કમાન્ડર નાણાવટી : તો મેં મારી રિવોલ્વર વડે આપઘાત કર્યો હોત
ફરી અદાલતમાં અને અદાલત બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. અદાલતનું કામકાજ શરૂ થતાં કમાન્ડર નાણાવટી ફેર-જુબાની માટે હાજર.
બાળક સાથે નાણાવટી દંપતી સુખી દિવસોમાં
૨૭ એપ્રિલ ૧૯૫૯ના દિવસે તમે પ્રેમ આહુજાને ઘરે શા માટે ગયા હતા?
હું કાંઈ એને મળવા કે ગપ્પા મારવા નહોતો ગયો.
તો શા માટે ગયા હતા?
મારે જાણવું હતું કે શું આહુજા સિલ્વિયા સાથે લગ્ન કરવા અને અમારાં બાળકોને અપનાવવા તૈયાર છે?
જો તેણે ‘હા’ પાડી હોત તો?
તો તેમની વચ્ચેથી હું ખસી ગયો હોત.
અને જો એ ‘ના’ પાડે તો?
તો મેં વિચારેલું કે હું એને સારો એવો મેથીપાક ખવડાવીશ.
બીજું કાંઈ વિચારેલું? આહુજાનું ખૂન કરવાનું?
ના. મેં એવું વિચારેલું નહિ, અને મેં પ્રેમ આહુજાનું ખૂન કર્યું પણ નથી જ.
જો આહુજાએ સિલ્વિયા સાથે લગ્ન કરવાની ના પાડી હોત તો?
તો હું સિલ્વિયા સાથે ખભેખભા મિલાવીને ઊભો રહ્યો હોત. કારણ મને ખાતરી છે કે આ બાબતમાં તે સાવ નિર્દોષ છે. પ્રેમ આહુજાએ તેને પ્રેમની જાળમાં ફસાવી અને તે બિચારી ભોળી તેમાં ફસાઈ ગઈ. મને તો ત્યાં સુધીની ખાતરી છે કે એ માણસે મારી પત્ની ઉપર જાદુટોણાનો ઉપયોગ કર્યો હતો.
જો આહુજાએ સિલ્વિયા સાથે લગ્ન કરવાની ‘હા’ પાડી હોત તો તમે તેને છૂટાછેડા આપ્યા હોત?
ના, જી. મેં મારી રિવોલ્વર વડે આપઘાત કર્યો હોત.
આ તબક્કે અદાલતના એક ભાગમાંથી બૂમાબૂમ થવા લાગી.
જજ મહેતા : આ કેસ સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય તેવા તમામ લોકોને કોર્ટ રૂમમાંથી બહાર કાઢવામાં આવે એવો હું આદેશ આપું છું. કોર્ટના માર્શલ દાખલ થયા અને અદાલતના સિપાઈઓ દ્વારા કોર્ટ રૂમ ખાલી કરાવ્યો.
કોર્ટ રૂમ ખાલી થયા પછી.
તો પછી તમે પ્રેમ આહુજાને ઘરે ગયા ત્યારે સાથે પિસ્તોલ શા માટે લઈ ગયા હતા?
સેલ્ફ ડિફેન્સ માટે. સવારે વાતચીત દરમ્યાન સિલ્વિયાએ મને કહેલું કે તું આહુજા સાથે ઝગડો કરીશ તો બનવા જોગ છે કે એ તને મારી નાખે. મેં નેવલ ઓફિસમાં જઈને સર્વિસ રિવોલ્વરની માગણી કરી ત્યાં સુધી આહુજાને મારી નાખવાનો તો મને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો. મેં તો ફક્ત સેલ્ફ ડિફેન્સ માટે રિવોલ્વર લીધી હતી.
કમાન્ડર નાણાવટી, તમે અગાઉ કહ્યું છે કે તમે પ્રેમ આહુજાને ઘરે ગયા ત્યારે તેનો જીવ લેવાનો તમારો મુદ્દલ ઈરાદો નહોતો. તો પછી તમારા બંને વચ્ચે એવું શું બન્યું કે તમે તેના પર હુમલો કર્યો.
મેં આહુજા પર હુમલો કર્યો જ નહોતો. હા, તે જે બોલ્યો તે સાંભળીને મને અનહદ ગુસ્સો આવ્યો હતો.
આહુજા એવું શું બોલ્યા હતા?
મને એ અહીં બોલતાં પણ શરમ આવે છે.
ખંડાલાવાલા : જુઓ કમાન્ડર નાણાવટી. હોનરેબલ જજસાહેબ ગુજરાતી છે, તમે અને હું બી ગુજરાતી બોલીએ સમજીએ છીએ. એટલે ગુજરાતીની એક પ્રોવર્બ યાદ કરાવું? ‘વૈદ, વેશ્યા, અને વકીલ પાસે જઈએ તે વારે કંઈ બી છૂપાવાય નઈ.
OK. એ બોલ્યો કે તું સું એમ કહેવા માગે છે કે જેટલાં બી બૈરાં સાથે હું સૂઊં, તેટલાં સાથે મારે લગન કરવાં જોઈએ?
પછી?
પછી હું એને મારવા દોડ્યો. તેણે મારા હાથમાંની રિવોલ્વર ખેંચવાની કોશિશ કીધી. તેમાં અમારી વચ્ચે ઝપાઝપી થઈ. અને એ ઝપાઝપીમાં રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટી ગઈ.
ફરિયાદ પક્ષના વકીલ : એ વખતે તમારા હાથમાં જે રિવોલ્વર હતી તે ઓટોમેટિક હતી?
ના, જી.
તો પછી એ ફૂટી કઈ રીતે?
એ મારા હાથમાં હતી. અને મેં મારી એક આંગળી તેના ટ્રિગર પર રાખી હતી. જ્યારે સેલ્ફ ડિફેન્સ માટે રિવોલ્વર વાપરવાની હોય ત્યારે આમ કરવાનું અમને શીખવવામાં આવે છે. ઝપાઝપીને કારણે મારી આંગળી ટ્રિગર પર દબાઈ હશે અને મારી રિવોલ્વરમાંથી ગોળીઓ અકસ્માત છૂટી હશે. જ્યારે આહુજા ફર્શ પર ઢળી પડ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે કશુંક ન બનવાનું બની ગયું છે. ત્યારે મને પહેલો વિચાર આવ્યો તે પોલિસ પાસે જઈને સરન્ડર કરવાનો. એ વખતે હું એટલો તો બેબાકળો હતો કે મિસ આહુજા સાથે, કે એ ઘરના નોકર સાથે કે સોસાયટીના વોચમેન સાથે મારે કંઈ વાતચીત થઈ હોય તો તે મને યાદ નથી.
તમે પ્રેમ આહુજાના બેડ રૂમ કે બાથ રૂમમાં કેટલા વખત માટે હતા?
ચોક્કસ કહેવું તો મુશ્કેલ છે, પણ વધુમાં વધુ એક મિનિટ માટે. મને જોતાં વેત મરનારે મારું કાંડું પકડી લીધું હતું જે છોડાવવા માટે હું સતત કોશિશ કરી રહ્યો હતો. એ ખેંચતાણમાં રિવોલ્વરનો ટ્રિગર દબાઈ ગયો હશે.
નાની જગ્યામાં તમારા બંને વચ્ચે ઝપાઝપી થઈ. ખેંચતાણને કારણે અકસ્માત રિવોલ્વરનો ટ્રિગર દબાઈ ગયો, એમ તમે કહો છો. છતાં તમારાં કપડાં પર લોહીનો એક પણ ડાઘ ન હોય એવું કઈ રીતે બને?
એવું ન જ બની શકે એવું તો નથી ને? અને લાગતાવળગતા પોલીસની જુબાનીમાં પણ કહેવાયું છે કે મેં જ્યારે ડેપ્યુટી કમિશનર લોબો પાસે જઈને સરન્ડર કર્યું ત્યારે કોઈએ બી મારાં કપડાં પર લોહીનો એક બી ડાઘ જોયો નહોતો.
જેઠમલાની : અત્યારે તમે ઇન્ડિયન નેવીની નોકરીમાં છો?
નાણાવટી : નોકરીમાં છું, પણ આ બનાવ બન્યા પછી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
છતાં તમે અદાલતમાં આવો છો ત્યારે નેવીનો યુનિફોર્મ કેમ પહેરો છો?
કારણ પ્રોવોસ્ટ માર્શલ તરફથી મને એવો આદેશ આપવામાં આવ્યો છે.
વારુ. પણ તમે જે વિગતો જણાવી તે ઉપરથી તો એવું જણાય છે કે પ્રેમ આહુજાને મારી નાખવાના ઈરાદા સાથે જ તમે તેને ત્યાં ગયા હતા. અને ધારેલું કામ પાર પડ્યું એટલે તરત ત્યાંથી નીકળી ગયા હતા.
આ તદ્દન ગેરવ્યાજબી અને વાહિયાત એલગેશન છે. તદ્દન ખોટી વાત છે. હકીકતમાં હું ડેપ્યુટી કમિશનર લોબો પાસે સરન્ડર કરવા ગયો ત્યાં સુધી મને ખબર નહોતી કે આહુજા મરાયો છે. ગામદેવી પોલિસ સ્ટેશને ડેપ્યુટી પોલિસ કમિશનર લોબોને ફોનથી ખબર આપેલા. અને જ્યારે લોબોએ મને કહ્યું ત્યારે જ મને ખબર પડી કે આહુજાનું મોત નિપજ્યું છે. મને ખબર હતી કે મારી રિવોલ્વરમાંથી અકસ્માત ગોળીઓ છૂટી હતી અને તેનાથી પ્રેમ આહુજા ઘવાયો હતો. અને એ માટે સરન્ડર કરવા જ હું ડેપ્યુટી પોલિસ કમિશનર પાસે ગયો હતો.
જજ મહેતા : મરનાર આહુજાએ તમારા પર કોઈ જાતનો હુમલો કર્યો હતો?
મને ખાતરીપૂર્વક યાદ નથી, પણ તેણે મારા હાથમાંથી રિવોલ્વર પડાવી લેવાની કોશિશ તો જરૂર કરી હતી.
જજ મહેતા : હવે બીજું કોઈ કમાન્ડર નાણાવટીને કશું પૂછવા માંગે છે? જવાબ ‘ના’માં મળતાં કમાન્ડર નાણાવટીની જુબાની પૂરી થઈ હોવાનું જજસાહેબે જાહેર કર્યું. અદાલતનું કામકાજ પૂરું થયા પછી કોર્ટના રજિસ્ટ્રારે આ કેસ સાથે સંકળાયેલા બધા વકીલોને પોતાની ઓફિસમાં બોલાવીને તેમની સાથે કેટલીક ચર્ચા કરી.
*
ટાઈગર ગેટ, બેલાર્ડ પીઅર
બીજે દિવસે સવારથી માત્ર કોર્ટના મકાનમાં જ નહિ, તેની આસપાસના વિસ્તારમાં, રસ્તાઓ પર સરકારી વાહનોની આવ-જા ઘણી વધી ગઈ હતી. રસ્તા પર થોડે થોડે અંતરે

માનક ચિહ્ન
મુંબઈ પોલિસ ઉપરાંત નેવલ પોલિસના જવાનો ઊભા હતા. કોર્ટના મકાનની બહાર તો ઇન્ડિયન નેવીના હથિયારબંધ રક્ષકો ઊભા હતા. બેલાર્ડ પિયરના ટાઈગર ગેટ નજીક આવેલા વેસ્ટર્ન નેવલ કમાન્ડની ઓફિસ પણ સવારથી ધમધમી રહી હતી. મકાનની બહાર અને રસ્તા પર નેવલ પોલિસના સશસ્ત્ર જવાનો ખડે પગે ઊભા હતા. છાપાંના ખબરપત્રીઓ અને ફોટોગ્રાફરો આજે કોર્ટના મકાન ઉપરાંત ટાઈગર ગેટ પાસે પણ સવારથી એકઠા થયા હતા. આ બધું જોઇને લોકોમાં જાતજાતની વાતો વહેતી થઈ હતી, જેમાંની એક્કે સાચી નહોતી. કોઈ કહેતું હતું કે આજે નાણાવટી ખૂન કેસનો ચુકાદો આવવાનો છે એટલે આ બંદોબસ્ત કર્યો છે. કોઈ કહે કે નાણાવટી અને આહુજાને ટેકો આપવા તેમની બે કોમ તરફથી આજે સરઘસો નીકળવાનાં છે એનું આ પરિણામ છે. કોઈએ તો ત્યાં સુધી કલ્પનાના ઘોડા દોડાવ્યા કે આજે ઇન્ડિયન નેવીના જવાનો કોર્ટમાંથી ઉઠાવી જઈને નાણાવટીને છોડાવવાના છે. પણ ખરું કારણ તો બહુ ઓછા જાણતા હતા. અને જે જાણતા હતા એ આ અંગે કશું બોલતા નહોતા.
એ કારણ શું હતું એની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 09 ઓગસ્ટ 2025