૧૬મી મે ૨૦૧૪ની સાંજે ભારતના આકાશમાં ભારતીય જનતા પાર્ટી માટે, સંઘપરિવાર માટે, નરેન્દ્ર મોદી માટે એક સુવર્ણક્ષણ પ્રગટી હતી. જે સફળતા અટલ બિહારી વાજપેયી જેવા વિરાટ ગજાના નેતાને નહોતી મળી એ નરેન્દ્ર મોદીને મળી હતી. એ માત્ર માર્કેટિંગનું પરિણામ નહોતું. તેમનાં નિંદકો આમ કહે છે અને તેમાં આંશિક સત્ય પણ છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. સંપૂર્ણ સત્ય એ છે કે નરેન્દ્ર મોદી લગભગ આખા ભારતમાં આશાનું ઇન્દ્રધનુષ પેદા કરી શક્યા હતા. હિંદુને અને મુસલમાનને, ગરીબને અને તવંગરને, વેપારીને અને ખેડૂતને, સ્ત્રીને અને પુરુષને, શહેરીને અને ગ્રામીણને, યુવાનોને અને વૃદ્ધોને એક સાથે એમ લાગ્યું હતું કે આ માણસ આશાનું કિરણ બની શકે એમ છે. એ સબ કા સાથ સબ કા વિકાસની વાત કરે છે, એટલું જ નહીં તેમાં આપણો પણ સમાવેશ થાય છે. જુઓ ભારતના વડા પ્રધાનપદનો ઉમેદવાર આપણું નામ લઈને આપણો સમાવેશ કરી રહ્યો છે. ત્રીસ વરસે પહેલીવાર ભારતીય પ્રજા એક જગ્યાએ ઠરી હતી.
૧૯૮૦ પછીથી ભારતીય સમાજમાં નાત, જાત, ધર્મ, ભાષા, પ્રાંત, આર્ય – અનાર્ય, ઇન્ડિયા -ભારત, સ્થાનિક – બહારના એમ જુદી જુદી ઓળખો વિકસવા લાગી હતી. એવી ટૂંકી ઓળખો વિકસવા પાછળનું મુખ્ય કારણ શિક્ષણ અને સંસદીય લોકશાહી હતાં. શિક્ષણના કારણે લોકોને તેમની અલાયદી ઓળખનો પરિચય થયો હતો અને સંસદીય લોકશાહીમાં ઓળખની સંખ્યા વટાવવાનું વલણ પેદા થયું હતું. રાજકીય પક્ષો પણ જે તે સમાજવિશેષને સાથે લઈને, તેમને પટાવીને (તુષ્ટિકરણ) રાજકારણ કરતા હતા. હવે કોઈ પક્ષ સમગ્ર ભારતની સમગ્ર પ્રજા વતી બોલનારો નહોતો બચ્યો. કૉન્ગ્રેસ પણ નહીં, કારણ કે કૉન્ગ્રેસે જેમ જેમ પડકાર વધતા ગયા તેમ તેમ કોઈને કોઈ સમાજવિશેષનું તુષ્ટિકરણ કરવાનું અને એક સ્થળે રાજકીય જગ્યા છૂટે તો બીજી પકડવાનું શરૂ કર્યું હતું.
આઝાદી પછીનો ચાર દાયકા જેટલો લાંબો આવો કાલખંડ છે. જે તે પ્રજાસમૂહોને પટાવવાની અને આપસમાં લડાવી મારવાની નીતિને કારણે કૉન્ગ્રેસ સરવાળે ક્રમશઃ જગ્યા ગુમાવતી ગઈ, પરંતુ કૉન્ગ્રેસની જગ્યા લઈ શકે એવો કોઈ પક્ષ નહોતો. સમાજવાદી ધારાના પક્ષો આપસમાં લડીને ખતમ થઈ ગયા હતા. ડાબેરીઓ અને બી.જે.પી. ચોક્કસ વિચારધારામાં માનનારા હોવાને કારણે અને એમાં આગ્રહી હોવાને કારણે સમગ્ર પ્રજાનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરી શકે એમ નહોતા. નરેન્દ્ર મોદીએ ૨૦૧૩માં જ્યારે બિહારમાં નીતીશકુમાર સાથેની ચૂંટણીસમજૂતી તોડી નાખી ત્યારે બીજું કોઈ નહીં, બી.જે.પી.ના સર્વોચ્ચ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લેખ લખીને ચેતવણી આપી હતી કે ભારત જેવા પચરંગી સમાજમાં ચોક્કસ વિચારધારામાં માનનારા પક્ષો પોતાની તાકાતથી સત્તા સુધી ન પહોંચી શકે, એટલે બી.જે.પી.એ સાથી પક્ષોની કાખઘોડી ફગાવી દેવાની ઉતાવળ ન કરવી જોઈએ.
ટૂંકમાં એલ.કે. અડવાણીને પણ જેની શક્યતા નજરે નહોતી પડતી એ શક્યતાને નરેન્દ્ર મોદીએ સાકાર કરી બતાવી હતી. એનું મુખ્ય કારણ હતું આગળ કહી એવી તિરાડો અને ખાઈઓ પૂરવાનું. ભારતની દરેકે દરેક પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરીને નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાનું ઇન્દ્રધનુષ રચ્યું હતું. હિન્દુત્વની પૃથકતામાં માનનારા પક્ષે ગેર હિંદુઓના અને સેક્યુલર-લિબરલોના મત પણ મેળવ્યા હતા. દરેકને એમ લાગતું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે દરેકને સાથે લેવાની અને વિકાસને અને માત્ર વિકાસને કેન્દ્રમાં રાખવાની વાત કરે છે તો એક તક તેમને આપવી જોઈએ. ટૂંકમાં ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને જે મેન્ડેટ મળ્યો હતો એ વિકાસ માટેનો પૃથકતારહિત સમગ્રતા માટેનો હતો.
હવે અહીંથી ચર્ચાને આગળ વધારતા પહેલા એક પ્રશ્ન વાચકને : તમે નરેન્દ્ર મોદીની જગ્યાએ હો તો શું કરો? તમારી પરની શ્રદ્ધાના ઇન્દ્રધનુષને વધારે દૃશ્યમાન કરો કે તેના રંગને ઝાંખા પાડો? બીજા રાજકીય હરીફોને ઈર્ષ્યા થાય એવી તમારા પરની અમૂલ્ય શ્રદ્ધાનો ઉપયોગ કરો કે વેડફી નાખો? ચાર દાયકા જૂની ખાઈઓ, તિરાડો, વિભાજનો કાયમ માટે ખતમ થઈ ગયાં છે અને હવે આપણા પક્ષે રાષ્ટ્રીય એકતા સધાઈ છે એટલે પ્રત્યેક પ્રજા વરસોવરસ સાથ આપશે એમ માનીને ચાલો કે એક વખતનું અપવાદરૂપ તકલાદી સંધાણ તૂટે નહીં એની કાળજી રાખો? વિચારી જુઓ તમે હો તો શું કરો અને નરેન્દ્ર મોદીએ શું કર્યું?
સત્તામાં આવતાની સાથે જ પ્રજાલક્ષી શાસન, ઓછામાં ઓછુ શાસન, કોમ્પીટિટીવ ફેડરલિઝમ, પારદર્શકતા, વિકાસ, સબકા સાથ, અનેક વર્ષોથી કરવામાં નહીં આવેલા પણ કરવા જરૂરી સુધારાઓ વગેરે હાંસિયામાં ધકેલાતા ગયા અને તેની જગ્યા ઇવેન્ટો, કારણ વિનાનાં વિદેશપ્રવાસો, ગાય, લવ જીહાદ, કબ્રસ્તાન અને સ્મશાનભૂમિ, નામબદલી વગેરેએ લેવા માંડી. આવું શા માટે કર્યું? તેમને ખબર નહોતી કે મેન્ડેટ શેના માટે મળ્યો છે અને એ મેન્ડેટ પચરંગી ભારતીય પ્રજાનો છે? આજે સ્થિતિ એવી છે કે જશ ખાવા માટે જમા બાજુએ બહુ ઓછી મૂડી છે. ક્યાંક કોઈક જગ્યાએ ગણતરીમાં થાપ ખાઈ જવામાં આવી છે. અરુણ શૌરીએ તો નરેન્દ્ર મોદીની સરકાર રચાઈ એના ગણતરીના મહિનામાં જ કહી દીધું હતું કે નવી સરકાર કૉન્ગ્રેસ જેવી જ છે અને ઉપરથી ગાયનું રાજકારણ ઉમેરાયું છે. તેમનું વિખ્યાત થયેલું વાક્ય હતું, કૉન્ગ્રેસ પ્લસ કાઉ. અત્યારે તો સ્થિતિ એનાં કરતા પણ બદતર છે.
શા માટે વરસો હાથમાંથી સરકી ગયાં. ક્યા ભરોસે કે કઈ ખોટી ગણતરીએ એની થોડી ચર્ચા આવતીકાલે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 ડિસેમ્બર 2018
કાર્ટૂન સૌજન્ય : સતીશ આચાર્ય, 20 ડિસેમ્બર 2018