Opinion Magazine
Number of visits: 9449681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—66

દીપક મહેતા|Opinion - Opinion|17 October 2020

ગોવર્ધનરામ ત્રિપાઠી : જન્મ્યા નડિયાદમાં, પણ વિકસ્યા મુંબઈમાં

જ્યારે ઊંઘી ગયેલા વિદ્યાર્થીને જગાડીને શિક્ષકે પરીક્ષા લીધી

નવલકથા અને તેના લેખક – બંનેનો અંત વાલકેશ્વરના બંગલામાં 

મા સુંદરગિરિથી ઊતર્યાં, બીરદાળી મા!
મા નૌતમ બાળે વેશ, ઝાંઝર વાગે મા!
આ પ્રાતઃકાળે આભલાં, બીરદાળી મા!
તુજ ઘાટડીએ વીંટાય, ઝાંઝર વાગે મા!
આ સૂરજ સન્મુખ લટકાતો, બીરદાળી મા!
મા સામી આરસી સ્હાય, ઝાંઝર વાગે મા!
આ ચકલાં ચકલી હંસલા, બીરદાળી મા!
તુજ પગલે ભમતાં ગાય, ઝાંઝર વાગે મા!
આ સાયર પાસે નાચતી, બીરદાળી મા!
મા નદીમાં આવી ન્હાય, ઝાંઝર વાગે મા!
અમ સમી સઉ નાની બાળકી, બીરદાળી મા!
એને હૈયે વસતી માત, ઝાંઝર વાગે મા!
આ અખિલ વિશ્વમાં વ્યાપતી, બીરદાળી મા!
મુજ કાળજડામાં માય, ઝાંઝર વાગે મા!

આ અખિલ વિશ્વમાં વ્યાપતી, બીરદાળી મા!

આજે પહેલે નોરતે એક સવાલ : આ ગરબાના રચયિતા કોણ છે? જવાબ આજે છૂટા પડીએ ત્યારે.

સરસ્વતીચંદ્ર નવલકથા અને મુંબઈ વચ્ચેના સંબંધ કરતાં ય વધુ નિકટનો સંબંધ ગોવર્ધનરામ અને મુંબઈ વચ્ચે છે. આપણા સાહિત્યમાં જેને ‘પંડિત યુગ’ તરીકે ઓળખાવવામાં આવે છે એ યુગમાં નડિયાદી નાગરોની બોલબાલા હતી. અને તેમનામાં સૌથી પહેલું નામ ગોવર્ધનરામનું લેવાય. પણ જરા હિસાબ માંડીએ.

ગોવર્ધનરામનો જન્મ ૧૮૫૫ના ઓક્ટોબરની ૨૦મી તારીખે, મોસાળના ગામ નડિયાદમાં. એ વખતે પિતા માધવરામ ત્રિપાઠી મુંબઈમાં રહેતા. માધવરામ વેપારી હતા અને વાલકેશ્વરમાં રહેતા હતા. તેમની પેઢી ધીરધારનો તથા દલાલીનો ધંધો કરતી. કમાણી સારી હતી. અમેરિકન સિવિલ વોર દરમ્યાન શેર બજાર કૂદકે ને ભૂસકે ઉપર ગયું ત્યારે, ગોવર્ધનરામના કહેવા પ્રમાણે, લાખ-બે લાખ કમાયા. પણ પછી શેર બજાર પડ્યું ત્યારે ‘ખોટ જબરી ખાધી, પણ સાખ રહી.’ જ્યારે કમાણી સારી હતી ત્યારે ભોઈવાડામાં આવેલું બે માળનું મકાન તોડીને પાંચ માળનું નવું બાંધ્યું. ગ્રાન્ટ રોડ પાસે ૩૮ હજાર રૂપિયામાં વાડી લીધી. ખાંડ બજારમાં એક ભાગીદાર સાથે વખાર રાખી અને એક બીજું નાનું ઘર ભાડાની આવક થાય એ હેતુથી ખરીદ્યું. 

એલ્ફિન્સ્ટન કોલેજ, ભાયખળા

કોણ જાણે કેમ, પણ જિંદગીનાં પહેલાં ચાર વરસ ગોવર્ધનરામ માતાની સાથે નડિયાદ રહ્યા. ચોક્કસ તારીખ તો મળતી નથી, પણ ૧૮૫૯માં ગોવર્ધનરામ મુંબઈ આવી પિતા સાથે રહેવા લાગ્યા અને સ્કૂલનો અભ્યાસ શરૂ કર્યો. એ વખતે નિશાળોમાં નવું શૈક્ષણિક વરસ ઓક્ટોબરમાં શરૂ થતું એટલે ગોવર્ધનરામ સપ્ટેમ્બરમાં કે ઓક્ટોબરની શરૂઆતમાં નડિયાદથી મુંબઈ આવ્યા હોય. તેઓ બુદ્ધિવર્ધક સભાની નિશાળમાં દાખલ થયા. ૧૮૪૯ના ઓક્ટોબરની ૨૩મી તારીખથી જ્ઞાનપ્રસારક મંડળીએ ચાર ગુજરાતી અને બે મરાઠી નિશાળ મુંબઈમાં શરૂ કરી હતી. આ નિશાળો કોટ, બહારકોટ, ધોબી તળાવ અને મઝગાંવ ખાતે શરૂ થઈ હતી. પછીથી ૧૮૫૧ના એપ્રિલ મહિનામાં આ મંડળીની એક શાખા તરીકે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના થતાં મંડળીએ આ બધી સ્કૂલો એ સભાને સોંપી દીધી. આ બધી નિશાળો ચલાવવામાં ખોટ જતી હતી અને સભાની પોતાની આર્થિક સ્થિતિ પણ નબળી હતી એટલે ૧૮૬૦માં આ નિશાળો પોતાને હસ્ત લઈ લેવાની સભાએ મુંબઈ સરકારને વિનંતી કરી અને ૧૮૬૧ના એપ્રિલની ૧૬મીથી સરકારે સભાની બધી નિશાળો પોતાને હસ્તક લઈ લીધી. છતાં લોકો ઘણાં વર્ષો સુધી તેને બુદ્ધિવર્ધક સભાની નિશાળો તરીકે ઓળખતા. આમ, ગોવર્ધનરામના શિક્ષણની શરૂઆત મુંબઈમાં થઈ. મુંબઈવાસનો આ પહેલો ગાળો સાત વરસનો.

એલ્ફિન્સ્ટન સ્કૂલ, ધોબી તળાવ

પણ પછી કોઈક કારણસર ૧૮૬૫માં ગોવર્ધનરામ નડિયાદ ગયા અને ગુજરાતી નિશાળનો બાકીનો અભ્યાસ ત્યાંની સરકારી સ્કૂલમાં પૂરો કર્યો. પણ અંગ્રેજી નિશાળના અભ્યાસ માટે ૧૮૬૮માં પાછા મુંબઈ આવી ધોબી તળાવ પરની એલ્ફિન્સ્ટન સ્કૂલમાં જોડાયા. એ જ વરસે તેમનાં પહેલાં લગ્ન હરિલક્ષ્મી સાથે થયાં. ૧૮૭૧માં તેઓ મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. આ પરીક્ષા વખતનો એક કિસ્સો એ વખતની શિક્ષણ પ્રણાલી, વિદ્યાર્થી-શિક્ષકના સંબંધો વગેરે પર સારો એવો પ્રકાશ પાડે છે. શરૂઆતથી ઘણાં વર્ષો સુધી મેટ્રિકમાં લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ લેવાતી. આ પરીક્ષા ટાઉન હોલમાં લેવાતી. એ માટે અટકના આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે રોજ થોડા થોડા વિદ્યાર્થીઓને બોલાવતા અને વારાફરતી એક એક વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા લેતા. સંસ્કૃતની મૌખિક પરીક્ષા માટે ગોવર્ધનરામ ગયા. અટક પ્રમાણે તેમનો વારો છેક છેલ્લે આવ્યો. આગલે દિવસે મોડી રાત સુધી પરીક્ષાની તૈયારી કરવા જાગેલા એટલે બાંકડા પર જ બેઠા બેઠા સૂઈ ગયા. સંસ્કૃતના પરીક્ષકે પોતાના ઓરડામાંથી ત્રિપાઠીના નામની બે વાર બૂમ પાડી પણ કોઈ આવ્યું નહિ એટલે જાતે ઊઠીને બહાર જોવા ગયા. બાંકડા પર એક વિદ્યાર્થીને સૂતેલો જોયો એટલે તેને ઢંઢોળીને પૂછ્યું: તમે જ મિસ્ટર ત્રિપાઠી? ચોંકીને જાગેલા ગોવર્ધનરમે હા પાડી અને સૂઈ જવા બદલ માફી માગી. પરીક્ષક તેમને પોતાના ઓરડામાં લઈ ગયા, પરીક્ષા લીધી, અને ગોવર્ધનરામના જવાબોથી ખુશ થયા. વખત જતાં આ શિક્ષક અને ગોવર્ધનરામ વચ્ચે અંગત અને નિકટનો સંબંધ બંધાયો. એ શિક્ષક તે સંસ્કૃતના ખ્યાતનામ વિદ્વાન સર રામકૃષ્ણ ભાંડારકર. 

ગોવર્ધનરામ ત્રિપાઠી – યુવાન વયે

૧૮૭૪માં ઘરના કંકાસથી ત્રાસીને ઘરેથી ભાગીને ગોવર્ધનરામ ભાયખળા સ્ટેશન સુધી ગયા, પણ પછી ઘરે પાછા ફર્યા. એ જ વરસે પત્ની હરિલક્ષ્મીનું અવસાન થયું. ૧૮૭૫માં બી.એ. થયા અને ૧૮૭૬માં લલિતાગૌરી સાથે બીજું લગ્ન કર્યું. સરસ્વતીચંદ્ર નવલકથામાંનું ગુણસુંદરીનું પાત્ર પોતાનાં પત્ની અને માતાનાં ગુણ-લક્ષણો ભેગાં કરી, તેમાં બીજાં કેટલાંક કલ્પનાથી ઉમેરી પોતે ઘડ્યું છે તેમ ગોવર્ધનરામે તેમની ‘સ્ક્રેપબુક’માં નોંધ્યું છે. પોતે નોકરી ન કરવી એમ નક્કી કર્યું હતું, પણ કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ભાવનગરના દિવાન સર શામળદાસ મહેતાના પર્સનલ સેક્રેટરીની નોકરી કરવા ૧૮૭૯માં ભાવનગર ગયા. આમ, બીજા ગાળામાં તેઓ અગિયાર વરસ મુંબઈમાં રહ્યા.

ત્રણ વખત નાપાસ થયા પછી ૧૮૮૩માં ગોવર્ધનરામ એલએલ.બી. થયા. ભાવનગરની નોકરી છોડી ખિસ્સામાં પચાસ રૂપિયા લઈને ૧૮૮૪માં મુંબઈ પાછા આવ્યા અને તે જ વરસના જૂનની ૨૧મી તારીખથી બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. અગાઉથી નક્કી કર્યા પ્રમાણે ૧૮૯૮માં વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને ઓક્ટોબરની ૧૯મી તારીખે નડિયાદ રહેવા ગયા. આમ કારકિર્દી માટે તેઓ ૧૪ વરસ મુંબઈ રહ્યા. સરસ્વતીચંદ્ર નવલકથાનો અંત વાલકેશ્વરના બંગલામાં આવે છે, તો ગોવર્ધનરામના જીવનનો અંત પણ વાલકેશ્વર નજીકના ડો. ત્રિભુવનદાસ ગજજરના બંગલામાં આવ્યો. તેમની છેલ્લી માંદગી વખતે નિકટના મિત્ર ડો. ગજ્જર સારવાર માટે ૧૯૦૬ના ડિસેમ્બરની ૨૫મી તારીખે તેમને મુંબઈ લઈ આવ્યા હતા, અને પોતાના બંગલામાં રાખ્યા હતા. ૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે બપોરે દોઢ વાગે ગોવર્ધનરામનું અવસાન થયું. નજીકના બાણગંગાના સ્મશાનમાં સાંજે તેમના અંતિમ સંસ્કાર થયા.

ગોવર્ધનરામ જેના પહેલવહેલા પ્રમુખ હતા તે ૧૯૦૫માં શરૂ થયેલી ગુજરાતી સાહિત્ય પરિષદે ત્રણ દળદાર પુસ્તકોમાં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ પ્રગટ કર્યો છે તેના બીજા ભાગમાં ગોવર્ધનરામનું અવસાન નડિયાદમાં થયેલું એમ જણાવ્યું છે તે સદંતર ખોટું છે. જ્યારે આ જ સંસ્થાએ પ્રગટ કરેલા ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ના ત્રીજા ભાગમાં ગોવર્ધનરામ વિષે ૬૦ પાનાંનું પ્રકરણ છે તેમાં તેમનો જન્મ ક્યાં થયો તે જણાવ્યું છે, પણ અવસાન ક્યાં થયું તે જણાવ્યું જ નથી! આમ, ગોવર્ધનરામનો જન્મ નડિયાદમાં અને નિવૃત્તિનાં વર્ષો પણ નડિયાદમાં ગાળ્યાં. પણ તેમના અભ્યાસ અને વકીલ તરીકેની કારકિર્દીનાં ઘણાંખરાં વરસ મુંબઈમાં વીત્યાં. બાવન વરસના આયુષ્યનાં લગભગ ૩૨ વરસ તેમણે મુંબઈમાં ગાળ્યાં. પાંચ વરસ ભાવનગર રહ્યા. એટલે તેમનો નડિયાદવાસ પંદરેક વરસનો.

વ્યક્તિ ગોવર્ધનરામની જેમ લેખક ગોવર્ધનરામના જીવનમાં પણ મુંબઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ લખવાનું મુંબઈમાં શરૂ કર્યું ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે, અને ૧૮૮૭ના એપ્રિલ મહિનામાં એની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ. આ પહેલી આવૃત્તિની એક પણ નકલ ગુજરાત કે મુંબઈમાં ક્યાં ય સચવાઈ નથી. એટલે તે દેખાવમાં કેવી હતી, કોણે પ્રગટ કરી હતી, એ કહેવું શક્ય નથી. પણ એક અવલોકનમાં તેના સુંદર, આકર્ષક પૂંઠાનાં પણ વખાણ કર્યાં છે. વળી એમ પણ કહેવાય છે કે તેના પર પ્રકાશક તરીકે ગોવર્ધનરામના ભાઈ નરહરિરામનું નામ છાપ્યું હતું. પછીથી ૧૮૮૯માં નરહરિરામ પાસે ગોવર્ધનરામે મુંબઈમાં ‘એન.એમ. કંપની’ શરૂ કરાવી જે વખત જતાં એન.એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ બની. તે પહેલાં ૧૮૮૮માં ગોવર્ધનરામે સરસ્વતીચંદ્રનો બીજો ભાગ લખવાનું શરૂ કરી દીધું હતું. ૧૮૯૧માં તેનું લેખન પૂરું થયું અને ૧૮૯૨ના જૂનની નવમી તારીખે તે પ્રગટ થયો. ત્યારથી માંડીને ૧૯૬૮માં ગોવર્ધનરામનાં પુસ્તકોના કોપીરાઈટ પૂરા થયા ત્યાં સુધી તેમનાં બધાં જ પુસ્તકો એન.એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડે જ મુંબઈથી પ્રગટ કર્યાં.

સરસ્વતીચંદ્રનો ત્રીજો ભાગ લખવાની શરૂઆત ૧૮૯૩માં કરી અને તે પૂરો થયો ૧૮૯૬ના ઓક્ટોબરની ૧૭મી તારીખે. પણ પ્રગટ થયો છેક ૧૮૯૮માં. આમ કેમ? કારણ એ વખતે કોઈ પ્રેસ તે છાપવા માટે તૈયાર નહોતું! કારણ? એક તો, ૧૮૯૬માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો અને આજે કોરોનાને કારણે જેમ જીવન અસ્તવ્યસ્ત થયું છે તેમ જ એ વખતે પણ થયું હતું. વળી પ્લેગને કારણે કુટુંબ સહિત ગોવર્ધનરામ વસઈ રહેવા ગયા હતા. એ જ વખતે મુંબઈ ઈલાકાનું રાજકીય વાતાવરણ ડહોળાયેલું હતું. પૂનાના કલેકટર રેન્ડ અને લેફ્ટનન્ટ આયરેસ્ટનું ચાફેકર બંધુઓએ ખૂન કર્યું. ૧૮૯૭માં લોકમાન્ય ટિળક ઉપર બ્રિટિશ સરકારે રાજદ્રોહનો આરોપ મૂકી કેસ ચલાવ્યો જેમાં તેમને ૧૮ મહિનાની કેદની સજા થઈ. આ બધાંને કારણે બ્રિટિશ સરકાર છાપખાનાં, છાપાં, પુસ્તકો વગેરે તરફ કડક વલણ ધરાવતી થઈ હતી. અધૂરામાં પૂરું, તે વખતે એવી અફવા ફેલાઈ કે ત્રીજા ભાગમાં ગોવર્ધનરામે સરકારની આકરી ટીકા કરી છે. એટલે કોઈ પ્રેસ તે છાપવા તૈયાર નહોતું. છેવટે એક પ્રેસમાં કામ શરૂ થયું. પણ પછી પ્રેસે કહ્યું કે લખાણમાંથી આ એક વાક્ય કાઢી નાખો તો જ આગળ છાપીએ, નહીંતર નહિ. ગોવર્ધનરામ એમ કરવા તૈયાર નહોતા એટલે એ પ્રેસે છાપકામ અટકાવ્યું. છેવટે બાકીનો ભાગ બીજા પ્રેસમાં છપાવીને ત્રીજો ભાગ ૧૮૯૮માં પ્રગટ થયો. એ પ્રગટ થયા પછી નડિયાદમાં એવી અફવા ફેલાઈ કે લોકમાન્યની જેમ ગોવર્ધનરામની પણ રાજદ્રોહના આરોપસર ધરપકડ કરી છે! તેથી માતા શિવકાશીને પુષ્કળ ચિંતા થતાં મુંબઈ તાર કરી ખબર પૂછાવ્યા. આવું કશું જ બન્યું નથી એવો જવાબ મુંબઈથી આવતાં નડિયાદમાં સૌના જીવ હેઠા બેઠા.

ગોવર્ધનરામના હસ્તાક્ષરમાં સરસ્વતીચંદ્રના પહેલા ભાગનું પહેલું પાનું

આમ, સરસ્વતીચંદ્રના પહેલા ત્રણ ભાગ મુંબઈમાં જ લખાયા, છપાયા, અને પ્રગટ થયા. છેલ્લો અને ચોથો ભાગ લખવાની શરૂઆત ૧૮૯૬ના ડિસેમ્બરની ૨૦મી તારીખે કરી તે પણ મુંબઈમાં જ. નડિયાદ ગયા પછી ઈ.સ. ૧૯૦૦ના ડિસેમ્બરની ૨૩મી તારીખની મધરાતે તે લખાઈ રહ્યો, પણ તે છપાયો અને પ્રગટ થયો તો મુંબઈમાં જ. મુંબઈમાં રહ્યા એ દરમ્યાન વકીલાતના વ્યવસાયની સાથોસાથ ગોવર્ધનરામે બીજાં પુસ્તકો ઉપરાંત સરસ્વતીચંદ્રનાં છાપેલાં ૧,૮૦૦ પાનાં જેટલું લેખન કર્યું. પણ નડિયાદના નિવૃત્તિ-નિવાસ દરમ્યાન દીકરી લીલાવતીના જીવનચરિત્ર સિવાય બીજું કશું મહત્ત્વનું લેખન થઈ શક્યું નહિ.

સરસ્વતીચંદ્ર અને નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’ એક જ વરસે પ્રગટ થયાં એટલું જ નહિ, એ બે પુસ્તકો વચ્ચે, એના લેખકો વચ્ચે, અને મુંબઈ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. પણ તેની વાત હવે પછી.

અને હા. શરૂઆતમાં જે ગરબો મૂક્યો છે તેના રચયિતા છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી!

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 17 ઑક્ટોબર 2020

Loading

17 October 2020 admin
← સેક્સવર્કરની સંગાથેઃ − 4
એકતાનો આવો વિરાટ પ્રયોગ ગાંધીજી પહેલાં કોઈએ નહોતો કર્યો →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved