વર્ષે અંદાજે સિત્તેર લાખ લોકો જેની મુલાકાત લઈને રોમાંચ અનુભવે છે તે એફિલ ટાવર અત્યારે સૂમસામ છે અને પેરિસના રસ્તા ખાલીખમ. મેટ્રો, ટ્રામ અને બસ ચાલુ છે, પણ અંદર રળ્યાંખળ્યાં માણસો જોવા મળે છે. લુવ્ર મ્યુઝિયમમાં મૉનાલિસાનું ચિત્ર પણ જાણે મુક્તપણે શ્વાસ લઈ રહ્યું છે. (અલબત્ત, એક કાર્ટૂનિસ્ટે દર્શાવ્યું છે તેમ, અત્યારે કોઈ મૉનાલિસાને પણ માસ્ક પહેરાવે તો નવાઈ નહીં.) પૅરિસ જેના માટે જાણીતું છે તે ફેશન પરેડ બંધ, રેસ્તોરાં બંધ, કૉફી શૉપ બંધ, કાફે બંધ. અરે, એકબીજાના અભિવાદનમાં પણ દૂરથી જ ‘બોંઝુર’ (કેમ છો) કરી લેવાનું. એકબીજાના ગાલને ગાલ અડાડીને કરાતું અભિવાદન પણ બંધ … બધું બંધ … બંધ .. બંધ …
માર્ચની બારમીએ ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ જાહેર સંદેશ દ્વારા લોકોને કોરોના વાઇરસ વિશે માહિતી આપી અને બને ત્યાં સુધી ઘરે રહેવા આગ્રહ કર્યો. શાળાઓ અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દીધી. પણ માણસની પ્રકૃતિ એમ બદલાય? બીજા જ દિવસથી સિનેમા, બગીચા અને સેન નદીના કિનારે જાણે કીડિયારું ઊભરાયું. શનિ-રવિ તો જાણે મેળો. પછી શરૂ થયો લૉક ડાઉનનો કડક અમલ. દુકાનો અને મૉલમાંથી ફટાફટ ખરીદી થવા લાગી. સીધુંસામાન અને ખાસ તો ટોઇલેટ પેપરની સીધાં ઘરે ડિલિવર થઈ ગયાં. ફ્રાન્સમાં લોકોને બહાર જમવાની ઘણી ટેવ. એટલે શરૂઆતમાં બીજું બધું બંધ થયા પછી પણ રેસ્તોરાં નિર્ધારિત સમય માટે ખુલ્લાં રાખવામાં આવતાં હતાં. પરંતુ ચેપગ્રસ્તોના વધતા આંકડા જોયા પછી રેસ્તોરાં પણ બંધ કરી દેવાયાં. ત્યાર પછી પણ રાંધવાની લોકોને એવી કીડીઓ ચડે કે તે સેવાસંસ્થાઓને વધુ પ્રમાણમાં સીધુંસામાન દાનમાં આપે અને તેમાંથી તેમને થોડો હિસ્સો રાંધેલો તૈયાર મળી જાય, એવી પણ વ્યવસ્થા ગોઠવે. મૅટ્રો સ્ટેશનમાં સિરિયા, બાંગ્લાદેશ જેવા દેશોના લોકોએ આશરો લીધો છે. સામાજિક સંસ્થાઓ તેમને ભોજન આપે. નિરાશ્રિતોની કૉલોનીમાં લોકો કપડાં અને ફુડપૅકેટ મૂકી જાય.
જે લોકો ઘરે રહીને કામ કરી શકતા નથી તેમના માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલુ છે, પણ તેની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે દુકાનો ખૂલે છે, પણ તેમાં એક સાથે માત્ર ત્રણ જણને પ્રવેશ અપાય છે. માસ્ક અને હાથમોજાંમાં સજ્જ લોકો ખિસ્સામાં જ સેનીટાઇઝર રાખે છે અને નિયમોનું ચુસ્તીથી પાલન કરે છે. કસરત કરવા માટે લોકો ઘરની બહાર નીકળે ખરા. સવારે અગિયાર વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યા પછી લોકો પોતાના ઘરની નજીક દોડતા દેખાય. પણ ફક્ત એક કલાક માટે અને એક કિલોમીટરની અંદર. કામથી બહાર નીકળનાર પાસે સરકારે બહાર પાડેલું કાગળિયું ફરજિયાતપણે હોવું જોઈએ. તેમાં નામ, સરનામું, કયા કામે, કેટલા વાગ્યે જાવ છો વગેરે વિગત લખેલી હોય. આ કાગળ ન હોય તો ૧૩૦ યૂરો જેવો તગડો દંડ ભરવાની તૈયારી રાખવી પડે. પોલીસ ગમે ત્યાં, ગમે ત્યારે, યુનિફૉર્મ સિવાયના પોશાકમાં પણ હોય અને તે રોકે. ઉપરાંત ડ્રૉનથી પણ નજર રાખે.
ઘરમાં ક્વૉરન્ટીન થયેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે પંદર નંબર પર ફોન કરવાથી મૅડિકલ સ્ટાફ વાત કરે અને આગળ શું કરવું તે જણાવે. વૃદ્ધ અને એકલી રહેતી વ્યક્તિઓને દર અઠવાડિયે સામાજિક સંસ્થાઓ ફોન કરીને તેમના ખબરઅંતર પૂછે.
રોજ સવારે આઠ વાગ્યે સરકારના આદેશ કે જાહેરાત વિના, પોતાની મેળે લોકો ઘરની બાલ્કનીમાં આવે અને કોરોના સામે ઝઝુમી રહેલા લોકોને "બ્રાવો, બ્રાવૉ "(બહુ સરસ) કહી, તાળીઓ વગાડીને, તેમની સેવાઓ બદલ બિરદાવે. બાળકો કાચની બારી પર ચિત્રો ચોંટાડે અને ટેડી બૅર મૂકે, જેથી ત્યાંથી પસાર થનાર તે જોઈને બે ઘડી ખુશ થાય. સરકારી પુસ્તકાલયો બંધ છે, પણ તેમની વેબસાઇટ પર લૉગ ઇન કરીને ઘણાં બધાં પુસ્તકો ઑનલાઇન વાંચી શકાય છે. ફ્રાન્સના લોકપ્રિય કૉમિક ટિનટિને પણ તેનાં કૉમિક ઑનલાઇન વાંચવા માટે ખુલ્લાં મૂકી દીધાં છે.
રોજ સવારે ત્રણ કલાક ઑનલાઇન શિક્ષણ ચાલે છે. તેમાં લોકો વાર્તા વાંચવાની કે ગીત ગાવાની સેવાઓ પણ આપે છે. પ્રાથમિક શાળાના શિક્ષકો મોબાઇલનાં એપનો ઉપયોગ કરીને તેમ જ ઇ-મેઇલ કરીને બાળકો માટે વર્કશીટ બનાવે છે અને તેમને વિવિધ પ્રવૃત્તિઓ માટે પ્રેરે છે. સાથોસાથ, તેમનું કરેલું કામ તપાસીને અપલોડ પણ કરે છે. ફ્રાન્સના શિક્ષણખાતાના સહયોગથી સરકારી ટી.વી. પર "એલામેઝોલુમી" નામનો રોજિંદો કાર્યક્રમ પ્રસારિત થાય છે, જેમાં ૮ થી ૧૨ વર્ષનાં બાળકોને ગણિત, ઇતિહાસ, વિજ્ઞાન, ભૂગોળ અને ફ્રેન્ચ જેવા વિષય શીખવવામાં આવે છે.
પૅરિસમાં રહેતાં ભારતીયોનાં ઘણાં ગ્રુપ છે, જે એકમેક સાથે માહિતીની આપલે કરતાં રહે છે. તે વિદ્યાર્થીઓને મદદ કરે છે. પેરિસની ભારતીય એલચી કચેરી પણ ઘણી મદદરૂપ થાય છે. એક વાર તેમણે ભારતીયો માટે જૂની કૉમેડી ફિલ્મ ‘ચૂપકે ચૂપકે’ ઑનલાઇન વૉચ પાર્ટી દ્વારા બતાવી હતી. ઉપરાંત, તેમણે અહીં રહેતા દરેક ભારતીય માટે, હિંદી ફિલ્મોનો ખજાનો ધરાવતી સર્વિસ ‘શેમારૂ એન્ટરટેઇમેન્ટ’નું બે અઠવાડિયાંનું લવાજમ ભર્યું છે.
વિકસિત દેશ અને સાધનસુવિધાઓ છતાં, બારીની બહાર જોતાં રહેતાં વૃદ્ધો, ઘરમાં દુનિયા વસાવીને રહેતાં બાળકો અને ‘હવે શું થશે?’ તેની ચિંતા કરતાં મા-બાપ બધે સરખાં જ હોય છે.
(પૅરિસ, ફ્રાન્સ)
e.mail : surabhicjoshi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 13 ઍપ્રિલ 2020