યુ.પી.માં યોગી અને દિલ્હીમાં મોદીને દરબારી મીડિયાની બોલબાલા છતાં કોરોનાકાળમાં જે થોડા મુક્ત અવાજો વિરોધમાં વ્યક્ત થાય છે તે સહન થતાં નથી. વડાપ્રધાનના મત વિસ્તાર વારાણસીના દલિત મુસહર બાળકો આ દિવસોમાં ઘાસ ખાઈ રહ્યા હોવાના સમાચારો શું પ્રગટ થયા કે તંત્રની તવાઈ આવી. વારાણસી સહિત ઉત્તરપ્રદેશના ઘણાં શહેરોમાંથી પ્રગટ થતાં હિંદી દૈનિક “જનસંદેશ ટાઈમ્સ”માં વિજ્ય વિનીત અને મનીષ મિશ્રાની બાયલાઈન સાથે વારાણસીના કોઈરીપુર ગામના મુસહરો ભૂખ્યા પેટે ઘાસ ખાઈ રહ્યા હોવાના સમાચારો પ્રગટ થયાં તો રાત્રે દોઢ વાગે જિલ્લાના કલેકટર ડી.એમ. કૌશલ રાજે તંત્રીને વોટસઅપ મેસેજ કર્યો. એટલાથી ધરવ ન થતાં બીજે દિવસે આ અખબારના તંત્રીને નોટિસ મોકલી. જેમાં જણાવ્યું કે આવા ખોટા સમાચાર પ્રગટ કરીને ‘મુસહર જાતિ કે પરિવારકો લાંછન લગાયા હૈ’.
વડાપ્રધાનના મતવિસ્તારમાં કોઈ ગરીબ બાળકો ઘાસ ખાઈને જીવતા હોય તેના સમાચારો સામે જેમને વાંધો પડે છે તેમને મુસહર કહેતાં ઉંદરો ભૂંજીને ખાતી એક આખી દલિત જમાત ભારતમાં છે, ખુદ વડાપ્રધાનના મતવિસ્તારમાં છે, તેનું લાંછન લાગતું નથી કે વાંધો પડતો નથી ! મુસહર બાળકો ઘાસ ખાઈ પેટ ભરતા હોવાના સમાચારોને ખોટા ઠેરવવા જિલ્લા કલેકટરે પોતાના કિશોર પુત્ર સાથે મુસહર બાળકો ખાતા હતા તે જ ઘાસ પોતે ખાતા હોવાના ફોટા સોશ્યલ મીડિયા પર મૂક્યા (સા’બ ચાકરી ક્યા ક્યા નહીં કરવાતી !) પત્રકારો જેને ઘાસ કહે છે તેને કલેકટરસાહેબે ઘાસ સાથેની સીંગ ગણાવી તે ખાઈ શકાય છે તેમ જણાવ્યું.
“જનસંદેશ ટાઈમ્સ”ને બીજા દિવસે તેમની સ્ટોરી વાસ્તવિકતાથી વિપરીત હોવાનો ખુલાસો કરવા જણાવ્યું નહીં તો કાયદેસર પગલાં લેવાશે તેમ લખ્યું. બીજા દિવસના અંકમાં કલેકટર તેમના પુત્ર સાથે ઘાસ ખાતા હોવાના ફોટા સાથેના સમાચારો પ્રગટ કરીને “જનસંદેશ ટાઈમ્સે” પોતાની વાતને વળગી રહેવાનું વલણ દાખવ્યું. અખબારનો આશય મુસહરોની દયનીય સ્થિતિ ઉજાગર કરવાનો હતો. તંત્રને બદનામ કરવાનો નહીં તેવી સ્પષ્ટતા કરી લખ્યું કે તંત્ર રાતોરાત મુસહર વસ્તીમાં પહોંચ્યું અને અનાજ પહોંચાડ્યું તેનાથી તેમનો હેતુ સિધ્ધ થયો છે આવો ખુલાસો કરીને વાત વાળી લીધી ! જો કે અન્ય વેબપોર્ટલમાં આ સમાચારો સાથે બનારસ હિંદુ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાતોના હવાલાથી જણાવવામાં આવ્યું કે બાળકો જે ખાઈ રહ્યા હતા તે ઘાસ જ હતું અને તે ઢોર પણ ખાઈ ન શકે તેવું છે.
વેબ પોર્ટલ “ધ વાયર” વિરુદ્ધ તાજેતરમાં સી.એમ. યોગી આદિત્યનાથની માનહાનિ કરતા સમાચાર પ્રગટ કરવાના આરોપસર ઉત્તરપ્રદેશ પોલીસે કેસ કર્યો છે. દેશમાં લોકડાઉનની સ્થિતિ છતાં મુખ્યમંત્રી ૨૫મી માર્ચે અયોધ્યાના રામમંદિરે સાર્વજનિક ધાર્મિક કાર્યક્રમમાં હાજર હતા તે હકીકત છે આ સમાચારમાં માનહાનિ શું છે? પોલીસે આઈ.પી.સી.ની કલમ ૧૮૮ અને ૫૦૫(૨) હેઠળ “ધ વાયર” પર સમુદાયો વચ્ચે શત્રુતા, ઘૃણા, અને વૈમનશ્યનો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં “ધ વાયર”નું માનવું છે કે સરકાર સાચી ટીકાથી ડરે છે. યોગ્ય વાત કહેનાર મીડિયાને વગર કારણે માનહાનિની નોટિસ ફટકારે છે. માહિતી, યોગ્ય અભિવ્યક્તિ અને પ્રેસની આઝાદી પર આ હુમલો છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ દિલ્હીથી ઉત્તરપ્રદેશ જઈ રહેલા રાજ્યના સ્થળાંતરિત મજૂરોને સરહદે પોલીસ માર મારે છે અને તે સી.એમ.ના આદેશથી થઈ રહ્યું છે એવી ટ્વીટ કરી તો તેમના પર પણ સરકારે કેસ ઠોકી દીધો.
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૯(૧) (ક)માં દેશના પ્રત્યેક નાગરિકને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે આ જ અનુચ્છેદની કલમ ૧૯(૨)થી ખાસ સંજોગોમાં તેને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ લોકશાહી દેશોમાં શાસકોને હંમેશાં નાગરિકોનું સ્વાતંત્ર્ય ખટકે છે. તેઓ યેનકેન પ્રકારેણ તેના પર લગામ કસવા માંગે છે. ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ દાદ તો સ્થળાંતરિત કામદારોની સ્થિતિ અંગે માંગવામાં આવી હતી પરંતુ અમિત શાહ હસ્તકના ગૃહ વિભાગે તેને પણ પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કર્યો. કેટલીક ન્યૂઝ ચેનલોએ લોકડાઉન ત્રણ મહિના ચાલશે તેવા જુઠ્ઠા સમાચારો ફેલાવ્યા એટલે મજૂરોએ વતન તરફ દોટ લગાવી છે. (આ સમાચારના મૂળમાં રહેલું સરકારી રાહત પેકેજ ત્રણ મહિના માટે કેમ છે તેની કોઈ સ્પષ્ટતા સરકારે કરી નહીં, તે બાબત છે તે સગવડપૂર્વક ભૂલાવી દેવાય છે !) તેમ જણાવીને હોમ સેક્રેટરી અજય ભલ્લાએ સ્ટેટસ રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી માંગ કરી કે, ‘આ અભૂતપૂર્વ સ્થિતિમાં ઈલેકટ્રોનિક, પ્રિન્ટ, સોશ્યલ મીડિયા કે વેબ પોર્ટલમાંથી કોઈમાં પણ જાણેઅજાણે જુઠ્ઠી કે ખોટી ખબર આવે તો સમાજના બહુ મોટા હિસ્સામાં ડર પેદા થવાની ગંભીર અને અપરિહાર્ય સંભાવના છે. દુનિયા જેનો પ્રતિકાર કરવા પ્રયાસ કરી રહી છે તે સંક્રામક બીમારીની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આવા સમાચારો/અહેવાલોના આધારે સમાજના કોઈ પણ વર્ગની પ્રતિક્રિયા ન માત્ર આવી સ્થિતિ માટે હાનિકારક હશે બલકે પૂરા દેશનું નુકસાન કરશે. તેથી એ ન્યાયના સર્વોત્તમ હિતમાં છે કે અદાલત એ બાબતે દિશા નિર્દેશ જારી કરવાની કૃપા કરે કે કોઈ પણ ઈલેકટ્રોનિક, પ્રિન્ટ મીડિયા, વેબ પોર્ટલ કે સોશ્યલ મીડિયા કેન્દ્ર સરકારના ચોક્કસ તંત્ર પાસે સાચી તથ્યાત્મક સ્થિતિની તપાસ કરાવ્યા સિવાય કાંઈપણ છાપી કે પ્રસારિત કરી શકશે નહીં.’ વર્તમાન કાયદાઓમાં અફવાઓ કે ફેક ન્યૂઝને ડામવાની પૂરતી જોગવાઈઓ છે. હાલમાં લાગુ આપદા પ્રબંધન કાનૂન – ૨૦૦૫ના સેકશન (૬) (૨) (૧) અને સવાસો વરસ જૂના અંગ્રેજોના જમાનાના એપિડિમિક ડિસિઝ એકટ -૧૮૯૭માં પણ આ બાબત સમાવી છે, પરંતુ સરકાર તેની જવાબદારી કોર્ટના માથે મારવા માંગતી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે અને એલ. નાગેશ્વર રાવની ખંડપીઠે કોરોના મહામારીની મુક્ત ચર્ચા પર કોઈ પ્રતિબંધનો ઈન્કાર કરીને પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, ‘મીડિયા ઘટનાક્રમ બાબતે અધિકૃત સૂચનાઓ પ્રકાશિત કરે’ સર્વોચ્ચ અદાલતની આ સૂચનાનું સરકાર અને મીડિયા પોતાને માફક આવે તેવું અર્થઘટન કરે છે. તેનાથી મીડિયા સેન્સરશીપ અને મીડિયા સેલ્ફ સેન્સરશીપની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે. એડિટર્સ ગીલ્ડ ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટના આ નિર્દેશનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે પત્રકારો માટે સરકારનો અધિકૃત પક્ષ રજૂ કરવો મુશ્કેલ છે કેમ કે સરકાર ઘણી માહિતી છૂપાવે છે. ભારતમાં કોરોનાને કારણે થતાં મૃત્યુનો આંક તેનું ઉદાહરણ છે. કેન્દ્રના આરોગ્ય વિભાગની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જે મરણાંક દર્શાવવામાં આવે છે તે ઓછો હોય છે, પરંતુ પત્રકારો રાજ્યો પાસેથી જે આંકડા મેળવે છે તેનો સરવાળો વધુ હોય છે. એડિટર્સ ગીલ્ડ, ‘સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સમાચાર પ્રસારિત કરવાની પ્રક્રિયા અવરોધાશે, ભારે મુશ્કેલી વચ્ચે પત્રકારો જે કામ કરી રહ્યા છે તેને આ નિર્દેશ પ્રભાવિત કરે છે. તેથી આ સૂચના અકારણ અને અનાવશ્યક છે’, તેમ સ્પષ્ટ જણાવે છે.
દુનિયાનું કોઈપણ લોકતંત્ર મીડિયાનું મોં બંધ કરાવીને મહામારી સામે લડી ન શકે તે સમજી લેવાની જરૂર છે. એડિટર્સ ગીલ્ડે સુપ્રીમની સૂચના અંગે વિરોધ અને દુ:ખ વ્યક્ત કર્યાં છે પણ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પી.આઈ.બી.) અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસીએશન (એન.બી.એ.) સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સમર્થન કરે છે અને મીડિયાને તેના પાલન માટે અપીલ કરે છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ કોરોનાકાળના ફેક ન્યૂઝથી દુ:ખી છે. ‘આપણે માત્ર કોરોના મહામારી સામે જ નથી લડી રહ્યા. જુઠ્ઠી માહિતીઓ અને સમાચારો વિરુદ્ધ પણ લડી રહ્યા છીએ. ફેક ન્યૂઝ વાયરસ કરતાં પણ વધુ સરળતાથી અને તેજ ગતિએ ફેલાઈ જાય છે એટલે તે ખતરનાક છે’, તેમ જણાવે છે.
આ દિવસોમાં ફેક ન્યૂઝની સમસ્યા બહુ મોટી છે અને તેના નિવારણ માટેના સરકારના પ્રયાસો પક્ષપાતી છે. ફેક ન્યૂઝ અને નફરતભર્યા સંદેશ ફેલાવવામાં અગ્રહરોળમાં રહેલું સત્તાક્ષનું આઈ.ટી. સેલ આ દિવસોમાં પણ જાણે ચૂંટણીનો અને ઓપિનીયન પોલનો માહોલ હોય તેમ વર્તે છે. હિંદી ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચને દરદીના મળથી પણ કોરોના ફેલાઈ શકે છે એવી ટ્વીટ કરી અને વડાપ્રધાને તે ટ્વીટ રિટ્વીટ કરી પછી આરોગ્ય મંત્રાલયે તેને રદિયો આપ્યો, પણ ત્યાં સુધીમાં તો બે જાણીતી હસ્તીઓએ કરેલી આ ટ્વીટથી ખોટી માહિતી અનેક ગણી ઝડપે ફેલાઈ ગઈ હતી. બી.જે.પી. આઈ.ટી. સેલે જનતા કરફ્યુ વખતે થનારા શંખદ્વનિની કોસ્મિક તાકાતની વાત કરી હતી. તેને પણ સરકારે ફગાવી દેવી પડી હતી. બી.જે.પી. મીડિયા સેલ મહિનાઓથી કોરોનાનો ઉપાય ગોમૂત્ર, ગોબર અને ગંગત્વ હોવાનું પ્રસારિત કરતું હતું.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કોરોનાના ઈલાજનો દાવો કરતી આયુર્વેદ, યોગ, નેચરોપથી, યૂનાની, સિદ્ધ અને હોમિયોપથી સંબંધી જાહેરાતોના પ્રકાશન પર પ્રતિબંધ મૂકતી એડવાઝરી જારી કરવી પડી છે અને બ્રિટનના પ્રિન્સ ચાલ્સની કચેરીએ તેમના કોરોનાથી સાજા થવામાં આયુર્વેદનું કોઈ યોગદાન નથી તેવી સ્પ્ષ્ટતા કરવી પડી છે. પરંતુ ભારત સરકારનું અને બી.જે.પી. શાસિત રાજ્યોની સરકારોનું આયુષ મંત્રાલય હજુ એ જ વાતો પ્રસારિત કર્યા કરે છે. ભા.જ.પ.નું મીડિયા સેલ ધારે તો કોરોના સંબંધી સાચી ખબરો ફેલાવીને દેશની, પક્ષની અને તેમની ખુદની સરકારની બહુ મોટી સેવા કરી શકે તેમ છે, પરંતુ તેમની તાલીમ, વલણ અને અભિગમ તે પ્રકારના નથી તેથી આ કપરા કાળમાં તેની આ પ્રકારની ઉપયોગિતા રહેતી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ પછી ભારત સરકાર અને રાજ્ય સરકારો રોજેરોજ પ્રેસ કોન્ફરન્સ કરે છે ખરી પણ પત્રકારોને ઉચિત માહિતી મળતી નથી. નાની સરખી જાહેરાત માટે પણ કેમેરા સમક્ષ હાજર થઈ જતા નેતાઓ અને પ્રધાનોએ આ કામ અધિકારીઓ પર છોડી દીધું છે અને તેઓ પત્રકારોના સવાલોના યોગ્ય જવાબો આપતા નથી. એટલે તો પત્રકારોએ ૧૦ સવાલોની સૂચિ તૈયાર કરીને આપી છે પરંતુ સરકારો પાસેથી કોરોનાના પ્રતિકારની તૈયારી અને આરોગ્ય સુવિધાઓ અંગેની પારદર્શી માહિતી મળતી નથી.
ગોદી મીડિયા કે દરબારી મીડિયા તરીકે જાણીતો મીડિયાનો મોટો વર્ગ કોરોના કાળમાં પણ ભારે બેજવાબદારીથી અને તેના ખુદના એજન્ડા પ્રમાણે જ વર્તે છે. જ્યારે મજૂરોના ઝૂંડ રસ્તા પર ઊતરી આવ્યા ત્યારે તેણે મજૂરોની પીડા અને સરકારની નિષ્ફળતા ઉજાગર કરવાને બદલે આ મજૂરોને કોરોના સંક્રમિતો તરીકે પેશ કર્યા હતા ! તેમને કારણે દેશમાં કોરોના ફેલાઈ જશે તેવી ખબરો આવવા માંડી હતી. જેવો નિઝામુદ્દીન અને તબલિગી જમાતનો વારો આવ્યો કે મીડિયાએ તે ખબરને હિંદુ મુસ્લિમ કરી નાંખી જે ખબરિયા ચેનલો કોરોનાને અસૂર ગણતી હતી. અને ‘કોરોનાસૂર કા વધ’, ‘કોરોનાસૂર કા પ્રહાર’, ‘કોરોનાસૂર મર્દિની’, ‘કોરોનાસૂર કા સંહાર’ અને લક્ષ્મણ રેખાની જેમ કોરોનાલાઈનના કાર્યક્રમો કરતી હતી તેણે ‘જમાત જેહાદ’, ‘કોરોના જેહાદ’, ‘નિઝામુદીનકા વિલન કૌન?’, ‘કોરોના કી જમાત’, ‘દેશ કા વિશ્વાસઘાત’, ‘ધર્મકે નામ પર જાનલેવા અધર્મ’ જેવા સાંપ્રદાયિક પાઠ પ્રસારિત કરવા માંડ્યા .. મરકજના સમાચારોનું સાંપ્રદાયિકરણ કરવા મીડિયા સામે કાર્યવાહી કરવા જમીયત ઉલમાએ હિંદે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તો ‘ટાઈમ્સ નાઉ’ને તબલિગના આતંકી સંગઠન સાથેના સંબંધો માટે કાનૂની નોટિસ મળી છે. વડાપ્રધાનનો પડ્યો બોલ ઝીલતી અને તેમને અછોવાના કરવામાં ગુલતાન કેટલીક મોદીભક્ત ચેનલોએ પાંચમી એપ્રિલે વડાપ્રધાનના દીવડા મહોત્સવની આરતી ઉતારવામાં કેરળના સામ્યવાદી મુખ્યમંત્રી પિનરાઈ વિજ્યન પણ ઘરની બત્તીઓ ગુલ કરી દીવડો જલાવી બેઠા છે, તેવી બે વરસ જૂની (ખરેખર તો ઉર્જા બચત નિમિત્તેની તસ્વીરને પણ પાંચમી એપ્રિલની ગણાવી પ્રસારિત કરી હતી!
વિરાટ ગોદી મીડિયા અને ધારે તે વાઈરલ કરાવવાની તાકાત ધરાવતા અમિત શાહના ભા.જ.પ. આઈ.ટી. સેલની અસીમ તાકાત સામે પ્રજાની પીડા અને આ કપરા કાળમાં સરકાર સામે પ્રશ્નો ઉઠાવતું લોકોનું નાનું પણ નબળું નહીં તેવું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, સુપ્રીમ કોર્ટના નિર્દેશો પછી પણ જાગ્રત અને કાર્યશીલ છે. તે મોટી આશા જગવે છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 09 ઍપ્રિલ 2020