મિસ આહુજા, તમે રિવોલ્વર ફૂટવાનો અવાજ સાંભળ્યાની વાત ઉપજાવી કાઢી છે!
પછીના દિવસે અદાલત ફરી મળી, ત્યારે બચાવ પક્ષના વકીલ ખંડાલાવાલાએ નામદાર જજસાહેબને વિનંતી કરી કે મામી આહુજાને વધુ ઊલટતપાસ માટે ફરીથી બોલાવવામાં આવે. ફરિયાદ પક્ષના વકીલના વિરોધને અદાલતે સ્વીકાર્યો નહિ, અને મામી આહુજા ફરીથી જુબાની આપવા ઊભાં રહ્યાં. ખંડાલાવાલાના હાથમાં કાગળોની એક થોકડી હતી. એ બતાવીને તેમણે મામી આહુજાને પૂછ્યું: શું તમને ખબર છે કે ૧૯૫૮-૫૯ દરમ્યાન તમારા ભાઈને ઓછામાં ઓછી ત્રણ પરણેલી સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ હતો? અને તેમણે એ ત્રણ સ્ત્રીઓને લખેલા આ કાગળો તેનો પુરાવો છે.
બચાવપક્ષના વકીલે આ અંગે વાંધો લેતાં કહ્યું કે આ કહેવાતા પુરાવાને અને બીજી સ્ત્રીઓ સાથેના સંબંધની વાતને પ્રેમ આહુજાના ખૂન સાથે શી લેવાદેવા છે એ મને સમજાતું નથી. અને એટલે આ પુરાવા રેકર્ડ પર ન લેવા આપને વિનંતી કરું છું, માય લોર્ડ.
ખંડાલાવાલા : લેવાદેવા છે, મારા મિત્ર, ઘણી લેવાદેવા છે. આ પત્રો સાબિત કરી આપે છે કે મરનાર પ્રેમ આહુજા શિથિલ ચારિત્ર્યનો પુરુષ હતો અને પોતાના હવસને સંતોષવા માટે તે જુદી જુદી સ્ત્રીઓને પોતાની જાળમાં ફસાવતો હતો.
જજ મહેતા : ઓબ્જેક્શન ઓવર રુલ્ડ. મિસ્ટર ખંડાલાવાલા, યુ મે પ્રોસીડ ફર્ધર.
મિસ મામી આહુજા
ખંડાલાવાલા : થેન્ક યુ માય ઓનર. હાં, તો મિસ આહુજા! તમને એ વાતની તો ખબર હશે જ કે મરનાર પ્રેમ આહુજા અવારનવાર યુવાન સ્ત્રીઓને દારુની મિજબાની માટે ઘરે બોલાવતો હતો. અને આવી મિજબાનીઓ મોડી રાત સુધી ચાલતી હતી.
મિસ આહુજા : આ અંગે મને કશી ખબર નથી.
ખંડાલાલાવાલા : તમે અને મરનાર આહુજા એક જ ફ્લેટમાં રહેતાં હતાં અને છતાં તમે કહો છો કે તમને આ વાતની ખબર નથી?
મિસ આહુજા : હું તેની અંગત વાતોમાં માથું મારતી નહોતી.
ખંડાલાવાલા : (હાથે લખેલા કાગળોનું એક બંડલ બતાવીને) જુદી જુદી સ્ત્રીઓને મરનાર પ્રેમ આહુજાએ લખેલા પ્રેમપત્રોનું એક બંડલ તેમના બેડરૂમના પંચનામા વખતે મળી આવ્યું હતું એ હકીકત તો તમે જાણતા જ હશો.
મિસ આહુજા : ના જી. મને એ અંગે કશી ખબર નથી.
ખંડાલાવાલા : પ્રમિલા, લીઝ, જેન, બેટી, આશા, — આમાંથી કેટલાં નામથી તમે પરિચિત છો?
મિસ આહુજા : એક્કે નહિ. હું તેમને વિષે કશું જ જાણતી નથી.
ખંડાલાવાલા : તો હું તમને જણાવું. આ બધી સ્ત્રીઓ મરનાર પ્રેમ આહુજાની ‘પ્રેમિકાઓ’ હતી જેને લખેલા પ્રેમપત્રોનું બંડલ તેમના બેડરૂમમાંથી મળી આવ્યું હતું. અને પ્રમિલા ઉર્ફે ‘પામ’ સાથે તો મરનાર આહુજાએ લગ્ન સુધ્ધાં કર્યાં હતાં.
મિસ આહુજા : મારા ભાઈના લગ્નની વાત ખોટી છે. પામ ઉર્ફે પ્રમિલા અને તેનો પતિ અમારા મિત્રો હતાં અને બન્ને ઘણી વાર અમારે ઘરે આવતાં.
ખંડાલાવાલા : તમારા ભાઈ પાસે કયા પ્રકારના અને કેટલા દારૂની પરમિટ હતી એની તો તમને ખબર હશે જ.
(પ્રિય વાચક: અહીં થોડો ખુલાસો જરૂરી છે. આઝાદી પછી ૧૯૪૯માં તે વખતના મુંબઈ રાજ્યમાં ‘બોમ્બે પ્રોહિબિશન એક્ટ ૧૯૪૯’ દ્વારા દારૂબંધી લાગુ કરવામાં આવી. શરૂઆતમાં તો સંપૂર્ણ દારૂબંધી હતી. પણ પછી ધીમે ધીમે બહુ મર્યાદિત પ્રમાણમાં દારુ માટેની પરમિટ આપવાનું શરૂ થયું. આવી પરમિટને આધારે કયા પ્રકારનો દારુ કેટલા પ્રમાણમાં ખરીદી શકાય એ પણ નક્કી હતું. પરમિટ વગર કોઈ પણ પ્રકારનો દારુ વેચવો, ખરીદવો, સંઘરવો, પીવો કે પીવડાવવો, એ સજાને પાત્ર ગુનો બનતો. ૧૯૬૩ પછી મહારાષ્ટ્ર રાજ્યમાં દારૂબંધી ધીમે ધીમે હળવી થતી ગઈ. જ્યારે મુંબઈ રાજ્યનું બીજું વારસદાર રાજ્ય, ગુજરાત, હજી ચુસ્તપણે કાનૂની દારૂબંધીને વળગી રહ્યું છે. એટલે કે આ ખટલો ચાલ્યો તે વખતે મુંબઈમાં દારૂબંધી હતી.)
મિસ અહુજા : ના જી. મને ખબર નથી.
ખંડાલાવાલા : તો હું તમને કહું. પ્રેમ આહુજા પાસે જે પરમિટ હતી તે ફક્ત સાડા છ આઉંસ બ્રાન્ડીની હતી. બીજા કોઈ પણ દારૂની નહોતી. અને તમારા ભાઈના મોત પછી જ્યારે તેમના બેડરૂમની તલાશી લેવામાં આવી ત્યારે એ રૂમમાંથી જુદા જુદા પ્રકારના દારૂની ૨૧ જેટલી બાટલીઓ મળી આવી હતી.
મિસ આહુજા : બાટલીઓ મળી આવી હતી એની મને ખબર છે, પણ કેટલી અને કયા પ્રકારના દારૂની, એ હું જાણતી નથી.
ખંડાલાવાલા : મરનાર પ્રેમ આહુજા પાસે દારૂની જે પરમિટ હતી તે તમે જોઈ તો હશે જ.
મિસ આહુજા : મારા ભાઈએ મને કહેલું ખરું કે તેની પાસે દારૂની પરમિટ છે. પણ મેં પોતે એ જોઈ નહોતી.
ખંડાલાવાલાએ પ્રેમ આહુજાના નામની દારૂની પરમિટ બતાવીને પૂછ્યું : આ પરમિટ પર તમારા ભાઈ અને મરનાર પ્રેમ આહુજાની સહી છે તે તો તમે ઓળખી શકશો ને?
મિસ આહુજા : હા, જી. આ સહી મારા ભાઈની જ છે.
આ તબક્કે ખંડાલાવાલાને રોકતાં જજ મહેતાએ પૂછ્યું : આ બધી બાબતો અને વિગતોની અહીં ચર્ચા કરવાનું જરૂરી છે ખરું?
ખંડાલાવાલા : હા, નામદાર. મરનાર પ્રેમ આહુજા એક બદચલન, કાયદા કાનૂનનો ભંગ કરનાર, અને શિથિલ ચારિત્ર્યનો પુરુષ હતો એ વાત પુરવાર કરવા માટે આમ કરવું જરૂરી છે.
જજ મહેતા : યુ મે પ્રોસીડ ફર્ધર, મિસ્ટર ખંડાલાવાલા.
ખંડાલાવાલા : થેન્ક યુ, માય ઓનર. હા, તો તમારા ભાઈને મળવા મિસિસ સિલ્વિયા નાણાવટી અવારનવાર તમારે ઘરે આવતાં એ વાત સાચી છે?
મામી આહુજા : મારા ભાઈને મળવા તેઓ ક્યારેક અમારે ઘરે આવતાં એમ કહેવું વધારે સાચું ગણાશે.
ખંડાલાવાલા : પણ તમે પોલીસને આપેલા નિવેદનમાં તો એમ કહ્યું હતું કે મિસિસ નાણાવટી તમારા ભાઈને મળવા અવારનવાર તમારા ઘરે આવતાં.
મામી આહુજા : ‘અવારનવાર’ શબ્દનો અર્થ મારા મનમાં ‘ક્યારેક’ એવો હતો.
ખંડાલાવાલા : હકીકત તો એ છે કે તમને મળવાને બહાને સિલ્વિયા નાણાવટી મિસ્ટર આહુજાને મળવા આવતા હતા.
મામી આહુજા : આ વાત સાચી નથી.
વધુ ઊલટતપાસમાં મામી આહુજાએ કહ્યું : જાન્યુઆરીમાં હું દિલ્હી ગઈ હતી. ત્યારે પ્રેમ પણ દિલ્હીમાં હતો અને અશોક હોટેલમાં રહેતો હતો. એ વખતે સિલ્વિયા નાણાવટી પ્રેમને મળવા રોજ હોટેલ પર જતી હતી કે નહિ એની મને ખબર નથી. હકીકતમાં કોફી હાઉસમાં હું સિલ્વિયાને અચાનક મળી ત્યાં સુધી મને તો ખબર પણ નહોતી કે તે દિલ્હીમાં છે. મોટર દ્વારા મુંબઈ જવા ૨૫ કે ૨૬ જાન્યુઆરીએ મેં પ્રેમને સમજાવ્યો. ૨૭મી તારીખે મેં સિલ્વિયાને કહ્યું કે તું પણ અમારી સાથે મુંબઈ ચાલ. એ વખતે મને ખબર નહોતી કે પ્રેમે આ અંગે મારા પહેલાં જ તેને નોતરું આપી દીધું છે.
નવપરિણીત કાવસ અને સિલ્વિયા
ખંડાલાવાલા : તમે સિલ્વિયાને નોતરું આપ્યું તે વખતે તેની અને તમારા ભાઈ વચ્ચેના પ્રેમ-પ્રકરણની તમને ખબર હતી?
મામી આહુજા : જો મને ખબર હોત તો મેં તેને નોતરું આપ્યું જ ન હોત.
ખંડાલાવાલા : તો તમને ક્યારે ખબર પડી?
મામી આહુજા : ૨૯મીની સવારે આગરાની હોટેલમાં નાસ્તો કરતી વખતે પ્રેમે પહેલી વાર એ વિષે કહ્યું.
ખંડાલાવાલા : એ વખતે બીજું કોઈ હાજર હતું?
મામી આહુજા : ના, જી.
ખંડાલાવાલા : પછી આ અંગે તમે સિલ્વિયા નાણાવટી સાથે વાત કરેલી?
મામી આહુજા : ના, જી. મુંબઈ આવ્યા પછી પણ નહિ.
ખંડાલાવાલા : કેમ? સિલ્વિયા સાથે વાત કરવાની તમારા ભાઈએ તમને ના પાડી હતી?
મામી આહુજા : ના, જી. એવું કશું જ તેણે મને કહ્યું નહોતું. પણ મને લાગતું હતું કે પ્રેમ અને સિલ્વિયા લગ્ન કરે તે યોગ્ય નથી.
ખંડાલાવાલા : તો તમે એ અંગે તમારા ભાઈ સાથે વાત જ ન કરી એનું કારણ શું?
મામી આહુજા : બંને ઉમરલાયક હતાં. સાચું-ખોટું શું એ સમજી શકે તેવાં હતાં. એટલે તેમની વાતમાં હું કઈ રીતે વચ્ચે પડી શકું?
ખંડાલાવાલા : શું એ સાચું નથી કે તમે પણ એ બેનાં લગ્નની તરફેણમાં હતાં?
મામી આહુજા : ના, જી. બિલકુલ નહિ.
ખંડાલાવાલા : બનાવને દિવસે તમે તમારા બેડરૂમમાં સૂઈ ગયાં હતાં?
મામી આહુજા : ના, જી. હું પલંગમાં આડી પડી હતી.
ખંડાલાવાલા : પણ પોલીસને આપેલા નિવેદનમાં તો તમે કહ્યું છે કે ‘હું સૂતેલી હતી.’
મામી આહુજા : એનો અર્થ હું સૂઈ ગઈ હતી એવો નથી, પણ હું પલંગમાં આડી પડી હતી, એવો થાય છે.
ખંડાલાવાલા : અચ્છા. તો તમે પલંગમાંથી ઊઠવાની તૈયારીમાં હતાં ત્યારે તમે શું સાંભળ્યું હતું? મામી આહુજા : બારીનો કાચ તૂટવાનો અવાજ અને એક ચીસ.
ખંડાલાવાલા : ઉપરાંત બીજું કાંઈ?
મામી આહુજા : હા. ઝપાઝપીનો અવાજ.
ખંડાલાવાલા : પોલીસને આપેલા નિવેદનમાં તમે ઝપાઝપીના અવાજનો ઉલ્લેખ નહોતો કર્યો.
મામી આહુજા : કારણ ત્યારે હજી હું આઘાતમાંથી પૂરેપૂરી બહાર આવી નહોતી.
ખંડાલાવાલા : રિવોલ્વર ફૂટવાનો અવાજ સાંભળવા અંગે પણ તમે પોલીસને કશું કહ્યું નહોતું. મામી આહુજા : કારણ એવો અવાજ મેં કોઈ દિવસ સાંભળ્યો નથી એટલે એ કેવો હોય તેની મને ખબર નથી.
ખંડાલાવાલા : તમે તમારા ભાઈના બેડરૂમમાં પહોચ્યાં ત્યારે સૌથી પહેલાં શું જોયું?
મામી આહુજા : નાણાવટી બારણા પાસે ઊભો હતો, અને લાગતું હતું કે એ બેડરૂમમાંથી બહાર નીકળી રહ્યો છે. તેના હાથમાં રિવોલ્વર હતી.
ખંડાલાવાલા : એટલે કે તમે નાણાવટીને રિવોલ્વરમાંથી ગોળીબાર કરતાં જોયા નહોતા. માત્ર તેમના હાથમાં રિવોલ્વર હતી એટલું જ જોયું હતું. બરાબર?
મામી અહુજા : ના, જી. મેં પોલીસને નિવેદન નોંધાવ્યું ત્યારે ડોકટરે મને ઘેનનું ઇન્જક્ષન આપ્યું હતું એટલે હું થોડી તંદ્રાવસ્થામાં હતી. એટલે હું બધું ન કહી શકી હોઉં એવું બને.
ખંડાલાવાલા : શું એ વાત સાચી નથી કે તમને અનિદ્રાનો પ્રોબ્લેમ હોવાથી તમે અવારનવાર સ્લીપિંગ પિલ્સ લો છો.
મામી આહુજા : અવારનવાર નહિ, પણ ક્યારેક મારે તેવી દવા લેવી પડે છે.
ખંડાલાવાલા : એટલે કે તમે આવી દવા લેવાથી ટેવાયેલાં છો. અને જો એમ હોય તો પોલીસમાં નિવેદન નોંધાવતાં પહેલાં તમે એવી દવા લીધી હોય તો એની એટલી અસર તો ન થાય કે ખરેખર શું બન્યું હતું એ અંગે તમારા મનમાં અસ્પષ્ટતા ઊભી થાય. એટલે એમ માનવને પૂરતું કારણ છે કે તમે રિવોલ્વર ફૂટવાનો અવાજ સાંભળ્યાની વાત પાછળથી ઉપજાવી કાઢી છે.
રામ જેઠમલાની યુવાન વયે
બચાવ પક્ષના વકીલ : આય ઓબ્જેક્ટ યોર ઓનર. મારા અસીલ પર વિના કારણ ખોટું આળ મૂકાઈ રહ્યું છે.
જજ મહેતા : ઓબ્જેક્શન સસ્ટેન્ડ.
અને એજ વખતે અદાલતનો સમય પૂરો થયો. એટલે નેવીના ઓફિસર યાજ્ઞિકનાં પત્નીની ઊલટતપાસ મુલતવી રાખવામાં આવી.
ચતુર સુજાણ વાચકો મનમાં જરૂર વિચારતા હશે : બચાવ પક્ષના વકીલનું નામ કેમ નથી આપતા,હા, ભાઈ! OK. તેમનું નામ હતું રામ જેઠમલાની. તેમની કારકિર્દીનો આ પહેલ વહેલો ‘હાઈ પ્રોફાઈલ’ કેસ. વધુ વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 જુલાઈ 2025