માથે ઉનાળો લઈ ચાલતાં
કે ઝાડ તળે બેઠેલાં
કે ઝૂંપડીએ ઝૂંપડીએ ભૂખે
ભાંગી ગયેલાં
ખાલીખમ તપેલી જેવાં
એ બાળકોનાં પેટ જુએ
ઠરી ગયેલા ચુલા
ને ખાલી ખખડતા ડબ્બા.
કોરી આંખે
એ ઢળ્યા હશે કોરોનાકાળની કેડે.
એમની ટળવળતી જીભને પૂછે
આંખ : "આ પાણીભર્યા માટલાનું
પાણી જ અમારે જોવાનું ?"
એમની ભૂખ પૂછે ખાલી પેટને :
"આ ધાન ક્યારે ઊગશે
અમારા પેટે ?"
એ વેળા આ સાંભળી
સમયની સિવાઈ ગયેલી જીભ
કયા જંગલમાં જઈ જવાબની
જડીબટ્ટી શોધી લાવશે ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020