ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની વ્યવસ્થાના ઇતિહાસમાં, કેશવાનંદ ભારતીનો કેસ, દેશની લોકશાહીના રક્ષણ માટે ઐતિહાસિક ગણાય છે. 1976માં, દેશમાં કટોકટી લાગુ કરનાર ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે, બંધારણમાં (42મો) સુધારો કરતું વિધેયક સંસદનાં બંને ગૃહોમાં બહુમતીથી પસાર કરાવ્યું હતું. રાજ્ય સભામાં તો તેનો કોઈએ વિરોધ કર્યો ન હતો, પણ લોકસભામાં શાસક કાઁગ્રેસના જ પાંચ બળવાખોર સભ્યોએ સુધારાઓનો વિરોધ કર્યો હતો. એ વખતે, વિરોધ પક્ષોના 21 સંસદ સભ્યો મિસા (મેઈન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ) હેઠળ જેલમાં બંધ હતા. બંને ગૃહોએ વિધયેક પસાર કર્યું તે પછી 16 રાજ્યોની વિધાનસભાઓએ પણ તેને મંજૂરી આપી. એ સર્વે રાજ્યોમાં કાઁગ્રેસની સરકાર હતી.
આ 42મો બંધારણીય સુધારો, ત્યાર પહેલાંના તમામ સુધારાઓ કરતાં બહુ ધરખમ હતો. એમાં ઘણી બધી જોગવાઈઓ રદ્દ કરવામાં આવી હતી, ઘણી બદલવામાં આવી હતી અને અનેક નવી જોડવામાં આવી હતી. એ ફેરફારો એટલા પાયાના હતા કે 1949માં અમલમાં આવેલા બંધારણની આખી શકલ જ બદલી નાખી. એમાં એવી કલમો જોડવામાં આવી હતી કે અદાલતો વૈધાનિક કાયદાઓની કાનૂની સમીક્ષા કરી ન શકે અને બંધારણ રાજકીય વર્ગની કઠપૂતળી બનીને રહી જાય.
એ વખતે, કેરળમાં ઈડનીર મઠના મહંત કેશવાનંદ ભારતીએ, બંધારણના અનુચ્છેદ 26 (ધાર્મિક કાર્યોના પ્રબંધનની સ્વતંત્રતા) હેઠળ કેરળ સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કેરળ સરકારે મઠની સંપત્તિઓના સંચાલનમાં અમુક નિયંત્રણો મુક્યાં હતાં. સરકારે તેના ભૂમિ-સુધાર કાનૂન હેઠળ, મઠની 400 એકર જમીનમાંથી 300 એકર જમીન ખેતી કરવાવાળાઓને ભાડે-પટ્ટે આપી દીધી હતી. આ કાનૂનને અદાલતોમાં પડકારી ન શકાય તેવી બંધારણીય જોગવાઈ હતી. 1963ના બંધારણીય સુધારામાં, કેરળ ભૂમિ સુધાર અધિનિયમ પણ હતો. મહંતે આ સુધારને જ પડકાર્યો હતો.
મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો, ત્યારે સુનાવણીમાં સવાલ એ ઊભો થયો કે શું સંસદને એ અધિકાર છે કે તે બંધારણની મૂળ પ્રસ્તાવનાને બદલી નાખે? એમાં 7 વિરુદ્ધ 6 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે બંધારણના ‘આધારભૂત માળખા’ (બેઝિક સ્ટ્રક્ચર)માં સંસદ ફેરફાર કરી ન શકે. 7 ન્યાયાધીશોએ બહુમતીથી કહ્યું હતું કે, “બંધારણમાં સંશોધન કરવાની શક્તિ સંસદ પાસે છે પરંતુ બંધારણની પ્રસ્તાવનાના આધારભૂત માળખાને બદલી ન શકાય અને કોઈ પણ સંશોધન પ્રસ્તાવનાની ભાવનાની વિરુદ્ધ જઈ ન શકે.” પાછળથી, “આધારભૂત માળખા”ના આ નિર્ણયને બંધારણમાં એક સિદ્ધાંત તરીકે માન્યતા આપવામાં આવી હતી.
આ કેસમાં મહંતને તો કોઈ ફાયદો ન થયો, પણ દેશની જનતાને જરૂર થયો. એ દિવસે એ નિર્ણય થયો હતો કે બંધારણ સંસદ કરતાં પણ સર્વોપરી છે. ન્યાયિક સમીક્ષા, ધર્મનિરપેક્ષતા, તટસ્થ ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી બંધારણના આધારભૂત માળખામાં આવે છે અને તેમાં ફેરફાર કરવાનો અધિકાર સંસદને પણ નથી. એ દિવસે એ પણ સ્પષ્ટ થયું હતું કે ન્યાયપાલિકા અને કાર્યપાલિકા બંને બંધારણે આપેલી શક્તિઓ અને મર્યાદાઓમાં રહીને કામ કરે છે.
તાજેતરમાં, ન્યાયપાલિકા અને કાર્યપાલિકાનો ‘સીમા-વિવાદ’ ફરી ઊભો થયો છે. 7મી ડિસેમ્બરે, ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્ય સભાના ચેરપર્સન જયદીપ ધનખડે, તેમના પહેલા ભાષણમાં સુપ્રીમ કોર્ટના 2015ના એ નિર્ણયની આકરી ટીકા કરી હતી જેમાં કોર્ટે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (એન.જે.એ.સી.) વિધેયકને રદ્દ જાહેર કર્યું હતું. સંસદનાં બંને ગૃહોએ સર્વસંમતિથી પસાર કરેલા આ વિધેયકમાં, ન્યાયિક એપોઈન્ટમેન્ટ કરવા માટે બનાવવામાં આવેલી કોલેજીયમ સિસ્ટમને રદ્દ કરવાની જોગવાઈ હતી. કોર્ટની આ હરકત “સંસદીય સર્વોપરિતાને ગંભીર રીતે જોખમમાં મૂકે છે” તેમ કહેતાં ધાનકરે કહ્યું હતું કે, “લોકશાહીના ઇતિહાસમાં એવું ક્યારે ય બન્યું નથી કે એક ઉચિત બંધારણીય નુસખો ન્યાપાલિકાએ ઉલટાવી દીધો હોય.”
એ અગાઉ, કાયદા મંત્રી કિરણ રિજીજુએ પણ આ જ વાતનો ઉપાડો લીધો. ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરવાના સુપ્રીમ કોર્ટના કોલેજીયમને નિશાન બનાવવા માટે તેમણે 5 કરોડ જેટલા પેન્ડિગ કેસો અને ન્યાયાધીશોની ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો આગળ ધર્યો. તેમણે તર્ક કર્યો કે એપોઇન્ટમેન્ટ્સની ‘નવી સિસ્ટમ’ નહીં બને ત્યાં સુધી કેસોના ભરાવાની સમસ્યા નહીં ઉકલે. રિજીજુએ ઘા ભેગો લસરકો મારી લેતાં એમ પણ કહ્યું કે ‘કોર્ટોમાં લાંબા વેકેશનનોની’ અંગ્રેજોના જમાનાની પરંપરા પણ મુસીબતમાં ઉમેરો કરે છે. તેમણે સુપ્રીમ કોર્ટની પ્રક્રિયાની સીધી ટીકા કરતાં એમ પણ કહ્યું હતું કે તેની પાસે આટલા બધા પેન્ડિંગ કેસો હોય ત્યારે તેણે “જનહિતની ફાલતું અરજીઓ અને જામીન અરજીઓની સુનાવણીમાં સમય બરબાદ કરવો જ જોઈએ.”
આ છેલ્લી ટીકાનો જવાબ તો ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રાચૂડે આપી પણ દીધો. વીજ ચોરીના કેસમાં 18 વર્ષની સજા ભોગવતા એક આરોપીના કેસની સુનાવણી કરતી વખતે, ચીફ જસ્ટિસે કાનૂન મંત્રીની ટીકાને યાદ કરીને કહ્યું હતું કે વ્યક્તિગત આઝાદી અને મૂળભૂત અધિકારો માટેના દરેક પોકાર સાંભળવા માટે જ સુપ્રીમ કોર્ટ છે. “કોર્ટનો મુખ્ય હેતુ જ દેશના પ્રત્યેક નાગરિકના જીવનના બંધારણીય અધિકાર અને વ્યક્તિગત આઝાદીનું રક્ષણ કરવાનો છે. આ કોર્ટનો ઇતિહાસ ગવાહ છે કે નાગરિકોની ફરિયાદોના સામાન્ય અને રૂટિન મામલાઓમાંથી જ દેશના વર્તમાન મુદ્દાઓ બહાર આવે છે. કોર્ટ માટે કોઈ મામલો નાનો કે મોટો નથી હોતો. અમે જો વ્યક્તિગત સ્વતંત્રતાના મામલે જો રાહત ન આપી શકતા હોઈએ, તો અમારી જરૂર જ શું છે?” એમ તેમણે કહ્યું હતું.
વાસ્તવમાં, કોર્ટોમાં ઢગલાબંધ કેસો પેન્ડિંગ છે એનું એક માત્ર કારણ જજોની વેકેન્સી નથી. બીજાં અનેક કારણો છે અને સરકારને એ ખબર પણ છે. દેશમાં સરકાર પોતે જ સૌથી મોટી ફરિયાદકર્તા છે અને તેણે ઢગલાબંધ નાના-નાના કેસો કોર્ટોમાં ખડકી દીધા છે. વેકેશનના મુદ્દા પર અનેક નિષ્ણાતો કહે છે કે કોર્ટોમાં મગજથી કામ થાય છે, ફેકટરીઓની જેમ બાવડાં ફુલાવીને નહીં. બૌદ્ધિક કૌશલ્યની જરૂર હોય તેવા દરેક વ્યવસાયમાં નિયમથી કે સ્વેચ્છાએ રજાઓની વ્યવસ્થા છે. એમ તો સંસદ અને વિધાનસભાઓના આંકડા કાઢો તો ખબર પડે કે કોણ કેટલી રજાઓ ભોગવે છે.
મૂળ મુદ્દો એ નથી. મૂળ મુદ્દો જજોની પસંદગી અને નિમણુક કોણ કરે તેનો છે. ધનખડની ટીકા પછી તુરત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે બંધારણની જોગવાઈ હેઠળ સુપ્રીમ કોર્ટ કોઇપણ કાનૂનના મામલે અંતિમ મધ્યસ્થી છે અને કોલેજીયમે સુચવેલાં તમામ નામોને નિમણુક સરકારે કરવી જ પડશે. ત્રણ જજોની બેંચના જસ્ટિસ એસ. કે. કૌલે તો દેશના એટર્ની જનરલને કહ્યું હતું કે તમે કેન્દ્રના મંત્રીઓને સલાહ આપો કે મર્યાદામાં રહીને બોલે.
કોલેજીયમ સિસ્ટમ પ્રમાણે, ભારતના ચીફ જસ્ટિસ અને ચાર વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જસ્ટિસો સરકારને જજોની નિમણૂક અને ટ્રાન્સફરની ભલામણ કરે છે. હાઈકોર્ટમાં આ કામ ચીફ જસ્ટિસ અને બે વરિષ્ઠ જજ કરે છે. એમાં સરકારની ભૂમિકા એટલી જ છે કે તેનો ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈ.બી.) કોઈ વકીલને જજ તરીકે બઢતી આપવાની હોય ત્યારે તેની ગુપ્ત તપાસ કરીને રિપોર્ટ આપે છે. કોલેજીયમ જે નામોની ભલામણ કરે તેની સામે સરકાર વાંધો ઉઠાવી શકે અથવા ખુલાસો માગી શકે, પરંતુ કોલેજીયમ ફરીથી એ જ નામની ભલામણ કરે તો સરકારે એ માન્ય રાખવું પડે.
સરકારને જજોની એપોઇન્ટમેન્ટ્સમાં સત્તા જોઈએ છીએ કારણ કે તેને લાગે છે કે કોલેજીયમ સિસ્ટમ ધૂંધળી છે અને કેવી રીતે તેના નિર્ણયો લેવાય છે તે કોઈને ખબર નથી. આ સરકાર જ નહીં, ભૂતકાળમાં બીજી સરકારોએ, વિશેષ કરીને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોએ, પણ જજોની એપોઇન્ટમેન્ટ્સમાં પોતાની હિસ્સેદારી માગી હતી અને સુપ્રીમ કોર્ટે તેની સ્વાયત્તા બચાવવા માટે કોલેજીયમ સિસ્ટમ દ્વારા સરકારોને છેટી રાખી હતી. કાયદા મંત્રીના તેવર જોતાં એવું લાગે છે કે સરકાર મૂક પ્રેક્ષક બનીને રહેવાના મૂડમાં નથી.
ગયા મહિને, સુપ્રીમ કોર્ટના કોલેજીયમે સુપરત કરેલી હાઈ કોર્ટના જજોની નિયુક્તિની 20 ફાઈલો કેન્દ્ર સરકારે માન્ય રાખી ન હતી અને તેની પર પુન:વિચાર કરવાની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટે એ અંગે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી કે સરકાર નામો મંજૂર કરવામાં વિલંબ કરીને નિમણૂકની પ્રક્રિયાને હતાશ કરી રહી છે.
દેખીતી રીતે જ, 2015માં સંસદે મંજૂર કરેલા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનને સુપ્રીમ કોર્ટે મંજૂર ન રાખ્યું તેનાથી સરકાર તે વખતથી નારાજ હતી, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટીને જબ્બર બહુમત મળ્યો તેનાથી જોશમાં આવેલી સરકારે જજોની એપોઇન્ટમેન્ટ્સની જૂની ચર્ચાને ફરીથી છેડી છે.
આ વિવાદમાં, એક વાત કોઈ ખૂલીને બોલતું નથી તે એ છે કે ન્યાયપાલિકા, વિરોધ પક્ષો અને સિવિલ સોસાઈટીને એવો ડર છે કે વર્તમાન સરકાર જજોની નિમણૂકમાં પોતાની સત્તા એટલા માટે માંગે છે જેથી ‘સરકાર વિરોધી’ જજોને આઘા રાખી શકાય. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને કાઁગ્રેસના ભૂતપૂર્વ સભ્ય કપિલ સિબ્બલ એક જગ્યાએ લખે છે કે, “સરકારની કાયમી ફરિયાદ છે કે કોર્ટો પ્રસંગોપાત તેની લક્ષ્મણ રેખા ઓળંગે છે અને તેના દાયરામાં ન આવે તેવી બાબતોમાં દખલ કરે છે. કાયદા મંત્રી પણ એ જ કરી રહ્યા છે જેના માટે તેઓ કોર્ટને દોષિત ગણે છે. એ પણ સરકારના દાયરામાં ન આવતા મામલામાં લક્ષ્મણ રેખા ઓળંગે છે.”
લાસ્ટ લાઈન :
“વૈધાનિક અને શાસનાત્મક સત્તાઓ એક જ વ્યક્તિ કે એક જ સંસ્થા પાસે હોય તો સ્વતંત્રતા ન રહે.”
— મોન્ટેસ્ક્યુ, ફ્રેંચ જજ, ધ સ્પિરિટ ઓફ લોઝમાં, 1748
પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 25 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર