Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—242

દીપક મહેતા|Opinion - Opinion|6 April 2024

વસઈ અને મુંબઈ : પડતી–ચડતીના આટાપાટા      

મિસિસ પોસ્તાન્સને એક ટેવ. જ્યાં જાય તે જગ્યાનાં નામ અને ઇતિહાસ-ભૂગોળ વિષે ખાંખાખોળાં કરે, બને એટલું જાણે. કહે છે કે અગાઉ – એટલે કે સદીઓ પહેલાં – વસઈ એક નાનો ટાપુ હતો. તેની પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણે વસઈની ખાડી, ઉત્તરે વૈતરણા નદી, અને પૂર્વમાં નાનાં નાનાં ઝરણાંને કારણે કાદવ-કીચડવાળી જમીન. અને છતાં નવાઈની વાત એ કે છેક સદીઓ પહેલાંના લોકોને આ જગ્યા વસવા જેવી લાગી. એટલે એ જગ્યાને નામ આપ્યું ‘વાસ્યા’ એટલે કે વસવા જેવી જગ્યા. અને આ કાંઈ કપોળ કલ્પના નથી. કન્હેરીની ગુફાઓમાંના ઈ.સ. ચોથી સદીના એક શીલાલેખમાં આ નામ નોંધાયેલું જોવા મળે છે. અહીં આવીને વસનારાઓમાં સૌથી પહેલા હતા આર્યો. વસઈની આજુબાજુની કેટલીક જગ્યાનાં નામ જ જુઓ : વિમલેશ્વર, નિર્મલેશ્વર, ચક્રેશ્વર, વગેરે.

તો વળી કેટલાક કહે છે કે ના રે ના. મૂળ નામ તો હતું વનવાસી કે બનવાસી. કારણ અહીં તો હતું ગાઢ જંગલ, અને તેમાં રહેતા હતા થોડા આદિવાસીઓ. ટોલોમીની ભૂગોળમાં આ નામ જોવા પણ મળે છે. કેટલાક કહે છે કે આ બનવાસી તો હતી કદંબ વંશના રાજાઓની રાજધાની. બીજો એક સવાલ એ થાય કે જ્યાં જ્યાં માણસોની વસતી હોય તે તે જગ્યાને ‘વાસ્યા’ કે વસઈ કહી શકાય. તો પછી આ જગ્યાને જ કેમ આ નામ આપ્યું હશે? કારણ બબ્બે નદીઓથી સિંચાતો આ પ્રદેશ એટલો તો ફળદ્રુપ હતો કે ખાસ કશી મહેનત કર્યા વગર પણ અહીંના ખેડૂતો જરૂરી પાક ઉગાડી શકતા. એવી જ રીતે દરિયા, ખાડી, અને નદીનાં પાણી માછીમારોને પણ મબલખ માછલી ઝાઝી મહેનત વગર આપતાં. આમ, અહીં ખાધાખોરાકીની વસ્તુઓ પ્રમાણમાં સહેલાઈથી મળી રહેતી એટલે બહારના લોકો અહીં આવીને વસવા લાગ્યા હશે. માટે ‘વસઈ’ નામ, એટલે કે વસવા માટે એક ઉત્તમ જગ્યા.

પછી આવ્યો વેપારનો વારો. મુસ્લિમ અને પારસી વેપારીઓએ પહેલ કરી. ડાંગર, શાકભાજી, મરઘાં-બતકાં, માખણ વગેરે અહીંથી ખરીદીને બીજે વેચવા લઈ જતા થયા. વળી અહીં નજીકમાં હતાં ગાઢ જંગલ. એટલે અહીં સારી જાતનું લાકડું મળતું તે પણ આ વેપારીઓ દેશ-પરદેશ મોકલવા લાગ્યા.

અલબત્ત, આ બધું હોવા છતાં પહેલાં તો વસઈ કોઈ બહુ મહત્ત્વનું શહેર નહોતું. એ માન તો સદીઓ સુધી મળતું હતું શુર્પારકને. એ વેપારવણજનું મોટું મથક તો ખરું જ, પણ બૌદ્ધ ધર્મનું પણ મોટું થાણું. આ શુર્પારક તે આજનું સોપારા કે નાલાસોપારા. એક વખતે પશ્ચિમ કિનારાનું સૌથી મહત્ત્વનું બંદર હતું ખંભાત, અને બીજે નંબરે હતું સોપારા. અહીંથી વહાણો મેસોપોટેમિયા, ઈજિપ્ત, અરબસ્તાન, અને પૂર્વ આફ્રિકા સુધીની ખેપ નિયમિત રીતે ખેડતાં. ઈ.સ. પૂર્વે ત્રીજી સદીથી માંડીને ઈ.સ.ની ૯મી સદી સુધી સોપારાએ જાહોજલાલી જોઈ. પણ પછી બૌદ્ધ ધર્મની પડતીની સાથોસાથ સોપારાની પડતી પણ શરૂ થઈ.

લગભગ એ જ અરસામાં, ઈ.સ.ની આઠમી-નવમી સદીમાં, આરબ વેપારીઓ હિન્દુસ્તાનના પશ્ચિમ કિનારે આવી વસ્યા અને જોતજોતામાં હિન્દી મહાસાગર અને ખાસ કરીને રાતા સમુદ્રના માર્ગે થતા વેપાર પર વર્ચસ્વ જમાવ્યું. તેમણે સોપારાને બદલે વસઈને વેપારનું મુખ્ય થાણું બનાવ્યું. ૧૪મી સદીમાં ગુજરાતમાં રાજપૂત શાસનનો અંત આવ્યો અને મુસ્લિમ સત્તા સ્થપાઈ. ત્યારે ઘણા ગુજરાતીઓ વસઈ આવી વસ્યા. તેમાં દીવ બંદરેથી મોટા પ્રમાણમાં કાઠિયાવાડીઓ આવ્યા. તો કેટલાક મુસલમાનો પણ અહીં આવી વસ્યા. ૧૫મી સદીના પહેલા દસકામાં ગુજરાતના સુલતાને વસઈ જીતી લીધું અને તે ગુજરાતની સલ્તનતનો ભાગ બન્યું. તે વખતે અરબી-ફારસીની અસર નીચે તેનું નામ બદલીને ‘બસઈ’ કરવામાં આવ્યું. અરબસ્તાન સાથેનો વસઈનો વેપાર વધતો ચાલ્યો. આસપાસનાં જંગલોનું લાકડું આરબ દેશોમાં જતું જ્યાં તેમાંથી મોટાં વહાણો બાંધવામાં આવતાં. એવી જ રીતે વસઈના પથ્થર પણ ઉમદા ગણાતા અને આરબ દેશોમાં જતા. ઈ.સ. ૧૪૫૦ના અરસામાં ગુજરાતના સુલતાન બહાદુરશાહે સગવડો વધારીને વધુ લોકોને વસાવ્યા. તો સાથોસાથ તેણે વસઈનું નામ બદલીને બહાદ્દરપુરા રાખ્યું.

વસઈની ટપાલ ટિકિટ

૧૬મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોના આગમન સાથે પશ્ચિમ હિન્દુસ્તાનનાં વેપારવણજમાં ઘણો મોટો ફેરફાર થયો. ગોવા અને મલબારમાં પગદંડો જમાવ્યા પછી તેમણે અરબી સમુદ્ર અને રાતા સમુદ્રના વેપારી રસ્તાઓ પર પકડ જમાવવાની શરૂઆત કરી. એ વખતે દીવ આરબ વેપારીઓનું મુખ્ય થાણું હતું. એટલે પોર્ટુગીઝોએ પોતાનું થાણું સ્થાપવા માટે વસઈ તરફ નજર દોડાવી. પરિણામે ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે અવારનવાર ચકમક ઝરવા લાગી. એટલે ગુજરાતના સુલતાનના વહીવટદારે વસઈનું રક્ષણ કરવા કિલ્લો બાંધ્યો. અત્યાર સુધી વેપારનું કેન્દ્ર બની રહેલ વસઈ હવે લશ્કરી મહત્ત્વનું થાણું બન્યું. પોર્ટુગીઝોને ગુજરાત તરફ આગળ વધતા રોકવા માટે વસઈને વધુ ને વધુ મહત્ત્વ અપાતું થયું. પણ કિલ્લો બંધાયા પછી તો વસઈ પોર્ટુગીઝોની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું. તેમણે નાનાંમોટાં આક્રમણો શરૂ કર્યાં. તેમના વધુ મોટા અને કેળવાયેલા લશ્કર સામે ગુજરાત સલ્તનત બહુ ઝાઝું ટકી ન શકી. ઈ.સ. ૧૫૩૪માં પોર્ટુગીઝોની જીત થઈ. તે પછી ૧૫૩૪ના ડિસેમ્બરની ૨૩મી તારીખે થયેલી સંધિ નીચે માત્ર વસઈ જ નહિ, કોલાબા, મુંબઈ, મઝગાંવ, વરળી, માટુંગા, માહિમ, સાલસેટ, ટ્રોમ્બે અને ચૌલ પણ પોર્ટુગીઝોના હાથમાં આવ્યાં. એટલે તેમને માટે તો વસઈની સંધિ એક સોનેરી દસ્તાવેજ બની રહી. તેમણે વસઈનું નામ બદલીને બાસિમ રાખ્યું અને તેને પોતાના ઉત્તરી પ્રાંતનું વડું મથક બનાવ્યું. પોર્ટુગીઝ સરકારે વસઈના નામના સિક્કા પણ પડાવ્યા અને ટપાલ ટિકિટ પણ બહાર પાડી. અગાઉના કિલ્લાને તોડીને તે જ સ્થળે પોર્ટુગીઝોએ નવો વધુ મજબૂત કિલ્લો બાંધ્યો. ગવર્નર, લશ્કરી અધિકારીઓ અને પોર્ટુગીઝ ઉમરાવો આ કિલ્લાની અંદર વસતા. બાકીના બધા લોકો કિલ્લાની બહાર.

અત્યાર સુધી વસઈનો મુખ્ય આધાર ખેતીવાડી, પશુપાલન, અને માછલી ઉદ્યોગ પર હતો. તેને ઓછું મહત્ત્વ આપીને પોર્ટુગીઝોએ નાના-મોટા ઉદ્યોગો વિકસાવ્યા. અગાઉ અહીંનું લાકડું વહાણ બાંધવા માટે પરદેશ જતું હતું. તેને બદલે હવે તેમણે અહીં જ વહાણ બાંધવાનું શરૂ કર્યું. અને એક જમાનાનું મોટું ગામડું હવે નાનું શહેર બની ગયું. બહાદુરપુરાનું નામ બદલીને પાડ્યું માદ્રાપોર.

વસઈનો કિલ્લો, ૧૭૮૦મા

પણ ૧૭મી સદીથી પોર્ટુગીઝ સત્તાનાં વળતાં પાણી શરૂ થયાં. બળજબરીથી કરાવાતા ધર્મપલટાને કારણે લોકો અંદરખાનેથી રાજવટના વિરોધી બનવા લાગ્યા. વળી સ્થાનિક લોકોની સુખાકારી માટે પોર્ટુગીઝ સત્તાવાળા ભાગ્યે જ કશું કરતા. પોર્ટુગીઝ શાસકોને બે જ વાતમાં રસ હતો : બને તેટલા વધુ કરવેરા ઉઘરાવવા અને કળથી નહિ તો બળથી લોકોને ખ્રિસ્તી બનાવવા. પણ હિન્દી મહાસાગરના રસ્તે થતા વેપાર પર ધીમે ધીમે અંગ્રેજોએ પકડ મજબૂત કરી એટલે પોર્ટુગીઝ સરકારની આવક ઘટવા લાગી. ત્રાસેલા લોકોએ મરાઠા શાસકોને મદદ માટે અરજ કરી. ૧૭૩૭મા પેશ્વા સૈન્યે વસઈ પર આક્રમણ કર્યું, પણ તેને સફળતા ન મળી. પણ ૧૭૩૯માં ચિમણાજી આપ્પાની સરદારી નીચે બીજી વાર આક્રમણ કર્યું ત્યારે સફળતા મળી. પોર્ટુગીઝ સરકાર સાથેની સંધિ પ્રમાણે વસઈ મરાઠાઓના હાથમાં આવ્યું. બાજીરાવ પેશ્વાના નામ પરથી વસઈનું નવું નામ પડ્યું બાજીપુરા. મરાઠાઓએ હિન્દુઓને, અને ખાસ કરીને બ્રાહ્મણોને ઘણી સગવડો આપી. પણ તેમણે એક મોટી ભૂલ કરી. વસઈના કિલ્લાનું મહત્ત્વ તેમને સમજાયું નહિ. તેના ઘણા ભાગો તોડીને તેમણે પોતાના સરદારોના રહેણાકનાં મકાનો બાંધ્યાં. અને બાંધ્યાં શિવ અને મારુતિનાં મંદિરો. પણ સ્થાનિક વેપાર કે ધંધા-રોજગારના વિકાસ ઉપર ધ્યાન આપ્યું નહિ. 

વસઈનો કિલ્લો, આજે

પણ પછી અંગ્રેજો સામે મરાઠાઓ હાર્યા અને ૧૮૧૭માં પુને ખાતે સંધિ કરી. તે વખતે વસઈ અંગ્રેજોના તાબામાં ગયું. પણ અંગ્રેજો પાસે મુંબઈ હતું. એટલે તેમને માટે વસઈનું બહુ મહત્ત્વ હતું નહિ. ધીમે ધીમે વસઈનો મોભો ઘટતો ગયો. ખાંડ બનાવવા જેવા કેટલાક ઉદ્યોગો શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પણ અંગ્રેજોને તેમાં ઝાઝી સફળતા મળી નહિ. એટલે જ મિસિસ પોસ્તાન્સ વસઈ ગયાં ત્યારે તેમને એ ખંડેરોનું ગામ લાગ્યું હતું.

વસઈના ‘ફિરંગી સિક્કા’

વસઈ અને મુંબઈ. પાસપાસે તો ય કેટલા જોજન દૂરનો એમનો વાસ! વસઈએ પોતાની જાહોજલાલી એક વાર ગુમાવી તે પાછી ક્યારે ય મેળવી નહિ. તો બીજી બાજુ મુંબઈ. માછીમારોના સાત ટાપુ. પરીકથાની રાજકુમારીની જેમ મુંબઈ દિવસે ના વધે તેટલું રાતે વધે. અને રાતે ના વધે તેટલું દિવસે વધે. હવે તો દુનિયાનાં મહાનગરોમાં માનભર્યું સ્થાન. કેટલાંક વરસ વસઈનો મુખ્ય ધંધો હતો ફળફળાદિ અને શાકભાજી ઉગાડીને કાવડમાં લઈ જઈ મુંબઈમાં વેચવાનો. પણ પછી છેલ્લા કેટલાક વખતથી વસઈ બિલ્ડરોનું માનીતું થઈ પડ્યું છે. મુંબઈનાં પરાંઓમાં પણ જેમને ઘર ન પોસાય તે લોકો હવે વસઈ-વિરાર જેવા વિસ્તારોમાં રહેવા જતા થયા છે. લોકલ ટ્રેનની સગવડને કારણે નોકરીધંધા કે અભ્યાસ માટે રોજ મુંબઈની આવનજાવન કરતા રહે છે. વસઈનો કિલ્લો ખંડિયેર બનીને પણ હજી ઊભો છે. અને છતાં આજે પણ જંગલ કાંઈ વસઈથી બહુ દૂર નથી. હજી બે-ચાર દિવસ પહેલાં જ સમાચાર હતા કે રાતને વખતે વસઈના કિલ્લામાં દીપડો દેખાયો હતો. તે ક્યાંથી, કઈ રીતે, આવી ચડ્યો એ અંગે સરકારી તપાસ ચાલુ છે. દરમ્યાનમાં લોકોને ચેતવણી આપતું પાટિયું અધિકારીઓએ લગાડી દીધું છે.

વસઈના કિલ્લામાં દીપડો દેખાયો

પ્રિય વાચક! છેલ્લા કેટલાક વખતથી આપણે મિસિસ પોસ્તાન્સની આંગળી ઝાલીને મુંબઈમાં ઘણું ફર્યા. તેમના જમાનાના મુંબઈ વિષે, તેના લોકો વિષે, ઘણું જાણ્યું, તેમની નજરે મુંબઈને જોયું. પણ હવે તેમનો સંગાથ છોડવાનો વખત આવી લાગ્યો છે. કારણ હવે તેઓ જવાનાં છે સુરત. એક જમાનામાં ભલે સુરત ‘સોનાની મુરત’ કહેવાતું. પણ આપણે કાંઈ મુંબઈ મૂકીને બીજે જઈએ નહિ.  આપણી મુંબઈની સફર તો ચાલુ જ રહેશે. કારણ એક કવિએ કહ્યું છે તેમ, ‘થંભો ના, હે ચરણ ચાલો.’

e.mail: deepakbmehta@gmail.com 

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 06 એપ્રિલ 2024)

Loading

6 April 2024 Vipool Kalyani
← સાંજ ઢળ્યે
इस्लामोफोबिया से मुकाबिल संयुक्त राष्ट्र संघः एक प्रशंसनीय पहल →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved