વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે હવે અંદાજે સો દિવસ બચ્યા છે, પાંચેક દિવસ આમતેમ. છેલ્લી ત્રણ મુદ્દત(૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪)નો ચૂંટણી કાર્યક્રમ ખાસ ફેરફાર વિના અપનાવવામાં આવશે તો આવતા વર્ષે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ચૂંટણી જાહેર થશે, અને એ પછી, પરીક્ષાખંડમાં જેમ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક અને ગાઈડ બાજુએ મૂકી દેવાનું કહેવામાં આવે છે, એમ નરેન્દ્ર મોદીની સરકારને કહેવામાં આવશે કે હવે કોઈ નવી યોજનાઓ કે નવા નિર્ણયો જાહેર કરવાનાં નથી. તમારે જે કરવું હતું અને તમારાથી જે થઈ શક્યું એ પૂરું થયું. હવે નાગરિકો નક્કી કરશે કે સત્તાસ્થાને તમને પાછા બેસાડવા કે નહીં.
શેના આધારે નાગરિકો તમને પાસ કે નાપાસ કરશે? તમારા કામકાજના આધારે એવો એક આદર્શ જવાબ લોકતંત્રમાં આપવામાં આવે છે, પણ એવું હંમેશાં બનતું નથી. વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું એમ લોકતંત્ર ખૂબ ખરાબ શાસનતંત્ર છે, પરંતુ જગતમાં જેટલાં શાસનતંત્રો ઉપલબ્ધ છે એમાં એ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એ અર્થમાં છે કે એમાં નાગરિકને પોતાનો મત વ્યક્ત કરવાનો મોકો મળે છે, પછી ભલે મતને ખરીદવામાં આવતો હોય કે ખોટી રીતે પ્રભાવિત કરવામાં આવતો હોય. શુદ્ધ અર્થમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી હજુ સુધી તો કોઈ લોકશાહી દેશમાં યોજાતી હોય એવું જોવા મળ્યું નથી.
તો શું વિચારતા હશે નરેન્દ્ર મોદી પોતાના હાથે ખર્ચાયેલા સાડા ચાર વરસ વિષે અને હાથમાં બચેલા સો દિવસ વિષે? ભક્તો અને નિંદકો સામસામાં ધબધબાટી બોલાવે છે, રાજકીય સમીક્ષકોએ નરેન્દ્ર મોદીના અને તેમની સરકારના કામકાજનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું છે, આવતી સામાન્ય ચૂંટણીમાં શું થશે એની સંભાવનાઓ ચર્ચવામાં આવી રહી છે, છેલ્લા સો દિવસમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ શું કરી શકે એના અંદાજ માંડવામાં આવી રહ્યા છે; પરંતુ નરેન્દ્ર મોદી પોતે શું વિચારતા હશે? જે દિવસે લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ ૧૬મી મે ૨૦૧૪ની સાંજની એ મોમેન્ટ અને આજે ૨૦૧૮ના ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની ઊંધી ગણતરીમાંની એક મોમેન્ટ!
શું એ પળ હતી! ૧૯૮૪ પછી ત્રીસ વરસે પહેલીવાર કોઈ રાજકીય પક્ષને લોકસભામાં સુખેથી શાસન કરી શકાય એવી સ્પષ્ટ બહુમતી મળી હતી. સંસદીય લોકતંત્રમાં પ્રતિનિધિગૃહમાં બહુમતી હોવાનો મોટો મહિમા છે. શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી એવી સ્થિતિથી બચી શકાય છે. સારું શાસન આપવા ઈચ્છનારાઓ બહુમતી માટે વલખાં મારતા હોય છે, પણ ભારતનાં સમાજકારણે એવું સ્વરૂપ અપનાવ્યું કે ત્રીસ વરસથી કોઈ રાજકીય પક્ષને બહુમતી નહોતી મળતી. આઝાદી પછી શિક્ષણનો પ્રસાર થયો, એને કારણે ભારતીય પ્રજામાં અસ્મિતાકીય ઓળખો વિકસવા લાગી અને પરિણામે તેની અસર ભારતીય સમાજના તાણા-વાણા ઉપર થઈ. ભારતીય સામાજિક તાણા-વાણા ઘટ્ટ થવાની જગ્યાએ ઊલટાં ઢીલાં પડવા માંડ્યાં. ૧૯૮૯માં કૉન્ગ્રેસે આંતરિક રીતે વિભાજિત થયેલા ભારતમાં બહુમતી ગુમાવી દીધી અને એ પછી કોઈ રાજકીય પક્ષને બહુમતી નહોતી મળતી, તે છેક ૨૦૧૪ સુધી.
તો પછી ૨૦૧૪માં જાદુ કેમ થયો? અટલ બિહારી વાજપેયી જેવા વિરાટ કદના નેતા જે નહોતા કરી શક્યા એ નરેન્દ્ર મોદી કેમ કરી શક્યા? અચૂક નરેન્દ્ર મોદી આ વિષે વિચારતા તો હશે જ અને જો ન વિચારતા હોય તો તેઓ મોટી ભૂલ કરે છે. ઈમેજ મેકઓવરનું અમેરિકન એજન્સીઓને સોંપવામાં આવેલું કામ, પ્રશાંત કિશોર જેવા માર્કેટિંગ મેનોની લેવામાં આવેલી સેવા, પ્રોડક્ટ વેચનારું અને વર્તુળો ભેદતું ભેદતું છેલ્લા સ્માર્ટફોનધારી નાગરિક સુધી પ્રોડક્ટને પહોંચાડનારું મજબૂત સાયબર સેલ, અઢળક પૈસા, અનુકૂળ મીડિયા, કહેવાતા ગુજરાત મોડેલને સફળતાનાં સર્ટિફિકેટ આપનારાઓ, છેક બૂથ લેવલ સુધીની અમિત શાહે વિકસાવેલી ઈલેકશન વિનિંગ મશીનરી વગેરે બહુમતી સુધી પહોંચાડનારાં આનુષંગિક પરિબળો છે; મુખ્ય પરિબળો નથી.
કોઈ એક જણસ હતી એટલે વેચી શકાઈ પણ એ જણસ કઈ હતી? વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી પોતે? ના. નરેન્દ્ર મોદી એવા કોઈ ગાંધીજી જેવા તપસ્વી નથી કે જેની સુવાસ આપોઆપ લોકો સુધી પહોંચી જાય. જો એમ હોત તો ઉપર ગણાવ્યાં એ માધ્યમોની જરૂર ન પડી હોત. ભારતમાં ૯૦ ટકા પ્રજા અભણ હતી અને છાપાંઓ નહોતી વાંચતી ત્યારે ગાંધીજી છેલ્લા માણસ સુધી પહોંચી શક્યા હતા એનું કારણ તેમની તપસ્વિની સુગંધ હતી. ગાંધીજીને ક્યાં લોકો સુધી પહોંચવા માટે માધ્યમોની જરૂર પડી હતી ! તો શું જાદુગર હુડીનીના ખાલી પિટારા જેવી સાવ આભાસી જણસ હતી? ના, એ વાત પણ સાચી નથી. નરેન્દ્ર મોદીના નિંદકો આમ કહે છે, પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી. આભાસ પેદા કરવામાં આવ્યો હતો એ વાત સાચી, પરંતુ એ નક્કર જણસને વિરાટ તરીકે રજૂ કરનારો અભાસ હતો. સાવ આભાસી ઓછાયો નહોતો, કોઈ એક નક્કર ચીજનો ઓછાયો હતો.
તો કઈ એ ચીજ હતી? નરેન્દ્ર મોદી વિચારતા જ હશે અને જો ન વિચારતા હોય તો તેમણે વિચારવું જોઈએ. એકલા જાનૈયાઓએ વરરાજાને માંડવે નહોતા પહોંચાડ્યા. તેમણે તો વરરાજાનાં ઓવારણાં લેતાં ગીતો ગાવાનું અને અને વિરોધીઓને ફટકારતાં ફટાણાં ગાવાનું કામ કર્યું હતું, માંડવે તો નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને વિરાટ રાષ્ટ્રીય સ્વયંવરમાં પ્રજાનું મન જીતી લીધું હતું. એમાંથી ૧૬મી મે ૨૦૧૪ની સાંજની એ અનુપમ પળ પ્રગટી હતી. એ સાંજ સાવ શૂન્યમાંથી નહોતી પ્રગટી. શૂન્યમાંથી કશું જ પ્રગટ નથી થતું એને માટે કોઈક પદાર્થ જોઈએ. તો ક્યાં છે એ પદાર્થ? ખોવાઈ ગયો, હાથમાંથી સરકી ગયો કે પછી જાણીબૂજીને કે ભૂલભૂલમાં ક્યાંક મુકાઈ ગયો અને સાવ ખોટા પદાર્થથી રમવા લાગ્યા? નરેન્દ્ર મોદી સાડા ચાર વરસ પહેલાનાં ૧૬મી મેની સાંજના એ મનોહર દૃશ્યને યાદ કરીને શું વિચારતા હશે! સંતોષ? ગ્લાનિ? કે પછી નવી કીમિયાગીરી?
વિચારો. આવતીકાલે ચર્ચા આગળ લઈ જશું.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 ડિસેમ્બર 2018