Opinion Magazine
Number of visits: 9446357
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 24

દીપક મહેતા|Opinion - Opinion|30 December 2019

કર્નાક રોડ ને ક્રાફર્ડ માર્કેટ, મેટ્રો અને કયાની

હતાં ત્યાંનાં ત્યાં, ત્યારે અને અત્યારે 

ગોવિંદ નિવાસ જઈને ભગવાનના ગુણ તો ગાઈ લીધા. હવે? ચાલો પાછા ધોબી તળાવ. ૧૮મી સદીમાં બંધાયેલા, અને આજે પણ હયાત એવા જર મહાલ પાસે ફૂટપાથ પર ઊભા રહીને ચારે બાજુ નજર ફેરવીએ. ધોબી તળાવ પર ઘણા રસ્તા ભેગા થાય. ડાબી બાજુ પહેલો છે ક્રાફર્ડ માર્કેટ તરફ જતો કર્નાક રોડ, આજનો લોકમાન્ય ટિળક માર્ગ. ક્રાફર્ડ માર્કેટ નામ પડેલું મુંબઈના પહેલવહેલા મ્યુનિસિપલ કમિશ્નર આર્થર ક્રાફર્ડના નામ પરથી. એમનો જન્મ ૧૮૩૫, અવસાન ૧૯૧૧. તેઓ મ્યુનિસિપલ કમિશ્નર બન્યા ત્યારે મુંબઈમાં પાણીની ખેંચ હતી, રસ્તાઓ પર પડેલો કચરો સડ્યા કરતો અને દુર્ગંધ તથા રોગચાળો ફેલાવતો. અને મૃત્યુ દર હતો એક હજારે ૪૦ જેટલો ઊંચો. ક્રાફર્ડ આવ્યા અને પાણીનો પુરવઠો વધાર્યો, રસ્તાઓ નિયમિત રીતે સાફ થાય એવી વ્યવસ્થા કરી. પરિણામે મૃત્યુ દરમાં ૫૦ ટકાનો ઘટાડો થયો. આ બધાં કામ પાછળ તેઓ આદુ ખાઈને માંડી પડ્યા. પણ પરિણામે બજેટમાંના અંદાજ કરતાં મ્યુનિસિપાલિટીનો ખરચ ઘણો વધી ગયો. એ અંગે તેમને ચેતવવામાં આવ્યા, પણ ક્રાફર્ડ તો લગે રહો મુન્નાભાઈ! ૧૮૭૦માં આ અંગે ખૂબ ઊહાપોહ થયો ત્યારે ફિરોઝશાહ મહેતાએ તેમનો બચાવ કર્યો. પણ થોડા વખત પછી લોકમાન્ય ટિળક અને ગોપાલ કૃષ્ણ ગોખલે જેવા માંધાતાઓએ ક્રાફર્ડ પર લાંચ લેવાનો આરોપ મૂક્યો. કલકત્તા હાઈ કોર્ટના જજ સ્ટુઆર્ટ વિલ્સનને એ અંગેની તપાસ સોંપાઈ. તેમણે ચુકાદો આપ્યો કે ક્રાફર્ડે લાંચ લીધી નહોતી, પણ પોતાના હાથ નીચે કામ કરનારાઓ પાસેથી પૈસા ઊછીના લીધા હતા. છતાં તેમનું નામ સિવિલ સર્વિસ લિસ્ટમાંથી રદ બાતલ કરવામાં આવ્યું અને સરકારે તેમને સ્વદેશ પાછા મોકલી દીધા. તેમણે લખેલું સંસ્મરણોનું પુસ્તક અવર ટ્રબલ્સ ઇન પૂના એન્ડ ધ ડેક્કન ૧૮૯૭માં પ્રગટ થયું હતું. ક્રાફર્ડ મરાઠી બહુ ફાંકડું બોલી શકતા. એટલે તો ન.ચી. કેળકરે કહેલું કે જો ધોતિયું પહેરે તો ક્રાફર્ડ ચિતપાવન બ્રાહ્મણ તરીકે સહેલાઈથી ખપી જાય. ક્રાફર્ડ માર્કેટનું મકાન ૧૮૬૯માં બંધાઈને તૈયાર થયું હતું. તેના બાંધકામનો બધો ખર્ચ સર કાવસજી જહાંગીરે આપ્યો હતો. આઝાદી પછી તેનું નામ બદલીને મહાત્મા જ્યોતિબા ફૂલે મંડઈ રાખવામાં આવ્યું, પણ લોકજીભે તો આજે પણ ક્રાફર્ડ માર્કેટ નામ જ વસેલું છે.

ક્રાફર્ડ અને તેના નામની માર્કેટ

સેન્ટ ઝેવિયર્સ કોલેજ

હવે નજર દોડાવીએ ક્રૂકશેંક રોડ પર. આજનું નામ મહાપાલિકા માર્ગ. થોડે દૂર જુઓ : સેન્ટ ઝેવિયર્સ કોલેજનું મકાન દેખાશે. હવે તો એ ૧૫૦ વર્ષ જૂની કોલેજ છે પણ ૧૮૬૯ના જાન્યુઆરીની બીજી તારીખે શરૂ થઈ ત્યારે એ મુંબઈ શહેરમાંની ત્રીજી કોલેજ હતી. સાતમી જાન્યુઆરીએ કોલેજમાં વર્ગ શરૂ થયો ત્યારે તેમાં કેટલા વિદ્યાર્થી હતા, ખબર છે? રોકડા બે. એનાથી થોડા આગળ જઈએ તો આવે કામા એન્ડ આલબ્લેસ હોસ્પિટલ. ૧૮૮૩ના નવેમ્બરની ૨૨મી તારીખે ડ્યૂક ઓફ કોનોટને હાથે એના મકાનનો શિલાન્યાસ થયો અને ૧૯૮૬ના જુલાઈની ૩૦મી તારીખે મકાન બંધાઈ રહ્યું અને હોસ્પિટલ શરૂ થઈ. આ હોસ્પિટલ માટે પેસ્તનજી હોરમસજી કામાએ એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. અને તેના પછી આવે મુંબઈની મ્યુનિસિપાલિટીનું વડુ મથક. ૧૮૬૫માં મુંબઈની મ્યુનિસિપાલિટીની શરૂઆત થઈ ત્યારે તેનું મથક ગિરગામ રોડ પર હતું. પછી આજે જ્યાં આર્મી એન્ડ નેવી બિલ્ડિંગ છે ત્યાં આવેલા એક મકાનમાં તે ખસેડાયું. ૧૮૮૪ના ડિસેમ્બરની ૯મીએ વાઈસરોય લોર્ડ રિપનને હાથે હાલના વડા મથકના મકાનનો પાયો નખાયો. ૧૮૯૩માં એનું બાંધકામ પૂરું થયું.

આ બધાં મકાનોની સામેની બાજુએ આવેલું છે આઝાદ મેદાન. પહેલાં તે બોમ્બે જિમખાના મેદાન તરીકે ઓળખાતું. અસલમાં તો આ મેદાન, ક્રોસ મેદાન, ઓવલ મેદાન અને કૂપરેજ ગ્રાઉન્ડનો આખો વિસ્તાર મળીને એસપ્લનેડનું મેદાન બન્યું હતું. બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી પાછા આવ્યા ત્યારે મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિ તરફથી સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૩૧ની ૨૮મી ડિસેમ્બરે ગાંધીજીને આવકારવા એક સભાનું આયોજન કર્યું હતું. ત્યારે આખું આઝાદ મેદાન ખીચોખીચ ભરાઈ ગયું હતું. ત્યાર બાદ આઝાદીની લડત દરમ્યાન અહીં અવારનવાર નાની-મોટી સભાઓ યોજાતી રહી, અને પહેલાં લોકજીભે, અને પછી સત્તાવાર રીતે આ મેદાન બન્યું આઝાદ મેદાન.

 

એસ્પ્લનેડ રોડ


આઝાદ મેદાનની એક બાજુ ક્રૂકશેન્ક રોડ તો બીજી બાજુ એસપ્લનેડ રોડ. આજનો મહાત્મા ગાંધી રોડ. આજે પણ તેની બંને બાજુ મકાનો કરતાં નાનાં-મોટાં મેદાનો વધુ. એક જમાનામાં આ એસપ્લનેડ રોડ નજીક, જ્યાં વિદેશ સંચાર નિગમ લિમિટેડનું બહુમાળી મકાન બંધાયું ત્યાં રાણી વિક્ટોરિયાનું સફેદ આરસનું ભવ્ય પૂતળું ઊભું હતું. ૧૮૭૨માં વડોદરાના મહારાજાએ તે ભેટ આપ્યું હતું. પહેલાં તેને વિક્ટોરિયા ગાર્ડન ખાતે મૂકવામાં આવ્યું હતું, પણ પછીથી તેને એસપ્લનેડ રોડ નજીક ખસેડાયું હતું. આસનસ્થ રાણીને માથે આરસનું ભવ્ય છત્ર હતું. ૧૮૮૬ના ઓક્ટોબરમાં રાણીના આ પૂતળાના મોઢા ઉપર રાતને વખતે કોઈ કાળો રંગ લગાડી ગયું. રાણીનું આવું અપમાન બ્રિટિશ સરકાર કેમ સાંખી શકે? દેશ-વિદેશ જ્યાંથી મળ્યા ત્યાંથી જાણકારોને બોલાવ્યા, પણ તેમાંનું કોઈ એ કાળો રંગ દૂર ન કરી શક્યું. ત્યારે ત્રિભુવનદાસ ગજ્જર નામના એક ગુજરાતી રસાયણ શાસ્ત્રના નિષ્ણાતે કહ્યું કે હું આ કામ કરી શકીશ. પણ વિદેશી જાણકારો પણ ફાવ્યા નહોતા એટલે સરકારને તેમની વાતમાં બહુ વિશ્વાસ પડ્યો નહિ. એટલે કહ્યું કે પહેલાં એક નાના ખૂણા પરથી રંગ કાઢી આપો, તો પછી આખા મોઢા પર કામ કરવાની મંજૂરી આપીએ. અને સૌના આશ્ચર્ય વચ્ચે ગજ્જરે થોડા ભાગ પરથી કાળો રંગ કાઢી આપ્યો. એટલે સરકારે મંજૂરી આપી અને થોડા જ વખતમાં રાણીનો ચહેરો પહેલાંની જેમ ચમકતો થઈ ગયો. આ કામ માટે સરકારે તેમને બે હજાર રૂપિયાનું ઇનામ આપ્યું. ત્રિભુવનદાસ ગજ્જરનો જન્મ ૧૮૬૩માં, સુરત શહેરમાં. તબીબી વિદ્યા, ઔષધો, રસાયણોના અઠંગ જાણકાર.

ક્વીન વિકટોરિયાનું પૂતળું અને ત્રિભુવનદાસ ગજ્જર

અંગ્રેજ સરકારે સિંધની કોલેજમાં મહિને ૩૦૦ રૂપિયાના પગારે રસાયણ શાસ્ત્રના પ્રોફેસરની જગ્યાની ઓફર કરી. એ જ વખતે વડોદરાના મહારાજાએ વડોદરા કોલેજમાં જોડાવાની ઓફર કરી, પણ પગાર મહિને ૨૦૦ રૂપિયા. અને ત્રિભુવનદાસ વડોદરા કોલેજમાં જોડાયા. કારણ વડોદરાના મહારાજા દેશી ઉદ્યોગો અને કારીગરીને પ્રોત્સાહન આપતા હતા. થોડા વખત પછી વડોદરા રાજ્યે વધુ અભ્યાસ માટે તેમને ગ્રેટ બ્રિટન મોકલવાનો વિચાર કર્યો. પણ ખુદ ત્રિભુવનદાસે જ અધિકારીઓને તેમ ન કરવા સમજાવ્યા! કારણ? દેશમાં રહીને દેશનાં કામ કરવાની ધગશ. ૧૮૯૦માં વડોદરામાં ‘કલા ભવન’ (આજની ભાષામાં પોલિટેકનિક) શરૂ થયું ત્યારે તેની બધી જવાબદારી ગજ્જરને સોંપાઈ. થોડા જ વખતમાં ૮૦૦ વિદ્યાર્થીઓ સુતારકામ, કડિયાકામ, લુહારકામ, બાંધકામ, જેવા વ્યવસાયલક્ષી વિષયોનો અભ્યાસ કરવા લાગ્યા. વળી આ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે આવા બધા વિષયો પરનાં પુસ્તકો મરાઠી અને ગુજરાતીમાં તૈયાર કરી પ્રગટ કરવાની યોજના તેમણે ઘડી અને તે પ્રમાણે મોટી સંખ્યામાં પુસ્તકો પ્રગટ કર્યાં. પણ ૧૮૯૬માં કેટલાક વિરોધીઓના પ્રચારને કારણે તેમણે રાજીનામું આપ્યું અને મુંબઈ આવી વિલ્સન કોલેજમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે જોડાયા. એ વખતે પ્લેગનો રોગ મુંબઈમાં અવારનવાર દેખાતો અને તેની કોઈ અસરકારક દવા નહોતી. ત્રિભુવનદાસે જાતમહેનતે દવા બનાવી જે ખૂબ જ અકસીર નીવડી. આ દવા માટે તેમણે ‘પેટન્ટ’ લીધું હોત તો એ જમાનામાં પણ લાખ્ખો રૂપિયા કમાઈ શક્યા હોત. પણ તેમણે એમ ન કર્યું. પછી પીળાં પડી ગયેલાં મોતીને સાફ કરી ફરી સફેદ બનાવવા માટેનું રસાયણ અને તે અંગેની પ્રક્રિયા તેમણે શોધ્યાં અને તેનું પેટન્ટ લીધું અને તેમાંથી લાખ્ખો રૂપિયા કમાયા. પોતાના એક વિદ્યાર્થીની મદદથી વડોદરામાં એલેમ્બિક કેમિકલ્સ વર્કસની સ્થાપના કરી. ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ ગજ્જરે વાંચી અને તેમાંની કલ્યાણગ્રામની યોજનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને ગોવર્ધનરામને મળ્યા. થોડા જ વખતમાં બંને ગાઢ મિત્રો બની ગયા. અંધેરી નજીક એક કલ્યાણગ્રામ ઊભું કરવાની યોજના પણ ગજ્જરે બનાવી હતી. પૈસા વધતા હતા તેની સાથે કુટુંબમાં વિખવાદ પણ વધતો હતો. કેટલીક બાબતોમાં કુટુંબીજનો જ અદાલતમાં ગયા. ગજ્જર કેસ જીત્યા, પણ હતાશ થઈ ગયા. ૧૯૨૦ના જુલાઈની ૧૬મી તારીખે તેમનું અવસાન થયું.

મેટ્રો સિનેમાના ઉદ્ઘાટનની જાહેરાત

એસપ્લનેડ રોડ પર ચાલતાં ચાલતાં ફરી જઈએ ધોબી તળાવ તરફ. અહીં રસ્તાને છેવાડે મેટ્રો થિયેટર ઊભું છે! ૧૯૨૪ના એપ્રિલની ૧૭ તારીખે અમેરિકામાં મેટ્રો ગોલ્ડવિન મેયર સ્ટુડિયોની શરૂઆત થઈ. ટૂંકુ નામ એમ.જી.એમ. ડણકતો સિંહ એ એની ઓળખ. આ કંપનીએ પોતાની ફિલ્મો બતાવવા માટે દુનિયાના જુદા જુદા દેશોમાં થિયેટર બાંધ્યાં. તેમાં મુંબઈમાં બાંધ્યું મેટ્રો થિયેટર. ૧૯૩૮ના જૂનની પાંચમી તારીખે તેનો શુભારંભ થયો. શરૂઆતનાં કેટલાંક વર્ષો તેમાં માત્ર એમ.જી.એમ.ની ફિલ્મો જ બતાવાતી. પછી બીજા સ્ટુડિયોની ફિલ્મો પણ શરૂ થઈ. રવિવારે સવારે બાળકો માટે ખાસ વોલ્ટ ડિઝનીની ફિલ્મોના શો થતા. તેનું મકાન ‘આર્ટ ડેકો’ શૈલીનું છે. મુંબઈનાં બીજાં કેટલાંક થિયેટર અને મરીન ડ્રાઈવ પરનાં મકાનો પણ આ શૈલીમાં બંધાયાં છે. મેટ્રોમાં ફર્શ, દિવાલો, છત, ફર્નીચર, બધું લાલ કે ગુલાબી રંગનું. પોચા અને મુલાયમ લાલ કાર્પેટ પર ચાલીને ઉપર બાલ્કનીમાં જવું એ તો એક લહાવો. દાદર ચડીને ઉપર આવો એટલે વિશાળ ભીંતચિત્રો – મ્યુરલ્સ – તમારી નજરને બાંધી લે. ચાર્લ્સ ગેરાર્ડની દેખરેખ નીચે જે.જે. સ્કૂલ ઓફ આર્ટસના વિદ્યાર્થીઓએ એ બનાવેલાં. ‘દેશી’ થિયેટરો કરતાં મેટ્રો જેવાં અંગ્રેજી ફિલ્મો બતાવતાં થિયેટર થોડાં મોંઘાં. પણ આપણે તો બાલ્કનીની ટિકિટ જ લેવી છે.

ઈરાની રેસ્ટોરાં

ભલે અડધીપડધી સમજાઈ હોય, તો ય મેટ્રોમાં અંગ્રેજી ફિલ્મ જોવાની મજા આવીને? ભૂખ લાગી છે? ચાલો જઈએ સામે આવેલી કયાની રેસ્ટોરામાં. એ જમાનો મુંબઈમાં ઈરાની હોટેલોની જાહોજલાલીનો. આખા શહેરમાં ૩૫૦ કરતાં વધારે ઈરાની હોટેલો. એ બધીમાં ફર્નીચર લગભગ એક સરખું. લાકડાની કાળી ખુરસીઓ, કાચ મઢેલાં ગોળ કે ચોરસ ટેબલ. કાચની નીચે પાથરેલા રંગબેરંગી ટેબલ ક્લોથ. ટેબલો પર કાચની મોટી બરણીઓ. તેમાં મૂકેલાં બિસ્કિટ, કેક વગેરે. માથે ચાર પાંખવાળા પંખા ધીમે ધીમે ફરે. ઈરાનના શહેનશાહ અને ગ્રેટ બ્રિટનનાં રાજા કે રાણીના ફોટા ભીંત પર લટકે. દિવાલો પર બે-ત્રણ જગ્યાએ ગ્રાહકોને સૂચનાઓ આપતાં પાટિયાં લટકતાં હોય: લાંબો વખત બેસવું નહિ, મોટે મોટેથી વાતો કરવી નહિ, વોશ બસીન આગળ ઊભા રહી વાળ ઓળવા નહિ, વગેરે. કાઉન્ટર પર મોટી ઉંમરના ઈરાની માલિક કે પછી તેમનો દીકરો બેઠા હોય. નોન વેજિટેરિયન વાનગીઓ પણ મળે, એટલે ચુસ્ત શાકાહારીઓ ત્યાં જવાનું પસંદ ન કરે, અને જાય તો બીજું કોઈ ઓળખીતું જોતું તો નથીને એની ખાતરી કરીને જાય. તમે હોટ પુડિંગ, કે ચા અને બન મસ્કાનો ઓર્ડર આપો કે બીજી ઘડીએ હાજર. બીજે બધે મળતી ચા કરતાં ઈરાની ચાનો સ્વાદ જુદો, ફાંકડો. ઘણી ઈરાની હોટેલો મકાનના ખૂણા(કોર્નર)ની જગ્યાએ આવેલી હોય. કારણ? કારણ હિંદુઓ કોર્નરની જગ્યાને અપશુકનિયાળ માને એટલે ભાડે લેવાનું ટાળે. ઇરાનીઓને એવો કોઈ બાધ નહિ, અને વળી લેવાલ ઓછા એટલે આવી જગ્યા સસ્તે ભાડે મળે.

છેક ૧૯૦૪માં શરૂ થયેલી કયાનીમાં જઠરાગ્નિ ઠાર્યા પછી હવે વખત થયો છે ઘરે જવાનો. આવતા શનિવારે ફરી નીકળશું, મુંબઈમાં લટાર મારવા. પણ ક્યાં? કહ્યું છે ને કે ધીરજનાંફળ મીઠાં.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 28 ડિસેમ્બર 2019

Loading

30 December 2019 admin
← વર્ષાંતઃ આર્થિક, રાજકીય, સામાજિક સરવૈયાનો સમય
‘રામ’ વગરના શ્રીરામ લાગૂ : ચાલો, ઈશ્વરને નિવૃત્ત કરીએ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved