Opinion Magazine
Number of visits: 9446891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—181

દીપક મહેતા|Opinion - Opinion|28 January 2023

મુંબઈ શહેરનાં સૌથી વધુ પ્રખ્યાત પગથિયાં કયાં?

મુંબઈના ગવર્નરના બદલાતા જતા બંગલા   

સવાલ : ૧૮૩૫માં શરૂ થયેલી એલ્ફિન્સ્ટન કોલેજ, ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બે, ૧૮૬૨માં શરૂ થયેલી બોમ્બે હાઈ કોર્ટ, ૧૮૬૫માં શરૂ થયેલી ફાર્બસ ગુજરાતી સભા – આ બધી સંસ્થાઓનો જન્મ એક જ સ્થળે થયો હતો. એ જગ્યા તે કઈ?  જવાબ આજના લેખને અંતે. 

૧૮૦૪ના નવેમ્બરની ૨૬મી તારીખ એ એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈનો જન્મ દિવસ. સમય સાંજ પહેલાંની સાંજ. સ્થળ : બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરનો પરળ (પરેલ) ખાતે આવેલો વિશાલ બંગલો. એક પછી એક નામવંત ગોરાઓ આવતા જાય છે. કોઈ પાલખીમાં, કોઈ ઘોડા ગાડીમાં, કોઈ ઘોડેસ્વાર થઈને. સૌથી પહેલા આવે છે ઓનરેબલ સર જેમ્સ મેકિન્‌ટોશ, રેકોર્ડર્સ કોર્ટના જજ. બીજા આવનારાઓમાંના કેટલાક : મુંબઈ ખાતેના લશ્કરના વડા જનરલ ઓલિવર નિકોલ્સ, મેડિકલ બોર્ડના પહેલા સભ્ય હેલેનસ સ્કોટ, ચાર્લ્સ ફોર્બ્સ, સર્જન જનરલ ડોક્ટર રોબર્ટ ડ્રમંડ, મેજર એડવર્ડ મૂર, વિલિયમ અર્સકિન, અને બીજાઓ. બીજા બધા આવી ગયા પછી પધારે છે ગવર્નર જોનાથન ડંકન. સૌ ઊભા થઈને તેમનું અભિવાદન કરે છે. તેમની અનુમતિ લઈને સર જેમ્સ મેકિન્‌ટોશ પોતાનું ભાષણ વાંચવાનું શરૂ કરે છે : “આજે આપણે એક સાવ નાની સોસાયટીની શરૂઆત કરી રહ્યા છીએ. પણ તેની સ્થાપના પાછળનો હેતુ ઘણો મોટો છે : જ્ઞાન માટેનો પ્રેમ, જ્ઞાન માટેનો આદર. આપણે જે વિશાળ દેશ પર રાજ્ય કરીએ છીએ, જેના વિકાસ અને પ્રગતિ માટે સતત પ્રયત્નો કરીએ છીએ, તે દેશના લોકો, તેમની સંસ્કૃતિ, ભાષાઓ, સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય વગેરેના વારસાનો આપણે અભ્યાસ કરીએ અને તે દ્વારા આપણા દેશના લોકોને હિન્દુસ્તાનથી વધુ સારી રીતે પરિચિત કરીએ એ આપણી ફરજ બની રહે છે. આજે શરૂ થતી ધ લિટરરી સોસાયટી ઓફ બોમ્બે આ દિશામાંનું પહેલું પગલું છે. સર વિલિયમ જોન્સે એશિયાટિક સોસાયટી ઓફ બેન્ગાલ દ્વારા જે કામ આદર્યું છે તેનું અનુસંધાન આપણી સોસાયટી કરી શકશે એવી આશા રાખીએ.” આ સભામાં સોસાયટીના પહેલા પ્રમુખ તરીકે સર્વાનુમતે સર જેમ્સ મેકિન્‌ટોશની વરણી કરવામાં આવી.

 સર જેમ્સ મેકિન઼્ટોશ

આ સોસાયટીએ પહેલું કામ કર્યું લાઈબ્રેરી ઊભી કરવાનું. છેક ૧૭૮૯માં મુંબઈમાં એક લાઈબ્રેરી શરૂ થઈ હતી. તેમાં મુખ્યત્ત્વે મેડિકલ અને સાહિત્યનાં પુસ્તકો હતાં. આ આખી લાઈબ્રેરી નવી સોસાયાટીએ ખરીદી લીધી. ૧૮૨૬માં આ સોસાયટી રોયલ સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ સાથે ભળી ગઈ અને બની બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી. ૧૮૭૩માં ધ જ્યોગ્રોફિકલ સોસાયટી ઓફ બોમ્બે અને ૧૮૯૬માં ધ એન્થ્રોપોલોજિકલ સોસાયટી ઓફ બોમ્બે તેમાં ભળી ગઈ. ૧૮૪૧થી ‘જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી’નું પ્રકાશન શરૂ થયું. ૧૮૪૧ સુધી આ સોસાયટીનું સભ્યપદ ફક્ત અંગ્રેજો જ મેળવી શકતા. ૧૮૪૧થી ‘દેશીઓ’ પણ સભ્ય બની શકે એમ ઠરાવાયું. આઝાદી પછી ૧૯૫૪માં રોયલ એશિયાટિક સોસાયટીથી અલગ થઈને મુંબઈની સોસાયટી બની ધ એશિયાટી સોસાયટી ઓફ બોમ્બે. છેવટે બોમ્બેનું સત્તાવાર નામ મુંબઈ બન્યા પછી તે બની ધ એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ.

ગવર્નર્સ હાઉસ, પરળ, ૧૮૬૬માં

આમ, લિટરરી સોસાયટી ઓફ બોમ્બેની શરૂઆત મુંબઈના ગવર્નરના બંગલામાં થઈ. ભલે થોડી આડવાત થાય, પણ મુંબઈના ગવર્નરના રહેઠાણનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. પોર્ટુગીઝ શાસન દરમ્યાન લગભગ બધા ગવર્નર બોમ્બે કાસલમાં રહેતા. આ બોમ્બે કાસલ આજે આઈ.એન.એસ. આંગ્રેનો એક ભાગ છે. સુરત ઉપરાંત સારો એવો વખત મુંબઈમાં રહેનારા પહેલા અંગ્રેજ ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆર પણ બોમ્બે કાસલમાં રહ્યા. ૧૭૫૭ સુધી બ્રિટિશ ગવર્નરો ત્યાં રહ્યા. આ કાસલની જમીન પર અગાઉ મનોર હાઉસ નામનું મકાન હતું.

પછી ૧૭૫૭માં જોન સ્પેન્સરનું મકાન ખરીદી લઈને સરકારે તેને ગવર્નરનું રહેઠાણ બનાવ્યું. પણ પછી લાગ્યું કે આ મકાનની આસપાસ બહુ ગીચ વસ્તી છે એટલે તે ગવર્નરને રહેવા લાયક નથી. એટલે ગવર્નર્સ હાઉસને પરળ (પરેલ) ખસેડવામાં આવ્યું.  ૧૬૭૩માં બંધાયેલું આ મકાન મૂળ તો પોર્ટુગીઝ ફ્રાન્સિસકન સંપ્રદાયનું દેવળ હતું. પણ ૧૭૧૯માં બ્રિટિશ ગવર્નરે એ મકાન લઈ લીધું અને ઉનાળામાં ત્યાં રહેવા લાગ્યા. કારણ ત્યાંની આબોહવા શહેર કરતાં ઘણી સારી હતી! ગવર્નર આવી વસ્યા એ પછી આસપાસનો વિસ્તાર ખૂબ વિકસ્યો અને મુંબઈનો ‘પોશ એરિયા’ ગણાવા લાગ્યો. ૧૭૭૧માં ગવર્નર વિલિયમ હોર્નબીએ માત્ર ઉનાળામાં જ નહિ, આખું વરસ અહીં રહેવાનું શરૂ કર્યું. આ ગવર્નર હોર્નબીના નામ પરથી જ હોર્નબી વેલાર્ડ અને હોર્ન્બી રોડ નામ પડેલાં. તેમણે દેવળના મુખ્ય ભાગને બેન્કવેટ હોલ અને બોલરૂમમાં ફેરવી નાખ્યો. પણ પછી એ વિસ્તારમાં એક પછી એક કોટન મિલ આવતી ગઈ અને હવા પ્રદૂષિત બની ગઈ. એટલે ગવર્નર્સ હાઉસને મલબાર હિલ ખસેડવામાં આવ્યું. ૧૮૯૦ના પ્લેગ વખતે પરળના મકાનમાં હાફકીન રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ.

મલબાર હિલ પર ગવર્નર્સ હાઉસ (આજનું રાજભવન) બંધાયું તે પહેલાં એ જગ્યા ‘મલબાર પોઈન્ટ’ તરીકે ઓળખાતી. ગવર્નર વિલિયમ મેડોઝ અને સર ઈવાન નેપિયન ઘણી વાર શિકાર કરવા ત્યાં જતા ત્યારે એક રૂમના નાનકડા મકાનમાં રહેતા. (મેડોઝ સ્ટ્રીટ અને નેપિયન સી રોડ નામ આ બંને પરથી પડેલાં.) પછી એ જગ્યાએ મરીન વિલા નામનો બંગલો બંધાયો. ગવર્નર જેમ્સ ફર્ગ્યુસનનાં પત્નીનું પ્લેગને કારણે પરળના બંગલામાં અવસાન થયું ત્યારે ગવર્નર્સ હાઉસને તાબડતોબ મલબાર પોઈન્ટ ખસેડવામાં આવ્યું. ત્યારથી આજ સુધી પહેલાં બોમ્બે પ્રેસિડન્સીના, પછી મુંબઈ રાજ્યના, અને હવે મહારાષ્ટ્રના ગવર્નર ત્યાં જ રહે છે.

ત્રણ બાજુએ દરિયાથી વીંટળાયેલા રાજ ભવનમાં કુલ પાંચ મકાન છે : જલ ભૂષણ, જે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને બંધાવ્યું હતું. દેશના વડા પ્રધાન જ્યારે મુંબઈની મુલાકાતે આવે ત્યારે સાધારણ રીતે જલ ચિંતન નામના બંગલામાં રહે છે. તો સર બાર્ટલ ફ્રેરેએ બંધાવેલો બંગલો હવે જલ લક્ષણ તરીકે ઓળખાય છે અને દેશના પ્રમુખ મુંબઈની મુલાકાતે આવે ત્યારે ત્યાં રહે છે. જલ વિહાર બંગલો એ વિશાળ બેન્કવેટ હોલ છે. જલ સભાગૃહ અથવા દરબાર હોલ નામની ઈમારતમાં શપથવિધિ અને બીજા મહત્ત્વના સમારંભો થાય છે.

ટાઉન હોલ અને એશિયાટિક સોસાયટી, ૧૯૦૪માં

મુંબઈ શહેરનાં સૌથી વધુ પ્રખ્યાત પગથિયાં કયાં, એવો સવાલ કોઈ પૂછે તો તરત જવાબ મળે : ટાઉન હોલનાં પગથિયાં. આ ટાઉન હોલ અને એશિયાટિક સોસાયટી પણ એકબીજા સાથે જોડાયેલાં છે. સોસાયટીની સ્થાપના થઈ તે પછી સાત વરસે ટાઉન હોલ બાંધવાની યોજના તૈયાર થઈ. બાંધકામ શરૂ પણ થયું. પણ પછી પૈસાને અભાવે લટકી પડ્યું. પૈસા લાવવા ક્યાંથી? લિટરરી સોસાયટી ઓફ બોમ્બેએ એ માટે લોટરી કાઢી. દસ હજાર રૂપિયા ભેગા થયા. તેમાંથી ફક્ત લાઈબ્રેરી અને મ્યુઝિયમ પૂરતી ઈમારત બાંધી શકાઈ. હા, જી. મુંબઈનું પહેલવહેલું મ્યુઝિયમ પણ આ મકાનમાં હતું. ૧૮૭૨માં વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ તૈયાર થતાં તેની નવી ઈમારતમાં તે ખસેડાયું. આ મ્યુઝિયમ હવે ડો. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. પછી ધીમે ધીમે કામ આગળ વધતું ગયું અને ૧૮૩૩માં ટાઉન હોલનું મકાન બંધાઈ રહ્યું. ગ્રીક અને રોમન સ્થાપત્યની તેના પર દેખીતી અસર છે. આ ઈમારત બાંધવા માટેના બધા જ પથ્થર ઇંગલન્ડથી લવાયા હતા. ૧૯૩૦માં મુંબઈના ગવર્નર સર જોન માલ્કમે કહ્યું હતું કે આના કરતાં વધુ ભવ્ય બીજી કોઈ ઇમારત હિન્દુસ્તાનમાં તો બંધાઈ નથી. વચમાં ઘણાં વરસ આ ઇમારત બિસમાર હાલતમાં રહી હતી. પણ છેલ્લાં કેટલાંક વરસોમાં તેને બને તેટલી અસલ હાલતમાં લાવવાના પ્રયત્નો થયા છે.

મુંબઈનાં પ્રખ્યાત પગથિયાં

એશિયાટિક સોસાયટીનું સૌથી મોંઘુ ઘરેણું છે એની લાઈબ્રેરી. તેમાં એક લાખ કરતાં વધુ પુસ્તકો છે, જેમાં ઘણાં દુર્લભ પુસ્તકોનો સમાવેશ થાય છે. અંગ્રેજી પુસ્તકો ઘણી મોટી સંખ્યામાં છે, પણ સંસ્કૃત, મરાઠી, ગુજરાતી અને કેટલીક યુરોપિયન ભાષાઓનાં પુસ્તકો પણ અહીં છે. તેમાંનાં દુર્લભ પુસ્તકોની જાળવણી માટે અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા અંગત સંગ્રહો પણ આ લાઈબ્રેરીને ભેટ મળ્યા છે. જેમાં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન, જગન્નાથ શંકરશેઠ, સર કાવસજી જહાંગીર, ડો. ભાઉ દાજી લાડ, ભગવાનલાલ ઈન્દ્રજી, પુ.લ. દેશપાંડે વગેરેના સંગ્રહોનો સમાવેશ થાય છે.

૧૯મી સદીનાં કેટલાંક મહત્ત્વનાં અખબારો અને સામયિકોની ફાઈલો પણ અહીં સચવાઈ છે, જેમાંની ઘણી હવે ડિજિટલ ફોર્મમાં જોવા મળી શકે છે. ૧૮૪૧થી શરૂ થયેલ આ સોસાયટીના જર્નલને પણ સી.ડી. રોમ પર મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત લગભગ ૩,૦૦૦ જેટલી હસ્તપ્રતો પણ અહીં છે. તેમાં સંસ્કૃત, અરબી, ફારસી, ઉર્દૂ, પ્રાકૃત, ગુજરાતી, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓનો સમાવેશ થાય છે. આ હસ્તપ્રતોની જાળવણી માટે પણ અહીં અદ્યતન સગવડો છે.

એક જમાનામાં મુંબઈનાં જાહેર સ્થળોએ ઘણા અંગ્રેજોનાં પૂતળાં જોવા મળતાં. હવે એમાંનાં ઘણાંખરાં જીજા માતા ઉદ્યાન(વિક્ટોરિયા ગાર્ડન)ની પછીતે પધરાવાયાં છે. પણ એશિયાટિક સોસાયટીના મકાનમાં હજી અંગ્રેજ વિદ્વાનોનાં પૂતળાં કે તૈલચિત્રો સચવાયાં છે. તેમાં સ્થાપક-પ્રમુખ સર જેમ્સ મેકિન્‌ટોશ, માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન, જોન માલ્કમ, ચાર્લ્સ ફોર્બ્સ, વિલિયમ અર્સ્કીન, વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જગન્નાથ શંકરશેઠ, ડો. ભાઉ દાજી લાડ, ભગવાનલાલ ઇન્દ્રજી, જસ્ટિસ કે.ટી. તેલંગ, મહામહોપાધ્યાય ડો. પી.વી. કાણે, વગેરેનાં પૂતળાં કે તૈલચિત્રો અહીં છે. આમાંનાં કેટલાક તૈલચિત્રોને પછીથી દરબાર હોલમાં ખસેડાયાં છે. ઉપરાંત કેટલાંક તૈલચિત્રો દરબાર હોલમાં નવાં મૂકવામાં આવ્યાં છે. તેમાં રેવરન્ડ ડો. જોન વિલ્સન, ડો. એસ.પી. પંડિત, ડો. સર જીવણજી મોદી, અને ડો. સર રામકૃષ્ણ ભાંડારકરનો સમાવેશ થાય છે.

ઓગણીસમી સદીના આરંભે સ્થપાયેલી એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ આજ સુધી અનેક પ્રતિકૂળતા વચ્ચે પણ ટકી રહી છે. તો ઘણી સંસ્થાઓ ઊગ્યા પછી વહેલી કે મોડી આથમી ગઈ. મુંબઈની આવી કેટલીક સંસ્થાઓની વાત હવે પછી.

 *

જવાબ : એલ્ફિન્સ્ટન કોલેજ, યુનિવર્સિટી ઓફ બોમ્બે, બોમ્બે હાઈ કોર્ટ, ફાર્બસ ગુજરાતી સભા – આ બધી સંસ્થાઓનો જન્મ એશિયાટિક સોસાયટીના મકાનમાંના ટાઉન હોલમાં થયો હતો.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 28 જાન્યુઆરી 2023

Loading

28 January 2023 Vipool Kalyani
← ડાહીડમરી સ્ત્રીની ભડલીવાણી
બુદ્ધિશાળી સમજદાર નાગરિકોને કાયદાનું જવાબદાર રાજ્ય જોઈએ છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved