Opinion Magazine
Number of visits: 9448786
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—84

દીપક મહેતા|Opinion - Opinion|20 February 2021

‘વચલા રસ્તા’ને જેનું નામ અપાયું તે કોણ હતા ક્રુકશેન્ક?

હવે તો ઊડી ગયા છે રંગ ભવનના રંગો

૨૦૦૮ના નવેમ્બરની ૨૬મીની એ રાત

‘થંભો ના, હે ચરણ ચલો!’ આજે ફરી ફરીએ મુંબઈના બીજા એક રસ્તા પર. મુંબઈના કેટલાક રસ્તાનાં બ્રિટિશ જમાનાનાં નામ આજે પણ લોકજીભે વસે છે. કોઈ મુંબઈગરો મહર્ષિ કર્વે રોડ નહિ બોલે, ક્વીન્સ રોડ જ બોલશે. નેતાજી સુભાષ માર્ગ નહિ, મરીન ડ્રાઈવ જ બોલશે. તો કેટલાંક બ્રિટિશ નામ એવાં પણ હતાં કે જે એ વખતે પણ લોકજીભે ચડી શક્યાં નહોતાં. આવું એક નામ તે ક્રુકશેન્ક રોડ. તેનો અંગ્રેજી સ્પેલિંગ પણ યાદ રાખવો મુશ્કેલ પડે તેવો હતો : Cruickshank Road. એટલે ‘દેશી’ઓ તેને ‘વચલો રસ્તો’ કહેતા. આ રસ્તા સાથે આ લખનારની કેટલીક સાંભરણો જોડાયેલી છે, પણ એની વાત પછી. આ રસ્તો ધોબી તળાવ આગળથી શરૂ થતો અને વિક્ટોરિયા ટર્મિનસ પાસે પૂરો થતો. તેની એક બાજુ તો એસપ્લનેડનું મોટું મેદાન. રસ્તો ખાસ લાંબો નહિ, એટલે બીજી બાજુ પણ મકાનો ઓછાં. ધોબી તળાવ પાસેથી આગળ વધો એટલે સૌથી પહેલાં આવે એલ્ફિન્સ્ટન સ્કૂલનું ભવ્ય મકાન. એક જમાનામાં આખા મુંબઈની એ સૌથી સારી સ્કૂલ ગણાતી. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન નિવૃત્ત થઈ સ્વદેશ ગયા તે પછી તેમના માનમાં બંધાયેલી. આજે એમાં સરકારી શિક્ષણ ખાતાની ઓફિસો છે. એ મકાન પછી એક સાંકડી ગલી. આજે એનું નામ છે બદરુદ્દીન તૈયબજી માર્ગ. એલ્ફિન્સ્ટન સ્કૂલના મકાન પાછળ મોટી ખુલ્લી જગ્યા. આઝાદી પછીનાં વરસોમાં તે વખતની મુંબઈ સરકારે ત્યાં એક ઓપન એર થિયેટર બાંધેલું, રંગ ભવન. એટલે કે આમ તો ખુલ્લી જગ્યાના એક ખૂણામાં સ્ટેજ. બાકીની જગ્યા તો હતી તેમ જ ખુલ્લી. મોટે ભાગે સાંજના સાત પછી અહીં શો થાય. ત્યારે એ ખુલ્લી જગ્યામાં પ્રેક્ષકો માટે ખુરસીઓ ગોઠવી દેવાય. એ વખતની મુંબઈ સરકારે બીજું પણ એક કરવા જેવું કામ કરેલું. સરકાર દર વરસે મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, વગેરે ભાષાનાં નાટકોની હરીફાઈ યોજતી. તેમાં ગુજરાતી નાટકો રંગ ભવનમાં જ ભજવાતાં. કેટકેટલાં ઉત્તમ નાટકો એ રંગ ભવનમાં ભજવાયેલાં. મુંબઈની નાટક મંડળીઓ ઉપરાંત ગુજરાતની સંસ્થાઓ પણ તેમાં ભાગ લેવા આવતી. ૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્ય થયા પછી પણ કેટલોક વખત એ ગુજરાતી નાટકોની હરીફાઈ ચાલુ રહેલી. પછી ધીમે ધીમે બંધ. ટિકિટના દર મધ્યમ વર્ગને પોસાય એવા : ૨, ૫, ૭, અને ૧૧ રૂપિયા. પહેલી બે સોફાની હારના ૧૧, પાછળ ૭ અને ૫ માટે ખુરસીઓ. અહીં ગમ્મત એ હતી કે બે રૂપિયાની ટિકિટ લેનારને સૌથી આગળ – ૧૧ રૂપિયાના સોફા કરતાં પણ આગળ – બેસવા મળે, પણ ભોંય પર પાથરેલી જાજમ પર! આ લખનારે એ જાજમ પર બેસીને કેટલાંયે ગુજરાતી નાટકો જોયાં છે. ક્યારેક ક્યારેક હરીફાઈ વગર પણ સંસ્થાઓ અહીં નાટકો ભજવતી. પછી ધીમે ધીમે નાટકો ભજવાતાં બંધ થયાં. પછી કેટલાંક વરસ જાઝ જેવા પશ્ચિમી સંગીતનાં કોન્સર્ટ માટે રંગ ભવન વપરાતું. પણ પછી ધ્વનિ પ્રદૂષણનો કાયદો આડો આવ્યો. રંગ ભવનની નજીકમાં જી.ટી. હોસ્પિટલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને કોલેજ. હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓ પાસેના અમુક હદ સુધીના વિસ્તારમાં ૨૪ કલાકનો સાઈલાન્સ ઝોન. અદાલતમાં કેસ. ફેંસલો આવ્યો કે બંધ કરો આ થિયેટર. અને રંગ ભવનના રંગો ઊડી ગયા.

ઓપન એર થિયેટર રંગ ભવન

અને આ રંગ ભવનની નજીક જ, એ જ નાનકડી ગલ્લીમાં ૨૦૦૮ના નવેમ્બરની ૨૬-૨૭ની રાતે કેટલીક જવાંમર્દ જિંદગીના રંગ પણ હંમેશને માટે ઊડી ગયા. આખા દેશમાં અગાઉ ક્યારે ય ન થયો હોય એવો આતંકવાદી હુમલો એ રાતે મુંબઈ પર થયો હતો. વી.ટી. સ્ટેશન પર કેર વર્તાવ્યા પછી આતંકવાદીઓએ કામા હોસ્પિટલને નિશાન બનાવી. મુંબઈ પોલિસના અધિકારીઓ હેમંત કરકરે, અશોક કામટે, વિજય સાલસકર અને બીજા થોડા પોલિસો અપૂરતાં સાધનો વડે આતંકવાદીઓનો સામનો કરી રહ્યા હતા. કેટલાક આતંકવાદી નજરે ચડી ગયા હતા. કામટે અને સાલસકરે ગોળીઓ ચલાવી. એક આતંકવાદી ઘવાયો, પણ નાસી છૂટ્યો. એ હતો અજમલ કસાબ, જે પછી મરીન ડ્રાઈવ પર જીવતો પકડાયો અને અંતે ફાંસીને માચડે ચડ્યો. પણ કસાબના જોડીદાર ઈસ્માઈલ ખાને કરકરે અને તેના સાથીઓ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો. કરકરે, કામટે અને સાલસકર આ ગલ્લીમાં જ વીરગતિને પામ્યા. 

આ વીર શહીદોની સ્મૃતિને વંદન કરી પાછા ક્રુકશેન્ક રોડ પર આગળ વધીએ. આ આવી સેન્ટ ઝેવિયર્સ કોલેજ. ૧૮૬૯ના જાન્યુઆરીની બીજી તારીખે તેની શરૂઆત થઈ ત્યારે તેમાં કેટલા છોકરા ભણતા હતા, ખબર છે? રોકડા બે! ૧૯૫૭ના જૂનમાં આ કોલેજમાં દાખલ થવા માટે તેના વિશાળ હોલની બહાર લાંબી લાઈન. એ વખતે ૧૧ વરસના સ્કૂલના અભ્યાસ પછી એસ.એસ.સી.ની પરીક્ષા. માર્ક શીટ મળ્યા પછી એક સવારે એવી લાઈનમાં એક છોકરો ઊભો રહી ગયો. એ પહેલાં એડમિશન ફોર્મ ચાર આનામાં ખરીદીને ભરી લીધેલું. ફર્સ્ટ યર આર્ટસમાં પ્રવેશ માટે ધોળું ફોર્મ, સાયન્સ માટે ગુલાબી ફોર્મ. પહેલેથી ગણિત સાથે બારમો ચંદ્રમા. એટલે ગુલાબી ફોર્મ ભરવાનો તો સવાલ જ નહોતો. લાઈન ધીમે ધીમે આગળ વધી. હોલના દરવાજા સુધી પહોચ્યા ત્યારે જોયું તો હોલમાં ખુરસીઓની હાર, બે ભાગમાં વહેંચાયેલી. વચમાં પ્રિન્સિપાલ રેવરન્ડ ફાધર બાલાગિરનું મોટું ટેબલ. આજુબાજુ બે નાનાં ટેબલ પર હેડ ક્લાર્ક અને કેશિયર. આગળની ખુરસીઓ ખાલી થાય ત્યારે થોડી થોડી વારે આગળ વધતા જવાનું. વારો આવ્યો. ફાધરે નામ પૂછ્યું, સ્કૂલનું નામ, ક્યાં રહેવાનું, વગેરે પૂછ્યું. પછી ફોર્મ તેમના હાથમાં મૂક્યું. તેમાં લખેલા માર્ક જોયા. કહ્યું: My son, I think you have made a mistake. For Science, you have to fill in a pink form. White is for Arts admissions. છોકરાએ નમ્રતાથી પણ મક્કમતાથી જણાવ્યું કે ના, હું આર્ટસમાં જ દાખલ થવા માગું છું. ફોર્મના મથાળે એક ચોકઠું હતું તેમાં ફાધરે સહી કરી, અને છોકરાના હાથમાં મૂકતાં બોલ્યા : May God bless you.

વીસમી જૂને કોલેજ શરૂ થઈ. એ વખતે કોલેજના અભ્યાસનાં ચાર વરસ : ફર્સ્ટ યર, ઇન્ટર, અને ગ્રેજયુએશનનાં બે વરસ. ફર્સ્ટ યરનાં વિદ્યાર્થીઓ માટે પહેલે દિવસે માત્ર પ્રિન્સિપાલનું ભાષણ, એ જ હોલમાં. વીસેક મિનિટ બોલ્યા. કોલેજની ઉજ્જવળ પરંપરાની વાત. વિદ્યાર્થીઓને મળતી સગવડોની સમજ, ને સાથોસાથ કડક શિસ્તના નિયમોની સમજણ. બીજા દિવસથી ભણવાનું શરૂ. અધ્યાપકો બે પ્રકારના. એક, સફેદ ગાઉન પહેરતા પાદરી-અધ્યાપકો અને બીજા મારા-તમારા જેવા સંસારી અધ્યાપકો. ફાધર એસ્ટેલર, ફાધર ધૂર, ફાધર લોબો વગેરેમાં પાંડિત્ય સાથે વિદ્યાર્થીઓ માટેનો સ્નેહ. તો જાણીતા કવિ વિવેચક મનસુખભાઈ ઝવેરી ગુજરાતી ભણાવે, ગૌરીપ્રસાદ ઝાલા જેવા પંડિત સંસ્કૃત ભણાવે. પછીથી ૧૯૬૯થી ૧૯૭૭ સુધી રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર થયેલા તે ડો. આર.કે. હજારી અર્થશાસ્ત્ર ભણાવે. જો કે આ લખનારને અર્થશાસ્ત્રનો અર્થ ક્યારે ય સમજાયો નહિ. એ વખતે અધ્યાપિકાની સંખ્યા આંગળીને ટેરવે ગણાય એટલી. કોલેજ ખ્રિસ્તી જેસ્યુઆઈટ સંસ્થાની, અને હોલની બાજુમાં જ મોટું, સુંદર ચેપલ પણ ખરું. ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે બાઈબલનું શિક્ષણ ફરજિયાત. પણ કોલેજમાં તસુભાર જેટલો પણ ધર્મપ્રચાર નહિ જ નહિ.

સેન્ટ ઝેવિયર્સ કોલેજને ૧૨૫ વરસ પૂરાં થયાં ત્યારે બહાર પડેલી ટપાલ ટિકિટ

કોલેજમાં ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, હિન્દી, ઊર્દૂ, વગેરે ભાષાનાં મંડળોમાં જે-તે ભાષાના અધ્યાપકોની દોરવણી નીચે વિદ્યાર્થીઓ જાતજાતની પ્રવૃત્તિઓ કરે. ગુજરાતી સાહિત્ય મંડળ તો દર વર્ષે છાપેલું વાર્ષિક ‘રશ્મિ’ પણ પ્રગટ કરે. તેમાં માત્ર કોલેજના વિદ્યાર્થીઓનાં જ લખાણો પ્રગટ થાય એવું નહિ. એ વખતના પ્રતિષ્ઠિત લેખકો, વિવેચકોનાં લખાણ પણ તેમાં છપાય. આપણા જાણીતા લેખક કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્ય સંગ્રહ ‘કોડિયાં’ વિશેનો ‘રશ્મિ’માં છપાયેલો લેખ એ આ લખનારનો પહેલો વિવેચન લેખ. દર વરસે ગુજરાતી સાહિત્ય મંડળનો ‘રસોત્સવ’ થાય તેમાં ગીત-સંગીત, ગરબા-રાસ, વગેરે સાથે એકાંકી પણ ભજવાય. સંસ્કૃત વાઙમય મંડળ તો સરકારી નાટ્ય હરીફાઈમાં પણ ભાગ લે. અલબત્ત, સંસ્કૃત નાટકો રંગ ભવનમાં નહિ, સિડનહામ કોલેજના હોલમાં ભજવાય. તેમાં એક વાર કવિ શૂદ્રકનું પ્રખ્યાત નાટક ‘મૃચ્છકટિક’ ટૂંકાવીને ભજવેલું તેમાં આ લખનારે બુદ્ધ ભિખ્ખુની ભૂમિકા ભજવેલી. કદાચ એ જોઇને જ બીજા વરસથી સંસ્કૃત નાટકોની હરીફાઈ સરકારે બંધ કરેલી.

સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભજવેલા સંસ્કૃત નાટક મૃચ્છકટિકનું એક દૃષ્ય

યાદોનો દાબડો પણ બંધ કરીને આપણે પણ આગળ વધીએ. આ રહી કામા એન્ડ આલબ્લેસ હોસ્પિટલ જે પણ આતંકવાદી હુમલાનો ભોગ બની હતી. પેસ્તનજી હોરમસજી કામાના એક લાખ ૬૪ હજાર ૩૧૧ રૂપિયાના દાનથી ૧૮૮૬માં આ હોસ્પિટલ શરૂ થઈ હતી. સ્ત્રીઓના નર્સિંગના અભ્યાસને ઉત્તેજન આપવા માટે સ્કોલરશિપ શરૂ કરવા તેમણે મુંબઈ યુનિવર્સિટીને ૨૫ હજારનું દાન આપેલું. એવણનો જન્મ ૧૮૦૫માં, બેહસ્તનશીન થયા ૧૮૯૩ના જાન્યુઆરીની ૧૮મી તારીખે. ૧૮૩૮માં ‘હોરમસજી મંચેરજી કામાજીના છોકરાઓની કંપની’ નામે કંપની શરૂ કરી. ૧૮૪૨માં તેની એક શાખા ચીનમાં ખોલી. ૧૮૪૫માં ચીનની મુસાફરી કરી. પોતાના ભાઈઓ સાથે મળીને તેમણે ૧૮૫૫માં કામા એન્ડ કંપની લંડનમાં શરૂ કરી હતી. કોઈ ‘દેશી’ માણસે ગ્રેટ બ્રિટનમાં શરૂ કરેલી આ પહેલવહેલી વેપારી પેઢી.

પેસ્તનજી હોરમસજી કામા અને તેમણે બંધાવેલી કામા હોસ્પિટલ

હોસ્પિટલ પછી આવે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ, એસ્પ્લનેડ કોર્ટ, અને આઝાદ મેદાન પોલિસ સ્ટેશન. પછી એક સાંકડી ગલ્લી, અને પછી મુંબઈ મહાનગર પાલિકાની ભવ્ય ઈમારત. ગિરગામ ટ્રામ ટર્મિનસ પાસેના એક નાનકડા મકાનમાં ૧૮૬૫માં બોમ્બે મ્યુનિસિપાલિટીની શરૂઆત થઈ ત્યારે તેના પહેલા કમિશનર બન્યા આર્થર ક્રાફર્ડ. ૧૮૭૦માં મ્યુનિસિપાલિટી એસ્પ્લનેડ રોડ પરના એક મકાનમાં ખસેડાઈ. આજે જ્યાં આર્મી એન્ડ નેવી બિલ્ડિંગ આવેલું છે ત્યાં એ મકાન આવેલું હતું. ૧૮૮૪ના ડિસેમ્બરની નવમી તારીખે હાલના મકાનનો પાયો વાઈસરોય લોર્ડ રિપને નાખ્યો, અને ૧૮૯૩માં તેનું બાંધકામ પૂરું થયું. આ ભવ્ય મકાનને તાજેતરમાં જ રિસ્ટોર કરવામાં આવ્યું છે અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  અલબત્ત, એ માટે અગાઉથી ૩૦૦ રૂપિયાની ટિકિટ ખરીદવાનુ જરૂરી છે. બસ, પછી થોડેક આગળ જઈને ક્રુકશેન્ક રોડ બોરી બંદર સ્ટેશન પાસે પૂરો થઈને હોર્નબી રોમાં, આજના ડો. દાદાભાઈ નવરોજી રોડમાં ભળી જાય.

મુંબઈની મ્યુનિસિપાલિટીનું મકાન – બંધાયા પછી થોડે વર્ષે

તમે કહેશો કે ભલા માણસ, આ તો શાકમાં આખું સાકરકોળું ગયા જેવું થાય છે. આ રસ્તાનું નામ ક્રુકશેન્ક રોડ કેમ પડ્યું એની તો વાત જ નહિ! હા, કર્નલ જે.ડી. ક્રુકશેન્કના નામ પરથી આ રોડનું નામ પડ્યું હતું. બોમ્બે એન્જિનિયર્સમાં કામ કરીને ૧૮૯૫માં તેઓ નિવૃત્ત થયા હતા. મુંબઈ ઉપરાંત તેમણે ગુજરાત અને એડનમાં પણ કામ કર્યું હતું. એ વખતે લશ્કરની એક શાખા એન્જિનિયિંગરનાં કામ પણ કરતી. આ શાખા બોમ્બે એન્જિનિયર્સ તરીકે ઓળખાતી. હવે આવતે અઠવાડિયે જશું હોર્નબી રો પર ફરવા. અને હા, ‘રો’ એ છાપભૂલ નથી. એ રસ્તાનું મૂળ નામ ‘હોર્નબી રો’ જ હતું. આજે જતાં જતાં યામિની વ્યાસની બે કાવ્યપંક્તિ:

નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;
કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 ફેબ્રુઆરી 2021

Loading

20 February 2021 admin
← Hamid Ansari’s Woes: Plight of Pluralism in India
સરકારના કાન હવે મૂડીવાદીઓને જ સાંભળે છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved