Opinion Magazine
Number of visits: 9504444
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 37

દીપક મહેતા|Opinion - Opinion|28 March 2020

૧૯મી સદીના મુંબઈમાં એકલે હાથે પ્લેગની ૧૮ હજાર રસી મૂકનાર ડો. વિગાસ

મુંબઈ રોગમુક્ત બન્યું નથી, ભયમુક્ત બન્યું નથી

પરમકૃપાળુ પરમાત્મા મુંબઈનું અને તેના લોકોનું ભલું કરજો!

શનિવાર, ૧૮ સપ્ટેમ્બર ૧૮૯૬નો એ દિવસ. ચોમાસું વિદાય લઈ ચૂક્યું હતું. વહેલી સવારથી હવામાં બફારો હતો અને રસ્તા પર લોકોની ભીડ. પણ વર્ષોથી મુંબઈમાં રહીને ડો. વિગાસ આ ઉકળાટ અને ગરદીથી ટેવાઈ ગયા હતા. ઘરેથી તો પોતાની ઘોડાગાડીમાં નીકળેલા. જ્યાં ગોવન ખ્રિસ્તીઓની મોટી વસતી હતી એ કાવેલ વિસ્તારમાં રહેતા હતા ત્યાંથી વડગાદી જવા નીકળ્યા હતા. આ કાવેલ વિસ્તાર આજના જગન્નાથ શંકરશેઠ રોડ અને કાલબાદેવી રોડની વચ્ચે આવેલો. હવે ત્યાં રહી ગઈ છે કાવેલ નામની એક-બે ગલ્લીઓ. પાયધુની સુધી પહોંચ્યા પછી લાગ્યું કે આગળની સાંકડી ગલીઓમાં ઘોડાગાડી લઈ જવાય તેમ નથી એટલે ગાડી છોડીને ચાલવા લાગ્યા. ડોક્ટર પહેલી વાર વડગાદી આવ્યા હતા. સાંકડી શેરીઓ, બંને બાજુ જર્જરિત ચાલીઓ, ચારે બાજુ ગંદકીનો નહિ પાર. એક ઓરડીની બહાર થોડા લોકો ટોળું વળીને ઊભા હતા. અનુભવી ડોક્ટર સમજી ગયા કે જેને જોવા આવ્યા છે એ દરદી અહીં જ હશે. ડોક્ટરને આવતા જોઈને લોકો આઘા ખસી ગયા. ડોક્ટર અંદર ગયા. અંધારી, સાંકડી ઓરડી. ફર્શ પર પાથરેલી ફાટી-તૂટી ગોદડી પર એક સ્ત્રી સૂતી હતી. ડોક્ટરને લેવા આવેલા માણસે કહ્યું : ‘મારી મા છે આ.’ ઘરની બીજી એક યુવાન સ્ત્રીએ બારણા પાસેની વળગણી પર ખુલ્લી કરેલી સાડી લટકાવી દીધી જેથી બહાર ઊભેલા લોકો અંદર જોઈ ન શકે. ડોકટરે ભાંગી તૂટી ગુજરાતીમાં પૂછ્યું : ‘તમને સું તકલીફ થયા છે, બા?’ જવાબની આશા ડોકટરે રાખી જ નહોતી. સૂતેલી બાઈ કશુંક બબડી પણ ડોક્ટર તે સમજ્યા નહિ એટલે પેલી યુવાન સ્ત્રીએ કહ્યું : ‘બા કહે છે કે મને સૂઈ રહેવા દો.’ ‘કેટલા વખટથી એવન સૂતાં છે?’ ‘આખો દિવસ બસ સૂઈ જ રહ્યાં છે.’ ડોક્ટર દરદીને તપાસવા લાગ્યા. હા, થોડો તાવ છે, પણ દરદી ઘેનમાં રહે તેટલો નથી. ગરદન તપાસી. ના. મેનેનજાઈટિસ નથી. નાડી અનિયમિત હતી. હાર્ટ થાકવા લાગ્યું હતું. એક પછી એક બધાં મહત્ત્વનાં અંગો તપાસ્યાં અને એક પછી એક દરદની બાદબાકી કરતા ગયા. પેલી યુવાન સ્ત્રી હવે આગળ આવી. દરદીની સાડી થોડી નીચે ખસેડી, અને ડોક્ટરને કહ્યું : ‘સાહેબ, જરા આ જુઓ.’ ડોક્ટર ચોંક્યા : ‘અરે, આ તો સાથળમાં ગાંઠ.’ અનુભવી ડોક્ટરનું મન કહી રહ્યું હતું : નક્કી આ તો …ની ગાંઠ. પણ તેમનામાં રહેલો આશાવાદી સજ્જન કહી રહ્યો હતો : ના, ના. એવું કઈ રીતે બને? ના, એ રોગ નહિ હોય. ડોક્ટર દવાખાને પાછા આવ્યા. સાથેના માણસ સાથે દવા મોકલી. કહ્યું : સાંજે મને કહી જજો, કેમ છે એવણને તે.’

સરકારી પિક્ચર પોસ્ટ કાર્ડ પર સેગ્રગેશન કેમ્પનો ફોટો

બપોર સુધી બીજા દરદીઓને તપાસ્યા. પણ વારે ઘડીએ તેમની આંખ સામે પેલી ગાંઠ તરવરતી હતી. ત્યાં જ દવાખાના બહાર એક રૂપકડી ઘોડા ગાડી આવીને ઊભી રહી. તેમાંથી ઊતરીને એક તવંગર મારવાડી ડોક્ટર પાસે આવ્યો. સાથે સોળ-સત્તર વરસનો એક છોકરો હતો, દેખીતી રીતે માંદો. આવતાં વેંત દવાખાના બહારના બાંકડા પર સૂઈ ગયો. મારવાડીએ પોતાના ભત્રીજાની માંદગીનાં લક્ષણો ડોક્ટરને કહ્યાં. ડોક્ટર ચોંક્યા : પેલી સવારની બાઈ જેવાં જ લક્ષણો! ડોકટરે છોકરાને તપાસ્યો. હાશ, શરીરમાં ક્યાં ય ગાંઠ નહોતી. દવા આપી. પછી કહેવું નહોતું છતાં કહેવાઈ ગયું : ‘શરીરમાં ક્યાં ય ગાંઠ દેખાય તો મને તરત જણાવજો.’

રવિવારની વહેલી સવાર. હજી મુંબઈ સૂતું હતું. પણ પાળેલા કૂતરાના ભસવાનો અવાજ સાંભળી ડોક્ટર જાગી ગયા. હળવે પગલે બહાર આવ્યા. જોયું તો પેલો ગઈ કાલનો વડગાદીવાળો માણસ. ‘ડોક્ટર સાહેબ, જલ્દી ચાલો. માની તબિયત બહુ બગડી છે.’ ઘોડાગાડી તો થોડે દૂરના તબેલામાં હતી અને ગાડીવાન આવ્યો નહોતો. એટલે બનતી ઝડપે ડોક્ટર પોતાની સાઈકલ પર નીકળ્યા. થોડે દૂરથી જ તેમણે ઘરમાં થતી રોકકળ સાંભળી. સમજી ગયા કે ખેલ ખતમ થઈ ચૂક્યો હતો. થોડી સૂચનાઓ આપી ડોક્ટર નીકળી ગયા. ઘરે આવીને જુએ છે તો પેલો ગઈ કાલવાળો મારવાડી રાહ જોતો હતો. બોલ્યો : ‘સાહેબ, છોકરાને સાથળમાં ગાંઠ નીકળી છે ને બહુ પીડાય છે.’ ડોક્ટર તરત મારવાડીની ગાડીમાં તેને ઘરે જવા નીકળ્યા. પણ થોડે દૂર ગયા પછી ડોકટરે એકાએક ગાડી રોકવા કહ્યું. બોલ્યા : ‘આપણે ડોક્ટર કાવસજીને સાથે લેતા જઈએ. તેઓ છોકરાના લોહીની તપાસ કરશે.’

મુંબઈ છોડી જનારાઓની ભીડ

મારવાડીને બહાર રોકી ડો. વિગાસ ડો. કાવસજીના ઘરમાં ગયા. કહે : ‘અત્તર ઘડી મારી સાથે ચાલો. મને પ્લેગનો વહેમ છે. દરદીના લોહીની તપાસ કરવી પડશે’. કાવસજી : ‘કાલે રાતે જરા વધારે છાંટો-પાણી થઈ ગયાં લાગે છે, ડોક્ટર! મુંબઈમાં તે વળી પ્લેગ કેવો?’ પણ પછી ડો. વિગાસ અને મારવાડી સાથે જવા નીકળ્યા ડોક્ટર કાવસજી. છોકરાના લોહીનો નમૂનો લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યો. પણ રિપોર્ટ આવે તે પહેલાં તો છોકરો મરી ગયો હતો. અને રિપોર્ટ આવ્યો ત્યારે ડોક્ટર વિગાસની અનુભવી આંખે જે જોયું હતું તે સાચું પડ્યું. રિપોર્ટમાં લખ્યું હતું : ‘પ્લેગ બેસીલી.’

લોકોને પ્લેગની રસી આપવા માટે યોજાતા કેમ્પ

આ તો ભયંકર ચેપી રોગ! જાણીતા ડોક્ટર હોવા ઉપરાંત તેઓ મુંબઈ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા સભ્ય પણ હતા. ઘરે આવીને ડોક્ટર વિગાસે ‘નોટિફિકેશન’ તૈયાર કર્યું અને સરકારી ઓફિસમાં જાતે જઈને આપી આવ્યા. પણ એમ કાંઈ એક ‘દેશી’ ડોક્ટરની વાત બ્રિટિશ સરકાર માની લે? તેમના અહેવાલની ચકાસણી કરવા એક સમિતિ નીમી સરકારે. એમાં પાંચ દિવસ નીકળી ગયા. સરકારી સમિતિએ ડોક્ટર વિગાસની વાતને પૂરેપૂરો ટેકો આપ્યો. અને ૨૯મી સપ્ટેમ્બરે મુંબઈના ગવર્નર લોર્ડ સેન્ડહર્સ્ટે હિન્દુસ્તાનના ગવર્નર જનરલ લોર્ડ એલ્જિનને તાર મોકલ્યો: ‘મુંબઈ શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો છે.’ 

સપ્ટેમ્બર પૂરો થાય ત્યાં સુધીમાં તો મુંબઈમાં પ્લેગને કારણે ૭૯ લોકોનાં મોત થયાં. પછી ઓક્ટોબરમાં ૩૧૩, ડિસેમ્બરમાં ૧,૨૭૧ અને જાન્યુઆરી ૧૮૯૭માં ૨,૧૮૮ મોત નોંધાયાં. બહુ મોટા પ્રમાણમાં લોકો મુંબઈ છોડી ‘દેશ’માં જવા લાગ્યા. લગભગ અડધું મુંબઈ ખાલી થઈ ગયું. ફેબૃઆરી ૧૮૯૭માં સરકારે રેલ કે દરિયાઈ રસ્તે મુંબઈ આવતા તથા જતા બધા જ મુસાફરો માટે તબીબી તપાસ ફરજિયાત બનાવી. મુંબઈ છોડીને જે લોકો ભાગ્યા હતા તેમાંના કેટલાક તો ક્યારે ય પાછા આવ્યા જ નહિ. ૧૮૯૧માં થયેલી વસતી ગણતરી પ્રમાણે મુંબઈમાં ૮,૨૧,૭૬૪ લોકો વસતા હતા. ૧૯૦૧માં વસતી ગણતરી થઈ ત્યારે મુંબઈનો વિસ્તાર વધ્યો હતો. છતાં એ વખતે મુંબઈની વસતી હતી ૮,૧૨,૯૧૨. એટલે કે વસતિમાં ૮,૮૫૨નો ઘટાડો થયો હતો. ૧૮૭૨માં વસતી ગણતરી શરૂ થઈ ત્યારથી આજ સુધીમાં માત્ર આ એક જ વખત મુંબઈની વસતી ઘટી છે. તે સિવાય દર દસ વર્ષે તેની વસતિમાં સતત વધારો જ થતો રહ્યો છે. પછી ચોથી ફેબ્રુઆરીએ બ્રિટનની પાર્લામેન્ટે ‘એપિડેમિક ડીઝીઝ એક્ટ’ પસાર કર્યો. આ કાયદા હેઠળ બોમ્બે પ્રોવિન્સની સરકારને અસાધારણ સત્તા આપવામાં આવી. આઝાદી પછી આપણી પાર્લામેન્ટે આ કાયદાને બહાલી આપી છે એટલે આજે ય તે અમલમાં છે અને ૧૨૩ વરસ પછી અત્યારે કોરોનાના કેરને પહોંચી વળવા માટે કેન્દ્રની અને રાજ્યોની સરકાર જે પગલાં લઈ રહી છે તે આ કાયદા હેઠળ જ લઈ રહી છે.

પ્લેગના દર્દીઓ માટેની અલાયદી હોસ્પિટલ

બીજી બાજુ ડો. વિગાસે પોતાના જીવના જોખમે રોગીઓની સારવાર કરવા માંડી. સાથોસાથ મુંબઈની ગંદી ઝૂંપડપટ્ટીઓમાં સફાઈ કરવાની અને જ્યાંથી દેખાય ત્યાંથી ઉંદરોનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી. તો મુંબઈના ગવર્નરે ડો. વાલ્ડેમર હાફકિન (૧૮૬૦-૧૯૩૦) સાથે મસલત કરી તેમને પ્લેગ માટેની રસી તૈયાર કરવા જણાવ્યું. મૂળ રશિયાના વતની આ ડોક્ટરે અગાઉ કોલેરા માટેની રસી તૈયાર કરી આપી હતી. ગ્રાન્ટ મેડિકલ કોલેજની એક કોરિડોરમાં તેમણે પોતાની પ્રયોગશાળા શરૂ કરી અને ૧૮૯૭ના જૂનની ૧૦મી તારીખે પ્લેગ માટેની રસી તૈયાર કરી. તેનો પહેલવહેલો પ્રયોગ તેમણે પોતાની જાત પર કર્યો! પછી આર્થર રોડ જેલના કેટલાક કેદીઓ પર કર્યો. અને પછી સરકારે લોકો માટે આ રસી વાપરવાનું શરૂ કર્યું. મુંબઈમાં પરેલ ખાતે આવેલી સરકારી પ્રયોશાળા સાથે ૧૯૨૫માં સરકારે ડો. હાફકિનનું નામ જોડ્યું. ૧૯૬૪માં ભારત સરકારે તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. 

પોતાના જાનની પરવા કર્યા વગર ડો. વિગાસે એકલે હાથે ૧૮ હજાર માણસોને આ રસી મૂકી. લોકોને આ રોગ વિષે સમજણ આપવા સરકારે ઠેર ઠેર કેમ્પ યોજ્યા. ત્યાં જઈને ડો. વિગાસ રસી મૂકતા. જેમને પ્લેગનો રોગ લાગુ પડી ચૂક્યો છે એવા લોકોને અલગ રાખવા માટે તેમની સલાહ પ્રમાણે સરકારે ‘સેગ્રગ્રેશન કેમ્પ’ શરૂ કર્યા. જરૂર જણાય ત્યાં પોલીસ રહેણાકની કે વેપારધંધાની કે બીજી કોઈ પણ જગ્યામાં દાખલ થઈને તપાસ કરી શકે, માંદા લોકોને ફરજિયાત અલગ છાવણીમાં ખસેડી શકે, ઘર કે કોઈ પણ વિસ્તાર ખાલી કરવા લોકોને ફરજ પાડી શકે, એવી કાયદામાંની જોગવાઈઓનો સરકારે પૂરેપૂરો ઉપયોગ કર્યો. તેથી રોગ તો કાબૂમાં આવ્યો પણ લોકોમાં સરકાર સામે નારાજગી ફેલાઈ. પરિણામે કેટલીક જગ્યાએ નાનાં-મોટાં છમકલાં થયાં. એટલું જ નહિ, સરકારે બનાવેલી ‘પ્લેગ કમિટી’ના પ્રમુખ વોલ્ટર ચાર્લ્સ રેન્ડનું ખૂન કરવામાં આવ્યું. ૧૮૯૭ના જૂનની ૨૨મી તારીખે ચાફેકર બંધુઓએ પૂનામાં તેમનું ખૂન કર્યું.

શરૂઆતથી માંડીને ૧૯૦૭ના મેની ૩૧મી તારીખ સુધીમાં મુંબઈમાં પ્લેગને કારણે ૧,૫૭,૮૯૧ માણસોનાં મૃત્યુ થયાં હતાં. પ્લેગ અંગેનાં કામો પાછળ મુંબઈ સરકારે કુલ ૯૭,૪૦,૯૮૫ રૂપિયા ખર્ચ્યા હતા. પણ મુંબઈમાં પ્લેગનો પહેલો કેસ શોધીને સરકારને સાવચેત કરનાર ડો. વિગાસ હતા કોણ? આખું નામ એકાસિયો ગેબ્રિઅલ વિગાસ. ૧૮૫૬ના એપ્રિલની પહેલી તારીખે ગોવામાં જન્મ. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૩૩ના રોજ મુંબઈમાં અવસાન. મૂળ ગોવાના વતની. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી મુંબઈ આવ્યા અને સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં દાખલ થયા. પછી ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરીને એલ.એમ. એન્ડ એસ.ની પરીક્ષા પહેલા વર્ગમાં પાસ કરી. મુંબઈમાં પ્રેક્ટીસ શરૂ કરી. ૧૮૮૮થી ૧૯૦૭ સુધી દર વખતે મુંબઈ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ઊભા રહ્યા અને જીત્યા. ૧૯૦૬માં તેઓ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ બન્યા. પ્રમુખ તરીકે તેમણે ગરીબોની મફત સારવાર અને મફત શિક્ષણ અંગેની જોગવાઈઓ કરી.

ધોબી તળાવ પર આવેલું ડો. વિગાસનું પૂતળું

પ્રિન્સેસ સ્ટ્રીટ અને ઠાકુરદ્વાર વચ્ચે ગિરગામ રોડ પરથી શરૂ થઈ કાલબાદેવી તરફ જતા એક રસ્તા સાથે ડો. વિગાસનું નામ જોડાવામાં આવ્યું છે. અને ધોબીતળાવ પર આવેલી ફરામજી કાવસજી જનરલ લાઈબ્રેરી અને રીડિંગ રૂમના કંપાઉંડમાં ડો. વિગાસનું આદમકદ પૂતળું ૧૯૩૬માં ઊભું કરવામાં આવ્યું, જે આજે પણ મોજૂદ છે. આજે કોરોના વાયરસના ભયથી પીડાતા મુંબઈને જોઈને ડો. વિગાસના ચહેરા પર થોડી ઉદાસી છવાઈ હોય તેમ લાગે છે. જાણે વિચારી રહ્યા ન હોય કે ‘અરે, આટઆટલાં વર્ષોનાં વહાણાં વાઈ ગયાં તો ય હજી મારું મુંબઈ ઝૂંપડપટ્ટી મુક્ત બન્યું નથી, રોગમુક્ત બન્યું નથી, ભયમુક્ત બન્યું નથી. પરમકૃપાળુ પરમાત્મા મુંબઈનું અને તેના લોકોનું ભલું કરજો!’

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : "ગુજરાતી મિડ-ડે", 28 માર્ચ 2020

Loading

28 March 2020 admin
← અધ્યયન વિના કામ આગળ નહીં વધે
કામૂની નવલકથા ‘આઉટસાઈડર’ : મ્યરસો કૅદમાં →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved