સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની માફક ભારતીય સમાજના લક્ષણો સમજવાં હોય તો પહેલી વાસ્તવિકતા એ છે કે ભારતીય સમાજ બહુવિધ છે. એ નથી પૂર્ણરૂપેણ સંગઠિત કે નથી વિઘટિત. એ અભિન્ન છે, પણ એક નથી. અનેક સૂર છે, પણ રાગ અને લય એક છે. એ બીજાની સ્પેસનો આદર કરે છે, પરંતુ પોતાની સ્પેસ પકડી રાખે છે. ભારતીય સમાજ અનેક તાંતણે ગૂંથાયેલા વસ્ત્ર સમાન છે. એટલે તો ભારતીય સમાજને વિવિધતામાં એકતા તરીકે ઓળખાવવામાં આવે છે. વિવિધતા પહેલી, એકતા પછી. વિવિધતામાં એકતા, વિવિધતાની જગ્યાએ એકતા નહીં.
સાચી વાત તો એ છે કે ભારતીય રાજકારણમાં આજે બન્ને મુખ્ય રાજકીય પક્ષો, કોંગ્રેસ અને બી.જે.પી. તેની નિર્ણાયક ક્ષણનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ તેનું ગુમાવેલું સ્થાન (પૉલિટિકલ સ્પેસ) પાછું મેળવવા માગે છે, અને બી.જે.પી.ને હજુ વિશાળ જગ્યા નજીકના ભવિષ્યમાં ખાલી કરવી ન પડે એ રીતની જોઈએ છે. આની વચ્ચે દેશભરમાં પચાસેક જેટલા નાના-મોટા પક્ષો છે, જે જ્ઞાતિનીઓની, ભાષાઓની, પ્રદેશોની અસ્મિતાનાં નામે નાનાનાના ટાપુઓ બનાવીને બેઠા છે. તેમની પોતપોતાની રાજકીય જગ્યા છે, જે તેઓ બને ત્યાં સુધી છોડવા માગતા નથી.
અહીં આ ત્રીજો ખૂણો સમજવા જેવો છે. મેં લખ્યું છે કે નાનાનાના રાજકીય પક્ષો બને ત્યાં સુધી તેમની જગ્યા છોડવા માંગતા નથી. આ વાક્યનો અર્થ એ થયો કે એ જગ્યા તેમણે પ્રયત્નપૂર્વક રળેલી જગ્યા નથી, પરંતુ હાથ લાગેલી જગ્યા છે. તેનો બીજો અર્થ એ થયો કે એ જગ્યા આજ નહીં તો કાલે જતી રહેવાની છે એની તેમને જાણ છે. જ્યાં પ્રયત્નપૂર્વક રળેલી જગ્યા હોતી નથી એ જગ્યા લાંબો સમય ટકતી નથી. આમ બચુકલા પ્રાદેશિક પક્ષોનો પ્રયત્ન હાથ લાગેલી જગ્યા વધુમાં વધુ સમય હાથમાંથી ન છૂટે એ માટેની છે. એ માટે તેઓ કોંગ્રેસ અને બી.જે.પી. એમ બે મુખ્ય રાજકીય પક્ષો સાથે ક્યારેક હાથ મિલાવે છે, ક્યારેક ઝઘડે છે અને ક્યારેક સલામત અંતર રાખે છે. જો એક જ પ્રદેશમાં બે પ્રતિદ્વંદ્વી રાજકીય પક્ષો હોય, તો મોટે ભાગે તેઓ એકબીજાની સામે લડે છે અને ક્યારેક હાથ પણ મિલાવે છે. પ્રતિદ્વંદ્વી વચ્ચે સમજૂતીની ઘટના બહુ ઓછી બને છે, પણ અપવાદરૂપે બને છે ખરી.
તો અત્યારે રાજકીય સ્થિતિ એવી છે કે કોંગ્રેસને ગુમાવેલી રાજકીય જગ્યા પાછી મેળવવી છે, બી.જે.પી.ને હજુ વધુ અને વધારે સ્થાયી જગ્યા જોઈએ છે અને પ્રાદેશિક પક્ષો હાથ લાગેલી જગ્યા છોડવા માંગતા નથી. બી.જે.પી.ના નેતાઓ જાહેરમાં બોલતા નથી, પરંતુ તેમના મનમાં સતત એક પ્રશ્ન ઘોળાઈ રહ્યો છે કે જો કોંગ્રેસ આઝાદી પછી પાંચ દાયકા કોઈ પણ પ્રકારના મોટા પડકાર વિના રાજકીય જગ્યા પકડી રાખી શકે તો બી.જે.પી. કેમ નહીં? બી.જે.પી. વધારે શક્તિશાળી પક્ષ છે, કાર્યકર્તાઓનો પક્ષ છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પીઠબળ છે, બીજા રાજકીય પક્ષો કરતાં વધુ શિસ્ત છે, અઢળક પૈસા છે અને સૌથી મોટી વાત એ કે મતદાતાઓ અન્ય રાજકીય પક્ષોથી બહુ ખુશ નથી, બલકે નારાજ છે.
આમ દરેક વાતની અનુકૂળતા છે અને છતાં ય ૨૦૧૯માં બી.જે.પી.ને બીજી મુદ્દત મળશે કે કેમ એની કોઈ ખાતરી નથી. જો બીજી મુદ્દત મળશે તો પણ બી.જે.પી .૨૦૧૪ની તુલનામાં તેની રાજકીય જગ્યા ગુમાવશે એમ લાગે છે. ઘણું કરીને તેની બેઠકો પણ ઘટશે અને મતનું પ્રમાણ પણ ઘટશે. બી.જે.પી.ના નેતાઓ સામે અને બી.જે.પી.ના સમર્થકો સામે સવાલ એ છે કે કોંગ્રેસ દાયકાઓ સુધી પૉલિટિકલ સ્પેસ જાળવી રાખે અને બી.જે.પી. અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી જેવા વિરાટ રાજકીય કદ ધરાવતા લોકપ્રિય નેતા હોવા છતાં બે મુદત માટે પણ એ મેળવેલી જગ્યા જાળવી ન શકે એનું શું કારણ? આજ સુધી બી.જે.પી.ને આખી બે મુદ્દત ભોગવવા મળી નથી. ૧૯૫૨માં, ૧૯૫૭માં, ૧૯૬૨માં, ૧૯૬૭માં અને ૧૯૭૧માં કોંગ્રેસને ભય નહોતો કે તે જીતશે કે હારશે. કોંગ્રેસને જીતની ખાતરી રહેતી. મોટા ભાગે તેને મળતા મતોનું પ્રમાણ પણ જળવાઈ રહેતું હતું.
કોંગ્રેસ આજે એવી અવસ્થામાં છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વિચારવું જોઈએ કે એવું શું હતું કે કોંગ્રેસે પાંચ પાંચ દાયકા સુધી રાજકીય શક્તિ જાળવી રાખી હતી અને આજે એવું શું છે કે કોંગ્રેસની રાજકીય શક્તિ અને તેનો જનસામન્યમાં સ્વીકાર સૌથી ઓછો છે. ૨૦૧૪માં કોંગ્રેસને તેના ઇતિહાસમાં સૌથી ઓછા મત અને સૌથી ઓછી બેઠકો મળી હતી. એવું શું હતું જેણે કોંગ્રેસને હટાવી ન શકાય એવી મજબૂત જગ્યા આપી હતી અને એવું શું થયું કે કોંગ્રેસે પોતાની જગ્યા ગુમાવી દીધી. આ જ પ્રશ્ન બી.જે.પી.ના નેતાઓએ પણ પોતાની જાતને પૂછવો જોઈએ કે દરેક પ્રકારની અનુકૂળતા હોવા છતાં બી.જે.પી. પાસે પૉલિટિકલ સ્પેસની શાશ્વતી કેમ નથી જે કોંગ્રેસે દાયકાઓ સુધી ભોગવી હતી?
અહીં વિચારવા માટે સવાલ આવે કે એ જગ્યા (પૉલિટિકલ સ્પેસ) છે ક્યાં, એનું સ્વરૂપ શું છે અને એ સંગઠિત કે વિઘટિત કઈ રીતે થાય છે? ભગવદ્દગીતામાં અર્જુન જે રીતે ભગવાન કૃષ્ણને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો પૂછે છે એના જેવો જ મહત્ત્વનો આ પ્રશ્ન છે. ભારતીય સમાજનું સ્વરૂપ શું છે, અને એ સંગઠિત કે વિઘટિત કઈ રીતે થાય છે? બીજો પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય કે તેને એક જ અવસ્થામાં કાયમ માટે જાળવી શકાય કે કેમ? અંદાજે પચાસ પ્રાદેશિક પક્ષો તેને બને તો કાયમ માટે વિઘટિત સ્વરૂપમાં જાળવી રાખવા માંગે છે અને કોંગ્રેસ તેમ જ બી.જે.પી. સંગઠિત સ્વરૂપમાં.
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની માફક ભારતીય સમાજનાં લક્ષણો સમજવાં હોય તો પહેલી વાસ્તવિકતા એ છે કે ભારતીય સમાજ બહુવિધ છે. એ નથી પૂર્ણરૂપેણ સંગઠિત કે નથી વિઘટિત. એ અભિન્ન છે, પણ એક નથી. અનેક સૂર છે, પણ રાગ અને લય એક છે. એ બીજાની સ્પેસનો આદર કરે છે, પરંતુ પોતાની સ્પેસ પકડી રાખે છે. ભારતીય સમાજ અનેક તાંતણે ગૂંથાયેલા વસ્ત્ર સમાન છે. એટલે તો ભારતીય સમાજને વિવિધતામાં એકતા તરીકે ઓળખાવવામાં આવે છે. વિવિધતા પહેલી એકતા પછી. વિવિધતામાં એકતા, વિવિધતાની જગ્યાએ એકતા નહીં.
ભારતમાં જ્યારે અંગ્રેજો આવ્યા, ત્યારે તેમણે આવો સમાજ આ પહેલા જોયો નહોતો. એક મસીહા તેમ જ એક ધર્મગ્રન્થ પર આધારિત સંગઠિત ધર્મના અનુયાયીઓની પ્રચંડ બહુમતી હોય અને વિધર્મીઓની નાનકડી સંખ્યા હોય. વાંશિક અને ભાષાકીય રીતે પણ પ્રજા વધુમાં વધુ બે કે ત્રણ જૂથોમાં વહેંચાયેલી હોય. આને કારણે પાશ્ચત્ય દેશોમાં તેમ જ વિશ્વના અન્ય દેશોમાં સહઅસ્તિત્વનું સ્વરૂપ ભારત કરતાં જુદા પ્રકારનું છે. બે સ્વરૂપ મુખ્યત્વે છે. કાં તો બહુમતીની શરતે લઘુમતીએ જીવવાનું અથવા ભાગીદારીની સમજૂતી. મોટા ભાગે લેખિત અને બંધારણીય.
પણ અંગ્રેજોને ભારતમાં જે સમાજ જોવા મળ્યો એ જુદો હતો. વિભક્ત પણ સંયુક્ત. જેટલા ચૂલા એટલા ચોકા અને છતાં પરસ્પરાવલંબી. એકબીજા સાથે જમે નહીં, પણ એકબીજા સાથે વહેવાર રાખે. મોટાભાગના અંગ્રેજોએ અને પાશ્ચત્ય વિદ્વાનોએ ભારતીય સમજના આ સ્વરૂપને ભારતની મર્યાદા સમજી હતી. કેટલાકને એમ લાગતું હતું કે આવા આકાર વિનાના ખીચડા જેવા સમાજમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રભાવના આકાર જ નહીં લઈ શકે એટલે અંગ્રેજો સેંકડો વરસ સુધી રાજ કરી શકશે.
થોડા દાયકાઓ પછી પાશ્ચાત્ય શિક્ષણના કારણે ભારતના કેટલાક શિક્ષિત લોકોમાં રાષ્ટ્ર, આઝાદી, આધુનિક રાજ્ય વિશેની સમજણ અને સભાનતા વિકસવા લાગી એટલે તરત અંગ્રેજોએ ભારતીય સમાજમાં વિભાજનો પેદા કરવાનું શરૂ કર્યું. એ નીતિને આપણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તરીકે ઓળખાવીએ છીએ. ફરક એ પડ્યો કે પહેલા અંગ્રેજોને એમ લાગતું હતું કે ખીચડા જેવા ભારતમાં અંગ્રેજો સેંકડો વરસ સુધી રાજ કરી શકશે. હવે નવી સ્થિતિમાં તેઓ એમ માનતા થયા હતા કે વધતી સભાનતા જોતાં તેઓ સેંકડો વરસ તો રાજ નહીં કરી શકે, પરંતુ ભારતીય સમાજમાં ભાગલા પાડીને સો-બસો વરસ તો જરૂર રાજ કરી શકશે. અંગ્રેજોને ભગલા પાડીને રાજ કરવાની નીતિ અપનાવવી પડી, એનું કારણ ખીચડા જેવા સમાજમાં રહેલી આંતરિક એકતા હતું. અંગ્રેજો માટે પણ આ વિસ્મય પેદા કરનારું તત્ત્વ હતું.
તેમનું બીજું આકલન એવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વિકસી નહીં શકે અને જો વિકસશે તો ટકી નહીં શકે. આઝાદીની માગણી કરનારા ભારતીયો સમક્ષ અંગ્રેજો આવી દલીલ પણ કરતા હતા. થોભો, પહેલાં રાષ્ટ્રીયતા વિકસાવો, વિખરાયેલા સમાજમાં એકતા વિકસાવો અને એ પછી અમને ભારત છોડવાનું કહો. એ પહેલાં જો અંગ્રેજો જતા રહેશે તો દેશમાં અરાજકતા પેદા થશે. અંગ્રેજોની આ દલીલ કેટલાક ભારતીયોને ગળે ઊતરતી પણ હતી. તેઓ આગ્રહ કરતા હતા કે આપણે પહેલાં આપણી સમસ્યાઓનો અંત લાવવો જોઈએ અને એ પછી જ આઝાદીની માગણી કરવી જોઈએ. ૧૯મી અને ૨૦મી સદીમાં જેટલા રાવ બહાદુર અને સર હતા તેમને આઝાદીની ઉતાવળ નહોતી.
એક બીજો વર્ગ પણ હતો જેને અંગ્રેજોની દલીલ તો ગળે ઊતરતી હતી, પરંતુ ઉકેલ ગળે નહોતો ઊતરતો. ખીચડા જેવા આંતરિક રીતે વિખરાયેલા સમાજમાં રાષ્ટ્ર વિકસી ન શકે એવી અંગ્રેજોની દલીલ તેમને ગળે ઊતરતી હતી, પરંતુ એનો ઉકેલ ત્રીજા પક્ષકાર તરીકે અંગ્રેજોનું અહીં ભારતમાં રહેવું એ નથી. એની જગ્યાએ ભારત બહુમતી રાષ્ટ્રવાદનું પાશ્ચાત્ય મોડેલ જ કેમ ન અપનાવી લે એવો તેમનો ઉકેલ હતો. જે પ્રજા બહુમતી ધરાવતી હોય એ પ્રજા રાષ્ટ્રનિર્માણમાં કરોડરજ્જુની ભૂમિકા ભજવે અને બીજી લઘુમતી પ્રજા તેને અનુકૂળ થઈને રહે. લઘુમતી કોમ જો સમજે તો સમજૂતી કરીને અને ન સમજે તો પરાણે શરણે પાડીને. બાકી રાહ જોતા બેસી રહેવાનું ન હોય.
બહુમતીનો અર્થ તેઓ ધાર્મિક બહુમતી કરે છે, કારણ કે ભારતમાં ધાર્મિક સિવાય બીજી કોઈ બહુમતી નથી. ભાષા, વંશ કે બીજી કોઈ પ્રકારની બહુમતી ભારતમાં નથી. ભારતમાં હિંદુ બહુમતીમાં છે, એટલે ભારતીય રાષ્ટ્રનિર્માણમાં કરોડરજ્જુનું કામ માત્ર હિંદુઓ જ કરી શકે. હિંદુઓનો આ અધિકાર અને વર્ચસ્ લઘુમતીએ સ્વીકારવું જોઈએ. એ તેમનું રાષ્ટ્ર પરત્વે કર્તવ્ય છે અને તેમણે દરેક મોકે કર્તવ્ય બજાવીને દેશપ્રેમનું પ્રમાણ આપવું જોઈએ. બહુમતી રાષ્ટ્રવાદીઓની બીજી દલીલ એવી હોય છે કે રાષ્ટ્ર સામે ખતરો પેદા થાય ત્યારે માત્ર અને માત્ર બહુમતી કોમ જ રાષ્ટ્રની પડખે ઊભી રહે છે એટલે રાષ્ટ્ર માટે સૌથી ભરોસાપાત્ર કોમ પણ બહુમતી કોમ જ હોય છે. દેખીતી વાત છે; જે રાષ્ટ્રનું નિર્માણ કરે, જે રાષ્ટ્રનું પોષણ કરે, જે રાષ્ટ્રનું રક્ષણ કરે એ રાજ કરે. લઘુમતી કોમે આ દેખીતી વાત સમજવી જોઈએ અને બહુમતી કોમના વર્ચસ્ને સહર્ષ સ્વીકારી લેવું જોઈએ. ભારતીય જનતા પક્ષ આવી વિચારધારાનું ફરજંદ છે.
બહુમતી રાષ્ટ્રવાદીઓની દલીલ તો બહુ આકર્ષક છે. શીરાની જેમ ગળે ઊતરી જાય એવી છે. જગતના અનેક દેશોમાં રાષ્ટ્રવાદનું લગભગ આવું સ્વરૂપ જોવા મળે છે અને એ બધા દેશ ટકેલા છે. બી.જે.પી. જેનું ફરજંદ છે એ વિચારધારાના પુરસ્કર્તાઓ પણ એ જ દલીલ કરતા હતા જે વૈશ્વિક અનુભવ હતો. પરેશાન કરનારા સવાલ એ છે કે તો પછી તેઓ આઝાદીની લડતમાં કેમ અગ્રેસર ભૂમિકા ભજવી ન શક્યા? અવિભાજિત ભારતના ૭૬ ટકા હિન્દુઓએ તેમની આંગળી પકડવી જોઈતી હતી અને તેમની આગેવાનીમાં આઝાદી મેળવવી જોઈતી હતી, પણ એવું બન્યું નહોતું. બીજો સવાલ એ છે કે રાષ્ટ્રવાદની શીરાની જેમ ગળે ઊતરી જાય એવી દલીલ કરતા હોવા છતાં પહેલાં જનસંઘને અને એ પછી ભારતીય જનતા પાર્ટીને સત્તા સુધી પહોંચતા છ દાયકા કેમ લાગ્યા? વળી સત્તા સુધી પહોંચ્યા પછી પણ બીજી મુદ્દત મળશે કે કેમ એની કોઈ ખાતરી નથી જે ખાતરી કોંગ્રેસ એક બે નહીં પૂરા પાંચ દાયકા સુધી ધરાવતી હતી?
કોઈક ચીજ છે ભારતીય સમાજના સ્વરૂપના આકલનમાં જે બહુમતી રાષ્ટ્રવાદીઓની પકડમાં આવતી નથી અને એવી કોઈક ચીજ હતી જે કોંગ્રેસની પકડમાં આવી ગઈ હતી જેને કારણે દાયકાઓ સુધી તેણે રાજકીય વર્ચસ્ અને સત્તા બન્ને ભોગવ્યા હતા. પછીના વર્ષોમાં એ જાદુઈ ચીજ કોંગ્રેસે ખોઈ દીધી જેને કારણે કોંગ્રેસ આજની અવસ્થામાં મુકાઇ ગઈ છે. એ કઈ ચીજ છે જેની ચર્ચા હવે પછી.
સૌજન્ય : ‘નો નોનસેન્સ’ લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 05 અૉગસ્ટ 2018