Opinion Magazine
Number of visits: 9449347
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણીહાંફ અને ચૂંટણીહારના સંકેત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 March 2018

કોમી ચિતરામણથી રાજકીય રોકડીનું રાજકારણ ખેલવામાં નથી ભારતભક્તિ, કે નથી રતીભાર નાગરિકતા

બે શબ્દો સ્થાપિત સત્તા અને સ્થાપિત વિકલ્પોની રાજનીતિ સબબ પણ લાજિમ છે.

શુક્રવારની સુરખીઓમાં એક પા તેલુગુ દેશમનું એન.ડી.એ.માંથી ખસવું તો બીજી પા ઉત્તરપ્રદેશમાં કૈરાના લોકસભા બેઠક માટેની પેટાચૂંટણીનાં પડઘમ (ખાસ તો સ.પ.-બ.સ.પ. સહિયારાંનો ભેરીઘોષ) તરત જ ધ્યાન ખેંચતા જણાયાં, નહીં? ઉત્તર પ્રદેશ અને બિહારની પેટા ચૂંટણીઓનાં પરિણામ પછી એમ બનવું સહજ પણ હતું.



ગુજરાતના જંગમાં ભા.જ.પે. અનુભવેલી આકરી હાંફ અને રાજસ્થાનની પેટાચૂંટણીઓમાં તેમ સ્થાનિક ચૂંટણીઓમાં એની ધરાર પીછેહઠ, હવે ઉત્તર પ્રદેશ અને બિહારનાં પરિણામો સાથે આવનારા દિવસોના એંધાણ સમી છે: વચમાં આસાએશનો ત્રિપુરા ઝોલો આ‌વ્યો ન આવ્યો અને ‘નશા’ યુતિ સત્તાનાં સાડા ત્રણ વરસે 2019 બાબતે અસ્વસ્થ અને અન્ આશ્વસ્ત સ્થિતિમાં મુકાયાનું મહેસૂસ કરતી માલૂમ પડે છે.



ત્રિપુરાની વિજય સભામાં નમોએ વાસ્તુ પ્રણાલિનો ઉલ્લેખ કરીને હુંકાર તો કીધો કે ઉત્તરપૂર્વમાં દ્વાર ખૂલવાં તે ઈમારત વાસ્તે ઈષ્ટ લેખાય છે. આ કોલમ લખાઈ રહી છે ત્યારે પણ એમની ઇમ્ફાલ મુલાકાત લગરીક શરણાઈ તો લગરીક દુંદુભિ એમ ચેનલો પરથી લહેરાઈ રહી છે. પણ ઉત્તર-પૂર્વની કથિત આગેકૂચ વચ્ચે હાર્દપ્રદેશમાં ઓસરતી અસરને કેવી રીતે ઘટાવશું? જર્જરિત થઈ શકતું પોત, અને રઢિયાળી પાલવકિનારીનો રમરમાટ, બીજું શું.


મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું છે કે અમે અતિવિશ્વાસે ફાટફાટ હતા અને સ.પ.-બ.સ.પ. એક થાય તો શું એ બાબતે અંદાજગાફેલ હતા. આ અંદાજગાફેલ અવસ્થા (એટલે કે અનવસ્થા) ખરું જોતાં વધુ તપાસ માગી લે છે. ગોરખનાથની ગુરુગાદી લાગટ નવ નવ ચૂંટણીઓથી લોકસભા બેઠકનો સુવાંગ ભોગવટો કરી રહી છે. સહેજે ચાર દાયકાની તવારીખમાં યોગીજીને વિશેષ ધ્યાન ધર્યા વગર પણ 1993ના અનપેક્ષિત પરિણામની (ઉર્ફે કરારી) હારની ચપટીક ખબર તો હોવી જોઈતી હતી.

હાલ રાજ્યપાલના પદવશાત્ કાનૂની કારવાઈની પહોંચ બહારનું સુખાસન ભોગવતા કલ્યાણસિંહના મુખ્યમંત્રીપદ હસ્તક અયોધ્યામાં બાબરી ધ્વંસનો ખેલ ખેલાયો હતો, અને ભા.જ.પ. ત્યારે પોતાને સાતમે આસમાન સમજતો હતો. ઉત્તર પ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોમાં નવેસર ચૂૂંટણી પ્રસંગે અયોધ્યાના કથિત વિજયોન્માદને પગલે ‘આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ’ એ યુદ્ધનાદ ભા.જ.પી. વર્તુળોમાં આસેતુહિમાચલ વ્યાપ્ત હતો. પણ પરિણામો આવ્યાં ત્યારે ભા.જ.પ., એક અખબારી મથાળા મુજબ, રામશરણ જણાયો હતો.



આ પરિણામનાં કારણો રાજ્યવાર નહીં તપાસતાં કેવળ ઉત્તર પ્રદેશ પર જ લક્ષ કેન્દ્રિત કરીએ તો જણાશે કે કલ્યાણસિંહે ઉતારેલી અક્ષૌહિણીઓ પાછી પડી હતી, કેમ કે ત્યારે મુલાયમ અને માયાવતી (સ.પ. અને બ.સ.પ.) એકત્ર આવ્યાં હતાં. રાજકીય-શાસકીય હિંદુઓ સામે દલિત-ઓ.બી.સી. આમ હિંદુઓ અસરકારક રહ્યા હતા. હિંદુત્વ પ્રોજેક્ટની સવર્ણ સત્તાવાદની પરિણતિ સામે આમ એકત્રીકરણનું અંકગણિત કામ કરી ગયું હતું. આજે પચીસે વરસે પાછું એવું જ ચિત્ર નજરે ચઢે છે.


ગોરખપુરથી હટીને ગુજરાત આવીએ તો પણ જણાશે કે જિજ્ઞેશ-અલ્પેશ-હાર્દિક પરિમાણ હિંદુત્વ પ્રોજેક્ટ કેટકેટલાને સમાવી શકતો નથી, અને એકવાર ખેંચાઈ આવ્યા હોય તો પણ સાથે રાખી શકતો નથી, તે સૂચવે છે. છાયાભેદે અને ઝોકફેરે, ગુજરાતની ચૂંટણીહાંફ અને હાર્દપ્રદેશમાંની હમણેની ચૂંટણી હાર, બેઉ હિંદુ અપીલની મર્યાદાઓની દ્યોતક બની રહે છે.


આ અપીલ સાથે રાખવામાં અણી ટાંકણે ઊણી પડે છે, કેમ કે નાતજાતગત ઊંચનીચ ગમે તે ક્ષણે ઢેકો કાઢ્યા વગર રહી શકતાં નથી. એવે વખતે ભા.જ.પ.ને જડી રહેલ રામબાણ ઔષધોપચાર ‘નઠારા બીજા’ ભણી નાળચું વાળવાનો છે. હવે જ્યાં પેટાચૂંટણી યોજાશે તે કૈરાના આ સંદર્ભમાં એક અચ્છી મિસાલ છે. તરતમાં બે વરસ થશે એ બીનાને જ્યારે કૈરાનામાં કેટલા બધા હિંદુઓને હિજરતની ફરજ પડી એ મુદ્દે ભા.જ.પી. સાંસદ હુકુમસિંહે તથ્યનિરપેક્ષ ઉપાડો લીધો હતો, અને સ્વતંત્ર તપાસમાં એમણે રજનું ગજ કીધાનું અંકે થયું હતું … કિરાના ઘરાણું ગાયકી વાસ્તે મુલ્કમશહૂર હશે તો હશે, બસૂરો બજતો ધ્રુવપદ ખયાલ તો આફતાબે ફેંકાફેંકી હુકુમસિંઘ ખાંસાહેબનો, બીજું શું! વિવિધ પ્રજાકીય સ્તરોએ અને સ્થળોએ અલગ અલગ તરેહના હિજરતી બનાવો બનતા નથી એમ કહેવાનો આશય નથી. પણ બીનામાત્રને (અને તે પણ રજના ગજને ધોરણે) કરાલ કોમી ચિતરામણથી રાજકીય રોકડીનું રાજકારણ ખેલવું, એ બીજું જે પણ હોય, નથી એમાં ભારતભક્તિ, કે નથી એમાં રતીભાર નાગરિકતા.


જે વળતું એકત્રીકરણ સંભાવનાના ઘડિયા ગણી રહ્યું છે એની ખિદમતમાં પણ એકબે સાફ વાતો લાજિમ છે. લઘુમતીને નિશાન બનાવીને દલિત-ઓ.બી.સી. સમેતના હિંદુ એકત્રીકરણની રાજનીતિ જેમ ટીકાપાત્ર છે તેમ ‘ઈસ્લામ ખતરે મેં હૈ’ તરેહની માનસિકતાવશ એકત્રીકરણ ઉધમાત પણ બેલાશક ટીકાપાત્ર છે. તીન તલાક કાનૂની કોશિશને પગલે ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ જે મુસ્લિમ એકત્રીકરણની કોશિશ કરી રહ્યું છે. એમાં સેક્યુલર રાજનીતિને પહોંચતી હાણ વિશે સંબંધિત સૌને ચિંતા હોવી જોઈશે.

તીન તલાક મુદ્દે ચર્ચા અને જાગૃતિનો એક આખો સમયગાળો પર્સનલ લૉ બોર્ડે ઠાલો જવા દીધો, પોતે કોઈ સુધાર કે જાગૃતિનું દાયિત્વ દાખવ્યું નહીં અને ‘અમારામાં બહારી દખલ નહીં’ એ ગાણું ગાયું. ભાઈ, કબૂલ – પણ તમારે છેડેથી કાંક તો થવું જોઈએ ને. શાહબાનુ પ્રકરણમાં રાજીવ કૉંગ્રેસ અને મુસ્લિમ જીર્ણમતે જે વલણ અખત્યાર કર્યું એથી સરવાળે મુસ્લિમ બહેનોને તો નુકસાન પહોંચ્યું જ અને હિંદુ એકત્રીકરણને તેમ દૃઢીકરણને મજબૂત સાથ મળ્યો એ નફામાં: કૈરાના, ખરું જોતાં, પ્રતિસ્પર્ધી કોમવાદ અને ખાસ બ્રાન્ડના રાષ્ટ્રવાદને બદલે નમૂનેદાર નાગરિક કિલ્લારૂપે આ પેટાચૂંટણીમાં ઉભરી શકે તો એથી રૂડું શું.


સ.પ.-બ.સ.પ. અને બીજા જો સમજી શકે તો વિજયી આગેકૂચ કેવળ અંકગણિત વશ લાંબો વખત હોઈ શકતી નથી. એક રાસાયણિક પ્રક્રિયા અપેક્ષિત છે. આ પ્રક્રિયામાં જો કોઈ ઉદ્દીપન વિભાવ કે કેટલિસ્ટ પરિબળ હોય તો તે દેશના બંધારણે ચીંધી આપેલ નાગરિકધર્મ છે. પરસ્પર સ્પર્ધી કોમવાદ, ધોરણસર પ્રગટ થઈ વ્યાપક રંગભાતનો હિસ્સો બનતી આગઆગવી ઓળખોને બદલે એક બીજાને આંબવા કરતી ને કોણી વગાડતી ઓળખબાજી, આ તો રીત નથી વિકલ્પનિર્માણની.


બે શબ્દો સ્થાપિત સત્તા અને સ્થાપિત વિકલ્પોની રાજનીતિ સબબ પણ લાજિમ છે. સામસામા, વારાફરતી વિકલ્પખેલમાં આમજનતાના વાસ્તવિક સવાલો તમારી ચર્ચા અને ચિંતનના કેન્દ્રમાં કેમ નથી. વિક્રમી કદનું બાવલું ઊભું કરવું, કોઈનું તોડવું, કોઈનું પાડવું, કોઈનું ખરડવું: નવી ચૂંટણી આડેના 14 મહિના (જો ચૂંટણી એથી વહેલી ન થાય તો) આ જ તમારો ક્રમ ને વિક્રમ રહેવાના હોય તો દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.


અલબત્ત, આ એક ઊનો ઊનો નિસાસો તો નાખતાં નખાઈ ગયો, પણ સ્વરાજની લાંબી લડાઈ, વિભાજનની વિભીષિકા, કટોકટીની કાળરાત્રિ એમ એક પછી એક બોગદામાંથી ભલે ને ઈંચ બ ઈંચ પણ આગળ વધતી રહેલી લોકશાહીને એમ લખી વાળવાનું આપણને તો ઠીક, ખુદ ઇતિહાસને પણ પોસાય નહીં. માત્ર, જણનારીમાં જોર જોઈએ. આખરે તો, જણે તે જનતા … સાહેબો, જણે તે જનતા.

સૌજન્ય : ‘ખોંખારીને’, “દિવ્ય ભાસ્કર”, 17 માર્ચ 2018

Loading

17 March 2018 admin
← ત્રણ કાવ્યો
બર્થ ઑફ નૉન-બીજેપીઝમ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved