કરુણામિશ્રિત હાસ્યથી આમઆદમીની વેદના અને તેના આક્રોશને ફિલ્મના માધ્યમ દ્વારા કળાત્મક રીતે રજૂ કરનાર વિશ્વના મહાન હાસ્ય અભિનેતા, લેખક અને દિગ્દર્શક એટલે ચાર્લી ચેપ્લિન. ભારે મુફ્લિસીમાં જન્મેલા ચાર્લીએ પછી તો એટલાં કીર્તિ અને કલદાર રળેલાં કે તેમના અવસાનના બે મહિના બાદ એમના શબને કબરમાંથી ખોદી કાઢી ચોરી જવામાં આવ્યું હતું! ભારે શોધખોળ પછી અઢી મહિને તે હાથ લાગેલું. ફરી આવું બનવાની દહેશતે તેમની કબર બે મીટર ઊંડી કોંક્રિટની બનાવી લાશનું દફ્ન કરવું પડેલું.
પૂર્ણતાના આગ્રહી ચાર્લીએ ૧૯૫૯થી ૧૯૬૩નાં વરસોમાં છ વખત લખી-મઠારી પ્રકટ કરેલી આત્મકથા ‘માય ઓટોબાયોગ્રાફી’માં પોતાની દંતકથા રૂપ જિંદગીનો ચિતાર રજૂ કર્યો છે. ૧૬મી એપ્રિલ, ૧૮૮૯ના રોજ લંડનના વૉલવર્થ વિસ્તારમાં એમનો જન્મ. ચાર્લીનું શૈશવ ભારે અભાવ અને ગરીબીમાં વીત્યું હતું. બે વરસના સળંગ પ્રાથમિક શિક્ષણ સિવાય તે ઝાઝું ભણી શક્યા નહોતા. માતાપિતા બંને સંગીત, નાટક દ્વારા જીવન બસર કરતાં હતાં. ચાર્લીની ઉંમર એકાદ વરસની હતી ને માતાપિતા વચ્ચે જુદારો થયો. માતા હન્ના થિયેટરમાં ગીતો ગાઈ ઘર ચલાવતાં. માનો કંઠ એકવાર અચાનક તરડાઈ ગયો ત્યારે માની સાથે ગયેલા પાંચ વરસના ચાર્લીએ પોતાની કાલીઘેલી બોલીમાં માનું અધૂરું ગાણું પૂરું કરેલું. આ ચાર્લીનો તખ્તા પર પ્રથમ યાદગાર પ્રવેશ હતો.
ચાર્લીની જિંદગીના આરંભનાં વરસો ભારે સંઘર્ષનાં હતાં. નાચ-ગાન અને અન્ય મનોરંજનના કાર્યક્રમો આપવા ઉપરાંત છાપખાનાં કારીગર, છાપાના ફેરિયા, હજામના મદદનીશ અને થિયેટરના ઝાડુ વાળનાર તરીકે એમણે કામ કર્યું હતું. પીડાસભર જિંદગી અને પાગલખાનામાં ધકેલાયેલી મા ચાર્લીને અનાથાલયમાં લઈ ગઈ. તે પછી તેમની રખડુની જિંદગી શરૂ થઈ. ખૂબ નાની વયે તેમણે નાટકોમાં કામ કરવા માંડયું હતું. ૧૭ વરસના ચાર્લી અઠવાડિયાના ત્રણ પાઉન્ડના દરે બ્રિટનની કાર્નો કંપનીમાં કામ કરતા. આ કંપની સાથે તે અમેરિકા ગયા અને જીવનનો મોટો હિસ્સો ત્યાં જ રહ્યા. ૧૯૧૪માં પ્રથમ ફિલ્મ ‘મેકિંગ એ લિવિંગ’ અને ૧૯૬૬માં અંતિમ ફિલ્મ ‘કાઈન્ટેસ ફ્રોમ હોંગકોંગ’ સુધી તેમણે ૮૦ જેટલી ફિલ્મોનું સર્જન કર્યું હતું. સસ્તા મનોરંજનના સાધન રૂપ ફિલ્મોના એ જમાનામાં ચાર્લીએ ફિલ્મોને ન માત્ર કળાનું સર્વોચ્ચ માધ્યમ બનાવ્યું, લોકોને સભાન પ્રેક્ષકો તરીકે ફિલ્મો તરફ વાળ્યા.
એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ડાયરેક્ટરને થોડી ‘કોમેડી’ની જરૂર પડી તો એ કરવા કહ્યું અને ચાર્લીએ ઝાઝા વિચાર સિવાય આ વેશ ધારણ કર્યો અને આમ સાવ જ આકસ્મિક રીતે સર્જાયેલું આ ટ્રેમ્પનું પાત્ર વિશ્વવિખ્યાત તો થઈ ગયું સાથે ચાર્લીની કાયમી ઓળખ બની ગયું. ટ્રેમ્પની ચકળવકળ થતી આંખો અને અદ્ભુત ચાલ દ્વારા અનેક ફિલ્મોમાં ચાર્લીએ આમ આદમીને વ્યક્ત કર્યો છે.
ચેપ્લિનની યાદગાર ફિલ્મોમાં ધ કિડ, ધ સરકસ, ધ ગોલ્ડ રશ, મોર્ડન ટાઈમ્સ, સિટી લાઈટ્સ અને ધ ગ્રેટ ડિકટેટર છે. ચાર્લીએ બીજી એક પણ ફિલ્મ ન સર્જી હોત અને માત્ર હિટલરને હસી નાંખતી ‘ ધ ગ્રેટ ડિકટેટર’ ફિલ્મ જ સર્જી હોત તો પણ તે મહાન ગણાત. મૂંગી ફિલ્મોનો યુગ પૂરો થવા છતાં મૂંગી ફિલ્મો સર્જવાનું ચાલુ રાખનાર ચેપ્લિને આ ફિલ્મમાં મૂંગા ટ્રેમ્પને સૌ પ્રથમ વખત બોલતો કર્યો છે. આ ફિલ્મમાં ચાર્લીએ વિદૂષક (કલાઉન) અને સરમુખ્યાર(ડિકટેટર)ની બેવડી ભૂમિકા ભજવી હતી. હિટલરના દંભનો પડદો ચીરતી આ ફિલ્મ આવેશભર્યા, ગરબડિયા ભાષણથી સમાપ્ત થાય છે. આ ભાષણ ચેપ્લિનની માનવજાત પ્રત્યેની ચિંતા, પ્રતિબદ્ધતા અને માનવતા માટેની ઝંખનાની કાવ્યમય અભિવ્યક્તિ છે, જેનું આજે ય ઐતિહાસિક મૂલ્ય છે.
ઈ.સ. ૧૯૨૫માં બનાવેલી ‘ધ ગોલ્ડ રશ’ ફિલ્મમાં તેમણે અલાસ્કામાં સોનાની ખાણો મળી આવ્યાની ભાળ મળતાં સોનું મેળવવા નીકળી પડેલા લોકોની સ્થિતિ દર્શાવી છે. સોનું શોધવા નીકળેલા વામન કદના ચાર્લી અને વિરાટકાય મિત્ર જીમ એક પહાડ પર કોટડીમાં આશ્રય લે છે. આ નિર્જન વિસ્તારમાં ખાવાનું ખૂટી પડે છે અને બેઉ ભૂખથી વ્યાકુળ છે તો ચાર્લી પોતાનો બૂટ અદ્દલ રસોયાની જેમ બાફે છે, બફાયેલા બૂટને પ્લેટમાં મૂકે છે, એના પર મરચું મસાલો ભભરાવે છે અને છરી કાંટાથી એને જીમ સાથે ખાય છે. કોઈ સ્વાદિષ્ટ માંસ આરોગતા હોય એટલી સહજતાથી બૂટ આરોગે છે અને વધુ સારા ભાગ માટે બંને લડે પણ છે. આ આખું ય દૃશ્ય જોઈને પ્રેક્ષકો હસીહસીને બેવડ વળી જાય છે. ફિલ્મમાં આ સીન બતાવીને માનવીની સમૃદ્ધિની લાલસા અને ભૂખનું દુઃખ અદ્ભુત કલા-કૌશલ્યથી ચાર્લીએ દર્શાવ્યું છે.
‘મોર્ડન ટાઈમ્સ’ એ જમાનામાં હરણફાળ ભરી રહેલી યંત્ર સંસ્કૃતિ પર તીખા પ્રહાર કરતી બેનમૂન ફિલ્મ છે જર્મની અને ઈટલીમાં પ્રતિબંધિત થયેલી અને સામ્યવાદી ગણાવાયેલી આ ફિલ્મમાં યંત્ર-ક્રાન્તિના પરિણામે ફેક્ટરીઓમાં કામ કરવા લોકોને પોતાનાં ગામ, ઘરબાર છોડીને શહેરોમાં આવી વસવું પડેલું અને શહેરોનાં મિલ કારખાનાંઓનાં યંત્રો સાથે યંત્ર બનવું પડેલું તેની વાત છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 22 ઍપ્રિલ 2020