Opinion Magazine
Number of visits: 9451901
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કમ્પ્યૂટરનાં સૉફ્ટવેર, ગુજરાતી ભાષા અને ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’

સુશ્રુત પટેલ|Opinion - Literature|3 November 2017

હું લગભગ ૧૯૬૦થી વિજ્ઞાનના વિવિધ વિષયો પર ગુજરાતીમાં લખું છું અને છેલ્લાં ઠીકઠીક વર્ષોથી હાથેથી લખવાનું બંધ કરીને બધું જ કામકાજ કમ્પ્યૂટર પર કરું છું. લખવા-વાંચવાના શોખને કારણે આ દરમિયાન મારે અનેક પ્રકારના વિદેશી-દેશી સંદર્ભગ્રંથો, દેશ-પરદેશનાં સામયિકો અને વિવિધ ભાષાના વિષય પરના કોશોના ગાઢ પરિચયમાં આવવાનું બન્યું છે. વર્ષોના અનુભવ પછી ગુજરાતીમાં લખતી વખતે જે કેટલીક મુશ્કેલી લાગી છે, તેના ઉકેલ કેવી રીતે લાવી શકાય તે ધ્યાન પર લાવવા આ લખું છું. પણ સાથે એ પણ કહું કે હું કોઈ કમ્પ્યૂટર-વિશેષજ્ઞ કે ભાષાશાસ્ત્રી નથી. મને લાગે છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ અન્ય સાહિત્યિક સંસ્થાઓ એક થઈને અહીં સૂચવેલાં સૉફ્ટવેર બનાવવાની કામગીરી પાર પાડે, તો મારી માબોલી, માતૃભાષા ગુજરાતી પર બહુ મોટો ઉપકાર થશે.

(૧) કમ્પ્યૂટર પર ગુજરાતીમાં કામ કરવા માટેના અત્યારે એકથી વધુ પ્રોગ્રામ ઉપલબ્ધ છે અને તે બધા જુદા જુદા ફૉન્ટ (ટાઇપ) ધરાવે છે. પરિણામે એક પ્રોગ્રામના ફૉન્ટમાં તૈયાર કરેલું લખાણ બીજા પ્રોગ્રામના ફૉન્ટમાં બદલી શકાતું કે છાપી શકાતું નથી. વધારે મુશ્કેલી ત્યારે આવેે, જ્યારે ઇમેલથી આ લખાણ ‘નિરીક્ષક’ માટે હું તમને મોકલવાનો હોઉં ત્યારે જો તમારી પાસે પણ મારો જ પ્રોગ્રામ અને હું વાપરું છું તે જ ફૉન્ટ હશે તો તમને તે જ સ્વરૂપે લખાણ મળી જશે. તેમાં તમે ધારો તો સુધારા-વધારા પણ કરી શકશો. તે પછી તરત જ તે છાપવા માટે આપી શકશો. પણ જો કોઈ બીજો પ્રોગ્રામ હશે, તો મારે મારું લખાણ ઇમેલ કરતાં પહેલાં પી.ડી.એફ. નામે ઓળખાતી ફાઇલમાં રૂપાંતરિત કરીને મોકલવું પડશે. આવી રીતે મોકલેલા લખાણને તમે વાંચી શકશો ખરા, પણ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. તમારે એ છાપવા માટે સમગ્ર લખાણને ફરીથી તમારા કમ્પ્યૂટર પર તૈયાર કરવું પડશે. આ રીતે નવેસરથી ડેટા ઍન્ટ્રી (વિષયસામગ્રી પ્રવિષ્ટિ) કરતી વખતે મોકલેલા મૂળ લખાણમાં માનવસહજ ભૂલો આવવાનો સંભવ પણ ખરો જ. આ બધામાં સમય, શ્રમ અને પૈસાનો બગાડ થાય છે. આવું થાય છે, કારણ કે બધા ગુજરાતી પ્રોગ્રામ જૂનાજમાનાનાં રાજા-રજવાડાંઓની જેમ એકમેકને સહકાર આપતા નથી અને અંદરોેઅંદર ઝઘડતા રહે છે!૧ આની સામેે, અંગ્રેજી લખાણમાં આવું કશું જ થતું નથી. અંગ્રેજીમાં કરેલું મારું લખાણ કોઈ પણ જાતની મુશ્કેલી વગર દુનિયાના કોઈ પણ દેશમાં કોઈને પણ મોેકલી શકું છું. આમાં ઇમેલ કરનાર અને તે સ્વીકારનાર બંનેને કોઈ તકલીફ પડતી નથી. (આ બાબત દીપક મહેતાએ ‘ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકાર’ નામના તેમના પુસ્તકમાં સુપેરે સમજાવી છે. પરંતુ આ માહિતીપ્રદ પુસ્તકમાં જે ‘સાંકળિયું’, એટલે કે અનુક્રમણિકા આપી છે, તેમાં પ્રકરણ કયા પાના પર છે, તે સૂચવતા આંકડા જ નથી આપ્યા! ૨૦૧૫માં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકના પ્રકાશક ‘રંગદ્વાર પ્રકાશન’ છે. પરંતુ હવે તો ગુજરાતી પ્રકાશકોનાં લગભગ બધાં જ પુસ્તકોમાં આવી બધી ભૂલો જોવા મળે છે. આવું બધું આપણને કોઠે પડી ગયું હોય તેવું લાગે છે. અગાઉનાં પુસ્તકોમાં શુદ્ધિપત્રક આવતાં, પણ હવે તે ભાગ્યે જ જોવા મળે છે.)

જુદા-જુદા ગુજરાતી પ્રોગ્રામો વચ્ચે સુમેળ ન હોવાને કારણે ઉપર્યુક્ત સમસ્યા ઉપરાંત બીજી પણ એક અડચણ ઊભી થાય છે. ધારો કે તમે જૂનો પ્રોગ્રામ વાપરતા હો અને હવે તમારે કોઈ કારણસર કોઈ બીજા પ્રોગ્રામરનો (જુદી કોઈ કંપનીનો) નવો પ્રોગ્રામ વાપરવો હોય, ત્યારે જૂના ગુજરાતી પ્રોગ્રામ પર કરેલું બધું જ કામ તમારે નવેસરથી કરવું પડે છે. અંગ્રેજી ભાષામાં કોઈ પણ પુરાણો પ્રોગ્રામ નવા પ્રોગ્રામને કે પછી તે જ પ્રોગ્રામના નવા વર્ઝનને સહેલાઈથી અપનાવી લે છે.

મારી દૃષ્ટિએ ગુજરાતી પ્રોગ્રામોના શંભુમેળા વચ્ચે સુમેળ સાધવાના બે ઉપાય છે. બધા જ પ્રકાશનગૃહોએ, લેખકોએ તથા બાકીના બધા નાગરિકોએ હવે પછી એક જ ગુજરાતી પ્રોગ્રામ વાપરવો અને તેમાં ઇન્સ્ટૉલ કરેલા ફૉન્ટ જ વાપરવા. પણ આ માટે હવેે ઘણું મોડું થઈ ગયું છે અને બધાએ પોતપોતાના ચોકા બનાવી લીધા છેે, એટલે આમ કરવું અશક્ય છે. બીજો વિકલ્પ એ છે કે આ બધા પ્રોગ્રામોેની વચ્ચે સેતુ બનતો કોઈ નવું જ સૉફ્ટવેર બનાવવું. મતલબ કે કમ્પ્યૂટરના સૉફ્ટવેર-પ્રોગ્રામ બનાવતા નિષ્ણાતો પાસે એક પ્રોગ્રામના કોઈ પણ ફૉન્ટમાં રૂપાંતરિત કરી શકે તેવા ગુજરાતી પ્રોગ્રામ બનાવડાવવા.

આ ઉપરાંત, ત્રીજો વિકલ્પ એ છે કે એવા પ્રોગ્રામ બનાવવા કે જે નૉન-યુનિકોડને આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ધોરણ પ્રમાણે ફૉન્ટ એટલે કે યુનિકોડમાં ફેરવી શકે અને યુનિકોડને વળી પાછા નૉન-યુનિકોડ ફૉન્ટમાં  પરિવર્તિત કરી શકે. જેમ કે, ‘સાર્થ ગૂજરાતી જોડણીતપાસ (સ્પેલચેક)’ નામના એક પ્રોગ્રામમાં કલાપી ફૉન્ટને યુનિકોડમાં અને યુનિકોડને કલાપી ફૉન્ટમાં પરિવર્તિત કરતી સગવડ છે. પણ માત્ર કલાપી ફૉન્ટ જ શા માટે ? અલબત્ત, આવું કામ બજાવી શકે તેવા બીજા પણ ઠીકઠીક પ્રોગ્રામો ઑનલાઇન જોવા મળે છે, પણ તે બધામાં પણ અમુક જ ગુજરાતી ફૉન્ટ વાપરી શકાય છે. વળી, ગુજરાતી મૂળ લખાણમાં અંગ્રેજી ભાષાના વર્ણો હોય, તો તે રૂપાંતરિત થાય છે, પરંતુ હિન્દી ભાષાના વર્ણો રૂપાંતરિત નથી થઈ શકતા. જો લખાણમાં હિન્દી કે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો હોય તો શું? આપણે તો બધા જ ગુજરાતી પ્રોગ્રામના બધા જ ફૉન્ટને (અને લખાણમાં આવતા હિન્દી અને સંસ્કૃત શબ્દોને પણ) આ રીતે પરસ્પર પરિવર્તિત કરી શકે, તેવો પ્રોગ્રામ બનાવવાની વાત કરીએ છીએ.

વળી, યુનિકોડ ફૉન્ટની કેટલીક મર્યાદાઓ છે. જેમ કે, CorelDRAW અને Microsoft Office Word વગેરે પ્રોગ્રામમાં તે પૂર્ણપણે કામ કરતા નથી. મતલબ કે તેમાં સીધેસીધું લખાણ થઈ શકતું નથી – આ ફૉન્ટનું લખાણ માત્ર કૉપી અને પેસ્ટ જ થઈ શકે છે. એટલે કોરલડ્રૉમાં કરેલી આકૃતિઓને લેબલ આપવાનું કે સુધારા કરવાનું કામ મુશ્કેલ બને છે. જો પેજમેકરની વાત કરીએ, તો તેમાં આ ફૉન્ટ બિલકુલ ચાલતા જ નથી.

વળી, મારો અનુભવે કહે છે કે ગુજરાતીમાં ટાઇપ કરવામાં ફોનેટિક કીબૉર્ડ (phonetic keyboard) જેવું સરળમાં સરળ એક પણ કીબોર્ડ નથી. શાળામાં ભણતો વિદ્યાર્થી જ નહીં, થોડું અંગ્રેજી અને ગુજરાતી જાણતી કોઈ પણ વ્યક્તિ માત્ર દસેક મિનિટમાં જ તે શીખીને તેની મદદથી ગુજરાતીમાં અત્યંત સરળતાથી ટાઈપ કરી શકે છે. તેમ છતાં ય ઘણા ગુજરાતી પ્રોગ્રામો આ કીબૉર્ડની સગવડ આપતા નથી. એટલે આવું સૉફ્ટવેર તૈયાર કરતી વખતે અન્ય પ્રકારના કીબૉર્ડની સાથે ફોનેટિક કીબૉર્ડ તો જરૂર આપવું જ.

(૨) આપણા લેખકોએ અને પ્રકાશકોએ છેલ્લાં કેટલાંક વર્ષોથી જૂજ અપવાદને બાદ કરવાં, વિજ્ઞાનના, જીવનચરિત્રોના તથા તે પ્રકારનાં માહિતીસભર પુસ્તકોમાં સૂચિ (index) આપવાનું બંધ કર્યું છે. સામાન્યતઃ આવી સૂચિ પુસ્તકમાં આવતાં વિશેષ નામોની અને વિષયોની હોય છે. આવી સૂચિ ક્યાં તો આવાં બે અલગ શીર્ષક હેઠળ હોય કે પછી ભેગી. આ સિવાય બીજી બાબતોને આવરી લેતી સૂચિ પણ જોવા મળે છે. ક્યારેક ચિત્રો, આકૃતિઓ, ફોટોગ્રાફ વગેરેની અલગથી સૂચિ પણ હોય છે. અંગ્રેજી ભાષાનાં ચાહે તે બાળકો માટેનાં હોય છે પછી મોટેરાં માટેનાં હોય – તમામ સંદર્ભપુસ્તકોમાં કે આ પ્રકારનાં અન્ય પુસ્તકોમાં આવી વિવિધ સૂચિ અચૂક જોવા મળે છે. સૂચિની મદદથી તમે પુસ્તકના કયા પાના પર કઈ માહિતી કે ચિત્ર છે, તે તરત જ શોધી શકો છો. આ સૂચિનું મહત્ત્વ એટલું બધું છે કે તેને આધારે વાચક હાથમાં લીધેલું પુસ્તક તેના કામનું છે કે નહીં તે ફક્ત પાંચ જ મિનિટમાં નક્કી કરી શકે છે! હું પણ આમ જ કરું છું. કોઈ પણ વિષયમાં પુસ્તક યા તો પછી મનગમતા વિષયના સાવ અજાણ્યા લેખકના પુસ્તકની ખરીદીમાં તેમાં આપેલી સૂચિ અને અનુક્રમણિકા (contents) પુસ્તક-ખરીદીમાં ઉપકારક બને છે. અને આ રીતે પુસ્તક ખરીદ્યા પછી હું ક્યારેક પસ્તાયો હોઉં તેવું બન્યું નથી.

એક ઉદાહરણ આપું. મારી સામે જગદીશચંદ્ર બોઝના જીવનચરિત્ર પરના બે અલગ લેખકોએ લખેલાં પુસ્તકો પડ્યાં છે. હવે મને ખબર છે કે બંગાળના વૈજ્ઞાનિક કાચબાનાં ઈંડાં ખાવાના ભારે શોખીન હતા, પણ બહુ ઓછા લોકો આ વાત જાણે છે. બંને પુસ્તકોની સૂચિમાં આ વિગતો હું શોધું છું. જે પુસ્તકની સૂચિમાં આ વાતનો ઉલ્લેખ હોય, તેનો અર્થ એ થયો કે તેના લેખકે આવી નાની વાતને પણ ધ્યાનમાં લીધી છે, તો હું ન જાણતો હોઉં, તેવી બીજી પણ ઘણી બાબતો પુસ્તકમાં સમાવેલી હોઈ શકે! પછી લેખકે બોઝની વૈજ્ઞાનિક શોધોને કેવી રીતે રજૂ કરી છે, તેમાં વિજ્ઞાન ખરેખર કેટલું છે, સાથે આકૃતિઓ આપી છે કે કેમ તેની ચસાસણી પણ હું અનુક્રમણિકા અને સૂચિની મદદથી કરી લઉં છું. બસ, પછી બેમાંથી કયા લેખકનું પુસ્તક લેવું તે સરળ બની જાય છે.

આ ઉપરાંત પુસ્તકમાં સૂચિ હોવાના બીજા અનેક ફાયદા છે. સાચી વાત એ છે કે કોઈ પણ પુસ્તકની સૂચિ લેખકે લખવામાં કરેલી મહેનતનો માપદંડ છે. લોકબોલીમાં કહીએ તો સૂચિ પુસ્તકની આખેઆખી ‘કૂંડળી’ ખોલી આપે છે ! જે લોકો અંગ્રેજી પુસ્તકો ઑનલાઇન ખરીદે છે, તેમને ખબર હશે કે પ્રકાશકો પુસ્તકોના જે થોડાં ઘણાં પાનાં ડિસ્પ્લે કરે છે, તેમાં અનુક્રમણિકા સાથે સૂચિ તો અચૂક હોય જ છે. આ હકીકત અનુક્રમણિકાની સાથે સૂચિની અનિવાર્યતા પણ પુરવાર કરે છે. અનુક્રમણિકા પુસ્તકનો નકશો છે, તો સૂચિ તે નકશાની વિગતોમાં લઈ જતી ચાવી છે. યાદ રહે, અહીં આપણે કાગળ પર મુદ્રિત-પ્રિન્ટેડ-પુસ્તક(p-book)ની વાત કરીએ છીએ, પણ આ વાત ઇલેક્ટ્રૉનિક-પુસ્તક(e-book)ને પણ એટલી જ સ્પર્શે છે. ઇ-બુક વાંચવા માટેના e-reader આવી સુવિધા ભલે ધરાવતા હોય તો પણ પુસ્તકમાં સૂચિનું મહત્ત્વ ઓછું થતું નથી. વળી, મોટા ભાગનાં ઇ-પુસ્તકો આવે છે, તો મુદ્રિત પુસ્તકોમાંથી જ!

પણ આપણા પ્રકાશકો, અને ખાસ કરીને લેખકો આવી સૂચિ બનાવતા નથી, કારણ કે તેમાં ગુજરાતી કક્કાવારી પ્રમાણે શબ્દોને ગોઠવવામાં ઘણી કડાકૂટ છે. ગુજરાતી ભાષામાં એકએક મૂળાક્ષર માટેનાં અલગ કાર્ડ બનાવવા પડતાં હોય છે. તો એ પણ હકીકત છે કે ગુજરાતીભાષી લોકોને અને આપણા ઘણાં લેખકોને પણ, કક્કાવારીનો ક્રમ યાદ રહેતો નથી. તેના પ્રમાણમાં અંગ્રેજી વર્ણમાળા યાદ રાખવી સરળ છે. અંગ્રેજી લખાણોમાં આડાતેડા મૂકેલા શબ્દોને (કે મૂળાક્ષરોને) યોગ્ય આદેશ (કમાંડ) આપતાં જ સેકંડમાં a, b, c … પ્રમાણે અને જો તમે ઇચ્છો તો z. y, z …. એવા ઊંઘા ક્રમમાં પણ ગોઠવી દે છે! આખો ય કક્કો કોશની રીતે ગોઠવી આપે તેવો એક પણ પ્રોગ્રામ આજ સુધી બનાવવાની તસ્દી આપણે લીધી નથી! વળી, જો આવા પ્રોગ્રામ હોય, તો મુખ્ય લખાણમાં આવતાં શબ્દો, નામોની યાદી, કોષ્ટકમાં લખાણો, સંદર્ભો, સહાયક ગ્રંથો કે સંદર્ભસૂચિ વગેરેને પણ કક્કાવારી પ્રમાણે ગોઠવીને લખાણને વધુ વ્યવસ્થિ કરી શકાય. વળી મોટામાં મોટો ફાયદો એ થશે કે વિવિધ પ્રકારના ગુજરાતી જોડણીકોશો અત્યંત ઝડપથી અને બહુ ચોકસાઈથી તૈયાર કરી શકાશે! આ રીતે આવા પ્રોગ્રામની મદદથી ન કેવળ પુસ્તકની  સૂચિ તૈયાર કરી શકાશે, બીજા પણ અનેક લાભ મળશે. એટલે જેટલી જરૂર ગુજરાતી સ્પૅલચેકર પ્રોગ્રામની છે તેટલી જ; બલ્કે તેથી પણ વધુ જરૂર, શબ્દવ્યવસ્થા કક્કાવારી ધોરણે ગોઠવી આપે તેવા કોઈ પ્રોગ્રામની છે. કબૂલ કે અ-અં-અ; આ,ઇ,ઈ … ક-ક્ષ, ખ, ગ … વગેરે મૂળાક્ષરો કક્કાવારી મુજબ ગોઠવવા અંગ્રેજી મૂળાક્ષકોને ક્રમમાં ગોઠવવા જેટલું સહેલું નથી, પણ કોઈક ક્યારેક તો શરૂ કરવું જ પડશે.

વળી, આ પ્રકારના અંગ્રેજી પ્રોગ્રામમાં લખાણના કયા પાના પર કયો શબ્દ છે, તે પણ શોધી શકાય છે, તેથી સૂચિ બનાવવામાં તો સરળતા રહે જ છે, પણ લખાણમાં સુધારો પણ બહુ જ ઝડપથી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ લેખકે ૪૦૦ પાનાંની નવલકથા લખીને પૂરી કરી. પણ પછી તેને લાગે છે કે તેમાંના એક પાત્રનું નામ ‘મગનભાઈ’ બદલીને ‘છગનભાઈ’ કરવું છે, તો એક-બે કમાન્ડ આપતાં જ સમગ્ર પુસ્તકમાં તેવો ફેરફાર થઈ જશે! હા, ગુજરાતી ડિજિટલાઇઝ લખાણમાં હાલમાં કોઈ શબ્દને આવી રીતે પાનેપાને શોધી આપતી અને સુધારી દેતી કામગીરી થઈ શકે છે ખરી, પણ એની વિધિ જરા વધુપડતી અટપટી છે. તેને સહેલી કરવી જરૂરી છે. તેવી રીતે, મિત્ર અપૂર્વ આશર કે પછી અશોકભાઈ કરણિયા જેવા ગણ્યાંગાંઠ્યા જાણકાર ડિજિટલાઇઝ ગુજરાતી શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવી શકે તેવી તેમણે પોતે વિકસાવેલી પદ્ધતિનો ઉપયોગ કરીને આ કામ કરી રહ્યા છેેેેેેે. પરંતુ આ તો અપવાદ થયા. એટલે કક્કાવારી પ્રમાણે શબ્દોને ગોઠવી આપતો અને કયા પાના પર કયો શબ્દ છે, તે શોધી આપતો સૌ કોઈ વાપરી શકે તેવો સહેલો પ્રોગ્રામ બનાવવો જરૂરી છે. આમ કરવાથી આપણા લેખકો વધુ સજાગ બનશે અને ભાષાવૈભવ વધવાની સાથે ગુજરાતી પુસ્તકોની ગુણવત્તા અને પ્રમાણભૂતતા પણ વધશે. અને જો વાચક પણ સૂચિ જોવા ટેવાયેલા હશે, તો આવા પુસ્તકની પસંદગી સરળ બનશે અને વેચાણમાં વધારો થશે.

ઉપર આપેલું વૈજ્ઞાનિક બોઝનું ઉદાહરણ જરા જુદા સંદર્ભમાં મૂકીએ.  ચકોર વાચક, સૂચિ જોઈને નક્કી કરી શકશે કે લેખક વિષયને કેટલા વફાદાર રહ્યા છે. જે લેખક સૂચિમાં વધારેમાં વધારે વિષય (topics) સમાવ્યા હશે, વધારેમાં વધારે ઍન્ટ્રી કરી હશે, તે પુસ્તક પહેલી પસંદગી પામશે. સ્વાભાવિક છે કે જાગૃત વાચક તે પુસ્તક જ ખરીદશે. મતલબ કે જે પુસ્તકમાં સૂચિ સમૃદ્ધ હશે, તેનું વેચાણ પણ વધુ થશે. સમય જતાં બીજા લેખકો હવે પછીના તેમના બીજા પુસ્તકમાં વધુ ચોકસાઈ રાખવા પ્રેરાશે.

સૂચિની ઉપયોગિતા બીજી પણ છે. પુસ્તક વાંચ્યા પહેલાં જ નહીં. વાંચ્યા પછી પણ તેની મદદથી વાચક, કયો ટૉપિક કયે પાને છે, વગેરે જેવી ઉપયોગી માહિતી સહેલાઈથી મેળવી શકશે. વાંચતી વખતે અગર સૂચિમાં જરૂરી શબ્દ સામે ‘ટિક’ જેવી નાની નિશાની કરી હશે તો પુસ્તક વાંચ્યા બાદ વર્ષો પરથી પણ વાચક માટે ઇચ્છિત માહિતી સુલભ બનશે.

અહીં એક વાતની જિકર કરવી જોઈએ. ગુજરાતી કક્કાવારી મુજબ આપમેળે શબ્દો ગોઠવી આપે, તેવો કોઈ પ્રોગ્રામ ન હોવાથી તેની અવેજીમાં આપણાં વર્તમાનપત્રોએ એક વહેવારુ (!) રસ્તો અપનાવ્યો છે : ‘શૅરોની વધઘટ વગેરેની માહિતી આપતી સૂચિ અંગ્રેજી કક્કાવારી હેઠળ ગુજરાતીમાં મૂકવાની! જેમ કે, છમાં ‘એપોલો’ અને ‘અરવિંદ’ આવે. જીમાં ‘સીમેન્સ’ અને ‘શ્રી રામ’ આવે, તો ઢમાં ‘ઝી ટેલિફિલ્મ’ અને ‘ઝાયડસ’ આવે! જરૂરિયાત શોધની જનની છે, તેવી અંગ્રેજી ઉક્તિનો આ બેનમૂન (!) દાખલો છે! ગુજરાતી ભાષાના હિતચિંતકો અને જેમની પાસે તેને સંવર્ધિત કરવાની સગવડ છે, તેવી સંસ્થાઓ જો આ દિશામાં કશું નહીં કરે તો તે આમ જ થવાનું છે.

સૂચિ અંગે આટલું વિગતે આલેખ્યું છે. કારણ કે મારો અનુભવ છે કે આપણા કેટલાક સાહિત્યકારો, ગુજરાતીના અધ્યાપકો, પીએચડી-પદવીધારકોને અને વિજ્ઞાન-લેખકોને પણ, સૂચિનું શું મહત્ત્વ છે, તેની જાણકારી નથી.

અચ્છા ત્યારે, આટલા સૂચિ-પુરાણ પછી પછી કમ્પ્યૂટરમાં ગુજરાતી લખાણ કરતા ઉદ્ભવતી કેટલીક મુશ્કેલીઓ જોઈએ.

(૩) કમ્પ્યૂટર બે અક્ષરો વચ્ચે જગ્યા હોય તેને બે અલગ શબ્દ સમજીએ તેમને છૂટા લખે છે. જેમકે, ‘ઈસવીસન’ માટે સંક્ષિપ્ત ‘ઈ. સ.’ છે. હાથથી લખાણ કરીએ તો આ બરાબર છે, કારણ કે આપણે તેને ‘ઈ.’ અને ‘સ.’ વચ્ચે જગ્યા રાખીને એક જ પંક્તિમાં મૂકી શકીએ છીએ. પણ કમ્પ્યૂટરમાં આમ કરતું નથી. ‘ઈ.સ.’ શબ્દસમૂહને તે બે અલગ શબ્દો ગણે છે. એટલે તેના પર લખતા હોઈએ, ત્યારે જો આ શબ્દ પંક્તિને છેવાડે આવે તો કમ્પ્યૂટર તેને એક સાથે નહીં દર્શાવે. ઉપરની પંક્તિમાં ‘ઈ’ મૂકશે અને તેની સાથે નીચેની પંક્તિમાં ‘સ’. મૂકશે. મતલબ કે બંનેને છૂટા પાડીને તેમને ઉપર-નીચેની પંક્તિમાં મૂકી આપશે. આવો જ બીજો શબ્દગુચ્છ ‘ઈ. સ. પૂ. છે, જેને કમ્પ્યૂટર તેમની વચ્ચે જગ્યા હોવાથી તેને ત્રણ અલગ શબ્દ ગણશે. આવું લખાણ છપાય, ત્યારે દેખાવમાં તો સારું નથી જ લાગતું; વાંચવામાં પણ થોડો વિક્ષેપ કરે છે.

મુદ્રણ વધુ અણઘડ તો ત્યારે લાગે છે કે જ્યારે વાક્યને છેડે કેટલાંક વિરામચિહ્નો આવે છે. મોટા ભાગનાં વિરામચિહ્નો વાક્યના છેલ્લા અક્ષરને અડીને લખાય છે પરંતુ ગુરુવિરામ કે મહાવિરામ (colon) જેવાં અમુક વિરામચિહ્નો આમાં અપવાદ છે. આવાં વિરામચિહ્નો વાક્યના છેલ્લા શબ્દથી થોડે છેટે મૂકીને લખાય છે. જેમ કે, ‘એક કામ કરઃ ગામમાં જઈ, લોટ લઈ આવ.’ અહીં જે ગુરુવિરામ છે, તેને કમ્પ્યૂટર અલગ શબ્દ ગણે છે. એટલે આ વાક્ય લખતાં જો ‘… કર :’ છેલ્લી પંક્તિમાં આવશે, તો કમ્પ્યૂટર તેને ઉપર-નીચેની પંક્તિમાં વહેંચી નાંખશે. મતલબ કે ‘કર’ ઉપરની પંક્તિમાં અને ગુરુવિરામ (ઃ) તે પછીની પંક્તિમાં મૂકશે. અંગ્રેજીમાં ગુરુવિરામ જુદું નથી લખાતું. જો ગુજરાતીમાં આવું કરવા જઈએ, તો વિસર્ગનું શું ? કારણ કે હકાર જેવો ઉચ્ચાર કરવાનું વિસર્ગચિહ્ન (ઃ) અને ગુરુવિરામચિહ્ન (ઃ) બંને સરખાં છે. ગુરુવિરામ શબ્દથી છૂટું પાડીને, જ્યારે વિસર્ગ શબ્દ જોડીને લખાય છે. જેમકે, સંભવતઃ, સામાન્યતઃ, અંશતઃ, પ્રાયઃ વગેરે.

વળી, આ ઉપરાંત ક્યારેક આશ્ચર્યવિરામ (!) કે પછી અવતરણચિહ્નો જેવાં વિરામચિહ્નોમાં પણ જો કમ્પ્યૂટરમાં કીબૉર્ડ પર ટાઇપ કરતા જગ્યા રહી ગઈ હોય તો પણ આવું જ પરિણામ આવે છે.

દિવસે-દિવસે કમ્પ્યૂટર પર લખવાની કામગીરી વધવાની જ છે, તેને ધ્યાનમાં લઈને આપણા ભાષાવિદોએ કમ્પ્યૂટર, લખાણની આવી સમસ્યા પણ હલ કરવાની રહેશે. આમ પણ જોવા જઈએ તો, એકમાત્ર પૂર્ણવિરામ બાદ કરતાં, આપણી ભાષાનાં બધાં જ વિરામચિહ્નો ૧૯મી સદીમાં સીધેસીધાં બ્રિટિશ અંગ્રેજીમાંથી જ આવ્યાં છે અને હજુ આજે પણ તેમાં ખાસ કશા ફેરફાર વિના આપણે તેને જ વળગી રહ્યાં છીએ. ટૂંકમાં અંગ્રેજીમાંથી જ આવ્યાં છે અને હજુ આજે પણ તેમાં ખાસ કશા ફેરફાર વિના આપણે તેને જ વળગી રહ્યા છીએ. ટૂંકમાં, કમ્પ્યૂટરને ધ્યાનમાં રાખીને શું છૂટું ને શું ભેગું લખવું તે માટેના જૂના નિયમોમાં ફેરફાર કરવા પડશે. આ સમસ્યાના નિરાકરણ માટે ‘ઈસવીસન’ માટે સંક્ષેપમાં ફક્ત ‘ઈ.’ જ લખી શકીએ અથવા તો પછી ‘ઈ.સ.’ અને ‘ઈ.સ.પૂ.’ એમ ભેગું લખી શકીએ.

અંગ્રેજી (અને મોટા ભાગના હિંદી) ભાષાના મુદ્રણમાં આ પ્રકારની, એટલે કે વિરામચિહ્નોવાળી મુદ્રણક્ષતિ ક્યારે ય જોવા નથી મળતી. આમ કેમ? શું આવું થતા રોકે તેવાં પણ કોઈ સૉફ્ટવેર હશે ? ડેટાએન્ટ્રી વખતે વધુ કાળજી લેવાતી હશે?

આવી એક બીજી અવ્યવસ્થા કૌંસમાં મૂકેલા લખાણ સંબંધી છે. ઉદાહરણ રૂપે આ વાક્ય જુઓ : (૧) ઘન બળતણના રૉકેટમાં મુખ્યત્વે પૉટૅશિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે. (૨) ઘન બળતણના રૉકેટમાં મુખ્યત્વે પોટૅશિયમ નાઈટ્રેટ (Potassium Nitrate)નો ઉપયોગ થાય છે. (૩) ઘન બળતણના રૉકેટમાં મુખ્યત્વે પોટૅશિયમ નાઇટ્રેટ(Potassium Nitrate)નો ઉપયોગ થાય છે. (૪) ઘન બળતણના રૉકેટમાં મુખ્યત્વે પોટૅશિયમ નાઇટ્રેટ (Potassium Nitrate)નો ઉપયોગ થાય છે.

આ ચાર વાક્યમાંથી પહેલાં બે સાચાં છે. અથવા એમ કહી શકાય કે હાલના જોડણીના નિયમ મુજબ સાચાં છે. ધ્યાનથી જોશો તો જણાશે કે (૧)માં ‘પોટેશિયમ નાઇટ્રેટનો’ છે અને (૨)માં ‘પોટૅશિયમ નાઇટ્રેટ’(Potassium Nitrate)નો છે. પણ હાલમાં ઘણાં લખાણોમાં (૩) અને (૪)માં દર્શાવ્યા મુજબ પ્રત્યય અલગ તેમ જ શબ્દો વચ્ચે બિનજરૂરી જગ્યા રાખવામાં આવે છે. આવું એક ઉદાહરણ ‘નિરીક્ષક’માં જ જોવું હોય, તો જુઓ ૧૬-૬-૨૦૧૭નો અંક,પૃ. ૧૫, પહેલી કૉલમ, લેખનું પહેલું વાક્ય. આમ કેમ લખાતું હશે તે સમજવું મુશ્કેલ છે. ઉપર જોયું તેમ, શું કમ્પ્યૂટરને ધ્યાનમાં રાખીને તો આમ નહીં લખાતું હોયને? જો આમ જ હોય તો શું છૂટું ને શું ભેગું લખવું તે માટેના જૂના નિયમોમાં આ બાબતે પણ વિચાર કરવો રહ્યો.

(૪) હવે ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ અંગેની વાત કરીએ. સન્ ૨૦૧૭ની છેલ્લી આવૃત્તિ કેટલીક બાબતોમાં અગાઉની આવૃત્તિઓ કરતાં ચડિયાતી છે, તેમાં કશી શંકા નથી. તેના પ્રત્યેક પૃષ્ઠ પર નીચે ગુજરાતી મૂળાક્ષરો તેમના ક્રમમાં આપ્યા છે તે બહુ ઉપકારક છે. પણ બીજી વાત કરીએ તે પહેલાં જ કબૂલ કરું કે હું કોઈ ભાષાશાસ્ત્રી નથી. સામાન્ય માનવીને થાય તેવું એક કૂતૂહલ મને પણ થાય છે તે એ કે અંગ્રેજી શબ્દકોશોમાં શબ્દોની સચોટ સમજ મળે તે આશયથી સાથે ટચૂકડાં ચિત્રો કે સુરેખ આકૃતિઓ (મોટે ભાગે એકરંગી કે પછી બહુરંગી) આપવામાં આવે છે.  જરૂર  પડે ત્યાં આકૃતિને લેબલથી અંકિત પણ કરેલી હોય છે. આપણે ગુજરાતીમાં આવું કરી શકીએ. જેમ કે, હાથના પંજાની આકૃતિને અંગુષ્ઠ, તર્જની, મધ્યમાં, અનામિકા અને કનિષ્ઠિકા, એવા નામનાં લેબલ મારીને દર્શાવી શકાય. આમ કરવાથી જેને થોડુંઘણું પણ વાંચવાં આવડતું હોય, તેને તરત જ સમજાઈ જશે કે આ નામો કઈ કઈ આંગળીનાં છે.

ઉપેન્દ્ર ભટ્ટ અને રતિલાલ સાં. નાયકનો ‘નાનો કોશ’ (બેતાલીસમી આવૃત્તિ, ૨૦૧૪) આવાં એકરંગી ચિત્રો (ખાસ કરીને પંખીઓનાં) ધરાવે છે. (આ બંને વિદ્વાન કોશકારોના હાથ નીચે અભ્યાસ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે.) વર્ષો પહેલાં રંગીન ચિત્રોયુક્ત બાળકો માટેનો એક સરસ ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ સંભવતઃ ઑક્સફર્ડ પ્રકાશન સંસ્થાએ બહાર પાડ્યો હતો. હિંદીના કેટલાક કોશ પણ આવી રીતે ચિત્રો આપે છે. ગૂજરાત વિદ્યાપીઠ જેવી માતબર સંસ્થા આવું ન કરી શકે?

(૫) હવે સાર્થ જોડણીકોશમાં ખગોળને લગતા કેટલાક શબ્દો જોઈએ. તેમાં પૃષ્ઠ ૮૨ ઉપર ‘આકાશગંગા’ અને પૃ. ૪૯૬ પર ‘તારામંડલ(-ળ)’ ‘તારાવિશ્વ’ અને પૃ. ૭૯૫ પર ‘મંદાકિની’ શબ્દો જુઓ. આ ચાર પ્રવિષ્ટિની જે વ્યાખ્યા આપી છે, તે બરાબર નથી અથવા કહો કે ખોટી કે અધૂરી છે અને તેથી ગેરસમજ થાય તેમ છે. જરા વિગતે જોઈએ.

અંગ્રેજીમાં આકાશગંગાને ‘Milky Way’,’, તારાવિશ્વને ‘Galaxy’ અને તારામંડળને ‘Constellation’ કહે છે. તારાવિશ્વ એટલે તારાઓનો સમૂહ. વિરાટ તારાનગરી, બ્રહ્માંડમાં ઘણાં બધાં તારાવિશ્વો છે. આપણો સૂર્ય અને તેનો પરિવાર જે તારાવિશ્વમાં આવેલા છે, તે પણ આવું જ એક તારાવિશ્વ છે. પરંતુ સમજવામાં ભૂલ ન થાય અને અન્ય તારાવિશ્વોથી, અલગ પાડવા માટે અંગ્રેજીમાં તેને ‘Galaxy’ ન કહેતા ‘The Galaxy’ કહેવાય છે. આમાં G હંમેશાં કૅપિટલ લેટરમાં લખાય છે અને તે એકમાત્ર (અદ્વિતીય) તારાવિશ્વ છે તે સૂચવવા – માનવીનો અહંકાર કહો કે પછી તે કહો, પણ તેની પૂર્વે definite article ‘The’ (ભારવાળો ધી) અવશ્ય મૂકવામાં આવે છે. આમ, તેનો ઉચ્ચાર ‘ધી ગૅલેક્સી’ એવો થાય છે. ગુજરાતીમાં આ માટે ‘આપણું તારાવિશ્વ’, ‘આકાશગંગાવિશ્વ’ તેમ જ ‘મંદાકિનીવિશ્વ’ એવાં નામો છે. અંધારી રાત્રે, શહેરથી દૂર જઈએ એટલે આકાશગંગા એક ચળકતા સફેદ પટ્ટારૂપે દેખાય છે. કોઈ અતિ વિશાળ મહેલના એક રૂમમાંથી બારીની બહાર જોઈએ, તો મહેલની એક પાંખ દેખાય. આખો મહેલ ન દેખાય. તેવી રીતે, પૃથ્વી પરથી જોતાં આપણે જેમાં રહીએ છીએ, તે તારાવિશ્વનો ફક્ત એક ભાગ જ જોઈ શકીએ છીએ. તે ભાગ એટલે આકાશગંગા. આમ, ખગોળવિજ્ઞાનની દૃષ્ટિએ ‘તારાવિશ્વ’ (Galaxy) અને ‘આપણું તારાવિશ્વ’ (The Galaxy કે Milky Way) બે અલગ બાબત છે. ખગોળનાં લખાણોમાં આ રીતે બે અલગ નામ આપી દેવાથી વાચકને સમજવામાં ઘણી સરળતા થઈ જાય છે. જેમ કે, દેવયાની નામનું તારાવિશ્વ આપણા તારાવિશ્વની (અથવા મંદાકિનીવિશ્વની) નજદીક આવેલું છે.

હવે આટલી મૂળભૂત જાણકારી પછી કોશમાં શું આપ્યું છે, તે જોઈએ.

આકાશગંગા = આકાશમાં રાતે અસંખ્ય ચાંદરણીઓનો જે લાંબો, સફેદ, ચળકતો પટ દેખાય છે તે.

તારાવિશ્વ = આકાશગંગા

મંદાકિની = ગંગા (૨) આકાશગંગા

કોશ મુજબ આનો અર્થ એવો થાય કે આકાશગંગા, તારાવિશ્વ અને મંદાકિની બધું એકનું એક જ છે! આપણા એક હાથને આખું શરીર કહીએ તેના જેવું! આના સંદર્ભે ઉપર આપેલા ઉદાહરણને લખવું હોય, તો આમ લખાય : ‘દેવયાની નામની આકાશગંગા (અથવા મંદાકિની) આકાશગંગાની (અથવા તારાવિશ્વની) નજદીક આવેલી છે. અથવા તો ‘દેવયાની નામની મંદાકિની (અથવા આકાશગંગા) રાત્રે દેખાતી આકાશગંગાની નજદીક આવેલી છે.’ – કેવા અનર્થ સર્જાય છે તે જુઓ!

આવો એક બીજો શબ્દ તારામંડળ છે તેની વ્યાખ્યા આમ આપી છે :

તારામંડળ = બધા તારાઓનો સમૂહ (૨) એક જાતનું દારૂખાનું.

કોઈ પણ એક સમયે, આકાશમાં નરી આંખે જોઈ શકાતા તારાઓની સંખ્યા માંડ અઢીથી ત્રણ હજારની છે. બંને ગોળાર્ધમાં થઈને આકાશમાં નરી આંખે દેખી શકાય તેવા આશરે પાંચથી છ હજાર તારા છે. બાયનોક્યુલર અને શક્તિશાળી દૂરબીનથી જોઈએ, તો તો ઘણા બધા. કદાચ અબજો કે એથી પણ ક્યાં ય વધારે. કોશની વ્યાખ્યા મુજબ જોઈએ તો બધા ‘તારાઓનો સમૂહ’ એટલે શું સમજવું? બધા એટલે કયા-કયા તારા? શું આ બધા તારાના સમૂહને તારામંડળ કહેવાય? ખગોળશાસ્ત્રીઓએ પાસેપાસે હોવાનો આભાસ ઊભો કરતા કેટલાક તારાઓના સમૂહને તારામંડળ એટલે કે ‘Constellation’ નામ આપ્યું છે. જરા વિગતે જોઈએેેે તો, સન ૧૯૩૦માં આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘે (International Astronomical Union) લીધેલો નિર્ણય મુજબ તારાઓને એક નિશ્ચિત ભાતમાં (પૅટર્નમાં) ઢાળીને એવા કુલ ૮૮ આકારો અને તેમની સરહદો આંકવામાં આવી છે. વળી, એ દરેકના પ્રચલિત નામમાંથી ત્રણ અક્ષરનો સંક્ષેપ નક્કી કરી, તેની એક પ્રમાણભૂત યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આધુનિક નકશાપોથીઓ કે પુસ્તકોમાં પણ આ જ ધોરણે તે બધાં દર્શાવાય છે. આવા કાલ્પનિક આકારોને અંગ્રેજીમાં ‘constellation’ કહેવાય છે. આ શબ્દ ‘con’ એટલે કે ‘ભેગાં’ (together) અને ‘stella’ એટલે કે ‘તારો’ (Star) એવા બે લેટિન શબ્દો પરથી આવ્યો છે, જેનો અર્થ થાય ‘તારાઓનું જૂથ’ કે ‘તારાઓની મંડળી’ (a group of stars). ગુજરાતીમાં આપણે તેમને તારામંડળ કહીએ છીએ. આમ, અમુક તારાઓની વ્યવસ્થિત ગોઠવણી, તેમનો સંઘ એટલે તારામંડળ. તેમની સરહદો આડાઅવળા કાપેલા ટુકડાઓને ભેગા કરવાની રમત – જિગસો પઝલ (jigsaw puzzle) જેવી છે. ઘણાં ગુજરાતી લખાણોમાં તેને નક્ષત્ર કહેવાય છે, પણ તે અવૈજ્ઞાનિક છે. નક્ષત્ર એ જુદી બાબત છે. સામાન્ય માણસની સમજ ખાતર એવું કહેવાય કે ૧૨ રાશિઓ અને ૨૭ નક્ષત્રો તારામંડળમાં આવી જાય છે.

એવું લાગે છે કે કોશકારોએ ખગોળના પાયાના જ્ઞાનને અવગણ્યું છે અને ક્યાં તો તેમને આ વિષયની હોવી જોઈએ તેવી જાણકારી નથી. આવી કામગીરીમાં હોવી જોઈતી સ્વાભાવિક ચીવટનો અહીં અભાવ વર્તાય છે.

(૬) ૨૦૧૭ના સાર્થ જોડણીકોશમાં સારા એવા પ્રમાણમાં અંગ્રેજી શબ્દો આપવામાં આવ્યા છે. વળી, અગાઉની આવૃત્તિઓમાં તથા ૨૦૦૫ની પુરવણી સહિત બધામાં કિલોમીટર, મિટર/મીટર, સેન્ટિમીટર, મિલીમીટર વગેરે અંગ્રેજી શબ્દો આ રીતે જોવા મળતા હતા. ત્યારે અન્ય કોશોમાં, કેટલાક અપવાદોને બાદ કરતાં, આ શબ્દોની આપેલી જોડણી જુદી પડતી હતી. આમ, આવા કેટલાક શબ્દોની જોડણીમાં એકવાક્યતા જોવા મળતી ન હતી. જેને કારણે વ્યાકરણની ઝાઝી સમજ ન ધરાવતાં સામાન્ય જન આવા શબ્દો લખતી વખતે હ્રસ્વ ઇ/ દીર્ધ ઇમાં અટવાતા હતા. પણ હવે પ્રસ્તુત કોશમાં સુધારીને કિલોમીટર, મીટર વગેરે કરી દેવામાં આવ્યું છે, તે યોગ્ય થયું છે. આ ઉપરાંત, રતિલાલા સાં. નાયકના ‘મોટો કોશ’ તથા શબ્દકોશોની પરંપરાને અનુસરીને છ જેટલાં પરિશિષ્ટો જોડવામાં આવ્યાં છે તે પણ ઠીક થયું છે. અલબત્ત, અહીં હેમન્ત દવેની (‘સાર્થક જલસો’, અંક આઠ) / ‘નિરીક્ષક’, તા. ૧-૬-૨૦૧૭) સાથે સંમત થવાનું મન થાય કે સાર્થ જોડણીકોશ કરતાં નાયકના કોશમાં આપેલાં પરિશિષ્ટો વધુ વૈવિધ્ય ધરાવતાં હોઈ સામાન્ય વપરાશકર્તા માટે વધુ ઉપયોગી છે.

પરંતુ ફરી ખગોળવિજ્ઞાનની વાત કરીએ તો, માત્ર ખગોળ જ નહીં, પણ પશુ-પક્ષી અને પ્રકૃતિદર્શન માટે કે પછી એક જમાનામાં ક્રિકેટમૅચ, મોટરકાર કે ઘોડાની રેસને જોવા માટે અનિવાર્ય એવું ઉપકરણ ‘Binoculars’ જેવો અતિ સામાન્ય શબ્દ આપ્યો નથી! (સામાન્ય રીતે અંગ્રેજીમાં ‘બાઇનોક્યુલર્સ’ એમ બહુવચનમાં બોલાય-લખાય છે, પરંતુ ગુજરાતીમાં ‘બાયનોક્યુલર’ કહેવાનો ધારો છે.) આ એટલા માટે કહું છું, કારણ કે આ શબ્દ ભાગ્યે જ બીજા ગુજરાતી કોશોમાં આપ્યો છેે. અને જ્યાં જ્યાં આપ્યો છે, ત્યાં તેની ઉચ્ચાર સાથેની જોડણી અલગ અલગ આપી છે. વળી, અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી કેમ લખવી તેના પણ કોઈ ચોક્કસ નિયમ નથી જોવા મળતા. તો પછી સાચી જોડણી કઈ ગણવી? સાર્થ ગૂજરાતી જોડણીકોશ જેવા સમર્થ કોશ આ અને આવા શબ્દો નહીં આપે, તો પછી કોણ આપશે? આ માટે ‘દ્વિનેત્રી દૂરબીન’ એવો ગુજરાતી પર્યાય છે. પણ સાર્થ કોશમાં તે નામની પણ ઍન્ટ્રી નથી આપી.

કોઈકને એમ પણ થાય કે આવો એકાદ શબ્દ ન આપ્યો હોય તેમાં શું થઈ ગયું ? પણ ઘણો ફેર પડે. એક ઉદાહરણથી સમજીએ, માનો કે તમારે ‘Binoculars’ શબ્દ તમારા પુસ્તકમાં લખવાનો થાય છે. એ શબ્દને ગુજરાતીમાં લખવો તો કેવી રીતે લખવો તે માટે ખાંખાંખોળા કરો છો, પણ તે એક પણ કોશમાં મળતો નથી. આ માટે તમે ડૅનિયલ જૉન્ઝ કૃત ‘English Pronouncing Dictionary’ પણ જુઓ છો. પણ યાદ રહે કે તેનું નામ જ સૂચવે છે તેમ તે માત્ર ઉચ્ચારકોશ છે, જોડણીકોશ નથી, તેથી તેમાંથી લિપિ અંગે જરૂરી માર્ગદર્શન મળશે, પણ ગુજરાતી જોડણી લખતી વખતે તો ગુજરાતી રૂઢિ, ગુજરાતી બોલી કે પછી કોશમાં આપેલા નિયમોને આશરે જ જવાનું થશે. પણ આ બધું સુલભ ન હોવાથી અને નિયમોમાં સ્પષ્ટતા ન હોવાથી તમે તમારી રીતે જોડણી કરો છો. આમ કરવામાં ‘… હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.’ એવા ગાંધીજીના આદેશનો તમે નછૂટકે ભંગ કરો છો! અગાઉનાં પુસ્તકોમાં ભારે ગર્વ સાથે લખવામાં આવતું કે ‘પુસ્તકમાં જોડણી ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશ મુજબ રાખી છે.’ જો આ શબ્દ ન મળ્યો, તો પછી તમારા પુસ્તકમાં બેધડક નામ લખી શકાશે? મજાકમાં કહીએ તો પછી આવું લખાશે. ‘બાયનોક્યુલર વગરના બધા શબ્દોની જોડણી ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશ મુજબ રાખી છે.’ આ ઉદાહરણથી કોશકારનું ઉત્તરદાયિત્વ કેટલું વધી જાય છે, તે સમજાશે.

અલબત્ત, કોશ એ કાંઈ નવલકથા નથી કે એકીબેઠકે વાંચીને અભિપ્રાય આપી દેવાય. જેમજેમ કોશ વાપરતા જઈએ તેમતેમ તેની ખૂબીઓ અને ખામીઓ સામે આવતી જાય. સાર્થ કોશ પણ તેમાંથી બાકાત નથી. એટલે અત્યારે તો માત્ર એકનજરે જે ઊણપો (ખગોળવિદ્યાના અને તેના પણ અમુક જ શબ્દોને ધ્યાનમાં લઈને) જણાઈ તે દર્શાવી છે. વધુ વપરાશ કરતાં તેની ખૂબીઓ પણ સામે આવશે જ. વળી, એ વાત પણ ખરી કે કોઈ પણ ભાષાના કોશનું કાર્ય સર્વથા નિર્વિવાદ બની રહે એવું ભાગ્યે જ બને. ખરેખર તો કોશકામ કદી પૂરું નહીં થતું કામ છે. એટલે અત્યારે તો ૫૦ વર્ષના અંતરાલ પછી અને પુરવણી પછી પણ ૧૨ વર્ષ જેવા લાંબા ગાળે આવેલી છઠ્ઠી સંવર્ધિત આવૃત્તિનું સ્વાગત છે.

26-06-2017

E-mail : smpatel70@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 10-14

Loading

3 November 2017 admin
← જમ્મુ-કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે, ભારતીય રાષ્ટ્રનું અભિન્ન અંગ તો હજી બનાવવાનું બાકી છે
પરંપરાગત વ્યવસાય પર જીવતા અને રઝળતા લોકોના અધિકારો ચૂંટણી ઢંઢેરાઓમાં આવશે ? →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved