મુમતાઝ બેગમ : પુરુષો તો ઘણા જોયા, પણ સાચો મરદ તો આ એક જ
બોમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂન કેસની સુનાવણીનો વધુ એક દિવસ
એડવોકેટ જનરલ કાંગા : યોર ઓનર! આપની ઇજાજત હોય તો ગઈ કાલે અધૂરી રહેલી મુમતાઝ બેગમની જુબાની આગળ ચલાવીએ.
જસ્ટિસ એલ.સી. ક્રમ્પ : You may proceed, Mr. Kanga.
એડવોકેટ જનરલ કાંગા : Thank you, your honor!
મુમતાઝ બેગમની જુબાની લેતા એડવોકેટ જનરલ કાંગા ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર
પછી સાક્ષીના પિંજરામાં ઊભેલી મુમતાઝ બેગમ તરફ ફરીને : વિલાયતમાં તમો ક્યાં ક્યાં ફરિયાં, સું સું જોયું, એ જાણવામાં અમુને રસ નથી. પન એ કહો કે ત્યાંથી તમે પાછાં ક્યારે અને કઈ રીતે આવિયાં.
મુમતાઝ બેગમ : અમો પાછા આવવાના હતા ત્યારે પણ મારાં અમ્મા મુંબઈમાં જ હતાં. હું બંદર પર ઉતરું ત્યારે એવન કોઈ ધમાલ ન કરે એ માટે મને વિલાયતથી સિલોન જતી એસ.એસ. કોલંબો નામની સ્ટીમરમાં બેસાડી. કોલંબોથી તુતીકોરીન, ત્યાંથી કલકત્તા, અને ત્યાંથી ઇન્દોર, મને ટ્રેન વાટે લઈ ગયા.
એસ.એસ. કોલંબો (ચિત્ર)
એડવોકેટ જનરલ કાંગા : તમે પાછાં ક્યારે આવિયાં?
મુમતાઝ બેગમ : સાહેબ! તારીખ તો યાદ નથી, પણ ૧૯૨૧ના ડિસેમ્બરમાં. એ પછી થોડા વખતમાં મને હમેલ રહ્યા. મેં મહારાજને આજીજી કરી કે આવે વખતે તો મારી માને બોલાવો. પહેલાં તો મારી વાત કાને ધરી નહિ, પણ પછી અમ્માને ઇન્દોર બોલાવીને મારી સાથે રાખ્યાં. જો કે અમારી આસપાસ ચોવીસ કલાક પહેરો રહેતો, અને અમારી રજેરજ વાત મહારાજને પહોંચતી.
એડવોકેટ જનરલ કાંગા : પછી?
મુમતાઝ બેગમ : મને રાજમહેલના એક અલાયદા ભાગમાં ખસેડી. સાથે ડોક્ટર, બે નર્સ, અને ચોકિયાતો તો ખરા જ. હું છૂટી પડી ત્યારે સૌથી પહેલાં એ ખબર મહારાજને આપવામાં આવ્યા. પછી બે નર્સોએ મને વધામણી આપી અને કહ્યું કે તમારે પેટે દીકરી જન્મી છે. તેનો રડવાનો અવાજ મેં સાંભળ્યો, પણ તેનું મોઢું હજી જોયું નહોતું. ત્યાં જ ડોકટરે આવીને કહ્યું કે અમો દિલગીર છૈયે કે તમારી દીકરી ગુજરી ગઈ છે. મને ખાતરી છે કે મારી બેટી મરી નહોતી ગઈ, પણ મહારાજાના હુકમથી તેને મારી નાખવામાં આવી હતી. અને એ જ ઘડીએ મેં નક્કી કરી લીધું કે હવે વહેલામાં વહેલી તકે ઈન્દોરને અને મહારાજાને ઝાઝેરા જુહાર કરી દેવા છે.
એડવોકેટ જનરલ કાંગા : પછી તુમે ઇન્દોર કઈ રીતે છોડ્યું?
મુમતાઝ બેગમ : મહારાજે મને અને અમ્માને મસૂરી જવા ફરમાન કર્યું. ચોકિયાતો સાથે અમે ઇન્દોરથી મસૂરી જતી ટ્રેનમાં બેઠા. પણ દિલ્હી સ્ટેશને ઊતરી ગયાં અને ચોકિયાતોને સાફ કહી દીધું કે અમે મસૂરી જવા રાજી નથી. તેમણે ઘણી ધાક ધમકી આપી, પણ અમે બ્રિટિશ હિન્દુસ્તાનમાં હતા એટલે તેઓ કોઈ જાતની બળજબરી કરી શકયા નહિ. હું અને અમ્માજાન દિલ્હીથી નાગપુર થઈને જૂનની ૧૮મી તારીખે મુંબઈ આવીને વરસોવામાં એક બંગલો ભાડે રાખીને ત્યાં રહ્યાં.
એડવોકેટ જનરલ કાંગા : ત્યાં તમો કેટલો ટાઈમ રહ્યાં?
મુમતાઝ બેગમ : અમે મુંબઈ પહોચ્યાં તે પછી અમ્મા પોલીસ સુપરિનટેન્ડન્ટ ફુલરને મળવા ગઈ અને પોલીસ રક્ષણ માગ્યું. સાહેબે કહ્યું કે તમે જ્યાં રહ્યાં છો એ જગ્યા સલામત નથી. ત્યાં ચાર બંગલા સિવાય બીજી વસતી નથી. ઇન્દોરના રાજાના માણસો ત્યાં તમુને સહેલાઈથી ઓળખી જશે અને મુમતાઝ બેગમને ઉઠાવી જશે. વરસોવા મુંબઈ પોલીસની હદની બહાર છે એટલે અમે તમારી મદદે બી આવી નહિ શકીએ. (એ વખતે મુંબઈ શહેરની હદ વાંદરા સુધી જ હતી.)
એડવોકેટ જનરલ કાંગા : પછી? ફુલરસાહેબની વાત તમે માની?
મુમતાઝ બેગમ : હા, જી. અમે મદનપુરાના હકીમ બિલ્ડિંગમાં રહેવા ગયાં. પણ ત્યાં ય મહારાજાના માણસો અમારી પાછળ પડી ગયા. તેમણે મને ઉપાડી જવાનું કાવતરું ઘડ્યું હતું. અમ્માજાને પોલીસ કમિશનર સાહેબને મળીને વિનંતી કરી કે અમારી મદદ કરવાનું કામ ફુલરસાહેબને સોંપો. પણ સાહેબે કહ્યું કે તમે જ્યાં રહો છો તે મદનપુરા ફુલરસાહેબના એરિયામાં આવતું નથી. તમે પોઈબાવડી પોલીસ સ્ટેશનની હદમાં આવતી કોઈ જગ્યાએ રહો તો તમને ફુલરસાહેબનું રક્ષણ મળી શકે. એટલે અમે પરળમાં આવેલી રંગારી ચાલમાં રહેવા ગયાં.
એડવોકેટ જનરલ કાંગા : મને એ કહો કે ઇન્દોર છોડીને મુંબઈ આવ્યા પછી તમે ઘરખર્ચ ક્યાંથી કાઢતા હતા?
મુમતાઝ બેગમ : સાહેબ! અમારી પાસે થોડી ઘણી બચત હતી તેના પર શરૂઆતમાં તો અમે નભી ગયા. પણ પછી રંગારી ચાલમાં રહેવા આવ્યા તે પછી પૈસાનો તોટો પડવા લાગ્યો. એટલે મેં ત્યાં મારું ગાવા-નાચવાનું કામ ફરી શરૂ કર્યું. અને એક દિવસ પચીસેક વરસનો એક જુવાન જોધ, ફૂટડો, અમીર, ઘરાક આવ્યો. તેનું નામ અબ્દુલ કાદર બાવલા.
રંગારી ચાલ
એડવોકેટ જનરલ કાંગા : એટલે કે જેનું ખૂન કરવામાં આવ્યું તે જ ઇસમ.
બચાવ પક્ષના વકીલ મોહમ્મદ અલી ઝીણા : I object my Lordship! So far it has not been proved beyond doubt that Mr. Bawla was murdered. My learned
colleague is trying to influence the honorable members of the jury.
જસ્ટીસ એલ. સી. ક્રંપ : Objection sustained.
એડવોકેટ જનરલ કાંગા : જેવો નામદારનો હુકમ. મુમતાઝ બેગમ, આ મિસ્ટર બાવલા એ જ ઇસમ, કે જેનું ૧૩મી જાન્યુઆરીની વહેલી સવારે મોત થયું હતું?
મુમતાઝ બેગમ : (જાણે સપનું જોતી હોય તેમ હળવેથી બોલવા લાગે છે) ઓહોહો! કહેવાય બાવલા, પણ જાણે સંગેમર્મરનું બૂત જોઈ લો. દિવસના અજવાળામાં પણ ઝગારા મારતી આંખો. કાળા ભમ્મર વાળ. હોઠ હસે ત્યારે લાગે કે આખી દુનિયા હસી રહી છે. એની આંગળીઓ અડે અને મારું રોમરોમ થનગનવા લાગે. કાનમાં હળવેકથી કહે તેનો પડઘો આખા જિસ્મમાં પડે. અને આખું બદન ખીલી ઊઠે જ્યારે એની આંગળીઓ અડે. પુરુષો તો ઘણા જોયા, પણ સાચો મરદ માણસ તો આ એક જ જોયો.
એડવોકેટ જનરલ કાંગા : મુમતાઝ બેગમ! મારા સવાલનો જવાબ આપો.
મુમતાઝ બેગમ : હા, જી. એ જ મિસ્ટર અબ્દુલ કાદર બાવલા. જે હવે આ ફાની દુનિયામાં રહ્યા નથી. એક રાતે મારો નાચ જોવા નવેક વાગે આવેલા. સાડા દસ સુધી બેઠા. પહેલી જ વાર આવ્યા ત્યારે મારા પર એક હજાર રૂપિયા ઓવારી ગયેલા. ત્યારથી અમ્માના મનમાં વસી ગયું હતું કે મારું અને બાવલા શેઠનું ગોઠવાઈ જાય તો સારું. થોડા વખત પછી સ્લેટર રોડ પર આવેલા બાવલા શેઠના મકાનમાં અમે રહેવા ગયાં. ત્યાં બે-એક મહિના રહ્યા પછી બાવલા શેઠ અને હું તારદેવ ક્લબમાં રહેવા ગયાં. એ વખતે અમે બે પૂના અને લોનાવળા ફરવા ગયાં. લોનાવળામાં બાવલાશેઠનો બંગલો બંધાતો હતો તે જોયો. અમે પાછાં આવ્યાં તે પછી બાવળા શેઠને ઇન્દોરથી ધમકીઓ મળવી શરૂ થઈ. મારું અપહરણ કરવામાં આવશે અને તું જો વચમાં આવીશ તો તને તારા ખુદા પાસે મોકલી દેવામાં આવશે. આવી ધમકીઓ મળ્યા પછી બાવલાશેઠ તેમના ચોપાટીના બંગલામાં રહેવા મને લઈ ગયા. બાવલાશેઠ ત્રીજે માળે રહેતા. એ જ મકાનના ભોંય તળિયે ઇસ્લામ ક્લબ આવેલી હતી. આ ઘરમાં મને બીજી બધી છૂટ હતી. ફક્ત એકલા ક્યાં ય બહાર જવાની મનાઈ હતી.
ચોપાટી પર બાવલા રહેતા તે મકાન. નીચે ઇસ્લામ ક્લબ
એડવોકેટ જનરલ કાંગા : શા વાસ્તે મનાઈ હતી?
મુમતાઝ બેગમ : કારણ મારું અપહરણ કરવાની ધમકીઓ સતત મળતી રહેતી હતી.
એડવોકેટ જનરલ કાંગા : કોના તરફથી?
મુમતાઝ બેગમ : ઇન્દોર દરબાર તરફથી.
એડવોકેટ જનરલ કાંગા : Point to be noted, my Lordship!
જસ્ટીસ એલ. સી. ક્રંપ : Noted. You may proceed further, Mr. Kanga.
એડવોકેટ જનરલ કાંગા : Thank you my Lordship. હા, તો મુમતાઝ બેગમ! બીજી કોઈ રીતે તમારી કનડગત થઈ હતી?
મુમતાઝ બેગમ : હા, જી. ઇન્દોર મહારાજાના મહેલમાંથી મેં અઢી લાખ રૂપિયાનાં ઘરેણાંની ચોરી કરી છે તેવો આરોપ મૂકવામાં આવ્યો અને આ અંગે મારા પર કામ ચલાવવા માટે મને ઇન્દોર પોલીસને સોંપવા વાઈસરોયને અરજી કરવામાં આવી.
એડવોકેટ જનરલ કાંગા : પછી?
મુમતાઝ બેગમ : પછી મુંબઈમાં રહેવું સલામત નથી એમ લાગતાં બાવલાશેઠ મને લઈને લોનાવળા ગયા. ત્યાં બંગલો તૈયાર થઈ ગયો હતો એટલે ત્યાં અમે ૨૬ દિવસ રહ્યાં. એ દરમ્યાન એડવોકેટ કે.એફ. નરીમાન પાસે તૈયાર કરાવેલા કેટલાક દસ્તાવેજો પર બાવલાશેઠની હાજરીમાં મેં સહીઓ કરી હતી, અને શેઠે એ કાગળિયાં મુંબઈ મોકલ્યાં હતાં.
એડવોકેટ જનરલ કાંગા : My lordship! I pray your permission to file these documents as supportive evidence.
જસ્ટીસ એલ. સી. ક્રંપ : Permission granted.
એડવોકેટ જનરલ કાંગા : Thank you, My Lordship! હા, તો મુમતાઝ બેગમ. લોનાવળાથી તમે પાછાં ક્યારે આવ્યાં?
મુમતાઝ બેગમ : શનિવાર, તારીખ ૧૦મી જાન્યુઆરીએ.
એડવોકેટ જનરલ કાંગા : એટલે કે મિસ્ટર બાવલાનું ખૂન થયું – સોરી, એવન જન્નતનશીન થયા તેના ફક્ત બે દિવસ પહેલાં.
મુમતાઝ બેગમ : હા, જી, સાહેબ.
અને બરાબર એ જ વખતે અદાલતનો ઊઠવાનો સમય થયો.
પછીની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 મે 2025