નામ દીધા વગર સ્વામિનારાયણ સંપ્રદાય સામે મોરારિબાપુએ આક્રોશ ઠાલવ્યો તેની પાછળ સમજાય એવું કારણ છે. તેમનો મુદ્દો એ છે કે હિંદુઓનો ધર્મ સનાતન ધર્મ છે. તેના ગ્રંથો છે, તેના રામ, કૃષ્ણ, શંકર, હનુમાન જેવા ભગવાન છે, તેના યાત્રાધામો છે, તેના ધાર્મિક વિધિ-વિધાનો છે, તેના દર્શનો છે, વગેરે. આ બધા થકી સનાતન ધર્મની ઓળખ બની છે અને એ ન ગુમાવવી જોઈએ કે ન મોળી પાડવી જોઈએ. આજકાલ નવા નવા સંપ્રદાયો સ્થપાતા જાય છે અને ધર્મગુરુઓ નીકળી પડે છે, જે સનાતન ધર્મની આ બધી ઓળખો બાજુએ હડસેલીને પોતાને સ્થાપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામિ સહજાનંદ ભારતમાં થઈ ગયેલા અનેક સંતોમાંના એક સંત હતા, પણ સ્વામિનારાયણવાળાઓએ તેમને ભગવાન તરીકે સ્થાપ્યા છે. આવું માત્ર સ્વામિનારાયણવાળા નથી કરતા, બીજા પણ કરે છે. જો આ રીતે બધા નોખા ચોકા માંડતા રહેશે અને પોતાને હિંદુ ગણાવવા છતાં સનાતન ધર્મની ઓળખોને નકારશે તો સનાતન ધર્મનું શું થશે એની મોરારિબાપુને ચિંતા છે. મોરારિબાપુએ સનાતન ધર્મના પ્રસ્થાપિત ભગવાનોને ‘સાઈડ’ કરવામાં આવી રહ્યા છે એમ કહ્યું છે.
મોરારિબાપુ પોતે સનાતનધર્મી કથાકાર છે એટલે તેમને સનાતન ધર્મની ઓળખની કે તેના ભવિષ્યની ચિંતા સતાવતી હોય એ તો જાણે સમજી શકાય એમ છે, પણ તેનો ઉપાય શું? હા, ઇસ્લામ પાસે તેનો ઈલાજ છે જો અપનાવવો હોય તો. અપનાવવા જેવો લાગતો હોય તો અને જો અપનાવી શકાય એમ હોય તો.
ઇસ્લામમાં બે નિષેધો દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કોઈ સહેજે ઈસ્લામના મૂળ સ્વરૂપ સાથે ચેડાં ન કરી શકે. એક છે શિર્ક. શિર્ક એટલે કોઈ એવો માણસ જે ખુદાની બરાબરી કરે. પોતાનું પૂજન કરાવે અને પોતાને તારણહાર માને અને મનાવે. આવું જો કોઈ કરે તો તેને ખુદાનો દ્રોહી અને ઇસ્લામનો દુશ્મન સમજવો. ચુસ્ત સલ્ફી મુસલમાનોની નજરે પીર, સુફી, ઓલિયા વગેરે શિર્ક છે અને તેમની જગ્યાઓ ગેર ઇસ્લામિક અપવિત્ર છે. ૨૦૧૭માં પાકિસ્તાનમાં ઝનૂની મુસલમાનોએ લાલ શાહબાઝ કલંદરની દરગાહ પર હુમલો કર્યો હતો એનું કારણ આ શિર્કનો નિષેધ હતો. ૧૯મી સદીમાં સ્થપાયેલા અહમદિયા સંપ્રદાયની મસ્જિદો પર પણ હુમલા કરવામાં આવી રહ્યા છે અને હત્યાઓ કરવામાં આવે છે. અહમદિયા મુસલમાનોને પાકિસ્તાનમાં સત્તાવાર રીતે મુસલમાન ગણવામાં નથી આવતા. આ બધું એટલા માટે કરવામાં આવે છે કે રૂઢિચુસ્ત મુસલમાનોની નજરે તેઓ શિર્ક હતા.
મુસલમાનોની જેમ હિંદુઓ પણ શંકર, રામ, કૃષ્ણ, હનુમાન, પાર્વતી, અંબા, જેવા નક્કી કરેલા દેવ-દેવીઓને છોડીને જો કોઈ પોતાને પવિત્ર, પૂજનીય અને તારણહાર હોવાનો દાવો કરે તો તેને શિર્ક જાહેર કરી શકે છે. જો કે અહીં સમાસ્યા તો છે જ કે આવો અધિકાર કોને સોંપવો? તેત્રીસ કરોડ દેવતામાંથી સ્વીકૃત ભાગવાનોની યાદી કોણ બનાવે? એ પછી પણ કોઈ પોતે અથવા તેના અનુયાયી ભગવાન હોવાનો દાવો કરે તો તેને નકારવાનો અને દંડવાનો અધિકાર કોને આપવો? સનાતન ધર્મ એક એવો ધર્મ છે જેમાં કોઈ અધિકારી નથી અને કોઈ દંડવાની સત્તા ધરાવતું નથી. જો દંડવાની વ્યવસ્થા કરવી હોય તો દંડ દેનારની પણ વ્યવસ્થા કરવી પડે.
બીજી વ્યવસ્થા બીદ્દ્તની છે. બીદ્દ્ત એટલે રસ્તો ચૂકવો અથવા તો ઇસ્લામિક રસમોમાં બાહ્ય પ્રભાવને કારણે થતી ભેળસેળ. જો રસ્તો ચૂકવા દેવામાં આવે અને ધાર્મિક વિધિ-વિધાનોમાં બાંધછોડ કરવા દેવામાં આવે, ભેળસેળ કરવા દેવામાં આવે તો પછી એક દિવસ ઇસ્લામ ધર્મ તેનો ચહેરો જ ગુમાવી દે. જે વાતની મોરારિબાપુને ચિંતા છે તેવું ઇસ્લામમાં ન બને એની પૂરતી કાળજી ઇસ્લામમાં લેવામાં આવી છે. માટે મુસલમાનોના ધાર્મિક-સામાજિક વહેવારમાં જ્યાં પણ બીદ્દ્ત જોવા મળે કે તરત તબલીગી ત્યાં દોડી જાય અને મુસલમાનને સમજાવે કે સાચા મુસલમાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
શું મોરારિબાપુ હિંદુ ધર્મ આવો માર્ગ અપનાવે એમ ઈચ્છે છે? આગળ ઉપસ્થિત કર્યા એવા વ્યવહારિકતાના પ્રશ્નો બાજુએ મૂકો તો પણ સનાતન ધર્મમાં આવી કોઈક પ્રકારની તજવીજ અને તાકીદ કરવામાં આવે એવું ઈચ્છે છે? એક વાર પાંડુરંગ શાસ્ત્રીએ મને કહ્યું હતું કે હિંદુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યને ખતમ કરવા માટે મહમ્મદ પેગંબરને વિષ્ણુના અવતાર જાહેર કરી દેવા જોઈએ. મેં તેમને અત્યંત આદરપૂર્વક કહ્યું હતું કે આપ ઇસ્લામ ધર્મના સ્વરૂપથી અપરિચિત છો. એમાં આવું શક્ય જ નથી. બીજું, હવે પછી થનારો વિષ્ણુનો કલ્કી અવતાર તો જાહેર થઈ ચૂક્યો છે એટલે મહમ્મદને તેની પહેલાં મૂકવા કે પછી? ત્રીજું, કોઈને અવતાર તરીકે પસંદ કરવાનો અધિકાર હિંદુઓમાં કોણ ધરાવે છે? મેં આવી દલીલ કરી એ તેમને ગમી નહોતી એ તેમના ચહેરા પર જોઈ શકાતું હતું. જો કે વરસેક પછી પાંડુરંગ શાસ્ત્રી પત્રકાર પરિષદ બોલાવીને આવું સૂચન કરવાની લાલચ રોકી શક્યા નહોતા.
ધર્મગુરુ બધું જ જાણતા હોય અને દરેક પ્રશ્નના ઈલાજ તેમની પાસે હોય જ એવું નથી. ધર્મને આધ્યાત્મિકતા સાથે ઓછો સંબંધ છે, કારણ કે આધ્યાત્મિકતા વ્યક્તિની આંતરિક યાત્રા છે અને એમાં જથ્થાબંધ અનુયાયી ધરાવતા કોઈ ધર્મગુરુની જરૂર પડતી નથી. હા, પ્રસિદ્ધિથી દૂર રહેતા કોઈ અજાણ્યા ગુરુ પાસેથી કદાચ ગુરુચાવી મળી પણ જાય. જો કે જે. કૃષ્ણમૂર્તિ તો કહે છે કે એ પણ શક્ય નથી. આંતરિક આધ્યાત્મિક યાત્રામાં જેમ જથ્થાબંધ અનુયાયી ધરાવતો ગુરુ કામમાં આવતો નથી એમ સંગઠિત ધર્મ પણ કામમાં આવતો નથી. એ તો વળી જરા ય કામમાં આવતો નથી. આપણે એક વાત સમજી લેવી જોઈએ કે સંગઠિત ધર્મમાત્ર માનવીએ વિકસાવેલી સામાજિક-રાજકીય સંસ્થા છે અને તેમાં કોઈ ધર્મ અપવાદ નથી.
આમ છતાં મોરારિબાપુને સનાતન ધર્મના બદલાતા ચહેરાની ચિંતા થતી હોય તો તેમનો તે અધિકાર છે. સવાલ માત્ર એ છે કે ઉપાય શું? ઇસ્લામમાં જે ઉપાય છે એ અપનાવવો છે? જો અપનાવવા ઈચ્છો તો પણ હિંદુ સનાતન ધર્મ માટે એ શક્ય છે.
સનાતન ધર્મમાં થઈ રહેલા ભેળાણ વિષે ચિંતા સેવનારા મોરારિબાપુ પહેલા હિંદુ નથી. જ્યારથી ચોક્કસ આકારવાળા ઇસ્લામ ધર્મનો અને ખ્રિસ્તી ધર્મનો હિંદુઓને પરિચય થયો છે ત્યારથી કેટલાક હિંદુ ચોક્કસ ચહેરા વિનાના સનાતન ધર્મની ચિંતા સેવી રહ્યા છે અને કેટલાકે તો શરમ પણ અનુભવી છે. આવો તે કોઈ ધર્મ હોય જેમાં કોઈ પણ માણસ ઊઠીને પોતાને અવતાર કે તારણહાર જાહેર કરે? એ નહીં તો તેના અનુયાયીઓ કરે. આવો તે કોઈ ધર્મ હોતો હશે જેમાં સદીએ સદીએ બે-ચાર સંપ્રદાય કે પેટા-સંપ્રદાય ઉમેરાય? શરમાનારાઓએ લગભગ આવી ભાષામાં શરમના ઉદ્ગારો કાઢ્યા છે તો ચિંતા સેવનારાઓએ આ જ ઉદ્ગારો મોરારિબાપુની ચિંતાના સૂરમાં કાઢ્યા છે. બંનેને સરવાળે એક જ વાત કરવાની છે કે સનાતન ધર્મના ચહેરાને ચુસ્ત દુરુસ્ત અપરિવર્તનીય બનાવી રાખવો જોઈએ. એવું કાંઈક કરવું જોઈએ કે તેમાં ભેળાણ ન થાય.
૧૯મી સદીમાં રાજા રામમોહન રોય દ્વારા સ્થાપિત બ્રહ્મ-સમાજ આવી એક ઓછપની ચિંતામાંથી ઉપજેલો પ્રયાસ હતો. આવા બીજા પણ પ્રયાસ થયા હતા. દયાનંદ સરસ્વતીનો આર્ય-સમાજ સનાતન ધર્મમાંનું ભેળાણ જોઈને અનુભવેલા સંકોચનું પરિણામ હતું. દયાનંદ સરસ્વતીને એમ લાગ્યું હતું કે સનાતન ધર્મનું માળખું થોડુંક ઇસ્લામ જેવું હોવું જોઈએ, પછી ભલે એમાં શિર્કને સજા કરવાનો ડારો ન હોય. તેમાં બીદ્દ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આર્ય સમાજના પ્રચારકો હિંદુઓને અ-હિંદુ સંસ્કાર છોડીને સાચા હિંદુ થવાની શીખ આપતા હતા.
શીખોના ૧૦મા ગુરુ ગોવિંદસિંહને એમ લાગ્યું હતું કે જો તેમના સંપ્રદાયને ચોક્કસ સ્વરૂપ આપવામાં નહીં આવે તો તે હિંદુ સાગરમાં ઓગળી જશે અને અલગ ઓળખ ગુમાવી દેશે. એ માટે તેમણે ૧૬૯૯ની સાલમાં ખાલસા પંથની રચના કરી હતી અને અલગ અને નિશ્ચિત ઓળખો આપી હતી. આની સાથે ચેડાં કરવાની કોઈ હિંમત ન કરે એ માટે તનખૈયા જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તનખૈયા એટલે ધર્મદ્રોહી જેને સજા કરવાની પણ વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં મહારાજા રણજીત સિંહ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ, કેન્દ્રીય પ્રધાન બુટા સિંહ, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરજીત સિંહ બરનાલા વગેરેના તનખૈયા થઈ ચૂક્યા છે અને સજા પણ કરવામાં આવી છે. જ્ઞાની ઝૈલ સિંહની સજા માફ કરવામાં આવી હતી.
દયાનંદ સરસ્વતીનો અને ગુરુ ગોવિંદ સિંહનો પ્રયાસ ઓળખ વિકસાવવાનો અને ટકાવવાનો હતો. એ રીતે બન્ને પ્રયાસમાં પાશ્ચાત્ય ધર્મનાં સ્વરૂપનું અનુકરણ કરવામાં આવ્યું છે. દયાનંદ સરસ્વતી હિંદુ સનાતન ધર્મમાં પ્રવર્તતા ભેળાણથી સનાતન ધર્મને બચાવવા માગતા હતા તો ગુરુ ગોવિંદ સિંહ સનાતન ધર્મના ભેળાણથી શીખ શ્રદ્ધાને બચાવવા માગતા હતા. તેમને ડર હતો કે અલગ ઓળખ આપવામાં નહીં આવે તો હિંદુ સાગરમાં શીખ સંપ્રદાય ઓગળી જશે. બન્નેનો માર્ગ એક જ હતો, ઉદ્દેશ અલગ હતો. એકને કોઈ બહાર નીકળી ન શકે એવી વ્યવસ્થા કરવી હતી તો બીજાને બહાર નીકળવું હતું અને રહેવું પણ હતું.
તો કહેવાનો સાર એટલો કે સનાતન હિંદુ ધર્મ ચુસ્ત ચહેરા વિનાનો છે અને ટટ્ટાર કરોડરજ્જુ વિનાનો છે એ વાતે મોરારિબાપુ પહેલાં બીજા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. કોઈકે સંકોચ પણ અનુભવ્યો છે એટલે બાપુનો ઊહાપોહ કોઈ નવો નથી. ઈલાજ પણ શોધવામાં આવ્યા છે જેની ટૂંકમાં વાત અહીં કહેવામાં આવી છે. હજુ બીજા કેટલાક અજમાવવામાં આવેલા ઈલાજોની વાત આવતા અઠવાડિયે.
19 સપ્ટેમ્બર 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2019