હવે એ સ્પષ્ટ છે કે આ વાઇરસ આપણને જલદીથી અને આસાનીથી છોડવાનો નથી. જો ભારતે તેનાથી બચવું હશે અને ભવિષ્યમાં થનારા નુકસાન અને મોતથી બચવું હશે તો કેટલાક જરૂરી ઉપાયો અજમાવવા પડશે.
સૌથી પહેલો ઉપાય છે પાયાની સ્વચ્છતાની આત્મઘાતી ઉપેક્ષાનો ઉકેલ આણવો. આપણે ત્યાં માંસ અને પૉલ્ટ્રી ફાર્મ, બજાર અને જાહેર શૌચાલયોમાં જે પ્રકારની ગંદકી હોય છે તે કોઈ અદૃશ્ય વુહાન જેવાં જ છે. બીજો ઉપાય ઔદ્યોગિકરણના નામે પ્રાકૃતિક સંસાધનોનું નિરંતર દોહન રોકવું. ત્રીજો ઉપાય, જ્યાંત્યાં થૂકવાની આદત પર કાબૂ કરીને, ધાર્મિક સ્થળો અને મનોરંજનના સ્થાનો પરની ભીડને રોકવી. સમ્રાટ અશોકે પણ તેમના શિલાલેખોમાં બિનજરૂરી ભીડની વાત લખી છે. ચોથો ઉપાય છે કે જો આપણે હાથ ધોયા કરવાના હોઈએ તો એ પૂછવાનું પણ શરૂ કરવું પડશે કે તે માટેનું સ્વચ્છ પાણી ક્યાંથી મળશે? પાંચમો ઉપાય, ઘરથી પગપાળા જઈ શકીએ એટલા અંતરે બુનિયાદી આરોગ્ય સુવિધાઓની માંગ કરવી.
જો આપણે લગ્નની ઉમર વધારી શકતા હોઈએ, આપણા માબાપની તુલનામાં ઓછાં બાળકો પેદા કરી શકતા હોઈએ અને એમ માનતા હોઈએ કે આભડછેટ ખોટી, ગેરકાનૂની અને નકામી બાબત છે, તો આપણે ચોક્કસ જ આ પાંચ ઉપાયોને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકીએ તેમ છીએ. હા, તે માટે સરકારોએ તેમની પ્રાથમિકતાઓ જલદીથી બદલવી પડશે. બધાને ચોખ્ખું પાણી મળે તેના માટે તરત જ મોટા પાયે રોકાણ કરવું પડશે, ડૉકટરો અને નર્સોની સંખ્યા વધારવી પડશે, નર્સોનું મહત્ત્વ વધારીને તેમને આરોગ્ય સુરક્ષા પહોંચાડનારા લોકોની અગ્રીમ હરોળમાં સામેલ કરવી પડશે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 મે 2020