Opinion Magazine
Number of visits: 9506195
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—193

દીપક મહેતા|Opinion - Opinion|25 April 2023

ખમ્ભાલા હિલ નામ કોના પરથી પડ્યું? 

આપણા દેશનો પહેલો ફ્લાય ઓવર મુંબઈમાં બંધાયો, 

જે આજે ય અડીખમ ઊભો છે.

ઈશ્વર જેવો ઈશ્વર પણ જ્યાં ભૂલો પડે તે ભૂલેશ્વરને રામ રામ કરીને હવે આગળ વધીએ. મુંબઈના રસ્તાઓનાં નામ વિષે ક્યારેક તો હસવું ખાળી ન શકાય એવી વાતો મળે છે. બોમ્બે પોર્ટ ટ્રસ્ટની માલિકીના વિસ્તારમાંનાં ઘણાં નામ મહારાષ્ટ્ર-ગુજરાતનાં બંદરો પરથી પડ્યાં છે એ વાત આપણે અગાઉ કરી હતી. જેમ કે ગોઆ સ્ટ્રીટ, કારવાર સ્ટ્રીટ, ઘોઘા સ્ટ્રીટ. પણ આ ઘોઘા સ્ટ્રીટ નામ કઈ રીતે પડ્યું એની એક સમજૂતી ‘મુંબઈનો બહાર’ નામના અમૂલ્ય પુસ્તકના વિદ્વાન લેખક રતનજી ફરામજી વાચ્છાએ આપી છે. ઘણા અંગ્રેજો ઘોઘા સ્ટ્રીટને બદલે ‘ગોગો સ્ટ્રીટ’ બોલતા. હવે વાચ્છાસાહેબ કહે છે કે એક જમાનામાં બહુ જાણીતું બનાજી કુટુંબ આ વિસ્તારમાં રહેતું. આ કુટુંબ મૂળ ઘોઘાનું વતની એટલે ઘણા તેને ‘ઘોઘાવાળા’ તરીકે પણ ઓળખતા. આ કુટુંબના કાવસજીની આ રસ્તા પર દુકાન. એક દિવસ એક ગોરો ખલાસી દુકાનમાંથી કંઈ ખરીદવા આવ્યો. ભાવ-તાલ અંગે કશોક ઝગડો થતાં કાવસજીના ભેજાનું બોઈલર ફાટ્યું. ઝાઝું અંગ્રેજી બોલતાં તો આવડે નહિ, એટલે મોટે મોટેથી Go, go એમ બૂમો પાડવા લાગ્યા. પણ ખલાસી માથાનો ફરેલો હતો. દુકાનથી થોડે દૂર ઊભો રહીને બૂમો પાડીને બીજા ખલાસીઓને કહેવા લાગ્યો: Don’t go to this ‘Go Go’s shop. પછીથી આ દુકાન જે રસ્તા પર આવેલી તેનું નામ ગોગો સ્ટ્રીટ પડી ગયું. પારસીઓ સ્વભાવે રમૂજી. વાચ્છાસાહેબ જેવા સુસજ્જ લેખક આવું કહેતા હોય તો તે મોટે ભાગે ઠઠ્ઠા તરીકે જ હોય. પણ ઘણાએ તેમની આ વાત સાચી માની લીધી છે. હા, એક વાત સાચી કે એક જમાનામાં આ સ્ટ્રીટને નાકે લગાડેલા પાટિયા પર Gogo Street એવું નામ લખાતું. પણ આવા સ્પેલિંગ એ જમાનાની એક ખાસિયત હતી.

ખમ્ભાલા હિલ, ૧૯મી સદીના પૂર્વાર્ધમાં

‘ભોલેશ્વર’માંથી ‘ભૂલેશ્વર’ ભાષાશાસ્ત્રના કિયા નિયમ પ્રમાણે થાય, એવો સવાલ કરનારા પંડિતોને આ એક દાખલો સાદર: માહિમમાં લેડી જમશેદજી રોડથી મોગલ લેન તરફ જતા એક રસ્તાનું નામ હતું હસાલી ટેન્ક સ્ટ્રીટ. એટલે કે એ વિસ્તારમાં ટેન્ક કહેતાં એક તળાવ આવેલું એટલું તો નક્કી. અલબત્ત, આજે એનું નામોનિશાન રહ્યું નથી. રુસ્તમ મસાણીસાહેબ કહે છે કે અહીં ‘હસાલી’ નામનું ગામડું આવેલું તેના પરથી તળાવ અને રસ્તાનાં નામ પડ્યાં. અહીંના વતનીઓ મૂળ જંજીરાના હબસીઓ. હવે ગેઝેટિયર કહે છે કે આ જંજીરાનો ટાપુ ‘હબસાણી’ તરીકે પણ ઓળખાતો. હબસાણી એટલે હબસીઓનો ટાપુ. માહિમ વિસ્તારમાં આવેલા ગામનું અસલ નામ હબસાણી. પછી તેનું થયું હબસાલી, અને તેનું થયું હસાલી. બોમ્બે વોટર વર્કસમાં એક જમાનામાં નોકરી કરતા કાશીનાથ ધુરુએ લખ્યું છે કે તેમના જમાનામાં પાણીનાં બિલમાં લખાતાં સરનામાંમાં આ વિસ્તાર માટે ‘હસાલી’ લખાતું. હવે, કોઈ ભાષા પંડિત કહી શકશે કે ‘હબસી’નું ‘હસાલી’ કયા નિયમ પ્રમાણે થાય? લોકોની જીભને ભાષાશાસ્ત્રના નિયમોથી બાંધી શકાતી નથી.

માત્ર મુંબઈમાં જ નહિ, એક જમાનામાં ગુજરાત-મહારાષ્ટ્રના દરિયા કાંઠા પરના ઘણા વિસ્તારોમાં આ હબસી કે સીદીઓની વસ્તી હતી. હજી આજે પણ ગીરના જંગલ નજીક તેમની અલગ વસ્તી છે. અગાઉ ભાવનગર જેવાં કેટલાંક દેશી રાજ્યો ‘સીદી સેના’ રાખતાં. અને એક જમાનામાં મુંબઈમાં ચીનાઓની પણ નોંધપાત્ર વસતી હતી. એ વખતે અહીંના રસ્તાઓ પર ચીની દાંતનાં ડોકટરનાં પાટિયાં જોવા મળતાં. નાતાલ વખતે વેચાતાં કાગળનાં ફાનસ, તોરણ વગેરે પણ મોટે ભાગે ચીનાઓ બનાવીને વેચતા. ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ થયું તે વખતે આ ચીની વસતી અલોપ થઈ ગઈ.

જાણકારોને પણ મૂંઝવે એવું એક નામ છે ખમ્ભાલા હિલ. અંગ્રેજીમાં તેના ઓછામાં ઓછા બે સ્પેલિંગ જોવા મળે છે: Cumballa અને Kambala. આજે તો ફક્ત માલેતુજારો જ રહી શકે એવો આ વિસ્તાર. મલબાર હિલ પણ તેવો જ વિસ્તાર. પણ એક જમાનામાં આ બંને ટેકરીઓ પર નકરું જંગલ હતું. અને બંનેના વાસી હતાં જંગલી જાનવર. જ્યાં જુઓ ત્યાં સાપ સરતા હોય. ગીચ ઝાડીમાંથી ક્યારેક વાઘ કે ક્યારેક વરુનો અણસાર વર્તાય. માણસોએ અહીં વસવાનું શરૂ કર્યું તે પછી પણ જનાવરોએ સહેલાઈથી હાર માની નહોતી. ૧૮૦૩ના ઓક્ટોબરમાં તરસ (કે ઝરખ) નામનું પ્રાણી રેન્ડલ લોજ નામના મકાનના કંપાઉન્ડમાં દેખાયું હતું. ૧૮૨૨માં એક વાઘ મલબાર હિલની ટેકરી ઊતરીને પોતાની તરસ છીપાવવા ઠેઠ ગોવાળિયા તળાવ સુધી ગયો હતો. પણ પછી કશાકથી તે એવો તો ગભરાયો કે તીરની ઝડપે હર્મિટેજ અને અને પ્રોસ્પેક્ટ લોજ નામના બે બંગલાઓ વચ્ચેની ઝાડીમાં થઈને મલબાર હિલ ને બદલે સીધો કમ્બાલા હિલ પહોંચી ગયો હતો!

કેમ્પ્સ કોર્નર  ફ્લાયઓવર, ૧૯૬૫

મલબાર હિલ અને કમ્બાલા હિલના ઢોળાવ જ્યાં મળે છે ત્યાં વખત જતાં કેમ્પ એન્ડ કંપનીની દુકાન ખૂલી હતી. તે પછી એ વિસ્તાર કેમ્પ્સ કોર્નર તરીકે ઓળખાતો થયો. આજે હવે એ કંપની બંધ થઈ ગઈ છે. સત્તાવાર નામ છે ગોદરેજ ચોક. અને છતાં લોકજીભે વસેલું નામ તો છે કેમ્પ્સ કોર્નર. તેની નજીક આપણા દેશનો પહેલવહેલો ફ્લાઈ ઓવર બાંધવાનું કામ ૧૯૬૪ના એપ્રિલમાં શરૂ થયું હતું. અને ૧૯૬૫ના એપ્રિલની ૧૪મી તારીખે તે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. બાંધવાનો ખર્ચ થયો હતો સાડા સત્તર લાખ. (ના, જી. અહીં છાપભૂલ નથી. સાડા સત્તર કરોડ નહિ. સાડા સત્તર લાખ) પંદર-વીસ વરસ પહેલાં કરોડોના ખર્ચે બંધાયેલા ફ્લાઈ ઓવર કે સ્કાય વોક આજે તોડીને ફરી બાંધવા પડે છે. જ્યારે આ અને અને લગભગ તેની સાથે જ બંધાયેલ પ્રિન્સેસ સ્ટ્રીટનો ફ્લાઈ ઓવર થોડા સમારકામ પછી આજે ય અડીખમ ઊભા છે.

પણ સમયના ફ્લાય ઓવર પર આપણે જરા આગળ નીકળી ગયા. ખમ્ભાલા હિલની ટોચ  સુધી જતા રસ્તાનું નામ હતું અલ્ટામાઉન્ટ રોડ. કારણ એ નામનો બંગલો એ ટેકરીને મથાળે આવેલો હતો. આજુબાજુ ઝાડીઝાંખરા એટલે ત્યાં રહેવાનું કોઈ બહુ પસંદ ન કરે. છતાં ૧૮૬૫માં તેનું ‘બાદશાહી’ ભાડું હતું મહીને એક હજાર રૂપિયા! આજે અલ્ટામાઉન્ટ રોડનું સત્તાવાર નામ છે એસ.કે. બરોડાવાલા માર્ગ. પણ કોઈ ટેક્સીવાળાને આ નામ કહી જોજો. જવાબ મળશે : ‘સાહબ, યે તો મુમ્બઈ કા લોકલ ટેક્સી હૈ, બરોડા તક નહિ જાતા.’ આ બરોડાવાલા સાહેબ કોણ હતા તે જાણી શકાયું નથી.

ભુલાભાઈ દેસાઈ

અલ્ટામાઉન્ટ રોડને સમાંતર જતો બીજો રસ્તો તે પેડર રોડ. ૧૮૫૫થી ૧૮૭૯ સુધી ડબલ્યુ.જી. પેડર બોમ્બે સિવિલ સર્વિસમાં કામ કરતા હતા. ૧૮૭૯માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બન્યા. નિવૃત્તિ પછી સ્વદેશ પાછા ગયા ત્યારે લંડનની ઇન્ડિયા ઓફિસમાં રેવન્યૂ અને કોમર્સ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી તરીકે તેમની નિમણૂંક થઈ હતી. આ રસ્તાનું આજનું સત્તાવાર નામ છે ગોપાળરાવ દેશમુખ માર્ગ. આગળ જતાં દરિયા કિનારા નજીક પેડર રોડને સમાંતર જતા રસ્તાનું નામ હતું વોર્ડન રોડ. આ રસ્તો લગભગ બસ્સો વરસ પહેલાં બંધાયેલો. ફ્રાન્સિસ વોર્ડન ૧૯મી સદીની પહેલી પચ્ચીસીમાં એક મહત્ત્વના અમલદાર હતા. ૧૮૨૮માં તેઓ મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી નિમાયા હતા. નિવૃત્તિ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર બન્યા હતા. આ રોડનું આજનું નામ ભૂલાભાઈ દેસાઈ રોડ. ભૂલાભાઈ દેસાઈ (૧૮૭૭-૧૯૪૬) એટલે એ જમાનાના અત્યંત બાહોશ અને જાણીતા વકીલ.

પણ હવે પાછા જઈએ ખમ્ભાલા હિલ. આ નામ પડ્યું કેવી રીતે? ખમ્ભાલા હિલ પરના એક બંગલામાં એક મિજબાની દરમ્યાન એક મહેમાને પૂછેલું : ‘પણ આ મિસ્ટર ખમ્ભાલા હતા કોણ?’ આજુબાજુ બેઠેલાઓ હસ્યા હતા. પણ કોઈએ જવાબ આપ્યો નહોતો. કારણ આ નામનો ગળે ઊતરે એવો ખોલાસો હજી સુધી મળ્યો નથી. કોઈ ‘કમ્બાલા’ને કમળનાં ફૂલ સાથે સાંકળે છે. અને કહે છે કે ‘કમળ’નામથી થયું ‘કમ્બાલા.’ પણ ખાટલે મોટી ખોડ એ કે કમળ કાંઈ જમીન પર ખીલતાં નથી, અને ખમ્ભાલા હિલ પર મોટું તળાવ હોવાનું કોઈએ કહ્યું નથી. તો એક વિદ્વાન રિચાર્ડ એટન કહે છે કે આ નામ ઇથોપિયાના ‘કમબાતા’ શહેરના નામ સાથે જોડાયેલું છે. એક જમાનામાં હબસીઓને ગુલામ તરીકે હિન્દુસ્તાન મોકલવામાં આવતા. પણ મુશ્કેલી એ છે કે આવા ગુલામો વહાણ દ્વારા લવાતા અને વહાણ કાંઈ ટેકરી ઉપર નાંગરે નહિ. તો કોઈ વળી કહે છે કે એક જમાનામાં અહીં કબ્રસ્તાન અને સ્મશાન ભૂમિ આવેલાં હતાં. અંતિમ વિધિ થયા પછી તેમના માનમાં અહીં ખંભા કહેતાં થાંભલા ખોડાતા એટલે નામ પડ્યું ખમ્ભાલા હિલ. આમાં બે મુશ્કેલી : એક તો અહીં કબ્રસ્તાન કે સ્મશાન ભૂમિ હતાં એવું ક્યાં ય નોંધાયું નથી. બીજું, મુસ્લિમ બિરાદરો જે બાંધે છે તેને ‘કબર’ કહેવાય છે, ‘ખંભા’ નહિ. હા, ગુજરાત-મહારાષ્ટ્રમાં ધીંગાણામાં માર્યા ગયેલા વીરોની ખાંભી ખોડાય છે, પણ તેને ‘ખંભા’ કહેતાં નથી. વળી આ ટેકરી ઉપર ક્યારે ય કોઈ ધીગાણું થયું હોય એવું જાણવા મળતું નથી.

કંબલ / શમી / ખીજડો

બીજો અભિપ્રાય એવો કે આ ટેકરી પર મોટા પ્રમાણમાં જોવા મળતાં કંબલ નામના ઝાડને કારણે આ નામ પડ્યું. આ ‘કંબલ’ આપણને ‘શમી વૃક્ષ’ તરીકે વધુ જાણીતું છે. તેનું બીજું નામ ‘ખીજડો.’ શમી વૃક્ષનો ઉલ્લેખ છેક રામાયણ મહાભારતમાં પણ જોવા મળે છે. રાવણ સાથેના યુદ્ધ પહેલાં રામે શમી વૃક્ષની પૂજા કરી હતી. તો મહાભારતમાં એક વરસના વનવાસ દરમ્યાન પાંડવોએ પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર શમીના ઝાડ પર છૂપાવ્યાં હતાં એવા ઉલ્લેખ મળે છે. બીજી બાજુ ખીજડાના ઝાડ પર ભૂતનો વાસ હોય છે એવી લોકમાન્યતા પણ છે. બધી વાતોમાં આ વાત સૌથી વધુ ગળે ઊતરે તેવી છે. જે ટેકરી પર મોટા પ્રમાણમાં ‘કંબલ’નાં ઝાડ, એ ટેકરીનું નામ કમ્બાલા હિલ. અને બીજા ઘણા રસ્તાનાં નામ પણ કોઈ ને કોઈ ઝાડ પરથી ક્યાં નથી પડ્યાં? હવે આવતે અઠવાડિયે કયા રસ્તા પર લટાર મારશું? રામ જાણે.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મીડ–ડે”; 22 એપ્રિલ 2023)

Loading

25 April 2023 Vipool Kalyani
← ભગીરથ કાર્ય
લાગણીઓની અભિવ્યક્તિ પર પશ્ચિમનો રંગ →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved