ચીન વિરોધી લાગણીઓ કોરોનાવાઇરસ કરતાં વધારે ઝડપથી આખી દુનિયામાં ફેલાઇ ચૂકી છે, એને તેનો ઘેરો પ્રત્યાઘાત ચીનનાં અર્થતંત્ર પર પડે તેવી શક્યતાઓ છે
બે અઠવાડિયા પહેલાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે વ્હાઇટ હાઉસમાં બ્રિફિંગ રૂમમાં પોડિયમ પર જગ્યા લીધી, ત્યારે તેમની ટિપ્પણીઓમાં કોરોના વાઇરસનો ઉલ્લેખ હતો અને તેમ થવાનું જ હતું. પરંતુ ટ્રમ્પ તો ટ્રમ્પ છે અને એટલે જ તેણે કોરોના શબ્દનો ઉપયોગ કરવાને બદલે ચાઇનિઝ વાઇરસ શબ્દ વાપર્યો. ટ્રમ્પે તો ચીનને આડે હાથે જ લીધું જાણે અને બેઇજિંગની ધૂળધાણી કાઢી નાખી કે તેમણે વુહાનમાં પહેલો કેસ ડિટેક્ટ થયો ત્યારે વાત છાની રાખી અને અંતે એક કેસ બની ગયો રોગચાળો જેને કારણે અમેરિકાને જાણે લકવા જ મારી ગયો. બીજા દિવસે જ્યારે બ્રિફિંગ શરૂ થયું ત્યારે ટ્રમ્પના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પેઓ પણ જોડાયા અને તેમણે ચીની સરકારને અગત્યનાં હેલ્થનાં ડેટાની માહિતી સગેવગે કરવા માટે “માસ્ક ડિપ્લોમસી”ને કારણે વખોડી અને આ કારણે જ આખી દુનિયાનાં લોકો જોખમમાં મૂકાયા છે તેમ પણ કહ્યું. આ તો એક યુ.એસ.એ.ની વાત છે પણ, જે રીતે ચીન પ્રત્યે લોકોને હવે સૂગ અને ચીઢ ચડ્યાં છે એ જોતાં લાગે છે કે ચીન વિરોધી લાગણીઓ કોરોના વાઇરસ કરતાં વધારે ઝડપથી આખી દુનિયામાં ફેલાઇ ચૂકી છે, એને તેનો ઘેરો પ્રત્યાઘાત ચીનનાં અર્થતંત્ર પર પડે તેવી શક્યતાઓ છે.
અમેરિકા અને ચીન બે વિશ્વ સત્તાઓ છે અને જે રીતે બધું વણસ્યું છે એ જોતા બન્ને મહાસત્તાઓ વચ્ચે શિત યુદ્ધનાં બ્યુગલ વાગી ચૂક્યા છે એવું વર્તાય છે. ચીનનો ડ્રીમ પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડ જે 78 દેશોને જોડનાર હતો તેમાંથી હવે ઘણાં દેશોને રસ ઊડી ગયો છે. પાકિસ્તાનનાં ગિલગિટ બાલસ્ટિસ્તાન પાસે ઘણાં ચાઇનીઝ કામદારો કામ કરી રહ્યા હતા અને ત્યાં વાઇરસનો ફેલાવો પણ જોવા મળ્યો. એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીનના આ પ્રોજેક્ટને બહુ ફટકો પડશે પણ ચીન અત્યારે ‘મિયાં પડે પણ ટંગડી ઊંચી'વાળા ખેલમાં આ સ્વીકારવા તૈયાર નથી. રોગચાળાના માહોલમાં પણ ચીને કમ્બોડિયામાં 8,00,000 ડૉલર્સનાં બંધનો પ્રોજેક્ટ સાઇન કર્યો છે, મ્યાનમારમાં 22.4 મિલિયન ડૉલર્સના બિઝનેસ પાર્કનો અને લાઓસમાં એનર્જી ફાર્મનો પોર્જેક્ટ સાઇન કર્યો છે. પણ પ્રોજેક્ટની જાહેરાત જેટલી સહેલી છે તેટલી તેની ડિલિવરી સરળ નથી હોતી. આમ પણ ચીનનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હતું ત્યાં વાઇરસનો ફટકો બહુ મોટી બ્રેક સાબિત થઇ શકે છે અને અર્થશાસ્ત્રીઓને મતે વન બેલ્ટ વન રોડનાં પ્રોજેક્ટને તો માઠી અસર થશે જ.
આ સ્થિતિમાં દુનિયાના જે બે દેશ આર્થિક સ્તરે મંદીને લડત આપવા માટે સક્ષમ છે તે જ એક સાથે કામ કરશે કે કેમ તે બહુ મોટો પ્રશ્ન થાય તે સ્વભાવિક છે. ચીનનો પગપેસારો એટલા બધા ક્ષેત્રમાં છે કે તેની અવગણના કેટલી હદે પોસાશે તે પણ એક પ્રશ્ન છે. જેમ કે ટ્રમ્પનાં યુ.એસ.એ.માં તેના સ્વાસ્થ્ય મંત્રાલયને ચિંતા છે કે આ પ્રકારનું વલણ હશે તો ચીન સાચો ડેટા આપશે જ નહીં. અત્યાર સુધીમાં ચાઇનિઝ વૈજ્ઞાનિકોએ વાઇરસની જિનોમ શૃંખલા આપી છે અને વાઇરસ અંગે અનેક પેપર્સ લખ્યા છે, જો કે અધિકારીઓએ પહેલાં તો તે જાહેર નહોતા થવા દીધા. ચીન પાસે યુનાઇટેડ સ્ટેટ્સમાં મેડિકલ સપ્લાય ચેઇનમાં છેડછાડ કરવાની શક્તિ પણ છે અને ચીનની આર્થિક નીતિઓ વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરે તેવી પણ છે. ચીન અને યુ.એસ.એ., એ બન્ને દેશો વચ્ચે એવા સમયે સંબંધો તંગ થયા છે જ્યારે ખરેખર તેમણે એક સાથે સંપીને આ વાઇરસનાં કહેરને કારણે થયેલી તારાજી સામે લડવું જોઇએ.
આ તો આ બે દેશની વાત છે પણ જાપાનની વાત કરીએ તો જાપાનમાં તો ચાઇનિઝ ડોન્ટ કમ ટુ જાપાનનાં હેશ ટેગ્ઝ હવે ટ્રેન્ડિંગ છે અને સિંગાપોરમાં રહેનારા ઘણાં નાગરિકોએ ચીનનાં નાગરિકોને પોતાના દેશમાં ન આવવા દેવા જોઇએ તે માટે પિટિશન્સ સાઇન કર્યા છે. હોંગકોંગ, સાઉથ કોરિયા, વિએટનામમાં વિવિધ વ્યાપારીઓ તો ચીનનાં ગ્રાહકો અમારે ત્યાં વેલકમ નથી તેવા સાઇનબોર્ડ્ઝ મૂકી દીધા છે. ફ્રાન્સમાં એક અખબારમાં પહેલા પાનાંની હેડલાઇનમાં ‘યેલો એલર્ટ’ની ચેતવણી હતી, જો કે પછી અખબારે માફી માગી લીધી હતી તો ટોરન્ટોનાં સબર્બમાં વાલીઓએ સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં પત્ર લખી માગણી કરી કે ત્યાં ચીનથી આવેલા એક પરિવારનાં બાળકોને ૧૭ દિવસ સુધી શાળાની બહાર રાખે.
કોરોના વાઇરસનાં પ્રસારને કારણે ચીન સામે આખી દુનિયામાં એક પ્રકારનો ઝેનોફોબિયા એટલે કે વિદેશી કે અજાણ્યાઓ પ્રત્યેનો ડર જે આ કેસમાં ચીન સામે પ્રસરી ચૂક્યો છે. હજી ગયા અઠવાડિયે જ બૉલીવુડ ગાયક અને એક્ટર મિયાંગ ચાંગે પોતાની વિતક જણાવી હતી જેમાં તેને જોઇને કોઇએ કોરોના કહીને બૂમ પાડી અને તે બહુ જ ડિસ્ટર્બ થઇ ગયો. ચીન વૈશ્વિક સ્તરે આર્થિક અને સેનાકિય બન્ને શક્તિઓમાં ખૂબ જ વિકસી રહ્યો હતો અને એશિયા તથા પશ્ચિમ બન્નેમાં તેના સ્પર્ધક દેશોને તે પોતાની ક્ષમતાઓથી હચમચાવી રહ્યો હતો ત્યારે, એવા સંજોગોમાં આ વાઇરસનું ત્યાંથી જ પ્રસરવું ચીન સામેની કટ્ટરતામાં વધારો જ કરનારો સાબિત થઇ રહ્યો છે. વિવિધ દેશોએ ચીન જતી ફ્લાઇટ્સ, પ્રતિનિધિમંડળની યોજનાઓ કેન્સલ કરી દીધી છે અને ઘણાં દેશે તો ચીનનાં મુલાકાતીઓ માટે પોતે પ્રવેશબંધી કરશે તે હદે વિચાર કર્યો છે. બેંગકોકના રહેવાસીઓ એવા મોલમાં જવાનું ટાળે છે જ્યાં ચાઇનિઝ સહેલાણીઓની સંખ્યા નોંધપાત્ર હોય છે. સાઉથ કોરિયાનો વીડિયો જેમાં ચીનનાં કોઇ બાયોકેમિકલ વેપનમાંથી આ વાઇરસ લિક થયો હોવાનો વીડિયો પણ બહુ જ પૉપ્યુલર થયો છે. જાપાનના ટ્વિટર પર ચીનને ઇન્સેન્સિટીવ, બાયોટેરરિસ્ટ જેવા શબ્દોથી નવાજવામાં આવ્યો છે. આ તરફ ભારતમાં પણ ચાઇનિઝ વસ્તુઓનો બોયકૉટ કરવાની માંગ થઇ રહી છે. એવી ચર્ચાઓ પણ સતત ચાલે છે કે ચીનમાંથી નાના અને મધ્યમ કદનાં ઉદ્યોગો પોતાનાં રોકાણો પાછા ખેંચવાનું વિચારી રહ્યા છે પણ અંતે જ્યારે બધું થાળે પડશે તે પછી જ વાસ્તવિકતા બહાર આવશે.
ચીન પોતાની ખરડાયેલી છાપને સુધારવા માટે ભારે માથાકૂટ કરી રહ્યું છે. ચીન પર આખી દુનિયા ફિટકાર વરસાવી રહી છે ત્યારે તેમના તરફથી વિશ્વને અપીલ છે કે તેમના પ્રત્યે સિમ્પથી દર્શાવવામાં આવે. કોરોનાવાઇરસ ફેલાવાનો શરૂ થયો ત્યારે જે દેશોએ ચીન સાથેની મુસાફરીની કડીઓ કેન્સલ કરી ત્યારે તો ચીનનાં ડિપ્લોમેટ્સે ઘણું આકરું વલણ દર્શાવ્યું પણ હવે તો ચીન પોતાના જ ડિપ્લોમેટિક પ્રયાસોને અંડરકટ કરી રહ્યું છે અને પ્રવાસનાં નિષેધને આવકારી રહ્યું છે. વળી ચાઇનિઝ ડ્રેગન છે એટલે આવી સ્થિતિમાં સાવ આગ ન ઝરે પણ તણખા કરવાનું તો ન ચૂકે એટલે ત્યાં વિદેશી પત્રકારોને નોકરીમાંથી કાઢી મૂકાયા છે, રેસિઝમ દર્શાવાયું તો તેનો વિરોધ કરાયો છે અને બીજી સરકાર ધીમી ગતીએ પ્રતિક્રિયા આપે છે એવો સંકેત પણ આપી દીધો છે. ચીનને તો ઘર આંગણે પણ વિરોધ વેઠવાનો છે અને અન્ય દેશો તો ચીનની સામે થયા જ છે. આ રોગચાળાને કારણે ચીન પાસે અમેરિકા અને અન્ય દેશો સાથે સંબંધો સુધારવાનો મોકો હતો એ પણ હાથથી ગયો છે. ચીનની સરકાર ત્યાંના લોકોને સમયસર ચેતવી ન શકી તે અંગે પણ તેમની પાસે કોઇ બચાવ નથી. માણસજાતને ખોતરો તો એ બધે સરખી જ હોય અને માટે જ એ હકીકત છે કે ગમે તે થાય ચીન પોતાના પર માહિતી છાની રાખવાનો જે આક્ષેપ છે તે ક્યારે ય સ્વીકારશે નહીં. પરંતુ ચીને રાખેલું મૌન આ રોગચાળાનું કારણ છે એ પણ એક હકીકત છે, પરંતુ ભારત માટે ચીનનો બહિષ્કાર કરવો કોઇ ઉપાય નહીં હોય. ભારત જ નહીં આમ તો આખી દુનિયા માટે એવું છે. ચીનમાં જે સ્તરે ઉત્પાદન થાય છે, લેબર અને માસ પ્રોડક્શન થાય છે તે વિશ્વને ઘણું બધું આપે છે. દુનિયાનાં બહુ બધા ઉદ્યોગો ચીન પર આધારિત છે. ભૌગોલિક રાજકારણને સ્તરે ચીનનો બહિષ્કાર લાંબે ગાળે કોઇને પણ ફાયદો નહીં કરાવે. ભારતની વાત કરીએ તો આપણી ૧૬ ટકા આયાત આપણી આસપાસનાં દેશો પર આધાર રાખે છે જેમાંથી ચીન પર ૨.૬ ટકાની આયાત થાય છે. ચીનનો બહિષ્કાર કરવાનો આવશે તો ભારતને બહુ મોટી ખોટ જશે એ ચોક્કસ છે.
વૈશ્વિક ઝેનોફોબિયાના ગાડરિયા પ્રવાહમાં જોડાવાને બદલે ભારતે તબીબી વ્યૂહરચના પર કામ કરવું જોઇએ જેનાથી ભવિષ્યમાં આવી કોઇ પણ જોખમી સ્થિતિ ખડી થાય તો તેની સામે લડવા માટે આપણે સક્ષમ હોઇએ. ચીન મેડિકલ અને રિસર્ચ ક્ષેત્રે આ રોગચાળા પછી કોઇ જ કચાશ નહીં છોડે એ આખી દુનિયા જાણે છે.
અમેરિકાને કદાચ અમૂક સમય સુધી ચીન સાથે શિંગડા ભેરવવાનું પોસાઇ શકે છે પણ આપણે હજી એટલા સદ્ધર નથી. મુત્સદ્દીપણાથી આપણા દેશને બચાવવાનો રસ્તો શોધવો એ જ સૌથી સારી વ્યૂહરચના હોઇ શકે. આમ પણ મહાસત્તાઓ પોતે સ્પર્ધક છે તેવું દર્શાવીને પોતાનું જોર કાયમ રાખવા અંદરખાને દોસ્તીની વાટાઘાટો ચાલુ જ રાખતી હોય છે, એ પણ એક હકીકત છે.
બાય ધી વેઃ
લોકો ચાઇનિઝ ફૂડનો બહિષ્કાર કરવાની વાતો કરે છે પણ આપણે ભારતીયો જે ચાઇનિઝ ખાઇએ છીએ એવું તો ચીનનાં એકેય નાગરિકે નહીં ખાધું હોય, એટલે એવી તર્કહિન વાતો કરવાને બદલે સાચા અર્થમાં સ્વદેશી અપનાવીએ અને ગાંધીજી કહેતા એમ આસપાસનાં ૧૦૦ મીટરનાં વિસ્તારમાં કે પોતાના દેશમાં બન્યું હોય તે જ વાપરીએ. લાલચ નહીં જરૂરિયાત પ્રમાણે જીવીએ. ચીન કેટલું પાપી છે તેની વાત કરવા કરતાં છેલ્લા કેટલાક મહિનામાં સુધરેલા ઓઝોન લેયર, પોતાના મૂળ સ્થળોએ પાછા ફરેલાં કાચબાઓ, માછલીઓ અને પંખીઓના વાવડ પર પણ નજર કરીએ. અત્યારના સંજોગોમાંથી માણસ કંઇ શીખે તો સારું બાકી તો માણસજાતની યાદશક્તિ બહુ જ ટૂંકી હોય છે. એક વાર પડી ભાંગેલા માર્કેટમાં કંઇક હરિયાળી દેખાશે અને માણસ ફરી પૈસા કમાવાની દોડમાં કમર કસીને મંડી પડશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઍપ્રિલ 2020