Opinion Magazine
Number of visits: 9448797
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચોર રસ્તાઓ : મરાઠી દલિત નાટક

બકુલા ઘાસવાલા|Opinion - Literature|3 July 2021

ચોર રસ્તાઓ : મરાઠી દલિત નાટક

મૂળ લેખક : દત્તા ભગત •  અનુવાદ : કાલિન્દી પરીખ 

કોરોનાકાળમાં પણ વિચાર પ્રક્રિયા છેક ઠપ નથી થઈ. મહારાષ્ટ્રીયન કવિ કોલટકરનાં કાલા ઘોડા કાવ્યોનું હેમાંગ અનુવાદિત પુસ્તક માણ્યાં પછી તરત જ દત્તા ભગત લિખિત અને કાલિન્દી પરીખ અનુવાદિત નાટક ‘ચોર રસ્તા’ હાથમાં આવ્યું. લગભગ એક બેઠકે પૂરું કર્યું. અતિવાસ્તવવાદી આ કૃતિ જેઓ કાર્યકર્તા છે, જનવાદી સર્જક છે, આંતરજાતીય લગ્ન કર્યું છે, રંગભૂમિ સાથે રસરુચિ રાખનારાં છે એમને ધ્યાનાકર્ષક બને. આ નાટકની મારા પર જે અસર થઈ છે તે એ કે મને એ મંચનક્ષમ લાગ્યું છે. કોરોનાકાળના વર્તમાન સંજોગોમાં પઠન તો થવું જ જોઈએ જેની શક્યતા હું તપાસી જોઈશ. એનો સહજ, સરળ અનુવાદ કોશિયાને પણ સમજાય તેવો છે અને એ લઢણે જ મૂળ નાટક પણ લખાયેલું છે.

આ નાટકના અગત્યનાં પાત્રો છે : કાકા જેઓ પોતાને આંબેડકરજીના ચુસ્ત, સમર્પિત અને પ્રતિબદ્ધ કાર્યકર માને છે, હેમા એમની પુત્રવધૂ – ભત્રીજાવહુ છે જે શિક્ષિત અને જ્ઞાતિથી બ્રાહ્મણ છે, સતીશ હેમાના જીવનસાથી છે જે સંતુલિત વિચારનાર, આદર્શવાદી પ્રોફેસર છે, ગુરુજી સવર્ણ શિક્ષક છે જે દંભી સત્યાગ્રહી કાર્યકર્તા છે, અર્જુન ઊગતો દલિત પ્રતિભાવંત કાર્યકર – નેતા છે, સોનલ ગુરુજીની દીકરી છે, શેવંતા દલિત, ગરીબ, વિધવા સ્ત્રી છે, બેત્રણ વિદ્યાર્થીઓ અને એક પોલીસ અધિકારીનું અછડતું સક્રિય પાત્ર છે, પરંતુ ઓછાં સાધનો-સન્નિવેશ સાથે આ નાટ્યમંચનને ખાસ્સો અવકાશ છે. નાટકનું કથાવસ્તુ દલિત સમસ્યાઓ અને સાંપ્રતયુગ, બ્રાહ્મણવાદી માનસ અને દલિતમાનસ, સ્ત્રી-પુરુષ સમાનતાની આછી પરંતુ વાસ્તવિક ઝલક, જો દલિતોને પોતાના દરજ્જા વિશે આક્રોશ છે તો સામે દલિત પરિવારમાં બ્રાહ્મણ પુત્રવધૂએ વારંવાર અનુભવતી પડતી દ્વિધા અને ઓળખની કટોકટીનો મુદ્દો મુખર થઈને અહીં પ્રગટ્યો છે. દલિત – સવર્ણની અરસપરસને સમજવાની માનસિકતા પણ અહીં અત્યંત વાસ્તવિક રૂપે ઊભરી આવી છે, અન્યોન્ય પર અવિશ્વાસ, શંકા, વર્ષો જૂનું ઊંડું ઉતરેલું ઝેર જેવું વલણ અને વિરોધ પ્રદર્શન માટે મોરચા કે રેલી કાઢવી અને સામાજિક-રાજકીય કાવાદાવામાં ચરમસીમા જેવું નિરૂપણ અહીં જે રીતે થયું છે તેથી આને સાહિત્યિકને બદલે પ્રચારાત્મક કૃતિ તરીકે ખપાવી કાઢવામાંયે આવે, પણ વાસ્તવવાદી કૃતિસર્જક એ જોખમ વહોરીને પણ કૃતિસર્જન સંપન્ન કરે જ છે. તેથી જ તો દલિત, નારીવાદી, આદિવાસી અને હવે ઈતર / અન્ય એવા ચોકા પડ્યા છે અને તે સ્વીકૃત પણ બની રહ્યા છે. આ કૃતિને માણી એમ ન કહું કારણ કે એ મનોરંજક નથી અને હોવી પણ ન જોઈએ. એ તો સોંસરી, વીંધતી અને અસ્વસ્થ કરે તેવી હોય તો જ સફળ કૃતિ બને એટલે હું એનાથી ચોક્કસ જ એ રીતે પ્રભાવિત થઈ છું. મને ઉશનસ્ સરની નવનિર્માણ આંદોલનના પરિવેશ અને માહોલમાં લખાયેલી નાટ્યકૃતિ ‘પંતુજી’ યાદ સતત આવતી રહી. અમે વલસાડમાં એનું પણ પઠન જ ગોઠવેલું. બધું જ એકમેકને મળતું ફક્ત મુદ્દા જુદા. જો કે હવે વાસ્તવિકતા વધારે વિકરાળ બની ચૂકી છે, પ્રવીણભાઈનું શીર્ષક સાચું કહેવાય તેવી સ્થિતિ છે છતાં દલિત સાહિત્ય અકાદમી વિવેકસભર, તટસ્થ, સંતુલિત અને ખુલ્લું વલણ ધરાવે છે તે તો સાબિત થાય છે કારણ કે એમણે અમારું સાહિત્ય એટલે અમારો ચોકો કરીને કાલિન્દીના અનુવાદને નજરઅંદાજ કર્યો નથી અને પ્રકાશન કર્યું છે તે જ રીતે સમગ્ર કૃતિ સંતુલિત પણ  બની રહી છે. એ મુખર બની જવાની વેળા આવે અને સતીશ જેવું પાત્ર એને સમતોલ કરી દે.

આ કૃતિમાં હાસ્યરસ નિષ્પન્ન ન થાય તે સમજાય પરંતુ હળવી ક્ષણો પણ ન આવે એવું કેમ એ પ્રશ્ન મને થતા હતો અને એ ક્ષણો આવી. હેમા અને સતીશની માતાપિતા બનવાની વેળા આવી અને હેમાનુ જે રીતે સંપૂર્ણ પરિવર્તન બૌદ્ધ વિચાર અને આચારમાં થાય છે તે સહજ લાગે છે. હેમા-સતીશ ‘વિક્રાંદિયન’ એટલે કે ક્રાંતિકારી જૂથનાં નાસ્તિક, માનવીય મૂલ્યો ધરાવતાં સંતુલિત અનુયાયીઓ છે. તે છે જ છતાં હેમા કાકાની લાગણીઓ સમજી શકે છે અને અંતમાં હેમા સહજ રીતે બુદ્ધની મૂર્તિની પૂજા વગેરે કર્મકાંડ સ્વીકારે છે જે વલણ સતીશ સંમત થાય તે રીતે દર્શાવાયું છે એ પણ સાહજિક લાગે છે. આ નાટકના અનેક સંવાદ ઊંચકીને અહીં પ્રસ્તુત કરવાનું પ્રલોભન થાય તેમ છે. કેટલાક વાંચો : 

(૧) હેમા વિશે કાકા : જુઓ તમારી દીકરી હેમા (જ્ઞાતિએ એક છે એટલે ગુરુજીને સંબોધતા), અમારી વહુ છે, બહુ ગુણવાળી છે, બામણ છે તો શું થયું? જો તેને ન લાવ્યો હોત તો અમારામાંથી એકાદ ગરીબ ઘરની દીકરીને સુખ-ચેનની જિંદગી મળત ને! અમારો જ રૂપિયો ખોટો તેનું કોઈ શું કરે? (પાનું:૧૦)

(આ વાતચીતમાં મનદુ:ખ ફક્ત બામણજ્ઞાતિને જ હોય એવું નથી, વાસ્તવમાં હેમાના પિતા તો પ્રગતિશીલ વિચારધારા ધરાવનાર જજ છે. સામે કાકાને વિરોધ છે તે સ્પષ્ટ સમજાય છે.)

(૨) કાકા હેમાને વારંવાર બામણ હોવાં માટે ટોણો મારતા જ હોય છે તેની બેત્રણ ઝલક : કાકા ઘરબહાર જાય છે ત્યારે ગુરુજી પૂછે છે કે ફરવા નીકળ્યા છો? એટલે કાકા તરત જ કહે છે કે ફોગટમાં ફરવાનો બામણી શોખ નથી મને. બીજી વાર પણ તરત એ પાનાં ઉપર, બામણ ગમે કેટલું ભણે તો ય તેની વસ્તીમાં ગણેશનું મંદિર બાંધે છે કે નહીં? તો પછી અમે બાંધીએ છીએ એવું કહીએ તેમાં કંઈ ખોટી વાત છે? આ બૌદ્ધવિહાર બાંધવાની વાત છે. આ વાર્તાલાપમાં પ્રગટતી માનસિકતા આસ્થા-ધાર્મિકસ્થાનોના વ્યાપનો પણ ખ્યાલ આપે છે. (પાનું : ૧૨)

(૩) હેમા અને ગુરુજીના સંવાદમાં ગુરુજી હેમા-સતીશને ભાડે ઘર આપવાની વાતમાંથી કેવી રીતે ફરી જાય છે તેનું તાદ્રશ વાસ્તવિક નિરૂપણ છે. (પાનું : ૧૩/૧૪)

(૪) તે જ રીતે દલિતને અલગ કપમાં ચા આપવાની ઘટના અને જેને રૂપરંગ-દેખાવથી દલિત સમજી લીધો છે તે યુવકને ચા અલગ કપમાં અપાય છે અને એને અપમાનબોધ થાય છે તે વ્યંગ પણ સચોટ છે. (પાનું : ૧૬)

(૫) દાસરાવ ઉર્ફે ગુરુજીની અને અર્જુનની ગુંડાગર્દીની વિભાવના ને સમજ, ગુરુજીની નફ્ફટાઈ, કાવાદાવા સમજવા માટે પાનાં ૨૧-૨૩ ધ્યાનમાં રાખવાં જેવાં છે.

(૬) યુવાનોને ઉંબરે ટકોરા મારતી સોનલની લાગણીઓ, કાકાનો અતીતરાગ અને હેમાની સમજણ એ પાનું : ૨૪થી આગળ બરાબર નોંધનીય છે. કાકા અહીં સોનલને કહે છે કે છોકરીઓને ભણાવવી ન જોઈએ, મોટી થાય એટલે તેના ગળામાં કૂંદો નાંખી દો. તેના પતિ સાથે સાસરે મોકલી દેવાની. તો પછી વળી કહે છે કે લગ્ન પછી જેટલું ભણવું હોય તેટલું ભણે!

(૭) હેમા કાકાજીની લાગણી, વલણ, એમનું સાફ દિલ, મોંફાટ બોલવાનું બધું સમજે છે છતાં દુભાઈ પણ જાય છે. સોનલ સાથે કે સતીશ સાથે તેના સંવાદો વાંચો કે કાકાની કાળજી રાખતી વખતે તેમને ટોકતી હેમાનું મનોમન દુભાવું પ્રગટ પણ થાય છે. (પાનું : ૧૯ – ૨૮ – ૨૯ – ૩૦)  સતીશ કહે છે કે જો હેમા, અનુકૂળ થઈ જવાનું. પછી, જો તેઓ (કાકાજી) તારી અનેક વાત માનશે. તે રીતે હેમા સોનલને પોતાની સ્થિતિની વાત કરે છે ત્યારે એની ઊંડી સમજ ને સમાધાનવૃત્તિ જરૂર પ્રગટ થાય છે સાથે સોનલને આડકતરું સૂચન પણ છે કે પ્રેમ એટલે શું તે સમજવા કઈ વિભાવના જરૂરી છે.

(૮) શેવંતાની મજબૂરી, એને લાભ અપાવવા માટે અપનાવાતા ટૂંકા રસ્તા, એ જ લોકો એટલે કે દાસરાવ જેવી વ્યક્તિઓ દ્વારા પછી શેવંતાને મૃત્યુ સમીપ મોકલવી, એનું આળ અર્જુન પર લાવવું, અર્જુન – સોનલના પ્રકરણમાં અર્જુનને બલિનો બકરો બનાવી સોનલેને અન્ય સાથે પરણાવવા હિલચાલ કરવાની તમામ ગતિવિધિ અને વળી તેને દલિત – સવર્ણના મુદ્દા સાથે જોડી રાજકીયરૂપ આપવું ને બધી વાતની ભેળસેળ કરીને અર્જુનને ગુનેગાર પણ ઠેરવવાની ચાલ …  આ બધું જ જટિલ છે છતાં આજના સમયમાં પણ વાસ્તવિક જ લાગે છે.

(૯) તે જ રીતે પ્રતિબદ્ધતાનાં ગીતો લખતા કવિ વિજય કુંડકરની બેહાલી અને પાટિલ જેવી અટક લખવાના આગ્રહની કરુણ દાસ્તાન વિશે ફક્ત સ્મિતથી જ જવાબ (પાનું : ૪૧) પણ ધ્યાન આકર્ષે છે.

(૧૦) ગરીબ વિરુદ્ધ ગરીબ, આદિવાસી વિ. આદિવાસી, સ્ત્રી વિ. સ્ત્રી (‘સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે’નું ઉદાહરણ વારંવાર આપવું), દલિત વિ. દલિત ને મૂકીને પોતાનો રોટલો શેકવાની મનોવૃત્તિને અહીં ગરીબ વિ. ગરીબની ચાલના સમજાવી દ્રશ્યમાન કરી છે. (પાનું : ૫૯ : સતીશ) ભૂખ સાથે જોડાયેલ કડવું સત્ય માણસને શું શું ખાવા અને કરવા મજબૂર કરે છે તેનું પણ હ્યદયવિદારક વર્ણન આ નાટકમાં અહીં છે. મુડદાલ માંસ ખાવાની કે છાણમાંથી દાણા શોધી ખાવાની વાત સમજ બહાર છતાં આ દેશ માટે તો સાચી હશે એવું માનવા પ્રેરે જ છે.

(૧૧) કાકાની હતાશા, દૂધનું દૂધ ને પાણીનું પાણીની સમજ, મહાપ્રયાણ અને હેમા – સતીશનાં સાહચર્યમાં હેમાની સમજણ સાથે કાકાના આચારની પ્રતિબદ્ધતાને સમજી પોતાની વિચારપ્રક્રિયા સાથે જોડી સતીશનું વ્યવહારુ બનવું એ સંદેશ સાથે નાટક પૂરું થાય છે.

“જાતિ કદી જાતી નથી” શીર્ષક હેઠળ પ્રવીણ ગઢવીએ લખેલી પ્રસ્તાવનાનું અવતરણ આમ તો શીર્ષક જ છે છતાં મને અહીં નોંધવાલાયક લાગ્યું છે તે આ “આપણે સમાજદંભી છીએ. બિનસાંપ્રદાયિકતા અને વર્ણાશ્રમનો વિરોધ કરતા લોકોને ક્યારે ય જુહાપુરા (મુસ્લિમ વસ્તી) અને રાજપુરમાં (દલિત વસતી) રહેવાં જવું ગમ્યું છે? પોતાની પ્રજા દલિત કે મુસ્લિમને પરણે તે એમને ગમે છે? સ્વીકારી શકે છે? અપવાદો બાદ કરતા તેનો જવાબ ના છે.”

જો કે આવા પ્રશ્નોનો નિખાલસતાથી જવાબ મારે આપવાનો હોય તો હું લખીશ કે હું તો મારા સંતાનને કહી ચૂકી છું કે જે પણ કાંઈ નિર્ણય કરવો હોય તે જાતના જોર પર જ કરવો. આપણે કાંઈ ઢીંગલાઢીંગલીને પરણાવતાં નથી! તે રીતે સંતાનને જન્મ આપવો હોય તો પણ એને પ્રેમ અને ન્યાય આપી શકાતો હોય અને દંપતી તરીકે સમાન ભાવે ઈચ્છા હોય તો જ આપવો. પછી તેઓ લગ્ન કરે કે ન કરે, પુખ્ત વયના થયા પછી જે કાંઈ કરવું હોય તે સ્વેચ્છાએ અને પોતાની જવાબદારીની સભાનતા સાથે કરવું. મા તરીકે હું તો ફિકર કરીશ અને શક્ય તેટલી સહાયભૂત થઈશ. તે રીતે મુસ્લિમ કે દલિત વિસ્તારમાં રહેવા જવાની વાતે મારા દીકરાની વાત લખીશ કે એણે મને અનેક વાર કહ્યું છે કે જો તમે બિન સાંપ્રદાયિકતા અને સમાનતાની વાત કરો છો તો જે તે વિસ્તારમાં જઈને રહો!

હું મારા ‘ગુણસુંદરીના ઘરસંસાર’ જેવા પથારાને છોડીને ત્યાં રહેવા ગઈ નથી તે સાચું પરંતુ તેથી હું સમાનતામાં માનતી નથી કે સાંપ્રદાયિક છું એમ નથી. મને મારી જ્ઞાતિના ઇતિહાસ, ભાષા-બોલી, પહેરવેશ, ખાણીપીણી, માની કહેવતો, ગીતો, વાર્તા, વ્યક્તિચરિત્રો, લાક્ષણિકતાઓ વિશે જાણવામાં રસ છે જ. મારી આ માન્યતાઓ અને લક્ષણો સાથે હું દરેક અન્ય કોમ / જાતિ જે કહો તે વિશે પણ જાણવા મળે તો જાણવાની કોશિશ કરું જ છું. મને વ્યક્તિની ‘અંગત’ વાતો સાથે  ફાજલ કોઈ નિસબત નથી પરંતુ જે તે વ્યક્તિની વિટંબણાં, સમસ્યા પ્રત્યે મારી સંવેદના હોય જ છે. હું ઘરેલુ હિંસાના મુદ્દા સાથે સ્ત્રીકેન્દ્રિત દ્રષ્ટિએ જોડાયેલી રહી છું એટલે મારા માટે ઉપરોક્ત બાબતો જાણવી વ્યવહારુ રીતે પણ જરૂરી છે જ. તેથી જ હું મને પોતાને કોમવાદી / જાતિ તરફ વળતી વ્યક્તિ માનતી નથી. મારા કામનો પ્રકાર એ છે કે જ્ઞાતિ સુધારાની તરફેણ કરતી રહું છું તેથી મને ખબર જ પડતી નથી કે હું ક્યારે જ્ઞાતિમાં છું અને ક્યારે જ્ઞાતિબહાર!

આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય  અકાદમીનું વર્ષ-૨૦૧૯ માટે દ્વિતીય પારિતોષિક મળ્યું છે. દત્તા ભગત અને કાલિન્દીબહેન બન્નેને અભિનંદન. 

વલસાડ. ૧૭/૭/૨૦૨૦

—

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

3 July 2021 admin
← નિષ્ઠા અને પ્રામાણિકતાનું પ્રતીક એટલે ઇન્દુભાઈ
વસુધૈવ કુટુંબકમનું મહિમામંડન કરવું પડે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved