએ તો મુંબઈ મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ દાયકામાં હોસ્પિટલ અને આરોગ્યકેન્દ્રો માટે અનામત રાખવામાં આવેલાં લગભગ બધા જ પ્લોટ્સ કાં તો અનામતમુક્ત કરીને બિલ્ડરોને વેચી નાખ્યા છે અથવા ખાનગી માલિકોને હોસ્પિટલો બાંધીને ધંધો કરવા આપી દીધા છે. આજે સરકારી હોસ્પિટલોમાં કરોનાના શકમંદ દર્દીઓની ટેસ્ટ કરાવવા માટે હજારોની સંખ્યામાં લાઈન લાગી રહી છે અને ખાનગી હોસ્પિટલોના માલિકો કરોનાના દર્દીઓ માટે દસ ખાટલા, વીસ ખાટલાની કે પચાસ ખાટલાની ખેરાત કરી રહ્યા છે.
જો સંકટ ઘેરાયું અને પરિસ્થિતિ વણસી તો સરકારની તાકાત નથી કે તે તેનો મુકાબલો કરી શકે. લોકો પણ આ જાણે છે અને માટે ડરેલા છે. ભારત સહિત જગત આખામાં શાસકો લાચાર છે એટલે શાસકો આપણે કેટલા મહાનના હાલરડાં ગાઈને લોકોને ઊંઘાડી રાખે છે અને જો જાગી જાય તો આપસમાં લડાવે છે. પણ હવે કોઈ દેશભક્તિ અને રાષ્ટ્રવાદ કામમાં આવે એમ નથી. આમ અચાનક જગતને સંકટમાં નિર્ણાયક હસ્તક્ષેપ કરી શકે એવા રાજ્યની, શાસનની અને શાસકોની જરૂર વર્તાઈ રહી છે; પણ એ તો માત્ર નામના છે. ફ્રાન્સના નાણા પ્રધાને કહ્યું છે કે જો સંકટનો અંત નહીં આવે અને ઇકોનોમિક લોક ડાઉન ચાલુ રહ્યું તો ખાનગી ઉદ્યોગ ટકી નહીં શકે અને તેનું રાષ્ટ્રીયકરન કરવું પડશે. જોયું, ખાનગીકરણની જગ્યાએ રાષ્ટ્રીયકરણની વાત થવા લાગી છે.
તો કરોનાએ આપણને અને જગતભરના શાસકોને સામર્થ્યહીનતાનો પાઠ ભણાવ્યો છે એ બહુ મોટો પાઠ છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 26 માર્ચ 2020