વર્તમાન કેન્દ્ર સરકારની ધરાર પ્રશંસા કરવી પડે એવા અવસર આપણા અત્યારના શાસકોએ બહુ ઓછા આપ્યા છે, એમાં એક અવસર ઈરાન સાથેની છાબહાર બંદરની સમજૂતીનો હતો. ૨૦૧૬ના મે મહિનામાં ભારત અને ઈરાને ઈરાનના હોરમઝની સામુદ્રધુની અર્થાત્ ઈરાનના અખાતના મુખ પર આવેલા છાબહાર નામના બંદરને ભાગીદારીમાં વિકસાવવાનો કરાર કર્યો હતો. એના દ્વારા ઈરાનને દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોમાં વ્યાપાર કરવાની અનુકૂળતા મળતી હતી અને ભારતને પશ્ચિમના અને મુખ્યત્વે મધ્ય એશિયાના દેશો સાથે. એ સમજૂતીની આ લખનારે ભરપૂર પ્રશંસા કરી હતી. કરવી જ પડે એમ હતી. જો કે આવી જ એક સમજૂતી ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે ઈરાનના શહીદ બેહેશ્તી નામના બંદરને ભાગીદારીમાં વિકસાવવાની કરી હતી, પરંતુ ઈરાન સામેની નાકાબંધીને કારણે એ લાગુ થઈ શકી નહોતી.
પણ જે પ્રશંસા કરવામાં આવી હતી એનું મુખ્ય કારણ વ્યાપાર નહોતું. એનું મુખ્ય કારણ હતું રાષ્ટ્રીય સંરક્ષણ. ચીનની વન બેલ્ટ યોજના હવે તો જાણીતી છે એટલે તેની વિગતો આપવાની અહીં જરૂર નથી. ચીને જે કેટલાક બેલ્ટ રચ્યા છે અથવા વિશ્વની ભૂમિ પર રચવા માગે છે એમાં એક બેલ્ટ છે; બીજિંગથી પાકિસ્તાનના ઈરાનના અખાતના મોઢા પર આવેલા ગ્વાડર બંદર સુધીનો મહામાર્ગ જેમાં બીઝનેસ કૉરીડોરનો પણ સમાવેશ થાય છે. બીજો બેલ્ટ જૂના સિલ્ક રૂટનો છે જે પાકિસ્તાનના કબજા હેઠળના ઉત્તર કાશ્મીરની નજીકથી અને ક્યાંક કાશ્મીરમાંથી પસાર થાય છે અને છેક યુરોપ સુધી જાય છે. દેખીતી રીતે આમાં ભારતને અસલામતી નજરે પડી હતી. આનું મુખ્ય કારણ એ હતું કે પાકિસ્તાન કોઈ જવાબદાર દેશ નથી અને ભારતદ્વેષ તેના ટકી રહેવા માટેનું મુખ્ય પરિબળ છે. તે હવે અમેરિકાને છોડીને ચીનના ખોળામાં બેસી ગયું છે. આવો ભારતદ્વેષી થનગનભૂષણ દેશ ચીનના ખોળામાં બેસી જાય અને ચીનની શરતે પોતાની ભૂમિ અને પોતાનાં બંદરો ચીનને હવાલે કરી દે તો એમાં ભારત માટે મોટું સલામતીનું જોખમ પેદા થાય.
આ બાજુ ઈરાનને પણ ચીનનો અને ચીન દ્વારા સશક્ત બની રહેલા પાકિસ્તાનનો ડર હતો. ઈરાન શિયા બહુમતી દેશ છે અને પાકિસ્તાન સુન્ની. મુસ્લિમ દેશોમાં શિયા-સુન્ની દ્વેષ, વિભાજન અને આતંક સૌથી વધુ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાની સરકાર પણ મૂળભૂતવાદીઓના દબાવ હેઠળ શિયાવિરોધી ભૂમિકા લે છે. આમ એક તો પાકિસ્તાન શિયાવિરોધનું કેન્દ્ર હોય અને ઉપરથી તેને ચીનની મદદ મળે તો ઈરાનનું કોઈક દા’ડો આવી બને. આ ઉપરાંત ઈરાનને ચીનનો પણ ડર હતો. ચીન કેટલાંક વર્ષોથી વિસ્તારવાદી અભિગમ અપનાવી રહ્યું છે અને ઉપરથી તે પાકિસ્તાન દ્વારા ઈરાનના અખાત સુધી પહોંચવાનું છે, એટલું જ નહીં ઈરાનની ઉપરથી પસાર થનારો સિલ્ક રૉડ અને તેની બંને બાજુએ રચાનારો બીઝનેસ કૉરીડોર તો ખરો જ. આમ ચીન-પાકિસ્તાન ભાગીદારીની ચિંતા ઈરાનને પણ હતી.
આગળ વધતાં પહેલાં એક નજર ચીનના અભિગમ વિષે. ચીને વન બેલ્ટ વન કોરીડૉરની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી એ પછી ચીનના શાસકોએ જગતના મહત્ત્વના દેશોના શાસકોને મળીને તે યોજના સમજાવી હતી અને તે કઈ રીતે જગતને નજીક લાવનારી છે, વિકાસલક્ષી છે, સંબંધીત દેશને કઈ રીતે ફાયદાકારક નીવડવાની છે, સંરક્ષણ વિષયક ચિંતા કરવાની શા માટે જરૂર નથી વગેરે સમજાવ્યું હતું. આ ક્રમમાં ચીનના શાસકોએ ભારતને પણ આ યોજના સમજાવી હતી અને ભારતને સધિયારો આપ્યો હતો કે ભારતે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ખુદ ચીનના પ્રમુખ શી ઝિંગપીંગ ભારત આવ્યા હતા અને ચીનની બેલ્ટ યોજના સમજાવી હતી.
Chinese President Xi Jinping (L) talks with Indian Prime Minister Narendra Modi as they visit a riverside park development project in Gujarat, India, Sept 17, 2014. Xi Jinping visited the state of Gujarat on Wednesday. [Photo/Xinhua]
યોગાનુયોગ એવું બન્યું કે જ્યારે ચીને બેલ્ટયોજના તરતી મૂકી ત્યારે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા. શીતયુદ્ધ પછી વિશ્વનું રાજકારણ એક નિર્ણાયક વળાંક પર હતું ત્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા. અમેરિકાની આણ ખતમ થઈ રહી હતી અને ચીન એક મહાસત્તા (આર્થિક અને લશ્કરી એમ બંને અર્થમાં) તરીકે સ્થાપિત થઈ રહ્યું હતું. થઈ રહ્યું હતું શું, થઈ ચૂક્યું હતું. ચીન માટે ભારત નજીકનું પ્રતિસ્પર્ધી ખરું, પણ ઘણા અંતરે. એક જમાનામાં અમિતાભ બચ્ચન જેમ એકથી દસ નબંર સુધી એકલા હતા અને નબર ટુ તરીકે બીજો કોઈ અભિનેતા અગિયારમાં ક્રમે હતો એમ. ભલે છેટે, પણ નજીકમાં નજીકનું પ્રતિસ્પર્ધી ભારત હતું અને એની ચીનને જાણ હતી.
આ સ્થિતિમાં કલ્પના કરો કે ચીને ભારતના વલણ વિષે શું વિચાર્યું હશે? ચીને વિચાર્યું કે ભારત કદાચ અમેરિકા, જપાન અને બીજા ચીનવિરોધી દેશો સાથે હાથ મિલાવી શકે છે અને એવા દેશોની ધરી રચાઈ શકે છે. આ દેશો ચીની સમુદ્રમાં બેડાં લાવી શકે. જો આમ બને અને તિરાડ પહોળી થતી જાય તો ત્રીજા વિશ્વયુદ્ધ સુધી પણ પરિસ્થિતિ વણસી શકે છે. પહેલાં બે વિશ્વયુદ્ધો યુરોપમાં લડાયાં હતાં તો ત્રીજું એશિયામાં લડાશે. ભારત ચીનવિરોધી દેશોની ધરીમાં સામેલ થાય એવી પૂરી શક્યતા છે. ચીને વિચાર્યું હશે કે ભારત આર્થિક વિકાસમાં તો ચીન પછી બહુ દૂર નહીં એમ બીજા ક્રમે છે. જગતના ચીનવિરોધી દેશો ભારતની વિશાળ બજારની અને ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રની ઉપેક્ષા ન કરી શકે. આનો અર્થ એ થયો કે ભારત પોતાનું બજાર ખુલ્લું મૂકીને ચીનવિરોધી શક્તિઓનો લાભ લઈને પોતાને મજબૂત કરી શકે. ચીને એમ પણ વિચાર્યું હશે કે જો ભારતનો વિશ્વાસ સંપાદિત કરી શકાય અને ભાગીદાર કરી શકાય તો તો પછી પૂછવું જ શું? દુનિયામાં કોઈની તાકાત નહીં હોય કે એશિયા ખંડ તરફ નજર કરે. પણ ભારતનો વિશ્વાસ સંપાદિત કરવો એ આસાન કામ નહોતું. સીમાવિવાદ ઊભો છે, એક યુદ્ધ થઈ ચૂક્યું છે અને ભારતીયો ચીનાઓ ઉપર સૌથી ઓછો વિશ્વાસ કરે છે.
એક બાજુ નરેન્દ્ર મોદીનું ભારતમાં સત્તામાં આવવું અને બીજી બાજુ ચીને અપનાવેલો નવો રાહ. નરેન્દ્ર મોદીનું આગમન સૂચક હતું. ભારતમાં પહેલીવાર કહેવાતા મધ્યમમાર્ગી સેક્યુલર પક્ષોની કાખઘોડી વિનાની હિંદુ રાષ્ટ્રવાદી સરકાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી હતી. નવા વડા પ્રધાન આત્મવિશ્વાસથી છલકતા હતા. આગળ કહ્યું એમ ચીનને પહેલો અંદેશો એ હતો કે ભારતના હિંદુ રાષ્ટ્રવાદી શાસકો ચીનવિરોધી ધરી રચવામાં સક્રિય બનશે, એટલે ચીને તેની સામેની તૈયારીઓ શરૂ કરી દીધી.
પ્રારંભમાં બન્યું પણ એવું જ. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી પહેલી મુલાકાત ૧૫મી જૂને ભૂતાનની લીધી અને એ પછી ઓગસ્ટ મહિનામાં નેપાળની. આ બન્ને દેશો ચીન સાથે સરહદ શેર કરે છે. એ પછી ત્રીજી સપ્ટેમ્બરે તેમણે જપાનની મુલાકાત લીધી હતી અને જપાનની ભૂમિ ઉપરથી ચીનનું નામ લીધા વિના ચીનને તેમણે વિસ્તારવાદી તરીકે ઓળખાવ્યું હતું. આ સિવાય નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં પોતાની વડા પ્રધાન તરીકેની સોગંદવિધિ વખતે ભારતના પાડોશી દેશોના વડાઓને ખાસ દિલ્હી બોલાવ્યા હતા. ચીનને લગભગ ખાતરી થઈ ગઈ હતી કે ભારત સક્રિયપણે ચીનવિરોધી વિદેશનીતિ અપનાવી રહ્યું છે અને ભારત માટે મહત્ત્વના દેશોને પોતાના તરફ કરી રહ્યું છે.
આશ્ચર્ય એ વાતનું હતું કે ભૂતાન, નેપાળ અને જપાનની મુલાકાત લીધા પછી તરત જ અને ખાસ કરીને જપાનમાં ચીનને વિસ્તારવાદી તરીકે ઓળખાવ્યા પછી પંદર જ દિવસમાં ચીનના સર્વોચ્ચ નેતા શી ઝિંગપીંગ ભારત આવ્યા હતા. ૧૭મી સપ્ટેમ્બરે શી ઝિંગપીંગ અમદાવાદ આવ્યા હતા અને સાબરમતી નદીના કાંઠે હીંચકે ઝૂલીને ઢોકળા ખાધાં હતાં. પણ એ પહેલાં ચીની સૈનિકોએ લડાખમાં ભારતના કબજા હેઠળના પ્રદેશમાં કબજો જમાવ્યો હતો. જી હાં, ચીનના પ્રમુખ જ્યારે અમદાવાદમાં હીંચકે ઝૂલતા હતા ત્યારે એ જ સમયે ચીની સૈનિકો લદાખમાં કબજો જમાવીને બેઠા હતા.
સાધારણપણે કોઈ દેશ આવું કરે નહીં. સરહદે તંગદિલી હોય તો પણ યજમાન દેશની મુલાકાત વખતે તંગદિલી હળવી કરવામાં આવે કે જેથી સદ્ભાવ વધે. અહીં તો ચીને ઊલટો રસ્તો અપનાવ્યો હતો. આમ જાણીબૂજીને કરવામાં આવ્યું હતું. ચીને ભારતને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ભારત ચીનને ઘેરવાની અને ચીન સામે ધરી રચવાનો પ્રયત્ન કરશે તો ચીન સરહદ ખોલી શકે એમ છે. ‘તમારે લડાખમાંથી તમારા સૈનિકોને પાછા લેવા જોઈએ.’ એવી વિનંતી શી ઝિંગપીંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે કરાવડાવી હતી. ચાહી કરીને આવો તખતો રચવામાં આવ્યો હતો.
આ બાજુ ચીને બેલ્ટ યોજનામાં ભારતનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ પણ કર્યો હતો. શી જિંગપીંગે ભારત આવીને બેલ્ટ યોજના સમજાવી હતી. એમાં ભારતને થનારા લાભ સમજાવ્યા હતા. ૨૦૧૭ના મે મહિનામાં ચીને બેલ્ટ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં જગતના ૧૩૦ દેશોએ હાજરી આપી હતી. ભારતને પણ તેમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ભારતે અમેરિકાના સૂચનને સ્વીકારીને તેનો બહિષ્કાર કર્યો હતો. પણ તમને ખબર છે કોન્ફરન્સના દિવસે શું થયું? અમેરિકાએ ભારતને જાણ પણ કર્યા વિના બેલ્ટ કોન્ફરન્સમાં હાજરી આપી. જેને નમસ્તે કરવા માટે અમદાવાદમાં તાયફો યોજવામાં આવ્યો હતો એ ટ્રમ્પનું આ ચારિત્ર્ય છે. આમ છતાં ચીને ભારતને બેલ્ટ યોજનામાં સાથે લેવાની કોશિશ કરી હતી. બેલ્ટ યોજનામાં વિઘ્ન ન આવે એ માટે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારતને અનુકૂળ આવે એ રીતે ઉકેલાય એમાં પણ ચીને રસ લીધો હતો.
આમ ચીન માટે પ્રાથમિકતા બેલ્ટ યોજનાની છે. ચીનની દૃષ્ટિએ બેલ્ટ યોજના ૨૧મી સદીની મહાસત્તા માટેની ભૌગોલિક, રાજકીય અને આર્થિક જરૂરિયાત છે. એમાં ભારત ખૂબ મહત્ત્વનો ભાગીદાર દેશ બની શકે એમ છે એ ચીન જાણે છે અને ચીન એવો પ્રયાસ કરી પણ રહ્યું છે. ચીનને એની પણ જાણ છે કે ભારત બહુ આસાનીથી ચીનનો ભરોસો કરવાનું નથી. માટે ચીન ભારત ફરતે દીવાલો રચી રહ્યું છે. બેલ્ટ યોજનામાં જો ભાગીદાર બને તો ઉત્તમ અને ન બને તો પૂર્વ કે પશ્ચિમ તરફ નજર નાખવા માટે જગ્યા ન બચવી જોઈએ. અમેરિકા અને જપાન તો ઘણા દૂર છે એટલે તેની ખાસ ચિંતા નથી. વળી હવે અમેરિકા ખોખરું થઈ ગયું છે અને જપાનનો યુગ ૨૦મી સદીમાં પૂરો થઈ ગયો છે.
ચીનની નીતિ તો બહુ સ્પષ્ટ હતી અને છે, પણ ભારતની? આની વધુ ચર્ચા હવે પછી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 જુલાઈ 2020