Opinion Magazine
Number of visits: 9450260
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 31

દીપક મહેતા|Opinion - Opinion|15 February 2020

અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદને

જણ્યો સુરતે પણ જાણ્યો મુંબઈએ

પહેલું ભાષણ, પહેલી કવિતા, પહેલું પુસ્તક મુંબઈમાં 

સ્નેહ સહિત સંભળાવજો, ધીરે ધીરે સુધારાનો સાર

                                                         – દલપતરામ

ઝટ્ટ ડોળી નાખો રે, મન જળ થંભ થયેલું.

                                              – નર્મદ

કવીશ્વર દલપતરામ અને કવિ નર્મદ વચ્ચે જે સાઠમારી મુંબઈમાં શરૂ થઈ તે છેવટ સુધી ચાલુ રહી તેની પાછળ અંગત કારણો તો ખરાં જ, પણ બંનેનાં વિચાર, વાણી, અને વ્યવહારમાં રહેલો તફાવત પણ તે માટે જવાબદાર. દલપતરામનો જન્મ વઢવાણ ગામમાં, પણ જીવનનાં ઘણાં વર્ષો તેમણે અમદાવાદમાં ગાળ્યાં. નર્મદને જણ્યો સુરતે, પણ તેને જાણ્યો મુંબઈએ. શું ઇતિહાસમાં કે શું જિંદગીમાં, ‘જો’ અને ‘તો’ને સ્થાન નથી હોતું. છતાં એક વિચાર આવે: દલપતરામે જિંદગીનાં ઘણાં વર્ષો મુંબઈમાં ગાળ્યાં હોત તો તે બીજા નર્મદ બની શક્યા હોત? કદાચ હા. નર્મદાશંકર જો જન્મભૂમિ સુરતમાં જ રહ્યા હોત, મુંબઈ આવ્યા ન હોત તો તે નર્મદ બની શક્યા હોત? ના. મુંબઈએ તેમને અંગ્રેજી પદ્ધતિની કેળવણી, એ પદ્ધતિની સ્કૂલો અને કોલેજનો પરિચય કરાવ્યો. છાપાં, સામયિકો, ચર્ચાસભાઓ, સમાજ સુધારાની ચળવળ વગેરેના સીધા સંપર્કમાં મૂક્યા. તેમના સંપર્કોનું ક્ષેત્ર વ્યાપક અને વિશાળ બનાવ્યું. તેમાં ગુજરાતીઓ ઉપરાંત અંગ્રેજો, પારસીઓ, મરાઠીભાષીઓ, અભ્યાસીઓ, વેપારીઓ, ડોકટરો, સુધારકો, વગેરેનો સમાવેશ થતો હતો. અમદાવાદની નદી અને મુંબઈના સાગર વચ્ચે જે તફાવત છે તે તફાવત હતો દલપતરામ અને નર્મદ જે વાતાવરણમાં જીવ્યા તે વાતાવરણ વચ્ચે.

કવિ નર્મદ

૧૮૭ વર્ષ પહેલાં ૧૮૩૩ના ઓગસ્ટની ૨૪મી તારીખે સુરતમાં નર્મદનો જન્મ થયો ત્યારે તેના પિતા લાલશંકર દવે મુંબઈમાં હતા, મુંબઈવાસી હતા. અગાઉ સુરતમાં લહિયાનું કામ કરતા, લોકોનાં ટીપણાં લખતા. એ વખતે મુંબઈમાં શરૂ થયેલી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો માટે ગુજરાતી અને મરાઠીમાં છાપેલાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરવાનું કામ શરૂ થયું હતું. એ પાઠ્ય પુસ્તકો શિલાછાપ (લિથોગ્રાફ) પદ્ધતિથી છપાતાં હતાં એટલે લખાણ પહેલાં લહિયાઓ પાસે હાથથી લખાવવું પડતું અને પછી તેના પરથી છાપકામ થતું. પણ એ માટે ગુજરાતીના સારા લહિયા એ વખતે મુંબઈમાં હતા નહિ. આ નવાં પાઠ્યપુસ્તકો બનાવવાનું કામ કેપ્ટન જર્વિસ નામના એક અંગ્રેજ અધિકારી સંભાળતા હતા. તેઓ મરાઠી અને ગુજરાતી, બંને ભાષા સારી રીતે જાણતા હતા. તેમણે સુરતની અદાલતના જજ જોન્સને લખ્યું કે સુરતમાં કોઈ સારા લહિયા હોય તો તેને મુંબઈ મોકલો. એટલે જજ જોન્સે કેટલાક લહિયાઓને બોલાવી તેમની પરીક્ષા લીધી.

કેપ્ટન જર્વિસ

લાલશંકર તે પરીક્ષામાં પાસ થયા એટલે જજ જોન્સે તેમને મહીને ત્રીસ રૂપિયાના પગારની મુંબઈની નોકરીની ઓફર કરી. પણ લાલશંકરનાં માતા દીકરાને મુંબઈ મોકલવા તૈયાર નહોતાં. કુટુંબના એક સગા ‘ભાણજાભાઈ’ને એ વાતની ખબર પડી. તેમની પાસેથી લાલશંકરના પિતાએ દીકરાઓના લગ્ન વખતે છ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. એ ‘ભાણજાભાઈ’એ કહ્યું કે લાલશંકર મુંબઈની આવી સારી નોકરી જતી કરશે તો તમે એ છ હજાર મને કઈ રીતે પાછા આપી શકશો? એટલે નોકરી માટે આનાકાની ન કરો. આ વાત લાલશંકરને કાળજે વાગી અને તેઓ તરત મુંબઈ જવા નીકળ્યા. લહિયા તરીકેનું તેમનું કામ એવું સરસ હતું કે પહેલે વરસે ૩૦ રૂપિયાનો પગાર હતો તે બીજા જ વરસથી ૪૫ રૂપિયા થઈ ગયો. અલબત્ત, પછી કૌટુંબિક કારણોસર લાલશંકર મુંબઈ-સુરત વચ્ચે આવ-જા કરતા રહ્યા. નર્મદ દસેક મહિનાનો હતો ત્યારે તેનાં માતા નવદુર્ગા અને નર્મદના કાકા દુર્લભરામ નર્મદને લઈ મુંબઈ આવ્યાં. આપણા દેશમાં એ વખતે હજી ટ્રેન તો આવી નહોતી, એટલે સુરત-મુંબઈની મુસાફરી કાં દરિયાઈ માર્ગે, કાં ગાડામાં કે ચાલીને જમીન માર્ગે કરવી પડતી.

નર્મદના પિતા લાલશંકર દવે

એ વખતે સુરત અને મુંબઈ વચ્ચે વહાણો આવ-જા કરતાં પણ નર્મદ અને તેની માને વહાણની મુસાફરી માફક ન આવતી એટલે ઘણું ખરું તેઓ આ મુસાફરી પગરસ્તે ચાલીને કે ગાડામાં કરતાં.

બે વર્ષની ઉંમરે નર્મદ બોલતાં શીખ્યો તે મુંબઈમાં. સુરતમાં મોટી આગ લાગી ત્યારે પણ નર્મદ અને તેમનાં માતા-પિતા મુંબઈમાં હતાં. બાળક નર્મદ ભગવાનકલાના માળાના ઘરના દીવાનખાનામાં રમતો હતો. દયારામ ભૂખણ નામનો પડોશી બપોરે ઘરે આવ્યો અને નર્મદના ઘરના દીવાનખાનામાં જઈ બોલ્યો કે ‘આખું સુરત બળી ગયું.’ આ વાત જાણી અડોશપડોશનાં બધાં બૈરાં હાંફળાફાંફળાં થઈ ગયાં. ૧૮૬૬માં  પ્રગટ થયેલી આત્મકથા ‘મારી હકીકત’માં નર્મદ લખે છે કે ‘એ તેના બોલવાનો ભણકારો હજી મને યાદ છે.’

લાલશંકરના હસ્તાક્ષર

પાંચ વરસની ઉંમરે નર્મદને તેના પિતાએ ભુલેશ્વર પાસે આવેલી નાના મહેતાની નિશાળે ભણવા મૂક્યો. તે વખતે લાલશંકરે વિદ્યાર્થીઓને ગોળધાણા તથા ધાણી વહેંચ્યાં હતાં. નર્મદ લખે છે કે મને ગુજરાતી અભ્યાસ કરાવવાનું માન બાળગોવિંદ મહેતાજીને જાય છે. એલ્ફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ જોન હાર્કનેસ પાસે ગુજરાતીની પરીક્ષા આપવા નર્મદ ગયો હતો અને તેમાં પાસ થતાં ૧૮૪૫ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે તે અંગ્રેજી સ્કૂલમાં દાખલ થયો હતો. એ વખતે મુંબઈ સરકારે એવો નિયમ કર્યો હતો કે અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરતાં પહેલાં દરેક વિદ્યાર્થીની ગુજરાતી, મરાઠી વગેરે માતૃભાષાની પરીક્ષા લેવાની અને તેમાં પાસ થાય તેને જ અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરવાના. માતૃભાષાનો પાયો મજબૂત થયા પછી જ અંગ્રેજીનું શિક્ષણ અપાવું જોઈએ એવી વિચારસરણીને કારણે આવો નિયમ ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને દાખલ કર્યો હતો. તે વખતે નવરોજી ફરદુનજી, ડો. ભાઉ દાજી, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ વગેરે નર્મદના શિક્ષકો હતા. તેમાંથી ભાઉ દાજીની નેતરની સોટીનો સ્વાદ પણ નર્મદે ચાખ્યો હતો.

મોટપણે સુધારાનો પ્રખર પુરસ્કાર કરનાર નર્મદ બાળપણમાં કેટલાક વહેમ કે અંધશ્રદ્ધાથી પીડાતો હતો. જ્યારે તે ગુજરાતી નિશાળમાં ભણતો ત્યારે રોજ સવારે બધા કરતાં વહેલો જઈ તે પોતે નિશાળનું તાળું ખોલતો અને આંખ બંધ કરીને ભીંત ઉપર ટાંગેલા નકશામાં પેસેફિક મહાસાગરમાં આવેલા બે નાનકડા ટાપુઓ સેન્ડવિચ અને સોસાયટીની જગ્યાએ આંગળી મૂકતો અને પછી આંખ ખોલતો. જો સાચી જગ્યાએ આંગળી મૂકાઈ હોય તો તે માનતો કે આજે હું વર્ગમાં પહેલે નંબરે રહીશ.

શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ૧૮૫૦ના જૂનમાં નર્મદ એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયો. એ વખતે બીજા બે ત્રણ મિત્રો સાથે મળીને નર્મદ પોતાને ઘરે રસાયણશાસ્ત્ર(કેમિસ્ટ્રી)ના પ્રયોગો કરતો. એ મિત્રોએ પોતાની ચોપડીઓ એકઠી કરી એક નાનકડું પુસ્તકાલય પણ બનાવેલું. ત્યાર બાદ તેમણે ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’ શરૂ કરી. તેની બેઠક મહિનામાં ચાર વખત મળતી. તેમાં બે વખત સભ્યોમાંથી કોઈ પોતે લખેલો ‘નિબંધ’ વાંચતું અને બે વખત જાહેર સભા ભરી સુધારાની વાતો લોકો સુધી પહોંચાડતા. જાહેર સભાઓ ભુલેશ્વરમાં આવેલા હાટકેશ્વરના મંદિર નજીકના એક ઘરના મોટા ઓરડામાં મળતી. તેમાં સોએક જણા હાજર રહેતા. આવી એક જાહેર સભામાં જ નર્મદે ‘મંડળી મળવાથી થતા લાભ’ એ વિષય પર ભાષણ કર્યું હતું. આ તેનું પહેલું જાહેર ભાષણ. પછીથી તેણે એ ભાષણ લખી કાઢ્યું અને પિતા લાલશંકર પાસે લખાવી લિથોગ્રાફ વડે પુસ્તક રૂપે છપાવ્યું. નર્મદનું આ પહેલું પુસ્તક. આમ, નર્મદનો શાળા અને કોલેજનો અભ્યાસ મુંબઈમાં, તેનું પહેલું ભાષણ મુંબઈમાં, અને તેનું પહેલું પુસ્તક છપાયું તે પણ મુંબઈમાં.

૧૯મી સદીનું ભુલેશ્વર

પણ પછી કેટલાંક કૌટુંબિક કારણોસર નર્મદે કોલેજનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો, મુંબઈ છોડી ૧૮૫૧ના ફેબ્રુઆરીની ૧૯મી તારીખે સુરત જવું પડ્યું, અને રાંદેરની નિશાળમાં માસ્તર બનવું પડ્યું. પણ દરિયાનાં પાણીનાં માછલાંને નદીનાં પાણીમાં લાંબો વખત કેમ ફાવે? નિશાળની નોકરીનું રાજીનામું આપી મુંબઈ જતી આગબોટમાં બેસી ૧૮૫૪ના જાન્યુઆરીમાં નર્મદ ફરી મુંબઈ. જૂન સુધી જીવરાજ બાલુના કુટુંબના એક છોકરાને અંગ્રેજી શીખવવા નર્મદ તેને ઘરે જતો. પછી ૧૩મી જૂને ૬૦ રુપિયાની ફી ભરીને નર્મદ ફરી એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયો. ડિસેમ્બરમાં પરીક્ષા આપી તેમાં ૬૦ ટકા માર્ક અને મહીને ૧૫ રૂપિયાની સ્કોલરશીપ મેળવ્યાં. એ વખતે તેના અધ્યાપકોમાંના એક હતા દાદાભાઈ નવરોજી. કોલેજના અભ્યાસકાળ દરમ્યાન ધીરા ભગતનાં કેટલાંક પદ વાંચવામાં આવ્યાં. એવું કશુંક મારે પણ લખવું જોઈએ એવો નર્મદને વિચાર આવ્યો અને એક દિવસ પંક્તિઓ સ્ફુરવા લાગી:

પરબ્રહ્મ જગકર્તા રે, સ્મરોની ભાઈ, હરઘડી,
જાણો અવર મિથ્યા રે, હરકતો અહીં આવી નડી.
રવિ ચંદ્ર તારા ગ્રહો સમુદ્ર અવનિ ને આકાશ,
ઝાડ પર્વત નદી સરોવર એ સહુ તારી કૃતિના પ્રકાશ,
નાસ્તિક બુદ્ધિ પાપી રે, તત્ક્ષણે તે છાંડે રડી.
ન લુબ્ધાઈ પ્રપંચમાં ન પીધું દુર્વિકાર રૂપી ઝેર,
પામે તે ભજી નિરંજનને અહીં તહીં લીલા લહેર,
ઓળખ સારી તારી રે નર્મદો લહે બુટ્ટી જડી.

પછીથી ‘નર્મકવિતા’માં આ કૃતિ પ્રગટ કરતી વખતે નર્મદે નોંધ લખી: ‘એ મારી સહજ નીકળેલી પહેલવહેલી જ કવિતા છે.’ પછી, છેલ્લી પંક્તિમાં આવતા ‘બુટ્ટી’ શબ્દ વિષે લખ્યું: ‘ઈશ્વરની ઓળખ એ મોટી ગુણ કરનારી જડી બુટ્ટી છે. પહેલી જ કવિતામાં બુટ્ટી જડી એમ નીકળ્યું છે તેને હું એમ સમજું છું કે કવિતા એ જ મારી જડી બુટ્ટી છે. એથી હું અખંડાનંદમાં રહું છુ. એ શબ્દની ખૂબી મેં પાછળથી જાણી છે.’ આમ, નર્મદને કવિતાની જડી બુટ્ટી પહેલી વાર જડી તે પણ મુંબઈમાં, સુરતમાં નહિ. આ પહેલી કૃતિ લખ્યા પછી નર્મદે મનોમન નક્કી કર્યું: ‘મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ ને શેર જુવાર તો મળી રહેશે.’ એટલે કે નર્મદે કવિ બનવાના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું તે પણ મુંબઈમાં. એ વખતે તેની ઉંમર ૨૨ વર્ષની.

કોલેજનો અભ્યાસ અને કાવ્યલેખનની સાથોસાથ નર્મદે એક જુદી દિશામાં પણ પગલાં માંડ્યાં. એ બુદ્ધિવર્ધક સભાનો સભ્ય બન્યો. આ બુદ્ધિવર્ધક સભા તે અગાઉ તેણે જ શરૂ કરેલી તે સંસ્થા નહિ. ગંગાદાસ કિશોરદાસે એલ્ફિન્સ્ટન કોલેજના પ્રોફેસર પેટન સાથે ચર્ચા કરીને ૧૮૫૧ના એપ્રિલમાં બુદ્ધિવર્ધક હિંદુ સભા શરૂ કરી હતી. પાછળથી તેના નામમાંથી ‘હિંદુ’ શબ્દ દૂર કરવામાં આવ્યો. તેની બેઠકો મમ્માદેવીના મંદિર પાસે આવેલી સરકારી બ્રાંચ સ્કૂલમાં મળતી. તેના પહેલા પ્રમુખ પ્રાણલાલ મથુરદાસ હતા. અગાઉ નર્મદે સ્થાપેલી સંસ્થા તે સુરત હતો તે દરમ્યાન ૧૮૫૧ના માર્ચની ૩૦મી તારીખે આ બુદ્ધિવર્ધક હિંદુ સભામાં ભળી ગયેલી. આ સભામાં જોડાયા પછી નર્મદે ‘વ્યભિચાર તથા રંડીબાજી ન કરવા વિષે’ નિબંધ વાંચ્યો હતો અને  ‘ઈતિહાસ વાંચવાના ફાયદા’ તથા ‘કેફ કરવાના ગેરફાયદા’ વિષે કવિતાઓ વાંચી હતી. આ અંગે આત્મકથામાં નર્મદ લખે છે: 'બુદ્ધિવર્ધક સભાવાળાઓને મારા રાગડા પસંદ પડવા લાગ્યા ને મને ઉત્તેજન મળવા લાગ્યું – ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન તેવી રીતે.’ આ સભાએ પછીથી ‘બુદ્ધિવર્ધક’ નામનું સામયિક શરૂ કર્યું હતું તેના તંત્રી તરીકે પણ નર્મદે ૧૮૫૬માં નવેક મહિના કામ કર્યું હતું. એ જ વર્ષે જૂનની ૨૮મી તારીખે નર્મદે બીજી વાર કોલેજ છોડી અને અભ્યાસ અધૂરો મૂક્યો. એ પછીના નર્મદના મુંબઈના જીવનની બીજી કેટલીક વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 15 ફેબ્રુઆરી 2020

Loading

15 February 2020 admin
← ??!!
કેજરીવાલ ઇમ્પેક્ટ : ભાજપે ચૂંટણી લડવાની રીત, ભાષા ને મુદ્દા બદલવા પડશે →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved