વર્ષ ૨૦૧૩માં કૉંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં હતી અને લોકસભાની ચૂંટણી એક વર્ષથી વધારે દૂર હતી સમયે મેં રાહુલ ગાંધી પર એક લેખ લખ્યો હતો. એમાં મેં એમની એક દાયકાની રાજકીય કારકિર્દીની સમીક્ષા કરી હતી. મેં લખ્યું હતું કે “રાહુલ ગાંધીના ઇરાદા સારા છે, પણ એમની અંદર નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ છે. તેઓ સતત દુવિધામાં રહે છે. વળી, એમણે વહીવટી યોગ્યતા ધરાવે છે, એવી કોઈ કામગીરી કરી દેખાડી નથી કે એવો કોઈ સંકેત પણ આપ્યો નથી. એમણે મોટી અને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ ઉઠાવવાની ઇચ્છા પણ પ્રકટ કરી નથી. એમણે ગંભીર સામાજિક સમસ્યાઓની ફક્ત ઓળખ કરી છે, પરંતુ દેશની જનતાની નજરોમાં આ સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતા ધરાવતા હોવાની કે એ માટેની કટિબદ્ધતા ધરાવતા હોવાની છાપ ઊભી કરી શક્યા નથી. જ્યારે તેઓ દેશના સૌથી મોટા, સૌથી જૂના અને હજુ પણ સૌથી વધુ પ્રભાવશાળી રાજકીય પક્ષ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ અને કૉંગ્રેસ તરફથી પ્રધાનમંત્રીપદના ઉમેદવાર સ્વરૂપે પોતાની ભૂમિકા અદા કરશે, તો જ દેશની જનતાનો ભરોસો જીતી શકશે.”
મારી કૉલમનો નિયમિત અભ્યાસ કરતાં અને કૉંગ્રેસ સાથે નિકટતા ધરાવતા એક સામાજિક કાર્યકર્તાએ મારો એ લેખ વાંચ્યો હતો. એમણે મને એક રસપ્રદ વાત જણાવી હતી. જ્યારે વર્ષ ૨૦૦૯માં રાહુલ ગાંધીએ ખેડૂતોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને એ જ વર્ષે યુ.પી.એ.-૨ સરકારની રચના થઈ હતી, ત્યારે સામાજિક કાર્યકર્તાઓએ એમને ગ્રામીણ વિકાસમંત્રી બનવા વિનંતી કરી હતી. રાહુલ મંત્રી બનીને એમના વિચારોને વ્યવહારમાં ઉતારી શક્યા હોત અને એમને વહીવટી અનુભવ પણ મળ્યો હોત. જો કે એમણે સામાજિક કાર્યકર્તાઓની સલાહની ઉપેક્ષા કરી. આ માટે કોઈ કારણ જણાવવામાં આવ્યું નહોતું, પણ એમની માતા કૉંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીને વિશ્વાસ હતો કે એમનો પુત્ર કૉંગ્રેસનું નેતૃત્વ ધરાવતી સરકારમાં પ્રધાનમંત્રી સ્વરૂપે જ સામેલ થશે, એવું લાગતું હતું.
આ ધારણાને સપ્ટેમ્બર, ૨૦૧૩માં બળ મળ્યું હતું. એ સમયે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પછી પ્રધાનમંત્રીપદ માટે આદર્શ વિકલ્પ હશે. જો કે વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને એના ઇતિહાસના સૌથી ખરાબ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કૉંગ્રેસ સત્તામાંથી ફેંકાઈ ગઈ અને લગભગ ૧૬૦ બેઠકો ગુમાવી હતી. જોગાનુજોગે એ જ મહિને બ્રિટનમાં પણ ચૂંટણીઓ યોજાઈ હતી અને એમાં લેબર પાર્ટીને ફક્ત ૨૦ બેઠકોનું નુકસાન થયું હતું છતાં એના નેતા મિલિબેન્ડે તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દીધું હતું. પણ કથિત રીતે બ્રિટનના વેસ્ટમિન્સ્ટર મૉડલ પર ચાલતી આપણી રાજનીતિ પોતાના મૂળ મૉડલથી ઘણી વિચલિત થઈ ગઈ હતી. અહીં સત્તાધારી પક્ષના ઉપાધ્યક્ષને જવાબદારી લેવાથી બચાવી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં બ્રિટનથી વિપરીત રાહુલ ગાંધીને પક્ષના પરાજય બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા. એમની માતાએ પક્ષનાં અધ્યક્ષપદેથી રાજીનામું આપીને એમના માટેનો માર્ગ મોકળો કરી દીધો. અત્યારે એનાં પાંચ વર્ષ પછી રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં સતત બીજા પરાજયમાં પક્ષનું નેતૃત્વ કર્યું છે.
હવે કૉંગ્રેસ શું કરી શકે છે? એ નવા અધ્યક્ષને શોધશે? એ પ્રથમ પરિવાર ગાંધી-નેહરુ સિવાયની અન્ય કોઈ વ્યક્તિનો વિચાર કરી શકે છે? વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને ‘નામદાર’ કહીને મજાક ઉડાવી હતી અને પોતાને ‘કામદાર’ ગણાવ્યા હતા. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ મોદીએ મતદારોને સીધું પૂછ્યું હતું કે એમને મહેનતુ ‘કામદાર’, ‘ચોકીદાર’ જોઈએ કે રાહુલ સ્વરૂપે ‘નામદાર’ જોઈએ? બીજી તરફ, અંગ્રેજીના કેટલાંક પત્રકાર ભારતમાં વંશવાદ કોઈ સમસ્યા નથી એવું જણાવે છે. આ માટે તેઓ લોકસભાની ચૂંટણી સાથે આંધ્રપ્રદેશ અને ઓડિસામાં જગન મોહન રેડ્ડી અને નવીન પટનાયકના વિજયને પુરાવા સ્વરૂપે રજૂ કરે છે.
જ્યારે મેં ટ્વીટ કર્યું કે કૉંગ્રેસ વંશવાદી રાજનીતિને છોડી દે, ત્યારે ઉત્તરપ્રદેશના એક મિત્રલેખક અનિલ મહેશ્વરીએ મને મહાન અરબ વિદ્વાન ઇબ્ન ખલદુનનું એક લાંબું અવતરણ મોકલ્યું હતું. ૧૪મી સદીમાં ઇબ્ને તર્ક આપ્યો હતો કે સામાન્ય રીતે વંશવાદ ત્રીજી પેઢી પછી પોતાનો પ્રભાવ અને વિશ્વસનીયતા ગુમાવી દે છે. ઇબ્નના કહેવા અનુસાર, વંશ કે વૈભવનો સ્થાપક જ એની પાછળની મહેનત અને વૈભવની કિંમત સમજે છે. એટલે એ વંશને જાળવવા ગુણોને જાળવી રાખે છે. એ પછી એનો પુત્ર પિતાના સીધા સંપર્કમાં રહીને વૈભવને જાળવવાનું શીખે છે, પણ કમનસીબે એના પિતાએ સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું, એનું જ્ઞાન મેળવી શકતો નથી. એટલે પોતાના પિતાની સરખામણીમાં એ જ્ઞાનની દૃષ્ટિએ નબળો હોય છે. હવે બને છે એવું કે બીજી પેઢી પ્રથમ પેઢીના વૈભવને જાળવી શકે છે, પણ કમનસીબે એ પોતાની આગામી એટલે કે ત્રીજી પેઢીને પ્રથમ પેઢીના ગુણો આપી શકતો નથી, પ્રથમ પેઢી પાસે રહેલું જ્ઞાન આપી શકતો નથી. એટલે ત્રીજી પેઢી નકલ અને ખાસ કરીને પરંપરાઓ પર વિશ્વાસ મૂકીને સંતુષ્ટ થઈ જાય છે. ત્યાર બાદ ચોથી પેઢી તો દરેક બાબતે પોતાના પૂર્વજોથી નબળી રહે છે. આ પેઢીના સભ્યો પાસ એ ગુણો હોતા નથી, જેના કારણે આ સામ્રાજ્યનું નિર્માણ થયું હતું. ચોથી પેઢીના સભ્યોને માનપાન મળે છે, પણ આ માનપાન એને કેવી રીતે મળી રહ્યું છે અને એની પાછળનાં કારણો શું હતાં એ સમજી શકતા નથી. ઇબ્ન ખલદુન આ પ્રકારની સ્થિતિસંજોગોમાં નેતૃત્વને અન્ય કોઈ સંતોષજનક ગુણો ધરાવતા નેતાને સુપરત કરવાની સલાહ આપે છે. ઇબ્ન લખે છે કે જે પણ વંશ ચોથી-પાંચમી પેઢી સુધી પહોંચી ગયો, એણે પોતાના પતનનો પાયો પોતે જ નાખ્યો છે. બીજી અને ત્રીજી પેઢી પાસેથી ચોથી પેઢીના હાથમાં આવીને વૈભવ કે વંશ માનપાન ગુમાવી દે છે અને ‘નામદાર’ તરીકે ઓળખાવાની હકદાર બની જાય છે.
ઇબ્ન એ સમજવામાં આપણી મદદ કરે છે કે જગન અને નવીનને શા માટે સફળતા મળી, અને રાહુલને શા માટે નિષ્ફળતા. જગન અને નવીન બીજી પેઢીના છે. એમણે પોતાની નજર સામે એમનાં પિતાનાં કાર્યો જોયાં છે. આ દૃષ્ટિએ જોઈએ તો ઇન્દિરા ગાંધીને જવાહરલાલ નેહરુનું સાંનિધ્ય મળ્યું હતું અને સ્વતંત્રતાસંગ્રામના આદર્શો સાથે એમનો ઉછેર થયો હતો. ઇન્દિરા ગાંધી અત્યંત વિશ્વસનીય અને પ્રભાવશાળી નેતા હતાં. એમના જેવા નેતૃત્વના ગુણો મેળવવાનું રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી ક્યારે ય વિચારી પણ ન શકે. કૉંગ્રેસમાં દરેકે ઇબ્ન ખલદુનના વિચારો સમજવાની અને એને પચાવવાની જરૂર છે. રાહુલ ગાંધી યોગ્યતા ધરાવતા હશે, પણ ઇતિહાસ અને સમાજશાસ્ત્ર એમની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. જ્યારે મધ્યયુગ અને સામંતવાદી અરબમાં ચોથી અને પાંચમી પેઢીના વંશવાદને સ્વીકારવામાં આવ્યો નહોતો, ત્યારે આધુનિક અને લોકતાંત્રિક ભારતમાં આવી આશા રાખી શકાય?
[Live हिन्दुस्तानમાંથી; અનુવાદ : કેયૂર કોટક]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 10-11