ભારત સાથેની અમારી ભાંજગડમાંથી છેટા રહેજો તેવી ‘ધમકી’ ચીને અમેરિકાને આપી હતી તેના એક અઠવાડિયા પછી અરુણાચલ પ્રદેશની સીમા પરથી સમાચાર આવ્યા કે ત્યાં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઇ છે અને બંને પક્ષે સૈનિકોને ‘સાધારણ ઈજાઓ’ થઇ છે. ભારતની સીમા પર ચીનની લશ્કરી ગતિવિધિઓ વધારવાના પ્રયાસ પર યુ.એસ. મિલિટરી હેડક્વાર્ટર પેન્ટાગોનને પહેલી ડિસેમ્બરે યુ.એસ. કાઁગ્રેસને એક રિપોર્ટ સુપરત કર્યો હતો.
તેમાં કહેવામાં આવ્યું હતું કે ચીની સેના ભારતને અમેરિકાની નજીક જતું રોકવા માંગે છે અને તેના માટે તે સીમા (લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) પર તનાવ ઓછો કરવાના સંભવિત પ્રયાસ કરી રહી છે, પરંતુ તે દરમિયાન તેને અમેરિકાની દખલઅંદાજી પસંદ નથી આવી. ચીની સેનાએ અમેરિકન અધિકારીઓને ચીમકી આપી છે કે તેઓ ભારત સાથે ચીનના સંબંધોમાં ટાંગ ન અડાવે.
રિપોર્ટ અનુસાર, “ભારત અને ચીન એકબીજાનાં ક્ષેત્રોમાં આક્રમક ઘૂસપેઠનો આરોપ લગાવી રહ્યાં છે. 2020ની અથડામણ પછી ચીને લગાતાર સૈનિક બળની હાજરી બનાવી રાખી છે અને બીજી તરફ સીમા પર નક્કર બાંધકામ પણ ચાલુ રાખ્યું છે.” અગાઉ, 2021માં, પેન્ટાગોનના અન્ય એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી કે ચીને અરુણાચલમાં સીમા પર તવાંગ પ્રદેશમાં એક ગામ વસાવ્યું છે અને સેનાની ચોકી પણ ખોલી છે.
આ ફોટો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોનો છે, જે તવાંગની અથડામણનો હોવાનો દાવો છે
એ પછી ભારતીય સેના પણ એલર્ટ હતી અને તેણે પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું. 9મી ડિસેમ્બરે અહીં બંને સેનાઓની પેટ્રોલિંગ ટુકડીઓ વચ્ચે અથડામણ થઇ હતી. ઘટનાના ચાર દિવસ પછી, 13 ડિસેમ્બરે, સંસદમાં અધિકૃત બયાનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “9 ડિસેમ્બર 2022ના રોજ, પી.એલ.એ.(પીપલ્સ લિબરેશન આર્મી)ના સૈનિકોએ તવાંગ સેક્ટરમાં યોંગ્ત્સે ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર અતિક્રમણ કરીને યથાસ્થિતિને બદલવાનો એકતરફી પ્રયાસ કર્યો હતો. આપણી સેનાએ તેનો બહાદુરીથી મુકાબલો કર્યો હતો અને તેમને તેમની ચોકીઓમાં પાછા જવા ફરજ પાડી હતી. આ અથડામણમાં બંને પક્ષના સૈનિકોને ઈજાઓ થઇ છે. એમાં ન તો કોઈનું મોત થયું છે કે ન તો કોઈને ગંભીર ઈજા થઇ છે.”
1962ના યુદ્ધમાં, ચીને તવાંગના અમુક ઇલાકાઓ પર કબજો કર્યો હતો. 1986-87માં, તવાંગ નજીક સુમદોરોંગ ઘાટીમાં ચીને ઘૂસપેઠ કરી હતી પણ તેમાં કશું હાંસલ થયું નહોતું. એ પછી 36 વર્ષ પછી ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ થઇ છે. એ સાથે જ, અરુણાચલનો મામલો સમાચારોમાં આવ્યો છે. 2020માં, તિબેટમાં ગલવાન ઘાટીમાં બંને સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીને પણ તેના 4-5 સૈનિક ગુમાવ્યા હતા.
ત્યારથી વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને સેનાઓની જબ્બર જમાવટ થઇ છે. એક સંખ્યા પ્રમાણે, એકલા તિબેટમાં જ ભારતના 50,000 સૈનિકો ચીન સામે આંખમાં આંખ નાખીને ઊભા છે. ચીન સાથે મંત્રણાઓના લગભગ 16 દૌર પછી પણ ગતિવિધિઓમાં કમી નથી આવી. ભારતીય સેનાના વડા મનોજ પાંડેએ તાજેતરમાં એકરાર કર્યો હતો કે સીમા પર ચીને તેના સૈનિક બળોમાં ઘટાડો કર્યો નથી. તેમણે કહ્યું હતું કે સીમા પર ચીનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામકાજ વિના રુકાવટ ચાલુ જ છે. જનરલ પાંડેએ કહ્યું હતું કે ત્યાં “પરિસ્થિતિ સ્થિર પણ અણધારી છે.”
આ ‘અણધારી સ્થિતિ’ એટલે અરુણાચલની લેટેસ્ટ અથડામણ. લગભગ ચાર હજાર કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે બે મોટા અને નાના-નાના અનેક સીમા વિવાદો છે. પહેલો મોટો વિવાદ અકસાઇ ચીનમાં છે, જે ચીનના વહીવટ હેઠળ છે. ભારત તેને લદાખનો હિસ્સો ગણે છે. બીજો મોટો વિવાદ મેકમોહન લાઈન પર છે, જે હવે અરુણાચલ પ્રદેશ કહેવાય છે. બ્રિટિશ ઇન્ડિયા અને તિબેટ વચ્ચે 1914માં જે સંધિ થઇ હતી તેમાં મેકમોહન લાઈનનો સમાવેશ થતો હતો પણ એવું કહીને તેને માનવા ઇનકાર કરે છે કે સંધિ થઇ ત્યારે તિબેટ સ્વતંત્ર નહોતું.
1962નું યુદ્ધ, આ બંને મોરચે લડાયું હતું. એ પછી બંને દેશો વચ્ચે શ્રેણીબદ્ધ મંત્રણાઓ અને કરારોના પગલે 2017 સુધી સીમા પર અપેક્ષિત શાંતિ જળવાઈ રહી હતી. 2017માં, ચીને ભૂતાનના એક રોડને દોખલામ સુધી લંબાવ્યો હતો. ભારતે સૈનિકો મોકલીને બાંધકામ અટકાવ્યું હતું અને પછી બંને દળો પાછાં હટી ગયાં હતાં. એ પછી, 2020માં, લદાખમાં ભારતના એક રોડ નિર્માણના પગલે ટકરાવ શરૂ થયો હતો અને જૂન મહિનામાં મોટી હિંસક હાથાપાઈ થઇ હતી. થોડા મહિના પછી બંને પક્ષે બંધૂકો પણ ફૂટી હતી.
ગયા મહિને, બેજિંગમાં ચીનની રાષ્ટ્રીય સંસદ ગ્રેટ વોલ ઓફ પીપલની મિટિંગમાં, રાષ્ટ્રપતિ શી જીન પિંગે ત્રીજીવાર રાષ્ટ્રપતિનો કાર્યભાળ સંભાળ્યો, ત્યારે મંચ પર તેમના આગમન પહેલાં પડદા પર ગલવાન ઘાટીની અથડામણનો વીડિયો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિની પસંદગી કરવાના દેશના સૌથી મોટા પ્રસંગમાં ગલવાન સંકટને યાદ કરે તે જ બતાવે છે કે ચીન તે ઘટનાને અને સીમા વિવાદને કેટલું ગંભીરતાથી લે છે.
તેને ગંભીરતા કહો, આક્રમકતા કહો, દુ:સાહસ કહો, ‘અટકચાળું’ કહો કે પછી ગાંડપણ કહો, હકીકત એ છે કે ચીન ભારતની સીમાને સળગતી રાખવા માગે છે. સીમા પરથી અત્યાર સુધી જેટલા મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે તે કહે છે કે ત્યાં ભારતીય સેનાનો એવી ચાઇનીઝ ગતિવિધિઓ સામે પનારો પડી રહ્યો છે જેમાં એવા કોઈ સંકેતો નથી જે એવું આશ્વાસન આપે કે આ બધું કામચાલાઉ છે. સાદી ભાષામાં કહેવું હોય તો યુદ્ધની સ્થિતિ ઊભી થાય ત્યારે મોટી સંખ્યામાં અને ઝડપથી લશ્કરી સહાયતાઓ સક્રિય કરવામાં મદદ થાય તેવી કાયમી વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરવામાં આવી રહી છે.
સ્વાભાવિક રીતે જ, ભારતની સેના પણ કોઈ બાબતને હળવાશથી નથી લઇ રહી. લદાખ અને હિમાચલમાં ચીની સૈનિકોને વધુ ‘સળીઓ’ કરતાં રોકવા માટે ભારતે વધારાના જમીની દળો ખડક્યા છે અને ચીનની જેમ જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભાં કર્યા છે. એવું કહેવાય છે કે 62ના યુદ્ધ પહેલાં, ત્યાં લશ્કરી દળો અને સહાયતાઓને એકઠી કરવામાં ચીનને ત્રણ-ચાર મહિના લાગ્યા હતા. આજે એવી સ્થિતિ છે કે 24 કલાકમાં અહીંથી ત્યાં મોટા પ્રમાણમાં હેરફેર થઇ શકે તેમ છે.
ચીન તેની સત્તાવાર નીતિ પ્રમાણે પૂરા અરુણાચલને ચીનનો હિસ્સો ગણે છે. તેના 90,000 કિલોમીટરના વિસ્તારને તે ચીની ભાષામાં ‘ઝગ્નન’ તરીકે ઓળખે છે અને ક્યારેક તેને ‘કથિત અરુણાચલ પ્રદેશ’ પણ કહે છે. ગયા વર્ષે ચીને અરુણાચલની 15 જગ્યાઓનું નામકરણ ચીની ભાષામાં કર્યું હતું. ગયા વર્ષે, ઉપ-રાષ્ટ્રપતિ એમ. વૈન્ક્યાનાયડુ હિમાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા ત્યારે ચીને તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને ભારતે પણ એ વાંધાને ડૂચો મારીને કચરા ટોપલીમાં નાખી દીધો હતો.
હિમાચલમાં ચીનનો મુખ્ય રસ તવાંગમાં છે, કારણ કે વ્યૂહાત્મક રીતે તે ચીનને ભારતના ઉત્તર-પૂર્વી હિસ્સામાં સરસાઈ આપે છે. બીજી રીતે વાત કરીએ તો, અરુણાચલ એક માત્ર જગ્યા એવી છે જ્યાંથી ભારતની મિસાઈલને ચીન સૌથી નજીકમાં પડે છે. એટલે ચીનની હિમાચલ અને ખાસ તો તવાંગ પર નજર છે. તવાંગ જો હાથમાં હોય તો તિબેટ પર તેના દાવાને બળ મળે તેમ છે.
તવાંગને તે તિબેટનો હિસ્સો ગણે છે અને સીમા વિવાદની મંત્રણાઓમાં તો તે તવાંગનું નામ પણ સામેલ કરવા તૈયાર નથી. ત્યાંના તવાંગ મઠમાં છઠ્ઠા દલાઈ લામાનો 1683માં જન્મ થયો હતો, ત્યારથી ચીન માટે તે વિસ્તાર મહત્ત્વનો બની ગયો છે. હાલના દલાઈ લામા(87)ના ઉત્તરાધિકારીનો પ્રશ્ન ઊભો થશે, ત્યારે તવાંગ પર ચીનનું ફોકસ વધવાનું છે. ચીન ઈચ્છે છે કે નવા દલાઈ લામાની પસંદગી તિબેટની બહારથી ન થાય. તવાંગનો બૌદ્ધ મઠ દુનિયાનો સૌથી મોટો મઠ છે અને તિબેટિયન બૌદ્ધવાદનું તે કેન્દ્ર છે. 1959માં, ચીનની દાદાગીરીથી બચવા માટે વર્તમાન દલાઈ લામા તિબેટમાંથી પલાયન થઇ ગયા હતા, ત્યારે તેઓ પહેલાં તેઓ તવાંગ મઠમાં રહ્યા હતા અને પછી ત્યાંથી ભારતમાં આવતા રહ્યા હતા.
ચીનને ડર છે નવા લામા તવાંગમાંથી આવશે. સત્તાવાર રીતે ભારત દલાઈ લામાની વરણીમાં પડતું નથી, પરંતુ ચીનને શંકા છે ભારત જે રીતે દલાઈ લામાને છાવરે છે તે જોતાં તે પાછલા બારણે નવા લામા તેના કહ્યામાં હોય તેવા પસંદ કરાવશે. ગયા વર્ષે, દલાઈ લામાના જન્મ દિવસ પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને શુભેચ્છા આપી હતી તેને ચીન અગત્યનો સંકેત માને છે, કારણ કે એ પહેલાં કોઈ પ્રધાન મંત્રીએ સાર્વજનિક રીતે દલાઈ લામાને ફોન નથી કર્યો.
આ બધા બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને જોઈએ તો, 9મી ડિસેમ્બરે ચીની સેનાએ ભારતની સેનામાં અતિક્રમણ કર્યું તે અકસ્માત નથી, પણ વ્યૂહાત્મક છે. એક વાત સ્પષ્ટ છે કે પહેલાં ગલવાન અને હવે હિમાચલમાં ઉંબાડિયું મૂકીને ચીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે સીમા વિવાદને ઠંડો પાડવાના મૂડમાં નથી. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અને ન્યુક્લિયર સત્તાઓ લદાખ અને હિમાચલમાં એકબીજાને નહોરિયાં ભરવા માટે તૈયાર બેઠી છે તે વિશ્વ માટે ચિંતાનો વિષય છે, પણ તવાંગમાં જો કારગિલવાળી થાય તો દુનિયા તેની આંખ આડા કાન કરશે કે ચીનને ઠપકારશે તેનો કોઈ સ્પષ્ટ ઉત્તર ભારત પાસે પણ નથી.
લાસ્ટ લાઈન:
“તિબેટ સદીઓથી ચીનનો હિસ્સો છે એવું હું કહું તેમ ચીન ઈચ્છે છે. હું એવું કહું તો પણ લોકો હસશે. મારા કહેવાથી ઇતિહાસ નથી બદલાઈ જવાનો. ઇતિહાસ ઇતિહાસ છે.”
— દલાઈ લામા
પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 18 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર