Opinion Magazine
Number of visits: 9449417
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 32

દીપક મહેતા|Opinion - Opinion|22 February 2020

તાપીને કિનારે સુરતમાં જન્મેલા કવિ નર્મદ

મુંબઈના સમુદ્રનાં મોજાંઓમાં જાણે વિલીન થઈ ગયા

વર્ષ ૧૮૫૮. મહિનો નવેમ્બર. તારીખ ૨૩. મંગળવાર. પચ્ચીસ વરસની ઉંમરનો એક યુવક. આખો દિવસ સરકારી એલ્ફિન્સ્ટન સેન્ટ્રલ સ્કૂલમાં નોકરી કર્યા પછી સાંજે ઘરે આવે છે. માથા પરની પાઘડી હાથમાં લઈને સીધો પોતાના લખવાના મેજ પાસે આવે છે. આ યુવક એ વખતે મૂર્તિપૂજામાં તો માનતો નથી. એટલે ઘરમાં કોઈ દેવ-દેવીની મૂર્તિ તો નથી – ના, સરસ્વતીદેવીની પણ નહિ. પણ તેના મેજ પર કલમ પડી છે. આ એ જ કલમ છે જેના વડે તેણે નિબંધો ને ભાષણો લખ્યાં છે, પત્રો અને ડાયરી લખ્યાં છે, પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ, અને રસપ્રવેશ જેવા અભ્યાસગ્રંથો લખ્યા છે, અને નર્મકવિતાના પહેલા ત્રણ ભાગનાં કાવ્યો લખ્યાં છે. એ કલમ સામે યુવાન તાકી રહે છે. આંખમાં ઝળઝળિયાં છે. હાથ જોડતો નથી એ યુવક, પણ મનમાં પોતાની કલમ માટે પૂરેપૂરો આદરભાવ છે. એ કલમ સામે તાકીને મનોમન બોલે છે: ‘હવે આજથી હું તારે ખોળે છઉં.'

૧૯મી સદીની છોકરાઓ માટેની મુંબઈની એક સ્કૂલ

એ યુવાન તે નર્મદાશંકર લાલશંકર દવે ઉર્ફે વીર કવિ નર્મદ, અર્વાચીનોમાં આદ્ય નર્મદ, સુધારાની સેનાનો સૈનિક નર્મદ. સરકારી નોકરી એટલે તો આખી જિન્દગીની નિરાંત. ‘ખરચે ન ખૂટે, વા કો ચોર ન લૂંટે’ એવી નોકરી. અને પગાર હતો મહીને ચાલીસ રૂપિયાનો જે એ જમાનામાં ઓછો તો ન જ ગણાય. પણ દિવસ દરમ્યાન એ નોકરીનું રાજીનામું આપી દીધું હતું, ઘરમાં કોઈને ય જણાવ્યા વગર. પણ કેમ? બે કારણ. પહેલું તો એ કે આખો દિવસ છોકરા ભણાવીને, તેમનાં તોફાન-મસ્તી સહન કરીને, રોજ સાડા છ કલાક સુધી ક્લાસ રૂમમાં ગોંધાઈ રહીને એ યુવાન ત્રાસી ગયો હતો. જીવ કવિનો હતો એટલે આ વાત તેણે કવિતામાં પ્રગટ કરી છે :

સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય
કરવી સક્ત તેમાં નોકરી નિશાળની
જોવી ઉઠબેઠ બહુ સહુ ભણનારતણી
સાંભળવી વાત વળી માર ગાળ આળની
થાકી લોથ ભારી થયે બીજા કામ થાય નહિ
બીજા જેવું માન નહિ માથાફોડ બાળની.

પણ બીજું વધુ સાચું કારણ તો એ કે એ યુવાનને પ્રતીતિ થઇ ચૂકી હતી કે પોતાનો આજીવન સંબંધ શબ્દ સાથે, સર્જન સાથે, લેખન સાથે બંધાયેલો છે. પણ પછી કોલેજનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો, ૧૮૫૭ના ફેબ્રુઆરીમાં ગોકુળદાસ તેજપાલ સ્કૂલમાં મહીને ૨૮ રૂપિયાના પગારે માસ્તરની નોકરી લેવી પડી. એ સ્કૂલ છોડીને એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશનની સેન્ટ્રલ સ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તરની નોકરી લીધી હતી. પણ હવે એ નોકરી પણ છોડી. એ વાત પિતા લાલશંકરને કહી ત્યારે તેમણે મનનો ગુસ્સો મનમાં જ રાખ્યો અને માત્ર એટલું બોલ્યા : ‘ભાઈ, ઉતાવળ કરવાની શી જરૂર હતી?’ નર્મદ કાંઈ ગર્ભશ્રીમંત નહોતો. કોઈ એકાદ હિતેચ્છુ અમલદાર કે સંસ્થાની ઓથ પણ નહોતી તેને. અને છતાં તેણે આવો નિર્ધાર કર્યો. પણ પોતાની લગની ખાતર પોતાના બાપને શહીદ ન કરાય. ‘મારી હકીકત’ નામની આત્મકથામાં નર્મદ નોંધે છે: ‘જ્યારથી સ્કૂલની નોકરી મૂકી ત્યારથી મેં નિશ્ચય કીધો હતો કે હવે બાપને ભારે પડવું જ નહિ – તે પડાય તેમ હતું પણ નહિ.'

૧૮૬૧થી અમેરિકામાં સિવિલ વોર શરૂ થઈ તેને પ્રતાપે મુંબઈમાં અસાધારણ સમૃદ્ધિ આવી. સમૃદ્ધિને પગલે મોજ-શોખ વધ્યા. લોકોને નાટકની ઘેલછા લાગી. એ વખતે બે પારસીઓએ તેમની કવિતા નાટયગૃહમાં ગાવા માટે નર્મદની પરવાનગી માગી. પહેલાં તો નર્મદે કહ્યું કે ‘મારી કવિતા ગાયાથી લોક ખુશી થાય તેવી લોકની સમજ નથી.’ પણ પેલા પારસીઓએ આગ્રહ કર્યો એટલે ‘એક બેઠક’ના સો રૂપિયા આપવાની શરતે નર્મદે મંજૂરી આપી. એટલે આ કામ માટે ‘નર્મગીતગાયક મંડળી’ શરૂ થઈ. તેની બે બેઠકો થઈ. પણ નર્મદે કહ્યું હતું તેમ લોકોને આ પ્રયોગ પસંદ ન પડ્યો અને આયોજકોને ખોટ ગઈ. એટલે એ મંડળી ભાંગી પડી. નર્મદે પોતાને મળેલા ૨૦૦ રૂપિયા એ મંડળીની ‘દયા જાણી’ પાછા આપી દીધા! તો બીજી બાજુ ફ્રેયર લેન્ડ રેક્લમેશન’ નામની એક નવી કંપની નીકળી હતી તેનો એક શેર નર્મદના ખાસ મિત્ર કરસનદાસ માધવદાસે ભેટ આપ્યો તે વેચી નાખતાં ૫,૭૦૦ રૂપિયાનો નફો થયો તેમાંથી નર્મદે અગાઉનું બધું દેવું ચૂકવી દીધું.

કવિ નર્મદના હસ્તાક્ષર

અમાસ નિશ ઘનઘોરમાં, ચોરી ધાડનો ભોય,
ઘરમાં વસ્તી દીપની, બ્હાર ડાંડીની હોય.

મુંબઈની, અને પછી ગુજરાતની ભૂમિ પર આ શબ્દોના પડઘા પહેલી વાર પડ્યા તે ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે. બીજા કેટલાક મિત્રો સાથે મળીને એ દિવસે નર્મદે મુંબઈથી ‘ડાંડિયો’ નામનું પખવાડિક શરૂ કર્યું. અને એના અંકો છપાતા હતા નર્મદના પારસી મિત્ર નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં. એ જમાનામાં કોઈ આફત પ્રસંગે, કે કોઈ સારા-માઠા પ્રસંગે તેના ખબર લોકો સુધી પહોંચાડવા માટે શહેરમાં ડાંડી પીટીને જાહેરાત કરવામાં આવતી. નર્મદે આ પાક્ષિક દ્વારા લોકોને, સમાજને, સત્તાવાળાઓને જાગતા રાખવાનો અને એ રીતે સમાજને સાચે માર્ગે વાળવાનો ઈરાદો રાખ્યો હતો. મિત્રો જ નહિ, આર્થિક મદદ કરનાર પણ કશું ખોટું કરે તો તે અંગે ડાંડિયોમાં લખવામાં નર્મદ શરમ-સંકોચ રાખતો નહિ. આ અંગે કેટલાક હિતેચ્છુઓએ ફરિયાદ કરી ત્યારે નર્મદે લખેલું કે નાણાંનાં બદલામાં તે સત્ય બાબત સમાધાન ક્યારે ય કરશે નહિ. ડાંડિયોના લખાણોમાં નર્મદનું ગદ્ય સોળે કળાએ ખીલેલું જોવા મળે છે. જો નર્મદ સમયમૂર્તિ હતો તો ડાંડિયો આ સમયનું મુખપત્ર હતું. જો નર્મદ યુગપુરુષ હતો તો ડાંડિયો નવા યુગની આહલેક પોકારનારું બ્યૂગલ હતું. જેમાં ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ના પડછંદા સદા પડઘાતા રહ્યા હતા. અને આવું એક અનોખું સામયિક કાઢવાની તક નર્મદને મળી તે મુંબઈમાં. એ વખતના ગુજરાતમાંથી આવું આખાબોલું સામયિક કદાચ કાઢી અને ચલાવી શકાયું ન હોત.

‘ડાંડિયો’ના પહેલા અંકનું પહેલું પાનું

૧૮૬૫માં નર્મદે ‘નર્મગદ્ય’નો પહેલો ભાગ પ્રગટ કર્યો. આજે તો પુસ્તકના આગલા-પાછલા પૂંઠા પર કે પુસ્તકની અંદર, તેના લેખકનો ફોટો (કે ફોટા) છાપવાનું સાવ સામાન્ય બની ગયું છે. પણ ૧૮૬૫ સુધીમાં બીજા કોઈ ગુજરાતી પુસ્તકમાં લેખકનો ફોટો છાપ્યો હોય એવું બન્યું નહોતું. એ પહેલ કરી નર્મદે. ‘નર્મગદ્ય’ના પહેલા ભાગમાં તેણે પોતાનો ફોટો મૂક્યો. એ વખતે હજી આપણે ત્યાં હાફ ટોન બ્લોક વડે ફોટા છાપવાની સગવડ થઈ નહોતી. એટલે નર્મદે પોતાનો ફોટો પડાવીને જર્મની મોકલ્યો હતો અને ત્યાં બનાવેલ ‘એન્ગ્રેવિંગ’ વડે ફોટો છપાવ્યો હતો. તેની નીચે નોંધ મૂકી હતી : ‘અહીંના ને જિલ્લાના ઘણાએક લોકોની ઈચ્છા અને કેટલાએક મિત્રોની વિનંતી એ ઉપરથી મેં મારું ચાડું (જર્મનીથી કોતરાવી અણાવી) ગ્રંથને આરંભે મુકવાનો અવિવેક કર્યો છે.’

૧૮૬૫માં પ્રગટ થયેલ ‘નર્મગદ્ય’ના પહેલા ભાગમાં નર્મદે છપાવેલો પોતાનો ફોટો

મુંબઈમાં નર્મદના હિતેચ્છુઓ ઘણા હતા. તેમને કવિની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ હતો. કવિને લેખનમાંથી થોડી, પણ નિયમિત આવક થાય એવું કશુંક કરવાના પ્રયત્ન આ હિતેચ્છુઓ કરવા લાગ્યા. એ વખતે મુંબઈમાં કેખુશરૂ કાબરાજીની પારસી નાટક મંડળીની બોલબાલા હતી. તે પારસી-ગુજરાતી નાટકો ઉપરાંત ‘શુદ્ધ’ ગુજરાતી નાટકો પણ ભજવતી. કાબરાજી સાથે અમુક બાબતમાં મતભેદ થતાં મુંબઈની નિશાળોના કેટલાક માસ્તરોએ ભેગા થઈને ‘ગુજરતી નાટક મંડળી’ કાઢી અને પહેલવહેલું રણછોડભાઈ ઉદયરામનું ‘લલિતાદુઃખદર્શક’ નાટક ભજવ્યું જેને અસાધારણ સફળતા મળી. એટલે નર્મદના બે-ત્રણ હિતેચ્છુએ વિચાર્યું કે કવિ જો નાટકો લખે તો તેનાથી નિયમિત આવકનું એક સાધન ઊભું થાય. એટલે તેમણે એક નવી નાટક મંડળી કાઢી અને તેને માટે નર્મદ પાસે નાટકની માગણી કરી. હવે, આ વાતની ખબર પડી કાબરાજીને.

નર્મદનું નાટક ભજવનાર કેખુશરુ કાબરાજી

એટલે એ સીધા પહોંચ્યા નર્મદ પાસે અને પોતાની મંડળી માટે એક ધાર્મિક-પૌરાણિક નાટક લખી આપવા વિનંતી કરી. એ માટે કવિને કેટલી રકમ આપવી તે નક્કી કરવાનું કામ કેટલાક ‘મધ્યસ્થો’ને સોંપ્યું. અને નર્મદે લખ્યું ‘શ્રી રામજાનકીદર્શન.’ એ નાટક ભજવાયું, વખણાયું. આ નાટકમાં લોકોએ એક નવો જ રંગ જોયો અને તેને ઉત્સાહથી વધાવી લીધો. પછી તો નર્મદના નાટકોની ‘ડિમાંડ’ વધવા લાગી. ‘આર્યસુબોધ મંડળી’ માટે ‘શ્રી દ્રૌપદીદર્શન’ અને ‘સાર-શાકુન્તલ’ જેવાં નાટકો લખ્યાં,  બીજી એક નાટક મંડળી માટે ‘શ્રી બાળકૃષ્ણવિજય’ નાટક લખ્યું. આ નાટકોએ કવિને ઠીક ઠીક કમાણી કરાવી. ‘શ્રી દ્રૌપદીદર્શન’ દ્વારા નર્મદે એક બીજી પહેલ કરી. એ નાટક ભજવવાનું શરૂ થયું તે સાથે જ તેને પુસ્તક રૂપે પણ નર્મદે પ્રગટ કર્યું અને એ નાટકની ભજવણી અંગેની કેટલીક વિગતો પણ તેમાં નોંધી.

ભજવવા માટે લખાયેલું નર્મદનું પહેલું નાટક

અને છેલ્લે ૧૮૮૬ના ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની એક સવાર. બધા કુટુંબીજનોને પોતાની પાસે બેસાડ્યા છે નર્મદે. છેલ્લા કેટલાક વખતથી કવિની તબિયત કથળતી જતી હતી અને તેઓ પથારીવશ હતા. પણ તે વખતે હાજર હતા એવા કવિના એક અંતેવાસી રાજારામ રામશંકર શાસ્ત્રીએ લખ્યું છે કે તે દિવસે બેઠા પછી તપ્ત સુવર્ણ જેવી કાંતિવાળી મુખમુદ્રા પર સૂર્ય ચંદ્ર સરખાં બે તેજસ્વી નેત્રો પૂરાં ઉઘાડી કવિએ કહ્યું : ‘ત્રેપન વર્ષની વયમાં મેં ઘણું જોયું, અનુભવ્યું, ને જગતના અનેક રંગ દીઠા. તેમ જગતે મારા પણ જોયા. હવે આ દેહ બે-ચાર દિવસ રહેવાનો છે એમ હું જાણું છુ, પણ તમારે કોઈએ તે સંબંધે જરા પણ ખેદ નથી કરવાનો. તમે બધાં સુખી રહેવાનાં છો એમ મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે. જય સાંબ સચ્ચિદાનંદ!’ અને ૧૩૪ વર્ષ પહેલાં ૧૮૮૬ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે માત્ર લગભગ મધ્યાહને ૫૩ વર્ષની વયે કવિ નર્મદે દેહ છોડ્યો. એ વખતે અરબી સમુદ્રના કાંઠાથી થોડે દૂર આવેલી સોનાપુરની સ્મશાનભૂમિમાં એ દેહ વિલીન થઈ ગયો. ગંગા, યમુના, નર્મદા, કે તાપી, કોઈ પણ નદી છેવટે તો સાગરમાં વિલીન થઈ જતી હોય છે. તાપીને કિનારે સુરતમાં જેનો જન્મ થયો હતો તે કવિ નર્મદ પણ જાણે મુંબઈના સમુદ્રનાં મોજાંઓમાં વિલીન થઈ ગયા. ત્યારે તેમણે વર્ષો અગાઉ લખેલ એક કાવ્યની પંક્તિઓ હવામાં ગુંજતી હતી :

નવ કરશો કોઈ શોક,
રસિકડાં નવ કરશો કોઈ શોક. 
યથા શક્તિ રસપાન કરાવ્યું,
સેવા કીધી બનતી,
રસિકડાં નવ કરશો કોઈ શોક.
વીર સત્ય ને રસિક ટેકીપણું,
અરિ પણ ગાશે દિલથી,
રસિકડાં નવ કરશો કોઈ શોક.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 22 ફેબ્રુઆરી 2020

Loading

22 February 2020 admin
← યશ ચોપરાની ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર શાસ્ત્રીય સંગીતકાર શિવ-હરિની જોડી
આત્મપ્રસિદ્ધિ પાછળ દસેક હજાર કરોડ ખર્ચનારા વડાપ્રધાને સમજવું જોઇએ કે વાસ્તવિક્તા છુપાવો તો તે છાપરે ચડીને પોકારશે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved