Opinion Magazine
Number of visits: 9567519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચંદ્રયાન 3: ભારતીય વૈજ્ઞાનિકોની અભૂતપૂર્વ સિદ્ધિ, જિઓપૉલિટિક્સમાં ભારતના લેન્ડિંગની મહત્તા વધી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 August 2023

ચંદ્રયાન 3 મિશન 75 મિલિયન ડૉલર્સને ખર્ચે કરાયું છે, જ્યારે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઇન્ટરસ્ટેલર, જે પણ અન્ય ગ્રહો અને પેરેલલ યુનિવર્સના વિષય અંગે હતી તેનું બજેટ 165 મિલિયન ડૉલર્સ હતું. આ છે ઇસરોના કરકસરિયા બજેટ પ્લાનિંગની કમાલ

ચિરંતના ભટ્ટ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન – ઇસરોની સિદ્ધિ ચંદ્રયાન 3ને ભારત જ નહીં, પણ દુનિયા ભરના લોકો ખોબલે ને ખોબલે વધાવી રહ્યાં છે. આ પહેલાં પણ ચંદ્ર સુધી પહોંચ્યા હોય તેવા અન્ય રાષ્ટ્રોનાં મિશન્સ પણ થયાં છે પણ ભારતનું ચંદ્રયાન 3 એવું પહેલું મિશન છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યું છે. 23મી ઑગસ્ટે સાંજે 6:04 વાગ્યે ભારત માટે ઐતિહાસિક ક્ષણ રચાઇ અને આખા વિશ્વમાં ભારતની વાહવાહી થઇ. ટ્વિટરના – જે હવે એક્સ તરીકે ઓળખાય છે તે – માલિક બન્યા પછી કંઇને કંઇ અજુગતું કરનારા એલન મસ્ક જે ટેસ્લાના સી.ઇ.ઓ. છે અને મંગળ પર માણસો મોકલવાના પોતાના મિશન અંગે પણ સમાચારોમાં રહ્યા છે, તેમણે પણ આ મિશનની સફળતાને વધાવી. મજાની વાત એ છે કે મસ્કે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં આ મિશનના ખર્ચા અંગે જે વાત કરાઇ હતી તેને વખાણી. સોશ્યલ મીડિયા પોસ્ટ અનુસાર ભારતનું આપણું ચંદ્રયાન 3 મિશન 75 મિલિયન ડૉલર્સને ખર્ચે કરાયું છે, જ્યારે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઇન્ટરસ્ટેલર, જે પણ અન્ય ગ્રહો અને પેરેલલ યુનિવર્સના વિષય અંગે હતી તેનું બજેટ 165 મિલિયન ડૉલર્સ હતું.

આપણે મૂળે તો કરકસરિયા માણસો છીએ અને એ વાત ઇસરોએ પણ યાદ રાખી એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. મર્યાદિત બજેટમાં ઇસરોએ જે રીતે આ કામગીરી પાર પાડી છે કાબિલ-એ-તારીફ છે. ભારતીય આંકડામાં રૂપિયા 614 કરોડમાં ચંદ્રયાન 3નું મિશન પૂરું કરાયું છે. વધુ ગૌરવ કરવા જેવી એ બાબત છે કે અત્યાર સુધી ચંદ્રની સપાટીએ પહોંચવાના જેટલાં પણ મિશન થયાં છે તેમાંથી 55 ટકાથી વધુ નિષ્ફળ ગયાં છે અને માત્ર 54 ટકા જેટલાં જ સફળ રહ્યાં છે. બજેટને મામલે ઇસરો હંમેશાં કરકસરિયું જ રહ્યું છે, જેમ કે મંગળયાન જે પહેલી વારમાં જ સફળ રહ્યું હતું, તે પણ અન્ય દેશોએ કરેલા આવા પ્રયાસો કે મિશનની સરખામણી બહુ ઓછા બજેટમાં પાર પાડવામાં આવ્યું હતું.

ઇસરોના આ મિશનની વૈશ્વિક સ્તરે શું મહત્તા છે તે સમજવું પણ રાજકીય-ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં અનિવાર્ય છે. આપણે ‘વિશ્વગુરુ’નું ટાઇટલ સાકાર કરવાની મહેચ્છા છે ત્યારે આ મિશન સફળ જવું બહુ મોટી બાબત ગણાય. ભારતના સ્પેસ પ્રોગ્રામની શરૂઆત 1960માં થઇ હતી અને અત્યાર સુધી આપણે ઘણાં ઉપગ્રહો છોડ્યા છે, વળી આ પહેલા ચંદ્રયાન 1 મિશનમાં આપણે ચંદ્ર પર પાણી વાળી શોધ કરી તો એ પછી જ્યારે 2019માં બીજી વાર મિશન લૉન્ચ કર્યું તો તે નિષ્ફળ ગયું. અત્યારે મળેલી સફળતા ભારત માટે ગૌરવની વાત છે જ, પણ સરકાર માટે એ બહુ બધા ઉદ્દશોને પાર પાડવા માટે અનિવાર્ય ઘટના છે. જેમ કે ભારત યુ.એન. સિક્યોરિટી કાઉન્સિલનો કાયમી સભ્ય બનાવા માંગ છે અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં પણ જોડાવા માગે છે – હા એ સપનું કદાચ પૂરું નહીં થાય પણ ભારત હવે એ દેશોની યાદીમાં છે ચંદ્ર પર પહોંચ્યા છે. ચીન, રશિયા અને યુ.એસ.ની માફક ભારતે પોતાના વૈજ્ઞાનિક કૌશલ્યની સાબિતી આપી દીધી છે. આ ઉપરાંત આપણે ટેક્નિકલી સજ્જ છીએ તેને કારણે આપણે અન્ય દેશોને મદદ કરી શકીએ છીએ. જેમ કે ભારતના સ્પેસ રિસર્ચને કારણે ભૂગર્ભ જળનું સ્તર અને આબોહવામાં આવનારા ફેરફારો વિશે આગાહી થઇ શકી હતી અને આ બાબત એવા દેશોને મદદરૂપ થઇ શકે છે જે ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે સંવેદનશીલ હોય.

આ સફળતાને પગલે હવે ભારતમાં પ્રાઇવેટ સ્પેસ એક્સપ્લોરેશન પ્રોગ્રામ્સ પર કામ કરવાના નવા આયામો ખૂલી શકે છે અને ભારતનું સ્પેસ સેક્ટર જ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બની શકે છે. ક્લાઇમેટ ચેન્જ જેવા બદલાતા સમયના પ્રશ્નો મેનેજ કરવા હોય ત્યારે પણ આ ટેક્નોલોજી પર આધાર રાખી શકાય છે. ઇસરોના આ મિશનમાં ચંદ્ર પર મોટી માત્રામાં મળી આવતા હિલિયમ-3 એટલે કે હિલિયમ આઇસોટોપ પર ઊંડું સંશોધન થયું છે અને તે ભવિષ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્રોત તરીકે કામ લાગી શકે છે.

ચંદ્રયાન 3 એ સત્તાની સ્પર્ધામાં દોડતા દેશોમાં ભારતનું નામ વધારે ઘાટું કરનારું મિશન રહ્યું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ભારત અને રશિયા વચ્ચે ચંદ્રની દક્ષિણે ‘લૅન્ડ’ થવાની સ્પર્ધા ચાલતી હતી, અને રશિયાનું મિશન રવિવારે જ નિષ્ફળ ગયું. રશિયા અને યુ.એસ.એ. વચ્ચેની દોરડાખેંચથી આપણે વાકેફ છીએ ત્યારે એક વાત ખાસ જાણવી જરૂરી છે કે યુ.એસ.એ. દ્વારા આર્ટેમિસ એકોર્ડ્ઝની સ્થાપના કરાઇ છે. આર્ટેમિસ એકોર્ડ્ઝનો હેતુ છે સ્પેસ કોર્પોરેશનને પ્રમોટ કરવું અને યુ.એસ.ના સાથી એવા ઘણા દેશો તેનો હિસ્સો છે. આપણે માટે મહત્ત્વનું એ છે કે વડા પ્રધાન મોદીએ જૂનમાં પોતાની વૉશિંગ્ટન ડી.સી.ની મુલાકાત દરમિયાન આર્ટેમિસ એકોર્ડ પર સહી કરી દીધી છે, રશિયા અને ચીન હજી તેનો હિસ્સો નથી. જીઓપૉલિટીકલ સ્પર્ધામાં જે પ્રકારના સંજોગો છે તે જોતાં કહી શકાય કે આપણી તાજી સફળતા પછી આપણે ભવિષ્યમાં પૃથ્વી પર જ નહીં પણ ચંદ્ર પર પણ ભલભલા બદલાવ કરવામાં યોગદાન આપીશું. અત્યારે બ્રિક્સ – BRICS સમિટ પણ ચાલે છે અને મોદી આ દરમિયાન કોને મળે છે અને કોને નહીં તે પણ જોવું રહ્યું. 

આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી આ તાજી સફળતાને પગલે ભારત પ્રત્યે લોકોની દૃષ્ટિ વધારે આવકાર્ય થાય તેવી પૂરી શક્યતા છે. સાઇકલ પર જવાતા ઇસરોના રૉકેટના નોઝ કોનની તસવીરો એ તો માત્ર એ ભવ્ય ઇતિહાસની શરૂઆત હતી જ્યાંથી ભારતીય સ્પેસ વૈજ્ઞાનિકોએ ચંદ્ર તરફ પેડલ મારવાનું શરૂ કર્યું હતું, અને આજે આટલા દાયકાઓ પછી આપણે અવકાશમાં આપણું પ્રભુત્વ એકથી વધારે રીતે જમાવી શક્યા છીએ. આપણે રાજકીય ઉજવણી અને દેકારાઓથી આ સિદ્ધિનો શ્રેય જેને મળવો જોઇએ તેમને આપતાં ચૂકીએ નહીં તે જરૂરી છે. વળી આપણે એ પણ યાદ રાખવું કે નૂહ, મણિપુર, લિંન્ચિંગ, ઓનર કિલિંગ, સામાજિક ધ્રુવીકરણ, અસમાનતાઓ, સાંસદોની લે-વે પણ આપણા જ દેશની વાસ્તવિકતા છે અને તે આપણે અવકાશના ઉત્સાહમાં જમીન પરથી પગ ઊંચા ન લઇ લઇએ. આપણે ઇસરોમાં દિવસ-રાત એક કરતાં વૈજ્ઞાનિકોથી પ્રેરિત થઇએ, એમના ઉત્સાહને અને ખંતને સ્વભાવમાં ઉતારીએ. એક નાગરિક તરીકે યાદ રાખીએ કે આ કોઇ રાજકીય પક્ષની સિદ્ધિ નથી, બ્રહ્માંડની વિશાળતામાં રાજકારણની હાર-જીતની કિંમત ખરતા તારા જેટલી પણ નથી એ યાદ રાખીએ. આપણે કશું જીત્યા નથી, આપણે ક્યાંક પહોંચ્યા છે અને જેમ કહે છે ને કે, ‘સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ,’ એમ વધુ આગળ જવાનું પણ છે.

બાય ધી વેઃ

ઇસરોએ જે સિદ્ધિ મેળવી તે અભૂતપૂર્વ છે એને તેના બજેટ મેનેજમેન્ટની પ્રસંશા બાદ હવે આપણે એ પણ જોવું પડે કે માળું આપણો દેશ જબરો જટિલ છે અને વિરોધાભાસથી ભરપૂર છે. એક તરફ ચંદ્રયાન 3 વૈજ્ઞાનિક સિદ્ધિ છે તો બીજી તરફ એ સિદ્ધિ આપણે મેળવી શકીએ એ માટે દેશભરમાં જાતભાતના પૂજા-પાઠ અને હોમ-હવન કરાયા. આ આખી વાત પર હસવું કે રડવું એ સમજાય નહીં. આપણે બધાં જ મૂળે અત્યંત શ્રદ્ધાળુ પ્રકારના માણસો છીએ અને એમાં કશું જ ખોટું નથી. પરંતુ છતાં પણ વૈજ્ઞાનિકોની રાત દિવસની મહેનત લેખે લાગે એટલે આપણે જે રસ્તો અપનાવીએ છીએ તેને પડકારનારા અને સત્ય શોધક સમિતિ ચલાવતા હોય તેવા વૈજ્ઞાનિક પ્રકારના લોકો પણ ઘણાં છે પણ પેલું ગીત છે ને, ‘ઇટ હેપન્સ ઑન્લી ઇન ઇન્ડિયા.’

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑગસ્ટ 2023

Loading

27 August 2023 Vipool Kalyani
← લોકસાહિત્યના દાર્શનિકની કલમે વંદનીય ભ્રમણવૃત્તાંત
किस दिशा में जा रही है भारतीय राजनीति →

Search by

Opinion

  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved