આપણે આપણા શાસકોને ત્રણ પ્રશ્ન પૂછવા જોઈએ :-
એક : એવું શું છે કે છેલ્લા ચાર દાયકા દરમિયાન એવો એક પણ સંરક્ષણસોદો નથી, જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ન થયા હોય? એક પણ નહીં.
બે : એવું શું છે કે દરેક સોદામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો થયા હોવા છતાં એક પણ સોદાના આરોપીઓને આજ સુધી સજા કરવામાં આવી નથી. ફરી એક વાર; એક પણ નહીં.
ત્રણ : ભારત સુરક્ષાની જે સ્થિતિમાં છે – અર્થાત્ ચીન જેવો કદાવર અને શક્તિશાળી દેશ પાડોશમાં હોવા છતાં અને ચીન સાથે દુશ્મની હોવા છતાં – એવું શું છે કે ભારત શસ્ત્રો, વિમાનો, હેલિકોપ્ટર અને બીજા સંરક્ષણસાધનોની બાબતમાં આત્મનિર્ભર નથી? થોડી વાર ભક્તિ અને અણગમાઓને બાજુએ રાખીને, આ પ્રશ્ન પોતાની જાતને પૂછો અને એ પછી શાસકોને પૂછવાની હિંમત કેળવો.
ભારત જેવી જ સ્થિતિમાં ઇઝરાયલ છે અને ભારત કરતાં ઇઝરાયલ કદમાં આપણા મણિપુર કરતાં પણ નાનો દેશ છે. વસતી માત્ર ૯૦ લાખની છે. મુંબઈ કરતાં ત્રીજા ભાગની. આજે ઇઝરાયલ સંરક્ષણની બાતમાં આત્મનિર્ભર છે, એટલું જ નહીં શસ્ત્રોની નિકાસ કરે છે અને ભારત ઇઝરાયલનું એક ગ્રાહક છે. બચુકલા ઇઝરાયલની જિગરના થાક્યા વિના વખાણ કરીએ છીએ અને તેની પાસેથી સગર્વ શસ્ત્રો ખરીદીએ છીએ. યહૂદીઓ મૂછમાં હસતા હશે.
શા માટે ભ્રષ્ટાચાર વિના એક પણ સોદો થતો નથી? શા માટે આજ સુધી કોઈને સજા થઈ નથી, અને શા માટે ભારત સરંક્ષણની બાબતમાં આત્મનિર્ભર નથી? આ ત્રણેય પ્રશ્નો એકબીજા સાથે સંકળાયેલા છે. આમાં પણ દેશભક્તોએ તો સઘળાં કામ બાજુએ મૂકીને આ ત્રણ પ્રશ્નો શાસકોને પૂછવા જોઈએ, પછી નેતાજી કૉન્ગ્રેસના હોય, બી.જે.પી.ના કે બીજા કોઈ પણ પક્ષના. આપણે શું લેવા-દેવા? આપણે તો દેશભક્ત છીએ, દેશ પહેલો એટલે આ ત્રણ સવાલ પૂછવા એ દેશભક્તોનો ધર્મ છે. હું ઝંડાધારી દેશભક્ત નહીં હોવા છતાં આ ત્રણ સવાલ વર્ષોથી પૂછતો રહું છું, પણ કોઈ નેતાજી પાસેથી જવાબ મળ્યો નથી.
જવાબની જરૂર પણ નથી, કારણ કે જવાબ ઉઘાડો છે. નેતાઓ એ વિષે બોલતા નથી એનું કારણ પણ આ જ છે. ઉઘાડી હકીકત ઉઘાડી હોવા છતાં જો સુધારવામાં ન આવતી હોય તો સમજી લેવું જોઈએ કે એ ટકી રહે એમાં કોઈનો સ્વાર્થ છે. બીજું, જ્યારે દરેકનો સ્વાર્થ હોય, પણ સંસદીય લોકતંત્ર હોય તો એવા સંજોગોમાં બીજા પર ભ્રષ્ટાચારનો માત્ર આરોપ કરવામાં આવે છે, સુધારો કરવામાં નથી આવતો. ૧૯૮૭થી એટલે કે આજ ત્રણ દાયકાથી બોફોર્સ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનાં આરોપ થઈ રહ્યા છે, પણ સજા કોઈને નથી થઈ. આને માટે કૉન્ગ્રેસ જવાબદાર છે એમ ન કહી શકાય કારણ કે ૩૧ વરસમાંથી ૧૫ વરસ કૉન્ગ્રેસ પર બોફોર્સ સોદામાં પૈસા ખાધા હોવાનો આરોપ કરનારા પક્ષોએ રાજ કર્યું છે. આમાં પાંચ વરસ તો ભડવીરને થવા આવ્યા. શા માટે આજ સુધી કોઈને ય સજા નથી થઈ? સરહદે વીરગતિ પામનારા સૈનિકો માટે ખરીદવામાં આવેલી કોફિનોના સોદામાં પણ ભ્રષ્ટાચાર થયો હતો. શહીદની વિદાયને પણ કલંકિત કરવામાં આવી હતી. ના, ત્યારે કેન્દ્રમાં કૉન્ગ્રેસની સરકાર નહોતી, દેશભક્તોની સરકાર હતી; પરંતુ જો કૉન્ગ્રેસની સરકાર હોત તો પણ ભ્રષ્ટાચાર થયો હોત એની ગેરંટી.
ભ્રષ્ટાચાર ચોક્કસ કોઈ પક્ષો કે શાસકો નથી કરતા, વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર છે અને તેને લાભ ખાતર ટકાવી રાખવામાં આવે છે. એક તો શસ્ત્રોના સોદા એટલે અબજો રૂપિયાના હોય. એક ટકાની કટકી મળે તો પણ એક ચૂંટણી લડી શકાય. બીજું દેશના રક્ષણની વાત આવે એટલે પ્રશ્ન પૂછતા ડર લાગે. રખે દેશદ્રોહી કરાર કરવામાં આવશે તો! દેશભક્તો ફરજ સમજીને પ્રશ્નો પૂછે નહીં અને વાંકદેખાઓ (જે આમ તો ખુલ્લા આંખ-કાનવાળા સાચા દેશભક્તો છે) પ્રશ્ન પૂછે તો દેશભક્તો તેને પીંખી નાખે. આ માટે દેશભક્તોની જમાત પેદા કરવામાં આવે છે જે વાંકદેખાઓને તેની જગ્યા બતાવતા રહે. આમ દેશના સંરક્ષણ જેવી નાજુક બાબતે પ્રશ્નો કરાય નહીં એવી એક ફરજ અને એવી એક જરૂરિયાત પેદા કરવામાં આવી છે. એટલે તો રાફેલ સોદો ભારતનાં ઇતિહાસનો અત્યાર સુધીનો બિનધાસ્ત સોદો છે. આને તમે જિગર કહેશો, ફૂહડપણું કહેશો કે ભક્તો પરની અપાર શ્રદ્ધા કહેશો એ તમે નક્કી કરી લો. આમ દેશના રક્ષણની વાત આવે ત્યારે શંકા કરાય નહીં એવો દેશપ્રેમ શીખવાડવામાં આવે છે અને તેને ટકાવી રાખવામાં આવે છે.
ન્યાયતંત્રને જાણીબૂજીને લકવાગ્રસ્ત રાખવામાં આવે છે, એટલે એક કટકીમાં એક ચૂંટણી લડવા જેવો મોટો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં પણ કોઈને સજા થાય નહીં. ઓગસ્ટા વેસ્ટલેન્ડના હેલિકોપ્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે. ભારત સરકારે એ સોદામાં એજન્ટ તરીકે કામ કરનાર અને ૨૯૫ કરોડ રૂપિયાનું કહેવાતું કમિશન ખાનાર ક્રિશ્ચિયન માઈકલને પ્રત્યાર્પણ કરાવીને ભારત લાવવામાં આવ્યો છે. સરકાર કહે છે કે માઈકલના મોઢામાંથી ઓકાવવામાં આવશે કે તેણે ભારતમાં કૉન્ગ્રેસના કયા નેતાઓને પૈસા આપ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો છે કે હવે બચીને બતાવે. હું અત્યંત નમ્રતાપૂર્વક વડા પ્રધાનને પડકાર કરું છું કે જોઈએ તો સર્વોચ્ચ અદાલત સુધી લડીને સજા કરીને બતાવે. સત્તા તો તમારી પાસે છે જ.
સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાનું હરિયાણામાંનું જમીનકૌભાંડ દીવા જેવું ઉઘાડું હતું. સાડા ચાર વરસથી દેશમાં ભડવીરનું રાજ છે અને ચાર વરસથી હરિયાણામાં બી.જે.પી.નું રાજ છે. રોબર્ટ વાડ્રા સામે તપાસ થઈ? આરોપનામું અદાલતમાં દાખલ કરવામાં આવ્યું? તપાસ કયા સ્ટેજ પર છે, એની તમને કોઈ જાણ છે? એ કૌભાંડ ઊઘાડું પાડનાર ભડવીર અશોક ખેમકા નામના સનદી અધિકારી અત્યારે ક્યાં છે, અને તેમની પાસેથી શું કામ લેવામાં આવી રહ્યું એ તમે જાણો છો? તેમને રાષ્ટ્રવાદીઓની સરકારે પુરાતન દસ્તાવેજોના સંરક્ષણ માટે મોકલી આપ્યા છે કે જેથી તેઓ નવા શાસકોના વાડ્રાઓની પથારી ન ફેરવે. આ તેમની ૫૧મી ટ્રાન્સફર છે. વાડ્રાના જમીનના ઉઘાડા કૌભાંડમાં હજુ હાથ લગાડવામાં આવ્યો નથી ત્યાં જટિલ કૌભાંડમાં સજા કરવાનો પડકાર ફેંકવામાં આવે છે. આગળ કહ્યું એમ સંસદીય લોકતંત્ર હોય તો બીજા પર ભ્રષ્ટાચારનો માત્ર આરોપ કરવાનો હોય, સુધારો કરવાનો ન હોય. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નજીક છે.
ત્રીજો સવાલ હતો; શા માટે ભારત સંરક્ષણની બાબતમાં આત્મનિર્ભર નથી? આનો જવાબ તો મળી જ ગયો હશે. ભારત જો આત્મનિર્ભર થઈ જાય તો સોદાઓ કોની સાથે કરવા અને ચૂંટણી લડવા ફંડ ક્યાંથી લાવવું? જો ચૂંટણી સોંઘી અને પારદર્શક કરવામાં આવે તો પ્રામાણિક માણસો લોકસભામાં અને વિધાનસભાઓમાં ઘૂસી જાય અને ઊંઘ હરામ કરી નાખે. એટલે તો ચૂંટણીની પ્રક્રિયામાં પણ સુધારા નથી કરવામાં આવતા.
ચાલો આપણે સાચા દેશભક્ત બનીએ અને શાસકોને કવરાવનારા આ ત્રણ સવાલો પૂછીએ:
૧. ચાર દાયકામાં એક પણ સંરક્ષણસોદો ભ્રષ્ટાચાર વિના કેમ નથી થયો?
૨. કેમ આજ સુધી કોઈને સજા નથી થતી?
૩. શા માટે દેશની સ્થિતિ નાજુક અવસ્થામાં હોવા છતાં સંરક્ષણની બાબતે દેશ આત્મનિર્ભર નથી?
ભેગાભેગ હજુ એક ચોથો સવાલ પણ પૂછી લેજો:
૪. શા માટે ન્યાયતંત્રમાં અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારાઓ નથી કરવામાં આવતા?
આપણે થોડા કોઈની જાજમ ઊંચકનારા છીએ, આપણી જાજમ આપણો દેશ. હવે ચૂંટણી નજીક છે એટલે નેતાઓ બે હાથ જોડીને તમારે ઘરે આવશે ત્યારે આ ચાર પ્રશ્નો પૂછવાનો મોકો પણ હાથ મળશે.
પ્રશ્નોપનિષદમાં વિદ્યાર્થીઓએ પિપલાદ ઋષિને છ પ્રશ્ન પૂછ્યા હતા. ચાર અહીં આપ્યા છે. જોઈએ તો બીજા બે હવે પછી આપીશ. અત્યારે ચાર તો પૂછી જુઓ. જુઓ તો ખરા આપણા નેતાઓ કેવા પવિત્ર અને પ્રજ્ઞાવાન છે!
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 09 ડિસેમ્બર 2018