અત્યાર સુધી કોઇપણ સમાધાન ન કરનારા નરેન્દ્ર મોદીને હવે કેટલું નમતું જોખશે એ જોવું રહ્યું

ચિરંતના ભટ્ટ
આપણી ચૂંટણીનાં પરિણામો મોટા ભાગનાં લોકોએ ધાર્યા હતા એના કરતાં તદ્દન જુદાં આવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર જીત્યા ખરા, એટલે કે ભા.જ.પા.ની ત્રીજી વાર જીત થઇ પણ એવી રીતે નહીં જેવી રીતે તેમણે ધારી હતી. સરળતાથી જીત મળી જશે એમ ધારનારી ભા.જ.પા. માટે આ જંગ રસાકસી વાળી હતી એવું પરિણામ જાહેર થયા પછી ખબર પડી. ચારસો પારના દાવાના શોરબકોર વચ્ચે હવે ભા.જ.પા.એ બહુમત વિનાની ગઠબંધન સરકાર બનાવવાનો વારો આવ્યો છે. ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે અને પછી 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવવાની આદત પડી ગઇ હોય પછી હમણાં જે પરિણામ આવ્યું છે તે વડા પ્રધાન માટે એક અંગત ઝટકો છે.
રેસમાં દોડવાનું શરૂ કરીએ ત્યારે જે જોર હોય એ દર વખતની રેસમાં રહે એવું ન બને. વળી બહુમતીનો નશો હોય ત્યારે વધુ પડતો આત્મવિશ્વાસ ઘણી બધી વાસ્તવિકતાઓ ધુંધળી બનાવી દે એવું ય થઇ શકે છે.
લોકશાહી દેશના નાગરિકોએ નેરન્દ્ર મોદીના હાથમાં પૂરેપૂરી સત્તા સોંપી અને એ પણ એક-બે વર્ષ નહીં પણ પૂરાં દસ વર્ષ માટે. આ દસકામાં નાગરિકોએ પોતાની રીતે નાણી લીધું, આકલન કરી લીધું કે જ્યારે કોઇ એક જ વ્યક્તિના હાથમાં બધું જ સોંપી દેવાય ત્યારે શું થઇ શકે છે. બહુમતીની સરકારે રામ મંદિર બનાવ્યું તેની સાથે એક પક્ષની એક જ વ્યક્તિનું કદ સતત વધારવાનું કામ પણ કર્યું. દરેક સિદ્ધિ સાથે એક માણસનું નામ જોડવામાં આવ્યું તે કોઇ માળખાકીય કામગીરી હોય કે પછી કોઇ બીજું લક્ષ્ય પાર કર્યું હોય. આ વ્યક્તિ-પૂજા એ હદે ચાલી કે લોકોએ એવી પણ રમૂજ કરી કે ઑલિમ્પિક્સમાં જીતનારાઓની તસવીર સામે વડા પ્રધાનની તસવીર મોટી મુકવામાં આવશે. અહીં વાત માત્ર માર્કેટિંગની નથી પણ કેન્દ્રનું નિયંત્રણ વધે એવા કાયદા પસાર કરવામાં આવ્યા, 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો ચૂંટણી પંચના મુખ્ય અધિકારી કોણ હોઇ શકે એ નક્કી કરવામાં પણ કેન્દ્ર સરકારે ભાગ ભજવ્યો. આ પહેલાંની ટર્મમાં જી.એસ.ટી., નોટબંધી, 370ની કલમ ખસેડી લેવી જેવાં બીજા ફેરફારો પણ લાદવામાં આવ્યા. જી.એસ.ટી.ને મામલે લાંબુ વિચાર્યા વિના કાચું કપાયું તો નોટબંધીનો એક તસુભાર જેટલો લાભ નથી થયો એ તો ચૂંટણી ટાણે ઠેર ઠેરથી જે રીતે રોકડા પકડાયા એની પરથી જ સાબિત થઇ જાય છે. બહુમત સરકારમાં એક જ જણનો મત ચાલ્યો અને અર્થતંત્ર હખળડખળ થઇ ગયું. એટલું ઓછું હોય એમ ઇલેક્ટોરલ બોન્ડ્ઝનું તૂત ખડું કરાયું – એ ઇલેક્ટોરલ બોન્ડ્ઝ આખરે તો ખંડણી વસૂલીનો જ એક રસ્તો હતો. નૈતિકતાની વાત કરનારા ભા.જ.પા.એ જ્યારે જ્યારે બીજા પક્ષમાંથી નેતાઓ તોડ્યા ત્યારે એ બધાં જ અમાસના અંધારા જેટલો ભ્રષ્ટાચાર કરીને બેઠેલાઓની જ પસંદગી કરી. તમે સત્તા પર હો, ચૂંટણી લડવાના હો ત્યારે વગર વિચાર્યે લોકોને શેર માર્કેટમાં રોકાણ કરવાની બિંધાસ્ત સલાહ આપવાની હિંમત કરવી કોઇ કૌભાંડથી કમ નથી. કારણ કે તમારી ‘ભક્તિ’માં લીન લોકો પૈસા રોકવાના જ છે અને પછી હેરાન પણ થવાના છે. કૃત્રિમ રીતે સ્ટોક માર્કેટ કેટલી ઝડપથી ઉપર ગયું અને પછી સડસડાટ નીચે આવ્યું એ તો આપણે બધાંએ જોયું જ છે.
વળી ધ્રુવીકરણ અને હિંદુત્વનું કાર્ડ તો આ સરકારની મનગમતી ચાલ રહી છે. મુસલમાનોને છેટાં રાખવાનો અભિગમ સપાટી નીચે સતત રખાયો અને અણીને વખતે સપાટી પર પણ આવી ગયો. મુસલમાનોએ કાઁગ્રેસ તરફી વલણ રાખ્યું તેની પાછળ બીજા બધાં કારણો પછી પણ ડર અને અસલામતી સૌથી પહેલાં હતા. બિનસાંપ્રદાયિક લોકશાહીમાં આ વૈમનસ્યની તાણ નાગરિકો ન સંભાળી શકે. ટૂંકમાં શક્ય હોય ત્યાં બધે જ બધું જ કાબૂમાં કરવાનો અને એ પણ સમાંતર – પેલી ઑસ્કાર જીતેલી ફિલ્મ ‘એવ્રીથિંગ એવ્રીવ્હેર ઑલ એટ વન્સ’ના ટાઇટલની માફક – બધા જ પ્રયાસ-પ્રહાર એક સાથે કરવામાં આવ્યા.
વડા પ્રધાન એકમેવ ભા.જ.પા.નો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય હોય એ રીતે ‘નેરેટિવ’ ચલાવાયું, નવા લોકો લવાયા, જૂનાઓને બેકસ્ટેજમાં મુકાયા, વગેરે. ભા.જ.પા.ના પ્રચારના કેન્દ્રમાં હંમેશાં નરેન્દ્ર મોદીને જ રખાયા પણ કમનસીબે ધાર્યું ન થયું. હિંદુ મતદાતાઓને પણ ભા.જ.પા.ના હિંદુ બહુમતવાળી વાત એક હદ પછી ગળે ઊતરતી બંધ થઇ ગઇ. બહુમતીની સરકારને મામલે અગાઉ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પણ નિષ્ફળ ગયાં છે. ટૂંકમાં બહુમતીની સરકાર કોઇની પણ હોય પણ તે લોકશાહી રાષ્ટ્રના નાગરિકોને એક હદ પછી ગુંગળાવે છે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ભલભલાં મોટાં માથાઓને યાદ કરાવે છે કે લોકશાહીની શક્તિ શું હોય છે.
લોકશાહીનું અમૃત જેણે ચાખ્યું હોય એવા રાષ્ટ્રમાં બહુમતીની સરકાર એકચક્રી શાસન બનવા માંડે એટલે તેનો અંત દેખાવા માંડે. બહુમતની સરકારને બંધારણ બદલવામાં રસ હોય ત્યારે એમ કરવામાં કોઇ અવરોધો આવે તો એમને જરા ય ચાલતું નથી. લોકશાહી દેશમાં એવી સરકાર હોય જેને ચર્ચા-વિચારણામાં રસ ન હોય, વળી એમ માનતી હોય કે કોઇના પણ ટેકા વગર બંધારણમાં ફેરબદલ કરી શકે છે ત્યારે એ સરકારના સુકાનીઓએ પોરો ખાવાની અને આત્મવિશ્લેષણ કરવાની જરૂર હોય છે. બહુમતની સરકારમાં એક પ્રભાવી નેતા, સંસાધનો અને કોમ્યુનિકેશન પર કાબૂ, નબળો વિરોધ પક્ષ અને સંગઠનવાળી વ્યવસ્થા જેવા લક્ષણો હોય છે પણ આ તમામની સાથે ઓછી થતી સ્વતંત્રતા પણ બહુમતની સરકારની જ એક દેન છે. ભૂતકાળમાં જ્યારે કાઁગ્રેસનું શાસન હતું ત્યારે પણ બહુમત સરકારના પ્રભુત્વનું જોર મતદારોએ ઘટાડ્યું જ છે.
બહુમતની સરકારે સરમુખત્યારશાહીની સીમા ઓળંગવાની ભૂલ ન કરવી જોઇએ પણ મોટે ભાગે કરી જ બેસે છે. હવે ભા.જ.પા.એ ગઠબંધનની સરકાર બનાવવાના દિવસો આવ્યા છે ત્યારે એકમેવ શાસકની માફક અત્યાર સુધી સત્તા સંભાળનારા નરેન્દ્ર મોદી માટે એમ કરવું સરળ હશે ખરું? આ સવાલ માત્ર નરેન્દ્ર મોદી નહીં પણ અમિત શાહ માટે પણ થાય. ગઠબંધનની સરકારમાં અહમ્ને સૌથી પહેલાં બાજુએ મુકવો પડે અને બીજાઓને, તમને ટેકો આપનારાઓને સાંભળવા પડે, એમના અભિપ્રાયોને ગણતરીમાં લેવા પડે.
ભલે ભા.જ.પા.એ બહુમતી માટે પૂરતી બેઠકો પર જીત નથી મેળવી છતાં પણ NDAએ ફરી એકવાર નરેન્દ્ર મોદીને જ વડા પ્રધાન બનાવવા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સત્તામાં રહેવા માટે નરેન્દ્ર મોદીને તેલુગુ દેસમ પાર્ટી અને જનતા દળ યુનાઈટેડમાંથી 28 સાંસદોનો ટેકો જોઇએ છે. આ પક્ષના નેતાઓ છે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર. આ બંન્ને નેતાઓ વાટાઘાટ કરવામાં અવ્વલ છે અને અનેકવાર ગઠબંધનો બદલી ચૂક્યા છે.
બહુમતની આદતવાળા વડા પ્રધાન મોદીએ આ પહેલાં ગઠબંધનની સરકાર રચી નથી અને ટેકેદાર પક્ષો સાથેના તેમના સંબંધો હંમેશાં અનુકૂળ નથી રહ્યા. જ્યારે બહુમતીની સરકાર રચાઇ હતી ત્યારે આ પક્ષો સાથે સારાસારી રાખવામાં મોદીએ બહુ મહેનત નહોતી કરી. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બન્ને વિશે એલફેલ બોલવામાં પણ એમણે કંઇ બાકી નહોતું રાખ્યું. અકાલી દળે ખેડૂતોના મુદ્દે અને શિવ સેનાએ પણ સત્તાને મામલે ભેદભાવ થતા ભા.જ.પા. સાથે છેડો ફાડ્યો છે કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની બધી વાતે સંમત થવાનું તેમને માટે શક્ય નહોતું. કેન્દ્રમાં બેઠેલા નરેન્દ્ર મોદી કેન્દ્રની માફક જ વર્ત્યા છે અને ઘણીવાર પોતાના મંત્રીઓને બાજુમાં રાખીને સીધા સરકારી અધિકારીઓ સાથે વહેવાર કરી ચૂક્યા છે. તેમણે અનેકવાર બીજાઓને સાંકળ્યા વિના અથવા જાણ કર્યા વિના સીધેસીધા નિર્ણયો લઇ લીધા હોવાના પણ બનાવો છે.
હવે વડા પ્રધાન રહેવું હશે તો નરેન્દ્ર મોદીએ તેલુગુ દેસમ અને જનતા દળ યુનાઈટેડ જેવા ટેકેદાર પક્ષોની માગણીઓને પણ સમાવવી પડશે. અત્યાર સુધી કોઇપણ સમાધાન ન કરનારા નરેન્દ્ર મોદીને હવે કેટલું નમતું જોખશે એ જોવું રહ્યું. જો એમ નહીં કરે તો આગલા પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર રાખવી સહેલું નહીં હોય.
ત્રીજી ટર્મ ઘણા નેતાઓ માટે પડકાર જનક સાબિત થઇ છે. નહીં ધારેલા સંજોગોમાં સરકારો પડી ભાંગી છે અને ભલભલી યોજનાઓ રફેદફે થઇ ગઇ છે. મનસ્વી અભિગમને બાજુમાં મૂકીને ખરા અર્થમાં અન્યોના ટેકાથી સરકાર ચલાવવામાં નરેન્દ્ર મોદી કેટલા સફળ થશે એ જોવું રહ્યું.
બાય ધી વેઃ
ભા.જ.પા.ની ટિકિટ લઇને મંડીથી ચૂંટણી જીતેલી અભિનેત્રી કંગના રણૌતને ચંદીગઢ એરપોર્ટ પર સિક્યોરિટી કર્મચારીએ લાફો ચોડી આપ્યો, મુદ્દો હતો કંગનાએ કિસાન આંદોલન વખતે કરેલી ટિપ્પણી. નવીસવી સાંસદ બનેલી અભિનેત્રીએ ચોખવટ કરતો વીડિયો પણ મુક્યો. જોવાનું એ છે કે તમે સાહેબની નજીક હો એ તમારી લાયકાત નથી બનતી એવું કંગના રણૌતને સાંસદ બન્યાના અડતાળીસ કલાકમાં સમજાઇ ગયું. આ ઘટનામાંથી એટલું સમજી લેવું કે વાહવાહી કરનારાઓનો અવાજ સાંભળીને બેરોજગારી, અરાજકતા, ધ્રુવીકરણને લીધે થતી સમસ્યાઓ જેવા પ્રશ્નોના ઘોંઘાટની અવગણના કરવા જશું તો ગાલે તમાચો જ પડશે. લોકોની યાદશક્તિ ટૂંકી નથી હોતી. જે લોકો પીડાય છે તેમને પોતાની પીડા યાદ રહે છે. હિંદુવાદનું પાનું ઊતરવાથી હંમેશાં લોકોને જીતી નથી શકાતા. વળી, અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું ટક્યું એ વાત યાદ રાખીને શાલીનતા, સજ્જનતા, નમ્રતા સાથે ગઠબંધનનું માન જળવાય એ રીતે સત્તાધીશ વહેવાર કરશે તો એક લોકશાહી રાષ્ટ્રની ગરિમા જળવાશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જૂન 2024