યોર ઓનર! આ માણસ વકીલે શીખવેલું પોપટની જેમ બોલે છે
બુલચંદ અને પાર્વતી. એક ગુમનામ દંપતી. મધ્યમ વર્ગનાં એમ કહેવું એ અતિશયોક્તિ કહેવાય. સિંધના શિખરપુર ગામમાં રહે. પણ દીકરો ગજબનો હોશિયાર. સ્કૂલમાં એક-એક વરસે બબ્બે ધોરણ પાસ કરીને તેરમે વરસે તો મેટ્રિક થઈ ગયો! અને સત્તરમે વરસે મુંબઈ યુનિવર્સિટીની એલ.એલબી.ની ડિગ્રી ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે મેળવી. પણ પછી? વકીલાત કરવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૧ વરસની હોવી જોઈએ એવો તે વખતે કોર્ટમાં નિયમ. બીજો કોઈ છોકરો હોત તો ચાર-પાંચ વરસ બીજી કોઈ નાની-મોટી નોકરી કરીને મન મનાવ્યું હોત અને ગુજરાન ચલાવ્યું હોત. પણ આ છોકરો તો હતો માથા ફરેલો. એટલે અદાલતમાં અરજી કરી, કે આ નિયમ અયોગ્ય અને ભેદભાવભર્યો છે. કોર્ટે વાત સ્વીકારી, અને ૧૭ વરસના એ છોકરાને વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાની અપવાદરૂપે મંજૂરી આપી. એટલે ૧૮ વરસની ઉંમરે બન્યો વકીલ. ૧૯૪૮માં માદરે વતન સિંધ છોડી નિરાશ્રિત તરીકે મુંબઈમાં આવીને વસ્યો.
રામ જેઠમલાણી – પાકટ વયે
ફરી એકડે એકથી વકીલાત શરૂ કરી. ૨૦૧૭ના સપ્ટેમ્બરની નવમી તારીખે તેણે વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું. તે પહેલાં કઈ કેટલાયે ચકચારભર્યા કેસ લડ્યો, મોટા ભાગના જીત્યો. હર્ષદ મહેતા, કેતન પારેખ, લાલ કૃષ્ણ અડવાણી, જેસિકા લાલ, લલિત મોદી, વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારાઓ, હાજી મસ્તાન, આસારામ બાપુ, જયલલિતા, અરવિંદ કેજરીવાલ, જેવી કેટલીયે વ્યક્તિઓના આખા દેશમાં ગાજેલા કેસ લડ્યો. કેસ લડવા માટે આખા દેશમાં સૌથી વધુ ફી લેવા માટે નામચીન બન્યો. આ અંગે ટીકા થતી ત્યારે એ બેધડક કહેતો : ‘હું ક્યા બળજબરીથી પૈસા પડાવું છું? અસીલ રાજીખુશીથી આપે છે, અને હું લઉં છું.’ પછી રાજકારણમાં પડ્યો. દિલ્હીમાં મિનિસ્ટર બન્યો. માથાભારે વિચારો અને વર્તનને કારણે થોડો વખત કેનેડા જઈને રહેવું પડ્યું. એક રાજકીય પક્ષમાંથી બરતરફ થયો, છ વરસ માટે. જિંદગીનું ૯૬મું વરસ પૂરું થવાને માત્ર છ દિવસની વાર હતી ત્યારે, ૨૦૧૯ના સપ્ટેમ્બરની આઠમી તારીખે સવારે પોણા આઠ વાગ્યે દિલ્હીમાં તેનું અવસાન થયું. આ વિલક્ષણ અને વિચક્ષણ વકીલ તે રામ જેઠમલાણી. મામી આહુજાના મિત્ર હતા એટલે તેમણે રામ જેઠમલાણીને આ કેસ માટે રોકેલા. નાણાવટી ખૂન કેસ તેમનો પહેલો હાઈ-પ્રોફાઈલ કેસ.
યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ અને ધનંજય યશવંત ચંદ્રચૂડ, પિતા–પુત્ર બંને બન્યા હતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા
જેઠમલાણીના બીજા સાથીદાર વકીલ કોણ હતા? યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ. ૧૯૨૦ના જુલાઈની ૧૨મી તારીખે પુણેમાં જન્મ. ત્યાંના નૂતન મરાઠી વિદ્યાલયમાં ભણતર. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ૧૯૪૦માં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે બી.એ. થયા. પૂણેની લો કોલેજમાં ભણીને ૧૯૪૨માં એલ.એલબી. થયા, ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ. યુનિવર્સિટી ઓફ બોમ્બેની ત્રણ ત્રણ સ્કોલરશીપ મેળવી. ૧૯૪૩માં બોમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટીસ શરૂ કરી. ૧૯૬૧માં એ જ કોર્ટના જજ બન્યા. ૧૯૭૨માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ, અને ૧૯૭૮ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે નિમાયા. ૧૯૮૫ના જુલાઈની ૧૧મી તારીખે નિવૃત્ત. સાત વરસ અને ચાર મહિના સુધી ચીફ જસ્ટિસના હોદ્દા પર રહીને તેઓ સૌથી વધુ લાંબી મુદ્દત માટે એ પદ પર રહેનારા બન્યા. ૨૦૦૮ના જુલાઈની ૧૪મી તારીખે મુંબઈમાં તેમનું અવસાન થયું. વખત જતાં તેમના દીકરા ધનંજય ચંદ્રચૂડ પણ ૨૦૨૨માં ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બન્યા. નાણાવટી ખૂન કેસના બે મહત્ત્વના વકીલોના પરિચય પછી પાછા ફરીએ મિસિસ યાજ્ઞિકની જુબાનીના દિવસે.
૧૯૫૦ની આસપાસનો બોમ્બે હાઈ કોર્ટનો એક કોર્ટ રૂમ
ખંડાલાવાલા : મિસિસ યાજ્ઞિક, તમે આરોપી કમાન્ડર નાણાવટી અને તેમનાં પત્નીને કેટલા વખતથી ઓળખો છો?
મિસિસ યાજ્ઞિક : હું તેમને પહેલી વાર મળી કોચિનમાં, વરસ હતું ૧૯૫૪. એ વખતે મારા પતિનું પોસ્ટિંગ કોચિનમાં હતું. કમાન્ડર નાણાવટીને પણ કોચિનમાં પોસ્ટિંગ મળ્યું. પણ તેમને ઘર ફાળવવામાં આવ્યું નહોતું. એટલે કેટલોક વખત તેઓ અને મિસિસ નાણાવટી અમારે ઘરે રહ્યાં હતાં.
ખંડાલાવાલા : અને મરનાર પ્રેમ આહુજા અને તેમની બહેન મામી આહુજાને તમે ક્યારથી ઓળખો છો?
મિસિસ યાજ્ઞિક : ૧૯૪૭થી. હું અને મારા પતિ લેફ્ટનન્ટ કમાન્ડર યાજ્ઞિક મુંબઈ આવ્યાં. કારણ મારા પતિની બદલી મુંબઈ થઈ હતી. પછી ઓગસ્ટ ૧૯૫૫માં તેમની બદલી વિઝાગ (હાલનું નામ વિશાખાપટ્ટનમ્) થઈ. પણ હું ત્રણ મહિના પછી ત્યાં ગઈ. ઓગસ્ટની ૨૦મીથી ઓક્ટોબરની ૩૦મી સુધી હું મિસિસ નાણાવટી સાથે રહી. એ વખતે મામી આહુજા ઘણી વાર મને મળવા આવતાં અને હું અને સિલ્વિયા પણ તેમને ઘરે મળવા જતાં. ઘણી વાર સિલ્વિયાનાં બાળકો પણ સાથે આવતાં. આ રીતે હું તેમને ત્યાં છ-સાત વખત ગઈ હોઈશ. વિઝાગ ગયા પછી હું મુંબઈ આવી નથી. આજે આ જુબાની આપવા માટે જ આવી છું.
ખંડાલાવાલા : નાણાવટી કુટુંબ અને આહુજા કુટુંબનો પરિચય તમે કરાવી આપ્યો હતો?
મિસિસ યાજ્ઞિક : હા, જી. ૧૯૫૬માં મેં આ બંને કુટુંબોનો પરિચય એક-બીજા સાથે કરાવ્યો હતો. તે પહેલાંથી તેઓ એકબીજાને ઓળખતાં હતાં કે નહિ, એની મને ખબર નથી. સિલ્વિયા અને પ્રેમ આહુજા વચ્ચેના પ્રેમ-સંબંધ વિષે હું કશું જ જાણતી નથી.
ખંડાલાવાલા : મારે આ સાક્ષીને વધુ કશું પૂછવાનું નથી. મારા મિત્ર વકીલ ઊલટ તપાસ કરી શકે છે.
રામ જેઠમલાણી : મારે આ સાક્ષીને કશું પૂછવાની જરૂર જણાતી નથી.
એટલે અદાલતે લેફ્ટનન્ટ કમાન્ડર પ્રવીણ સી. યાજ્ઞિકને જુબાને માટે બોલાવ્યા.
ખંડાલાવાલા : લેફ્ટનન્ટ કમાન્ડર યાજ્ઞિક, આહુજા કુટુંબને કેટલાં વરસથી ઓળખો છો?
યાજ્ઞિક : પચીસ વરસથી.
ખંડાલાવાલા : અને આરોપીને?
યાજ્ઞિક : ૧૯૪૧થી. ૧૯૫૪માં તે અને તેમનાં પત્ની કોચિનમાં અમારી સાથે રહ્યાં હતાં. પણ હું ક્યારે ય તેમને ઘરે રહ્યો નથી. પણ ૧૯૫૮માં મારી બદલી વિઝાગ થઈ ત્યારે મારાં પત્નીએ પોતાને માટે રહેવાની વ્યવસ્થા નાણાવટી કુટુંબ સાથે કરી હતી.
ખંડાલાવાલા : મિસિસ નાણાવટી અને પ્રેમ આહુજા વચ્ચેના પ્રેમસંબંધ અંગે તમે શું જાણતા હતા?
યાજ્ઞિક : કશું જ નહિ. મારી નોકરીના ભાગ તરીકે મારે ઘણી વાર થોડા થોડા દિવસ માટે મુંબઈ આવવાનું થતું. ત્યારે હું પ્રેમ આહુજાને ઘરે ઉતરતો.
ખંડાલાવાલા : આ રીતે તમે છેલ્લે તેમને ત્યાં ક્યારે રહ્યા હતા?
યાજ્ઞિક : છેલ્લે મેં પ્રેમ આહુજાને કાગળ લખ્યો હતો કે મારી ફરજના ભાગ રૂપે સત્તાવાર કામ માટે એપ્રિલની ૨૭મી તારીખે હું મુંબઈ આવવાનો છું. કામ પૂરું થાય એટલે દસ દિવસની રજા લઈને હું મારા બાપુજીને મળવા સૌરાષ્ટ્ર જવા ધારું છું. મેં લખ્યા પ્રમાણે એપ્રિલની ૨૭મી તારીખે સાંજના સાત વાગ્યાના સુમારે હું પ્રેમ આહુજાને ઘરે પહોંચ્યો હતો. હું તેમના ફ્લેટમાં ગયો ત્યારે ત્યાં ઘણા બધા પોલિસ ઓફિસર હાજર હતા. તેમણે મને કહ્યું કે પ્રેમ આહુજાનું મોત નિપજ્યું છે.
ખંડાલાવાલા : નામદાર, આ સાક્ષીને મારે વધુ કાંઈ પૂછવાનું નથી. મારા મિત્ર તેમની ઊલટતપાસ કરી શકે છે.
રામ જેઠમલાનણી : મારે કશું પૂછવાની જરૂર જણાતી નથી.
એટલે મરનાર પ્રેમ આહુજાના નોકર રાપાની જુબાની શરૂ કરવામાં આવી. તેણે અદાલતને જણાવ્યું કે બનાવના દિવસે સવારે સાડા નવ વાગ્યે મારા શેઠ – પ્રેમ આહુજા – ઓફિસ જવા નીકળ્યા હતા. બપોરે પોણા બે વાગે તેઓ લંચ માટે ઘરે આવ્યા હતા. શેઠનાં બહેન, મામી મેડમ પણ સવારથી બહાર ગયાં હતાં. શેઠ આવ્યા પછી પાંચેક મિનિટે મેડમ પણ બહારથી આવ્યાં. બંને સાથે જમવા બેઠાં. જમી લીધા પછી બંને પોતપોતાના બેડરૂમમાં આરામ કરવા ગયાં. બેડરૂમમાં જતાં પહેલાં શેઠે મને કહેલું કે સવા ચાર વાગ્યે મને જગાડજે અને હું ઊઠું ત્યારે ચા તૈયાર રાખજે. મેં એ પ્રમાણે તેમને જગાડીને ચા આપી. પછી હું રસોડામાં ગયો. થોડી વાર પછી ખાલી કપ લેવા તેમના બેડરૂમમાં ગયો. તે વખતે મેં ટેલિફોન બેડરૂમમાંથી કાઢીને ડ્રોઈંગ રૂમમાં લગાડ્યો. એ વખતે શેઠ બાથરૂમમાં નહાઈ રહ્યા હતા. પછી હું મેડમ મામી માટે ચા બનાવવા લાગ્યો. એવામાં ડોર બેલ વાગી, એટલે હું બારણું ખોલવા ગયો. એ વખતે લગભગ ૪:૨૦ થઈ હશે. મેં બારણું ખોલ્યું ત્યારે બહાર આરોપી ઊભો હતો. તે અગાઉ પણ અમારે ઘરે આવતો હતો. તેના હાથમાં પીળા રંગનું એક મોટું કવર હતું.
રામ જેઠમલાણી : એ કવરમાં શું હતું?
નોકર : કાળા રંગની રિવોલ્વર.
ખંડાલાવાલા : કવરમાં શું હતું તેની તમને કઈ રીતે ખબર પડી? કમાન્ડર નાણાવટીએ કવરમાંથી કાઢીને તમને બતાવેલી, કે તમે પોતે કાઢીને જોયેલી? (કોર્ટમાં હસાહસ)
જજ મહેતા : ઓર્ડર, ઓર્ડર!
નોકર : ના, જી. મેં જોઈ નહોતી કે ન તો તેમણે મને બતાવી હતી. પણ પછી જે કાંઈ બન્યું તેને આધારે મેં આવું અનુમાન કર્યું હતું.
ખંડાલાવાલા : યોર ઓનર! ભલે આ સાક્ષી કહે કે તેણે આવું અનુમાન કર્યું હતું. પણ હકીકત એ છે કે શું બોલવું અને શું નહિ, એ તેને બચાવપક્ષના વકીલ દ્વારા શીખવવામાં આવ્યું છે. અને પોપટની જેમ આ માણસ એ પ્રમાણે બોલે છે.
જજ મહેતા : અદાલત તમારી રજૂઆતની નોંધ રેકર્ડ પર લે છે.
ખંડાલાવાલા : થેંક યુ માય લોર્ડ!
નોકર : પછી આરોપીએ મને પૂછ્યું કે તારા શેઠ ઘરમાં છે? મેં ‘હા’ પાડી એટલે તે શેઠના બેડરૂમમાં ગયો અને પાછળ બારણું બંધ કર્યું. એ વખતે મેડમ આહુજા તેમના બેડરૂમમાં હતાં. હું ડાઈનિંગ ટેબલ પાસે ઊભો હતો. એ વખતે મેં ત્રણ મોટા અવાજ સાંભળ્યા. એ અવાજ શેઠના બેડરૂમમાંથી આવ્યા હતા. તેમાંના પહેલા બે અવાજ ‘ટેપ’ ‘ટેપ’ જેવા હતા. ત્રીજો અવાજ કાચ તૂટવાનો હતો. આરોપી શેઠના બેડરૂમમાં ગયો તે પછી લગભગ તરત જ આ અવાજો આવ્યા હતા. અવાજો સાંભળીને મેડમ આહુજા તેમના બેડરૂમમાંથી આવ્યાં અને મને પૂછ્યું : ‘શું થયું? આ અવાજ શેના?’ અને અમે બંને તરત શેઠના બેડરૂમમાં ગયાં.
ત્યારે તમે શું જોયું?
મારા શેઠ લોહીલુહાણ હાલતમાં બાથરૂમની ફર્શ પર પડ્યા હતા. આરોપી થોડે દૂર ઊભો હતો અને તેના હાથમાં રિવોલ્વર હતી. તેણે મને કહ્યું : ખબરદાર છે, એક ડગલું પણ આગળ વધ્યો તો તારો જાન જશે. છતાં હું બારણું રોકીને ઊભો રહ્યો. પણ આરોપીએ મને જોરથી ધક્કો માર્યો અને બહાર નીકળી ગયો. મેડમ આહુજાએ પણ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. પણ તેમને ય ધક્કો મારીને આરોપી ઘરની બહાર નીકળી ગયો. હું તેની પાછળ પાછળ દોડ્યો. મેં બૂમ પાડીને વોચમેનને કહ્યું કે આ માણસને રોક. તેણે મારા શેઠનું ખૂન કર્યું છે. પણ ત્યાં સુધીમાં આરોપી તેની મોટરમાં બેસી ગયો હતો. છતાં વોચમેને અને મેં તેની મોટર રોકી. વોચમેને કહ્યું કે હું તને ભાગવા નહિ દઉં. હમણાં પોલીસને બોલાવું છું. ત્યારે આરોપી બોલ્યો કે હું જ પોલિસ સ્ટેશને જઈને સરન્ડર કરું છું.
બરાબર એ જ વખતે અદાલતનો સમય પૂરો થયો.
નોકરની જુબાની અંગેની વધુ વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 19 જુલાઈ 2025