Opinion Magazine
Number of visits: 9446988
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાકાળમાં કળાની સમીપે : 4

અમર ભટ્ટ|Opinion - Opinion|27 April 2023

25 ઍપ્રિલ 2021ના દિવસે હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત રાજન મિશ્રાનું કોરોનામાં દુઃખદ અવસાન થયું. સૅકન્ડ વૅવ પૂરજોશમાં હતો. પંડિત રાજન મિશ્રા ખૂબ ગમતા ગાયક. અમદાવાદ સાથે  પંડિત રાજન-સાજન મિશ્રાનો અનોખો નાતો હતો.  એમના 1990-91થી 2020 સુધી અઢળક કાર્યક્રમો માણ્યા હતા. મારી પત્ની વિરાજ એમની શિષ્યા હોવાથી અમારે ઘેર પણ એમની અવરજવર રહેતી અને એમના સૂરીલા વ્યક્તિત્વનો અને એમની ઉષ્માનો અનુભવ અનેક વાર મને થયેલો. બીજે દિવસે દૂરદર્શન પર પંડિત રાજન મિશ્રાની સ્મૃતિમાં આ વિરલ બેલડીએ ગાયેલો રાગ બિહાગ સાંભળ્યો કવિ હરીન્દ્ર દવેની ગઝલના એક શેરની પ્રથમ પંક્તિ  આમ છે –

“થોડી કવનમાં છું, થોડો સ્મરણમાં છું”. આ શબ્દો સહેજ બદલીને જાણે કે પંડિત રાજન મિશ્રા કહી રહ્યા હતા! –

“થોડોક ગાનમાં છું, થોડો સ્મરણમાં છું 

સંકેલ્યો શ્વાસ દેહે, સ્વજન હું નથી ગયો.”

2020માં લોકડાઉનના પ્રથમ દિવસે જ સમજાયું કે સર્જનાત્મકતાનું લોકડાઉન ન થઇ શકે; હૃદયના ભાવોનું લોકડાઉન ક્યારે ય ન થઇ શકે. અનેક સાવચેતી ને વૅક્સિનના બંને ડૉઝ લેવા છતાં હું ઝડપાયો – અલબત્ત નહીંવત અસર થઇ. પણ ભાગ્યમાં 14 દિવસનો એકાંતવાસ મળ્યો. સુખદ પરિણામ એ આવ્યું કે કેટલાંક પુસ્તકો વાંચી શક્યો; સુંદર સંગીત માણી શક્યો ને કેટલીક રચનાઓ સ્વરબદ્ધ કરી શક્યો, જે માત્ર તાનપુરા પર મારા તે વખતના ખોખરા અવાજમાં, ગાઈને મૉબાઇલમાં ઝીલી લીધી. સર્જનની પ્રથમ ક્ષણને તત્કાલીન એ રીતે કેદ કરી.

ગાનસરસ્વતી કિશોરી આમોનકર જfયારે ગાતાં ત્યારે રાગ સાથે મૈત્રી બાંધતાં હોય એવું અનુભૂતિ સૌને થતી. આ દિવસોમાં શ્રોતાઓને સમાધિની સ્થિતિમાં લઇ જનારાં કિશોરીજીનો રાગ અલ્હૈયા બિલાવલ ત્રણ દિવસ સતત સાંભળ્યો (https://youtu.be/ZkBMsVfRn4Q ). સૂરની લગાવટ, એકથી બીજા સ્વર પર જતી સ્વરયાત્રા, તાન લઈને સમ (તાલનું ચક્ર જ્યાંથી શરૂ થાય તે પ્રથમ માત્રા), પર આવવું, બંદિશની પ્રસ્તુતિ અને અંતે અનુભવાતી શાંતિ! આ સઘળું અંદર ઉતારીને મેં મારા ipadમાં તાનપુરો ચાલુ કર્યો અને મારા રૂમમાં ચાલતાં ચાલતાં કવિ મનોહર ત્રિવેદીના આ ગીતની સ્થાયી અલ્હૈયા બિલાવલમાં સ્વરબદ્ધ કરી – 

“ચાલું મોજ પ્રમાણે 

કોઈ કશું ના પૂછે ગાછે કોઈ કશું ના જાણે

મોજ પ્રમાણે આંખ ભરીને ભરચક ભરચક ઊંઘું 

જાણે કોઈ અજાણ્યાં પુષ્પો ડાળ નમાવી સૂંઘું

હું મારું નહીં માનું પણ આ ખેંચે કોણ પરાણે? ( https://youtu.be/rveV4tAbzS8 )

કોણ જાણે  કેમ પણ બિલાવલ રાગ પરિચિત અને ગુજરાતી ફ્લૅવર ધરાવતો લાગ્યો. પછી જાણવા મળ્યું કે પંડિત ઓમકારનાથજીએ મુંબઈ યુનિવર્સiટીમાં 8/1/1962થી 12/1/1962 “મહાગુજરાતનું સંગીત સત્વ” એ વિષય પર પાંચ વ્યાખ્યાન આપેલાં; અને તેમાંનાં એકમાં તેમણે કહેલું કે આપણાં પ્રભાતિયાંમાં બિલાવલ રાગનો એક પ્રકાર – શુક્લ બિલાવલ છે.

મોજ પ્રમાણે ચાલવાનું સ્વાતંત્ર્ય મળ્યું તે બદલ આપણા દેશના બંધારણનો મનોમન આભાર માન્યો. બંધારણનો વિચાર મને એક પુસ્તક પાસે લઇ ગયો – Sixteen Stormy Days –  સોળ તોફાની દિવસો – લેખક : ત્રિપુરદમન સિંઘ.

1951માં ભારતના બંધારણમાં કરવામાં આવેલ પ્રથમ સુધારાની પાર્શ્વભૂમિકા આ પુસ્તકમાં વાર્તાની જેમ વર્ણવાઈ છે. આ સુધારા ઉપરની ચર્ચા 16 દિવસ ચાલી હતી એટલે પુસ્તકનું આ શીર્ષક લેખકે પસંદ કર્યું.

લોકો કાયદાના નક્કર શબ્દોથી ડરે છે; પણ કાયદાના અભ્યાસી તરીકે અને લૉ કૉલેજના વિઝિટિંગ પ્રૉફેસર તરીકે મારે અધિકારપૂર્વક કહેવું છે કે આપણે જો કાયદાને પણ નજીકથી નિહાળીએ તો કદાચ એની બીક નહીં લાગે. એમાં પણ આપણા બંધારણને એક જીવંત દસ્તાવેજ – લિવિંગ ડોકયુમેન્ટ – તરીકે જોવામાં આવે છે. એમાં, કવિતા કે કોઈ પણ કળાની જેમ જ, અર્થઘટનની અઢળક શક્યતાઓ પડેલી છે. બંધારણને પણ, કવિતા ને કવિની જેમ, ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જોવાથી એક જુદો જ દૃષ્ટિકોણ મળે છે. કોલંબિયા લૉ સ્કૂલના અમારા પ્રોફેસર કહેતા કે “We cannot separate past and present otherwise we will embarrass future.” (આપણે અતીત અને વર્તમાનને અલગ ન કરી શકીએ, નહીં તો આપણે  ભવિષ્યને અગવડમાં મૂકીશું.)

બંધારણ ઘડાયાની પ્રક્રિયા રસપ્રદ છે. આપણે વિશ્વના અનેક દેશોનાં બંધારણોમાંથી આપણે માટે અનુકૂળ વિચારો લીધા. બંધારણના ઘડવૈયાઓએ ઋગ્વેદની આ ઋચાનો વિચાર અમલમાં મૂક્યો એમ કહું? – आ नो भद्राः क्रतवो यन्तु विश्वतोऽदब्धासो अपरितासउद्भिदः। (સૌ દિશાઓમાંથી અમને ભવ્ય વિચારો પ્રાપ્ત થાઓ.) યુ.એસ.એ.ના બિલ ઑફ રાઈટ્સ ઉપર આપણા બંધારણમાં મૂળભૂત અધિકારોનું પ્રકરણ આધારિત છે. (જો કે યુ.એસ.એ.માં શસ્ત્ર ધારણ કરવાનો હક્ક પણ બંધારણના બીજા સુધારાથી અપાયો છે; જયારે આપણે ત્યાં શાંતિપૂર્ણ રીતે હળવા મળવાની સ્વતંત્રતા અનુચ્છેદ 19(1)(બ) નીચે છે.) અનુચ્છેદ 19(1)(એ) નીચે વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય મળ્યું જેમાં પ્રેસનું સ્વાતંત્ર્ય સમાવિષ્ટ છે. બંધારણીય સભાની ચર્ચાઓમાં પણ વ્યક્તિગત અધિકારો, વ્યક્તિસ્વાતંત્ર્ય વગેરે ઉપર ભાર આપવામાં આવ્યો હતો. મિલકત ધારણ કરવાનું સ્વાતંત્ર્ય પણ અનુચ્છેદ 19(1)(એફ) નીચે આપવામાં આવ્યું હતું. સાથેસાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નીચે દેશની સાધનસંપત્તિ “બહુજન સુખાય બહુજન હિતાય” વપરાય અને આર્થિક સત્તાનું પણ વિકેન્દ્રીકરણ થાય તે જોવા તરફ રાજ્યે પોતાની નીતિઓ ઘડવી તેવી માર્ગદર્શિકા પણ બંધારણમાં છે. આઝાદી મળી તે પહેલાં બ્રિટિશ ભારતમાં  પ્રાંતીય  સભાઓની ચૂંટણી થઇ. એમાં ભારતની તમામ પુખ્ત વયની વ્યક્તિઓને મતાધિકાર નહોતો. મત આપવા માટે મતદાતા સ્ત્રી કે પુરુષ જમીનધારક, શિક્ષિત કે કરદાતા હોય તે જરૂરી હતું. એટલે પ્રાંતીય સભામાં  ભારતની તમામ પુખ્ત વયની પ્રજાનું નહીં; પણ માત્ર 28% પ્રજાનું પ્રતિનિધિત્વ હતું. બંધારણ ઘડવા માટે બંધારણીય સભા બનાવવા જોગવાઈ થઇ તેમાં પ્રાંતીય સભાના સભ્યોએ ચૂંટેલ પ્રતિનિધિઓ જ બંધારણીય સભાના સભ્યો બન્યા. એટલે આવી સભા દ્વારા આપવામાં આવેલ બંધારણ તે ભારતની તમામ પ્રજાના પ્રતિનિધિઓએ આપેલું બંધારણ ન કહેવાય એમ વિચારીને બંધારણમાં અનુચ્છેદ 368 નીચે બંધારણમાં સુધારા અંગે જોગવાઈ કરી હતી – કદાચ એમ વિચારીને કે બંધારણ અમલી બને પછી પુખ્ત વયની દરેક વ્યક્તિને મતાધિકાર મળે તે પછી  પ્રજાસત્તાક ભારતમાં જે  પ્રથમ ચૂંટણી થાય તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંધારણમાં સુધારો કરી શકે. બંધારણીય સભાની ચર્ચાઓ વાંચીએ ત્યારે બંધારણના ઘડવૈયાઓની  દીર્ઘદૃષ્ટિને આપોઆપ નમન થઇ જાય છે.

26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ અમલમાં આવ્યું. પ્રથમ સામાન્ય ચૂંટણી 1951ના અંતમાં કે 1952ની શરૂઆતમાં યોજાવાની હતી. પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ નીચેની પ્રથમ સરકારે  જમીનદારીપ્રથા નાબૂદીનો ખૂબ પ્રચાર કર્યો હતો. જુદાં જુદાં રાજ્યો જમીન સુધારણાના કાયદાઓ ઘડી રહ્યાં હતાં. જમીનદારોના મતે તેમના મૂળભૂત અધિકારનો ભંગ થતો હતો. પટણા હાઈકૉર્ટે 12 માર્ચ 1951ના મહારાજ કામેશ્વરસિંઘના કેસમાં બિહારનો જમીન સુધારણાનો કાયદો ગેરબંધારણીય ઠરાવ્યો. બીજી બાજુ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અંતર્ગત “ઑબ્ઝર્વર”, “ક્રૉસરોડ્સ” જેવાં વર્તમાનપત્રો સરકારની નીતિઓની  સખ્ત ટીકા કરતાં હતાં. આ બધાંથી નહેરુ સરકાર ભીંસમાં આવી હતી. અકળાયેલા નહેરુએ કહેવું પડ્યું –

“Somehow, we have found that this magnificent constitution that we had framed was later kidnapped and purloined by lawyers.” (ગમે તે રીતે પણ આપણે જે ભવ્ય બંધારણ ઘડેલું તેનું  વકીલોએ હરણ કરીને એને તફડાવી લીધું છે.)

આઝાદી પહેલાં બ્રિટિશ પાસે હતી તેવી સંપૂર્ણ સત્તા પોતાની પાસે છે તેવી સરકારની ભ્રાંતિ પટણા હાઈકૉર્ટના ચુકાદાથી ચૂર થઇ ગઈ. બંધારણ અમલી બન્યાના 16 મહિનામાં જ અને પ્રજાસત્તાક ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલાં બંધારણમાં સુધારા કરવાની જરૂરિયાત સરકારને જણાઈ. આ સુધારામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને મિલકતના અધિકાર પર વ્યાજબી નિયંત્રણો મૂકવાની કવાયત શરૂ થઇ. બંધારણમાં 9મું પરિશિષ્ટ ઉમેરીને તેમાં મૂકવામાં આવેલ કાયદાઓની બંધારણીયતા પડકારી શકાય નહીં તેવી જોગવાઈ કરવાનું વિચારાયું. લેખક ત્રિપુરદમનસિંઘ કહે છે કે 9મું પરિશિષ્ટ તે સરકાર માટે “બંધારણીય સુરક્ષાપેટી” – “Constitutional Vault” હતી. આ સુધારા ઉપર સંસદમાં ઉગ્ર ચર્ચાઓ થઇ. 16 દિવસ ચાલેલી ચર્ચાને અંતે આ સુધારો પસાર થયો. આ પુસ્તકમાં સુધારા પહેલાંની ઘટનાઓનું રોમાંચક, દિલધડક વર્ણન છે. બંધારણ અમલમાં આવ્યાના માત્ર 16 મહિનામાં જ ભારતને એનું “નવું બંધારણ” મળ્યું તેનું વાર્તાસ્વરૂપનું આલેખન ભાષાસમૃદ્ધિ અને અંદરની સમૃદ્ધિ બંને વધારે છે. આ સુધારો શંકરી પ્રસાદના કેસમાં પડકારવામાં આવ્યો. સુપ્રીમ કૉર્ટે ઠરાવ્યું કે બંધારણમાં સુધારો કરવાનો સંસદને અબાધિત અધિકાર છે. પ્રથમ સુધારો અને એ પછીની ઘટનાઓ ધારાતંત્ર અને ન્યાયતંત્ર વચ્ચે અને સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સર્વોપરિતા ને વર્ચસ્વ મેળવવા અંગેની સ્પર્ધાનું કારણ બન્યાં. આ સ્પર્ધા 1973માં 13 ન્યાયાધીશોની બૅન્ચ દ્વારા કેશવાનંદ ભારતીના કેસમાં આપવામાં આવેલ ઐતિહાસિક ચુકાદા સુધી પહોંચી  જે અંતે કોઈ ચોક્કસ તંત્ર નહીં પણ બંધારણ સર્વોપરિ છે તે ખ્યાલમાં પરિણમી. (એક રસપ્રદ વાત – તત્કાલીન કાયદા મંત્રી ડૉ. આંબેડકરે સંસદમાં પ્રથમ સુધારાના સમર્થનમાં વક્તવ્ય આપ્યું હતું. મહારાજ કામેશ્વરસિંઘના કેસમાં પટણા હાઈકૉર્ટે આપેલ ચુકાદો બિહાર સરકારે સુપ્રીમ કૉર્ટમાં પડકાર્યો. આ કેસ ચાલ્યો તે સમયે ડૉ. આંબેડકરે સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. સુપ્રીમ કૉર્ટમાં જમીનદારો તરફથી વકીલ તરીકે ડૉ. આંબેડકરે દલીલો કરી હતી.)

The Tunnel of Time : ધ ટનલ ઑફ ટાઈમ : સુખ્યાત કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણની સ્મરણયાત્રાનું આ પુસ્તક છે. 2021 આર.કે. લક્ષ્મણનું જન્મશતાબ્દી વર્ષ પણ હતું. માર્ચ 23, 2023ના એક અહેવાલ પ્રમાણે ભારતની સુપ્રીમ કૉર્ટના હાલના મુખ્ય ન્યાયમૂર્તિએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે તેમના પ્રિય પત્રકાર કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણ છે. આ પુસ્તકમાં દરેક પ્રકરણને અંતે આર.કે. લક્ષ્મણનાં કાર્ટૂન મૂકાયાં છે. સ્મરણો નદીની જેમ વહે છે. આર.કે. લક્ષ્મણ લંડન હતા ત્યારે ટી.એસ. એલિયટ, ગ્રેહામ ગ્રીન અને બર્ટ્રાન્ડ રસેલ સાથેની એમની મુલાકાતો થઇ હતી. વિદ્યાર્થીકાળમાં એમને સ્પર્શી ગયેલી વાત દરેક સર્જકને સ્પર્શે તેવી છે – એક દિવસ એક કાર્ટૂન જોઈને એનાથી પ્રભાવિત થઇ તે એની નકલ કરવા બેઠા ત્યારે તેમના ભાઈએ કહ્યું –  “Copying? Never ….. It is like eating leftover food from someone else’s plate.” સફળ કાર્ટૂનિસ્ટની વિચારપ્રક્રિયા અને સ્તરમાં નહીં ઉતરીને પણ સચોટ અભિવ્યક્તિ કઈ રીતે થઇ શકે એની વાત સરળતાથી એમણે આલેખી છે.

કાવ્યાસ્વાદના રમેશ પારેખના પુસ્તક “ચાલો એકબીજાને ગમીએ”માં એમણે મરાઠી કવિ વિંદા કરંદીકરની કવિતા “ઉત્સવ”નો ગુજરાતી અનુવાદ મૂક્યો છે, જેમાં બંધારણ પણ છે ને લક્ષ્મણ પણ –

“આજનો દિવસ મને ઉજવવા દો!

આજે આર.કે. લક્ષ્મણે લખી આધુનિક ભારતની સર્વશ્રેષ્ઠ વિદ્રોહી કવિતા 

અર્ધી રેખામાં, અર્ધી શબ્દોમાં :

‘નગરપાલિકા સ્વચ્છતા માટે 

કચરાના ઢગલા અહીંથી ખસેડશે તો અમે ભૂખે મરીશું’

આજનો દિવસ મને ઉજવવા દો!

કચરામાંથી અન્ન ઉઠાવીને જીવંત રહેવાનો હક આપણા બંધારણમાં સમાવિષ્ટ છે ખરો?

તેમ ન હોય તો સાર્વજનિક વસ્તુની ચોરી કરવા બદલ 

આપણી સરકાર આ લોકો પર દાવો માંડી શકશે કે નહિ?

આ પ્રશ્નનો જાણકારો ઉકેલ આણે તે પહેલાં આજનો દિવસ મને ઉજવવા દો!”

e.mail : amarbhatt@yahoo.com

Loading

27 April 2023 Vipool Kalyani
← ખુશવંત સિંહ અને એમની ‘ટ્રેન ટુ પાકિસ્તાન’
પાઠ કાઢનારને પાઠ ભણાવવો જોઈએ … →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved