Opinion Magazine
Number of visits: 9562489
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—75

દીપક મહેતા|Opinion - Opinion|19 December 2020

બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી પહેલી ત્રણ સ્કૂલ શરૂ થઇ મુંબઈમાં

મુંબઈમાં પ્રગટ થયાં પહેલવહેલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો

સરકારે પાઠ્ય પુસ્તકો વેચવાને બદલે કેમ મફત વહેંચવાં પડ્યાં?

સાંદિપની ઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત,
તેને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત.
તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે,
પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ સુદામા પાસે આવે.

(પ્રેમાનંદ કૃત ‘સુદામાચરિત્ર’)

એટલે કે જ્યાં એક વડો વિદ્યાર્થી શિક્ષકના સહાયક તરીકે કામ કરતો હોય, જ્યાં છોકરાઓ પાટી પર લખતાં શીખતા હોય, અને પોતે લખેલું વડા વિદ્યાર્થીને બતાવતા હોય એવી નિશાળો કૃષ્ણ-સુદામાના જમાનામાં હોય કે ન હોય, પણ પ્રેમાનંદના જમાનાના ગુજરાતમાં તો હતી જ. હકીકતમાં ઓગણીસમી સદીની પહેલી પચ્ચીસી સુધી આવી નિશાળો મુંબઈમાં અને બોમ્બે પ્રેસિડેન્સીનાં બીજાં શહેરોમાં અને કેટલાંક ગામડાંઓમાં ફેલાયેલી હતી. પછીથી તેને આપણે ‘ધૂડી નિશાળ’ તરીકે ઓળખતા થયા. એમાં વાચન-લેખન અને ગણિત સિવાય બીજા કોઈ વિષયો ભાગ્યે જ શીખવાતા. એ નિશાળોના ભણતરના પાયામાં ‘માસ્તર’ કે ‘’પંતુજી’ હતા, પુસ્તકો નહિ. એટલે કૂવામાં હોય તે હવાડામાં આવે એ ન્યાયે માસ્તર જેવું અને જેટલું ભણાવે તેવું અને તેટલું છોકરાઓ ભણતા – છોકરીઓને નિશાળે મોકલવાની તો કોઈને જરૂર જણાતી જ નહોતી. આ નિશાળોમાં જ્યારે છોકરો ભણવા બેસે ત્યારે માસ્તરને બે પાવલી – આજના ૫૦ પૈસાની દક્ષિણા આપવામાં આવતી. છોકરાને ઊંધી થાળી પર લખતાં શીખવવાનું શરૂ થાય ત્યારે માસ્તરને દક્ષિણામાં એક રૂપિયો મળતો અને અભ્યાસ પૂરો કરીને છોકરો નિશાળ છોડે ત્યારે માસ્તરને બેથી પાંચ રૂપિયાની દક્ષિણા મળતી. આ રોકડા રૂપિયા ઉપરાંત રોજેરોજ જ્યારે છોકરો ભણવા જાય ત્યારે મૂઠી – બે મૂઠી અનાજ માસ્તર માટે લઈ જતો. બ્રાહ્મણના છોકરાઓએ માસ્તરને દક્ષિણારૂપે કશું જ આપવાનું રહેતું નહોતું. 

ઓગણીસમી સદીના આરંભે હજી દેશમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. પણ એ રાજવટ ચાલુ રાખવા માટેની મંજૂરી કંપનીએ વખતો વખત બ્રિટનની પાર્લામેન્ટ પાસેથી મેળવવી પડતી અને દરેક વખતે મંજૂરી આપતાં પહેલાં પાર્લામેન્ટ નવી શરતો ઉમેરતી. ૧૭૯૩માં જ્યારે કંપની સરકારનો પરવાનો રિન્યૂ કરવાનો થયો ત્યારે સરકાર પોતાની આવકનો એક નાનકડો હિસ્સો ‘દેશીઓ’ – નેટીવ્ઝ – ના શિક્ષણ પાછળ ખર્ચે એવી કલમ ઉમેરવાની હિમાયત કેટલાક સજાગ અંગ્રેજોએ કરેલી. પણ તે વખતે તેમને સફળતા ન મળી. પછી ૧૮૧૩માં જ્યારે પરવાનો રિન્યૂ કરાવવાનો થયો ત્યારે કંપની સરકારે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ‘દેશીઓ’ના શિક્ષણ માટે અને તેમના સાહિત્યના ઉત્કર્ષ માટે ખરચવા એવી કલમ ઉમેરવાનું શક્ય બન્યું. આ એક લાખ રૂપિયાની રકમ આખા બ્રિટિશ ઇન્ડિયા માટે હતી, માત્ર બોમ્બે પ્રેસિડેન્સી માટે નહિ. આ કલમનો લાભ લઈને શિક્ષણ માટે એક સોસાયટી ઊભી કરવાની પહેલ બોમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજોએ કરી. ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં લાંબું લચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખતમાં જ આ લાંબું લચક નામ બદલીને તેનું ટૂંકુ નામ રખાયું: ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’

ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન

૧૮૧૮માં આ સોસાયટીએ એક મહત્ત્વનું પગલું લીધું. તેણે મુંબઈમાં કેવળ ‘દેશી’ છોકરાઓ માટે ત્રણ સ્કૂલ શરૂ કરી – એક મુંબઈના કોટ વિસ્તારમાં, બીજી ગિરગાંવ વિસ્તારમાં, અને ત્રીજી મઝગાંવ વિસ્તારમાં. તેમાંની પહેલી સ્કૂલ ૧૮૧૮ના ઓગસ્ટની ૧૨મી તારીખે શરૂ થઇ ત્યારે તેમાં ૪૦ છોકરાઓ દાખલ થયા હતા. પણ થોડા જ વખતમાં આ સંખ્યા વધીને ૯૦ જેટલી થઇ. ૧૮૧૮ના ડિસેમ્બરમાં શરૂ થયેલી ગિરગાંવની સ્કૂલમાં શરૂઆતમાં ૪૫ અને મઝગાંવની સ્કૂલમાં ૨૦ છોકરા દાખલ થયા. સોસાયટીના ૧૮૧૯ના ચોથા વાર્ષિક અહેવાલમાં આ નવી સ્કૂલો વિષે માહિતી આપવામાં આવી છે. તેની સાથોસાથ જ બે મુશ્કેલીઓનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે. એક, દેશીઓ માટેની સ્કૂલોમાં શીખવી શકે તેવા શિક્ષકોની અછત. અને બીજી, આ સ્કૂલોમાં શીખવી શકાય તેવાં દેશી ભાષાઓમાં છાપેલાં પુસ્તકોનો લગભગ અભાવ. એટલે નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરવાં એમ સોસાયટીએ નક્કી કર્યું. પણ તે માટેના પૈસા?

બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી મુંબઈની એક સ્કૂલ

નવાં પુસ્તકો તૈયાર કરાવવાની સોસાયટીના મનની મુરાદ મનમાં જ રહી જાત, કારણ તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ બોમ્બે પ્રેસિડેન્સીના સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઇ ત્યારથી ગવર્નર તેના પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું : પાઠ્ય પુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઓગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪,૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧,૮૮૧ રૂપિયાના દાનનાં વચનો મળ્યાં. કુલ ૫૭ વ્યક્તિ પાસેથી દાન મળ્યાં હતાં. તેમાંના ૪ — દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, રઘુનાથ જોશી, વેન્કોબા સદાશિવ હિંદુ હતા અને ૪ —  ફરામજી કાવસજી, હોરમસજી બમનજી, જમશેદજી બમનજી, જમશેદજી જીજીભાઈ પારસી હતા. દાન આપનારા બાકીના બધા અંગ્રેજો હતા.

૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં આ કમિટીએ આટલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં હતાં : (૧) લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડવાઈઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સીસ, ૭૮૨ નકલ, રૂ. ૩ (૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૦૦ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઈઝ ઓન ધ મેનેજમેન્ટ ઓફ સ્કૂલ્સ, ૧,૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફ્ટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલો શબ્દકોશ, રૂ. ૧૨ (છેલ્લાં બે પુસ્તકો વિદ્યાર્થીઓ માટે નહિ, શિક્ષકો માટે હતાં.) આપણે ત્યાં એક એવો ભ્રમ પ્રચલિત થયો છે કે અમદાવાદમાં તૈયાર થયેલા અને ૧૮૫૯માં પ્રગટ થયેલા હોપ વાચન માળાના સાત ભાગ તે ગુજરાતી ભાષાનાં પહેલાં પાઠ્ય પુસ્તકો. પણ હકીકતમાં પહેલાં પાઠ્ય પુસ્તકો તો ૧૮૨૩ સુધીમાં પ્રગટ થયેલાં આ છ પુસ્તકો.

૧૮૨૩ના અરસામાં સોસાયટીએ ગુજરાતી અને મરાઠી પાઠ્ય પુસ્તકો પ્રગટ કરીને પોતાના કામની શરૂઆત તો કરી દીધી, પણ એ પ્રગટ થતાંવેંત બે અણધારી મુશ્કેલી આવી પડી. છાપેલાં પુસ્તકો અને નવી સ્કૂલો પોતાના પેટ પર પાટું મારશે એ વાત ધૂડી નિશાળોમાં ભણાવતા ચતુર માસ્તરો તરત કળી ગયા. એટલે તેમણે લોકોમાં એવી અફવા ફેલાવી કે આ પાઠ્ય પુસ્તકો છાપવા માટે વપરાયેલી શાહીમાં પશુની ચરબી ભેળવવામાં આવી છે અને તેનો ખરો હેતુ હિન્દુઓને વટલાવવાનો છે. અલબત્ત, આ કેવળ જુઠ્ઠાણું હતું. સરકારે એક જુઠ્ઠાણાનો જવાબ બીજા જુઠ્ઠાણાથી આપ્યો. તેણે જાહેર કર્યું કે આ શાહી તો ગાયનું ઘી વાપરીને બનાવવામાં આવે છે. એટલે બીજો પ્રચાર શરૂ થયો કે આવાં મોંઘાં દાટ પુસ્તકો વેચીને સરકાર લોકોનાં ખિસ્સાં ખાલી કરવા માગે છે. આના જવાબમાં સરકારે આ પુસ્તકો વેચવાને બદલે વિદ્યાર્થીઓને મફત વહેંચવાનું શરૂ કર્યું.

કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસ

સોસાયટી પાસે જે ભંડોળ હતું તેમાંથી કાંઈ ઝાઝાં પુસ્તકો છાપી શકાય એમ નહોતું. એ માટે સરકારી મદદ મળે તો જ કામ થઇ શકે. આથી સોસાયટીએ સરકાર પાસે આર્થિક મદદ માગી. પણ તેને બદલે સરકારે તો જણાવ્યું કે હવે પછી પુસ્તકો તૈયાર કરાવવા તથા છાપવા અંગે જે કાંઈ ખર્ચ થાય તે બધો સરકાર ભોગવશે. કયાં પુસ્તકો છાપવાં, કેટલાં છાપવાં, તે સોસાયટી નક્કી કરશે. માત્ર છાપતાં પહેલાં ખર્ચ અંગેનો અંદાજ સરકારને મોકલવાનો. તેને મંજૂરી મળે તેની પણ રાહ જોવાની જરૂર નહિ. આમ ૧૮૨૫માં સરકાર તરફથી સોસાયટીને લગભગ ‘બ્લેન્ક ચેક’ મળ્યો અને પાઠ્ય પુસ્તક પ્રકાશનના કામે વેગ પકડ્યો. થોડા વખત પછી પુસ્તકો છાપવા માટે ત્રણ લિથોગ્રાફ પ્રેસ પણ સરકારે સોસાયટીને ભેટ આપ્યાં. અલબત્ત, સરકારના આવા વલણ પાછળ કારણભૂત હતી ગવર્નર એલ્ફિન્સ્ટનની શિક્ષણ અંગેની ઉદાર નીતિ.

કેપ્ટન જર્વિસે બનાવેલું એક પાઠ્ય પુસ્તક

બહુ ઓછા અભ્યાસીઓ પણ આજે જેમનું નામ જાણે છે તે કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસનો ફાળો સૌથી મોટો અને મહત્ત્વનો હતો, પહેલવહેલાં ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કરવામાં. ૧૭૯૪ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે જન્મ. વ્યવસાયે એન્જિનિયર. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી લઈને ૧૮૧૧ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પહેલી વાર મુંબઈ આવ્યા. ૧૮૧૮માં પીંઢારા સામેની અંગ્રેજોની લડાઈમાં ભાગ લીધો. પછી ત્રણ મહિનાની રજા લઇ સ્વદેશ ગયા. ૧૮૨૨ના જાન્યુઆરીની ૨૮મીએ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ચીફ એન્જિનિયરના મદદનીશ તરીકે નિમણૂક થઇ. મુખ્ય કામ બોમ્બે પ્રેસિડેન્સીમાં નવા બંધાતા રસ્તાઓ પર દેખરેખ રાખવાનું હતું. તેથી ગુજરાતી અને મરાઠીભાષી પ્રદેશોમાં સતત ફરવાનું થયું. એટલે એ બંને ભાષાઓથી સારા એવા માહિતગાર થયા. વળી દેશીઓના શિક્ષણ અંગે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે શાલેય શિક્ષણ માટેનું માધ્યમ તો ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ જ હોઈ શકે. એટલે ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટીના અંગ્રેજ સેક્રેટરીની જગ્યાએ કામ કરવા માટે એલ્ફિન્સ્ટને જર્વિસની સેવા ઉછીની માગી લીધી. સોસાયટીના સેક્રેટરી તરીકે જર્વિસે ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. તેમને નામે છપાયેલાં ઓછામાં ઓછાં ૧૫ ગુજરાતી અને ૧૩ મરાઠી પુસ્તકો અંગેની માહિતી આજે મળે છે. અલબત્ત, આમાંનાં ઘણાંખરાં પુસ્તકો અંગ્રેજી પાઠ્ય પુસ્તકોના અનુવાદ હતા. પણ જુદા જુદા વિષયો માટેની પરિભાષા આ બે ભાષાઓમાં નીપજાવવામાં જર્વિસનો મોટો ફાળો.

પહેલા દસ શિક્ષકોમાંના એક દુર્ગારામ મંછારામ

પુસ્તકોની વાત થાળે પડી એટલે નવા શિક્ષકોની તાલીમ અને નિમણૂક અંગે સોસાયટી વધુ સક્રિય બની. ૧૮૨૬ના મે મહિનાની ૧૯મી તારીખે મરાઠી સ્કૂલોના શિક્ષકો માટે પહેલી વાર પરીક્ષા લેવાઈ તેમાં કુલ ૧૪ ઉમેદવારો પાસ થયા. તેમને પૂના, સતારા, ધારવાડ, અહમદ નગર, નાસિક અને ધૂળિયા ખાતે મોકલવામાં આવ્યા. તેવી જ રીતે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા તે જ વર્ષના ઓગસ્ટ મહિનાની ૧૪મી તારીખે લેવાઈ જેમાં કુલ ૧૦ ઉમેદવારો પાસ થયા. તેમાંથી દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર ઉમાનાથ, હરિરામ દયાશંકર એ ત્રણને સુરત મોકલવામાં આવ્યા. તુલજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ, અને ગૌરીશંકર કૃપાશંકર એ ત્રણને અમદાવાદ મોકલવામાં આવ્યા. મુકુન્દરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ અને મયારામ જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલવામાં આવ્યા. મુંબઈથી મોકલાયેલા આ દસ શિક્ષકોએ જે દસ નવી સ્કૂલ શરૂ કરી તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતીભાષી વિસ્તારની પહેલી સ્કૂલો. આમ, પહેલવહેલા ગુજરાતી શિક્ષકોએ તાલીમ લીધેલી મુંબઈમાં. બ્રિટિશ પદ્ધતિના શિક્ષણની શરૂઆત મુંબઈમાં થઇ અને અહીંથી જ એ આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં ફેલાયું. નવી નિશાળો પછી આવી નવી કોલેજો અને નવી યુનિવર્સિટી. પણ એ અંગેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 19 ડિસેમ્બર 2020

Loading

19 December 2020 admin
← આપણું પેટ નફાખોરોની કચરાપેટી છે …
જો પત્રકાર સંતુલિત રહે તો ગોદી મીડિયા આપોઆપ સંકેલાઈ જાય →

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved