દેશ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે જ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલા સમુદ્રી વાવાઝોડા અમ્ફનનું સંકટ, ગરીબો માટે પડ્યા પર પાટુ કે દુકાળમાં અધિક માસનો અહેસાસ કરાવે છે. ૧૮૦ થી ૨૦૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલો પવન, સમુદ્રમાં ઊંચે ઉછળતાં મોજાં અને ધોધમાર વરસાદ સાથેના છએક કલાકના આ તોફાનથી પશ્ચિમ બંગાળમાં દોઢ કરોડ અને ઓડિશામાં પચાસ લાખ લોકોને અસર થઈ છે. વાવાઝોડા પછીના ત્રીજા-ચોથા દિવસે પણ મહાનગર કોલકાતામાં પાણી અને વીજળી મળી શકતાં નથી. રાજ્ય સરકારે મદદ માટે સેનાને બોલાવવી પડી છે. મુખ્યમંત્રી અને સરકાર સામેનો અસંતોષ એટલો તીવ્ર છે કે મમતા બેનરજીએ લોકોને તેમનું માથું વધેરી નાંખવાનું કે ધીરજ રાખવાનું કહેવું પડ્યું છે. બીજા અસરગ્રસ્ત રાજ્ય ઓડિશામાં સ્થિતિ સામાન્ય થઈ છે, તે રાહતની વાત છે.
અમ્ફન સંકટ જેવી કુદરતી આફતની હવે આગોતરી સૂચના મળી જાય છે. તેથી મરણઆંક ઘટાડી શકાય છે. જો કે પશ્ચિમ બંગાળના ૧૪ જિલ્લાઓ પ્રભાવિત છે, ૮૬ લોકોનાં મોત થયાં છે અને લાખો લોકો બેઘર થયાં છે. એકલા કોલકાતામાં જ ૩૦થી ૪૦ હજાર કાચાં મકાનો પડી ગયાં છે, હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયાં છે. મોટા ભાગનાં અવસાન ઝાડ, વીજળીના થાંભલા કે વીજળીના તાર પડવાને કારણે થયાં છે. કોરોના મહામારીને કારણે લોકોને સલામત જગ્યાએ ખસેડવાનું કામ વાવાઝોડાની પૂર્વસૂચના છતાં આ વખતે અઘરું હતું. કોરોના સંક્રમણથી લોકોને બચાવવા, શારીરિક અંતર જાળવવું અને રાહતશિબિરોમાં રહેવા-ખાવાની વ્યવસ્થા કરવી તે ભારે વિકટ કામ હતું. પશ્ચિમ બંગાળમાંથી ૫ લાખ અને ઓડિશામાંથી ૨ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે. શહેરો અને ગામડાંમાં જાહેર અને ખાનગી મિલકતોને મોટા પાયે નુકસાન થયું છે. સમુદ્રનાં પાણી ખેતરોમાં ઘુસી ગયાં છે, ફળદ્રુપ જમીનોનો નાશ કરી દીધો છે. માળખાકીય સગવડોને નુકસાન થયું છે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પાણી, વીજળી, રસ્તા તથા અન્ય સવલતો પૂર્વવત્ કરતાં ઘણો સમય લાગશે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના પછી કુદરતી આફતોની અસરો ઘટાડી શકાઈ છે. વિજ્ઞાન અને ટૅક્નોલોજીનો સારો ઉપયોગ થઈ શક્યો છે. પરંતુ જો તંત્ર જ બાદલું હોય તો આ કશું કામ લાગતું નથી. અમ્ફન સંકટ વખતે કોરોનાની તૈયારીમાં થયેલી ચૂક જોવા મળતી નથી. પરંતુ રાજ્યને થયેલું નુકસાન ભરપાઈ થતાં વરસો નીકળી જશે. મુખ્યમંત્રીની વિનંતી પછી વડાપ્રધાને બંને રાજ્યોની મુલાકાત લીધી અને તાત્કાલિક આર્થિક મદદ જાહેર કરી તે સારું જ થયું છે. જો કે સંકટ પૂર્વેના સલામત સ્થળાંતર પછી હવે રાહત અને પુનર્નિમાણનું ખરું કામ હાથ ધરવાનું છે. તાળાબંધીને કારણે રોજી બંધ છે ત્યારે લાંબા સમય સુધી રાહતશિબિરો ચલાવવાનું ભારે પડકારનું કામ છે. કાચાં ઝૂંપડાંનાં સ્થાને રહેવા યોગ્ય વ્યવસ્થા પ્રાથમિક જરૂરિયાત છે અને તે માટે રાજ્ય સરકારનાં સાધનો ટાંચાં છે. આ પ્રકારની કુદરતી આપદાઓને નિયતિ માની લેવી કે તેનો કોઈ કાયમી ઉકેલ શોધવો તે પણ સવાલ છે. જળવાયુ પરિવર્તનની અસર આવા ચક્રવાતી વાવાઝોડાના વધતા પ્રમાણ અંગે શું ભાગ ભજવે છે તે અંગે અભ્યાસ અને સંશોધનોની જરૂર છે. સમુદ્રનું પાણી એક ડિગ્રી સેલ્સિયસ ગરમ થાય તો તેના પર ચાલનારી હવામાં ૫ થી ૧૦ ડિગ્રીનો વધારો થાય છે, તેનાથી સમુદ્રી તોફાનો આવે છે તે બાબત ચકાસવી પડશે. જેમ કેટલીક કુદરતી આફતોની પૂર્વ માહિતી સંકટને હળવું કરે છે, તેમ આ પ્રકારના સંકટો સામે ટકી શકે તેવાં મકાનોનું નિર્માણ જાહેર અને ખાનગી મકાનોને થયેલા નુકસાનને ઓછું કરી શકે કે કેમ તે દિશામાં વિચારવું રહે. કોરોનાકાળમાં આવેલા અમ્ફન સંકટમાંથી આપણે અનેક સબક શીખવાના છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 મે 2020