Opinion Magazine
Number of visits: 9446744
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—177

દીપક મહેતા|Opinion - Opinion|31 December 2022

માછીમારોની જીવાદોરી હોડી 

સૌનું વાહન, સસ્તું વાહન, ઘોડાની ટ્રામ 

ધોબી તળાવ ધોબીઓએ જ બંધાવેલું – ફરામજી શેઠે નહિ

ચાલોને ચાલોને ચાલોને રમીએ હોડી હોડી
વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર
ઝરણાં નાનાં જાય દોડી દોડી … ચાલોને

પિનુભાઈ(પિનાકિન ત્રિવેદી)નું આ ગીત તેમની જ પાસેથી ન્યૂ ઈરા સ્કૂલમાં શીખવા મળેલું. પણ આજે એકાએક આ ગીત યાદ આવવાનું કારણ? કારણ કે હોડી એટલે મુંબઈનું પહેલવહેલું વાહન. મુંબઈના સાત ટાપુ એકબીજા સાથે સંધાયા-જોડાયા નહોતા. દરેક ટાપુ દરિયાના પાણીથી વીંટળાયેલો. માછીમારો, કોળીઓ સિવાય ભાગ્યે જ બીજી કોઈ વસ્તી. અને આ માછીમારો માટે હોડી એ માત્ર વાહન જ નહિ, જીવાદોરીનું એકમાત્ર સાધન. એક ટાપુ પરથી બીજા ટાપુ પર જવું છે? હંકારો હોડી! માછલી પકડવા જવું છે? હોડી છે ને! ચૂલામાં બાળવાનાં લાકડાં ખૂટી ગયાં છે? હોડીમાં ભરીને લઈ આવો. ઘરમાં કોઈ માંદુ પડ્યું છે અને એને મંતરેલું પાણી પીવડાવવા ભૂવા પાસે લઈ જવાનું છે? હોડીમાં સુવડાવી દો.

પણ પછી સાત ટાપુ એકબીજા સાથે જોડાવા લાગ્યા. વચમાંનાં દરિયો કે ખાડી એક પછી એક પુરાવા લાગ્યાં. ધૂળિયા રસ્તા અંકાવા લાગ્યા. આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો મુંબઈ આવીને વસવા લાગ્યા. એમાં મજૂરો અને વસવાયાં હતાં એમ શાહુકારો અને વેપારીઓ પણ હતા. અને એની સાથે શરૂઆત થઈ મુંબઈની જન સંસ્કૃતિની અને મહાજન સંસ્કૃતિની. બહારથી આવીને મુંબઈમાં વસેલા લોકોનું પહેલું વાહન હતું બળદ ગાડી. સિંધુ નદીની સંસ્કૃતિના જે અવશેષો મળ્યા છે તેમાં માટીની ગાલ્લી જોવા મળે છે. તે એવી રીતે બનાવેલી છે  કે તેનાં પૈડાં ચાલી શકે. કદ પણ નાનું છે એટલે કદાચ બાળકો માટેનું રમકડું હશે.

સિંધુ નદીની સંસ્કૃતિના અવશેષોમાંથી મળેલી માટીની ગાલ્લી

બાળકો માટીની ગાલ્લીથી રમતાં એ વાતને શૂદ્રકના સંસ્કૃત નાટક ‘મૃચ્છકટિકમ્’માંથી ટેકો મળી રહે છે. તેમાં નાટકના નાયક ચારુદત્તનો દીકરો પડોશના છોકરાની સોનાની ગાલ્લી જોઈને તેવી ગાલ્લી માટે હઠ કરે છે. કન્નડ ભાષાની પહેલવહેલી મૂગી ફિલ્મ ‘વસંતસેના’ આ નાટક પરથી બની હતી. ગિરીશ કર્નાડ દિગ્દર્શિત અને શશી કપૂર નિર્મિત ૧૯૮૪માં આવેલી હિન્દી ફિલ્મ ‘ઉત્સવ’ પણ આ જ નાટક પરથી બની હતી.

મુંબઈનું આ પહેલું વાહન દેખાવમાં ગાડા જેવું નહિ, પણ પછી આવેલા એક્કા જેવું હતું. મુંબઈના રસ્તા પરની એક બળદ ગાડીનો ૧૮૭૦માં લેવાયેલો ફોટો મળે છે. તે જોતાં ખાતરી થાય છે કે શરૂઆતની બળદ ગાડી પછીના એક્કા જેવી હતી. ભગવદ્ગોમંડળ કોશ ‘એક્કો’ શબ્દના કુલ ૧૬ અર્થ આપે છે. તેમાંનો પહેલો અર્થ છે:

“એક ઘોડો કે બળદ જોડાતો હોય એવી બે પૈડાંથી ચાલતી ગાડી; ડમણી; જમણિયું.” ડમણી કે જમણિયું શબ્દ મુંબઈમાં વપરાતો નથી. આ વાહનમાં સાધારણ રીતે એક જ વ્યક્તિ બેસી શકે એટલી જગ્યા રહેતી એટલે કદાચ તેને ‘એક્કો’ કહેતા હશે. ૧૯૫૭માં આવેલી ફિલ્મ ‘નયા દૌર’માંનું ખૂબ જ લોકપ્રિય થયેલું ગીત ‘માંગ કે સાથ તુમ્હારા, મૈને માગ લિયા સંસાર’ આખેઆખું એક્કા પર ફિલ્માવાયું હતું.

મહાજનોનું વાહન પાલખી

બળદ ગાડી કે એક્કો એ તો જન સાધારણનું વાહન. પણ મહાજનનું શું? ગોરા અમલદારોનું શું? જેમ રાજા-મહારાજાનું જોઈને નોકર પાસે છત્રી ઉપડાવતા, તેમ મહાજનોએ અને ગોરાઓએ પોતાને માટે પાલખીની સગવડ ઊભી કરી દીધી. કોઈ સાદી, કોઈ શણગારેલી, કોઈ ખુલ્લી, કોઈ પડદાવાળી. બે, ચાર કે વધુ માણસો પાલખી ઉપાડીને ચાલે. એ જમાનામાં પાલખી ઉપાડનારા ભોઈઓ ભૂલેશ્વર નજીકના એક ચોક્કસ વિસ્તારમાં રહેતા. તેથી એ વિસ્તારની ત્રણ ગલ્લીનું નામ ભોઈ વાડો પડી ગયું. ભોઈ વાડાની જગ્યા ગમ્બા નાયક અને વિઠ્ઠલ નાયક જાવલેને સરકારે વંશપરંપરા આપી હતી. ૧૬૮૭માં મુંબઈના ગવર્નર સર જોન ચાઈલ્ડે આ અંગેના દસ્તાવેજ પર સહી સિક્કા કર્યા હતા. એટલું જ નહિ, તેમની નિમણૂક વંશપરંપરાગત ‘મુંબઈના વૈદ’ તરીકે પણ કરી હતી. આપણા પ્રખ્યાત ધારાશાસ્ત્રી નાની પાલખીવાલાની અટક આ પાલખી સાથે જોડાયેલી છે. એક જમાનામાં તેમનું કુટુંબ પાલખી બનાવવાનું અને સમી કરવાનું કામ કરતું. હવે જરા વિચાર કરો. ત્રણ ત્રણ ગલ્લીમાં જો ભોઈ લોકો વસતા હોય તો એ જમાનામાં મુંબઈમાં કેટલી પાલખી વપરાતી હશે!

આમ જનનું વાહન બળદ ગાડી – ૧૮૭૦નો ફોટો

પણ બળદ ગાડી, એક્કો, પાલખી, આ બધા એક, કે બહુ બહુ તો બે વ્યક્તિ માટેનાં વાહન. અને એ પોસાય પણ ઓછા લોકોને. એટલે મોટા ભાગના લોકો તો ચાલવાનું જ પસંદ કરે. મુંબઈના રસ્તાઓ પરના વાહનવ્યવહાર ક્ષેત્રે મોટામાં મોટી ક્રાંતિ આવી ૧૮૭૪ના મે મહિનાની નવમી તારીખે. એ દિવસે બે રૂટ પર ટ્રામ સર્વિસ ચાલુ થઈ – કોલાબાથી ક્રાફર્ડ માર્કેટ થઈને પાયધુની, અને બીજો રૂટ બોરી બંદરથી કાલબાદેવી થઈને પાયધુની. આ ટ્રામને ખેંચતા હતા ઘોડા. શરૂઆતમાં ટિકિટ હતી ત્રણ આના. પણ લોકોનો એવો જબરદસ્ત ટેકો મળ્યો કે થોડા વખત પછી ટિકિટનો ભાવ ઘટાડીને બે આના કરવામાં આવ્યો. આ ટ્રામ સર્વિસ શરૂ કરી હતી બોમ્બે ટ્રામવે કંપની નામની એક ખાનગી કંપનીએ. ટ્રામને ખેંચવા માટે તેના તબેલામાં ૧,૩૬૦ ઘોડા રહેતા. ટ્રામથી થતી આવક એટલી તો વધતી ગઈ કે તેનાથી લોભાઈને મ્યુનિસિપાલિટીએ ૧૯૦૧માં ખાનગી કંપની પાસેથી ટ્રામ વ્યવહાર લઈ લીધો. અલબત્ત, આ અંગે કાનૂની લડાઈ થઈ, કોરટ કચેરી થયાં. પણ છેવટે ૧૯૦૫ના જૂનની ૨૭મી તારીખે બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રામ-વે (BEST) કંપનીની સ્થાપના લંડનમાં થઈ. આજે પણ મુંબઈનો બસ-વ્યવહાર આ BEST જ સંભાળે છે.

સૌનું વાહન ઘોડાની ટ્રામ – ૧૯૦૦નો ફોટો

પણ મુંબઈમાં ટ્રામ શરૂ થઈ એમાં મોટી ક્રાંતિ ક્યાં આવી? પહેલી વાત એ કે આ ટ્રામ એ મુંબઈના રસ્તાઓ પરની Mass Transportની પહેલી સગવડ. તેમાં વર્ગભેદ નહિ, ઊંચ-નીચ, તવંગર-ગરીબના ભેદ નહિ. જે ટિકિટના પૈસા ખર્ચે તે તેમાં બેસે. અને ટ્રામ સસ્તી પણ કેટલી! ખરચવા પડે માત્ર બે આના (આજના બાર પૈસા)! પણ વાહન વ્યવહારની વધુ વાતો મુલતવી રાખીને હવે બીજી એક અગત્યની વાત.

ધોબી તળાવ ધોબીઓએ જ બંધાવેલું – ફરામજી શેઠે નહિ

આજે જે વિસ્તારનું સત્તાવાર નામ ક્રાંતિવીર વાસુદેવ બળવંત ફડકે ચોક છે તે વિસ્તારનું લોકજીભે ચડેલું નામ ધોબી તળાવ. એનું બીજું નામ હતું ફરામજી કાવસજી ટેંક. સાધારણ માન્યતા એવી કે આ તળાવ ફરામજી કાવસજી બનાજીએ બંધાવેલું. અગાઉ આ લખનારે પણ એમ જ લખ્યું છે. પણ હકીકત જરા જૂદી છે એમ હવે જાણવા મળ્યું છે. સાચી હકીકત રતનજી ફરામજી વાછાના ૧૮૭૪માં પ્રગટ થયેલા ‘મુંબઈનો બહાર’ નામના અત્યંત ભરોસાપાત્ર પુસ્તકમાંથી જાણવા મળે છે. કાવસજીના પ્રપૌત્ર ખુશરૂ નવરોસજી બનાજીએ લખેલા ફરામજીના જીવન ચરિત્ર Memoirs of the late Framji Cowasji Banaji (૧૮૯૨, મુંબઈ)માંથી એ વાતને પુષ્ટિ મળે છે. ખરી હકીકત એ છે કે અહીંનું મૂળ તળાવ પોર્ટુગીઝ શાસન વખતે બંધાયેલું. કેટલાક ધોબીઓએ ફાળો ઉઘરાવીને એ ખોદાવેલું. તેનો ઉપયોગ પણ મુખ્યત્વે ધોબીઓ જ કરતા. પછી ધીમે ધીમે તેનો ઉપયોગ ઓછો થતો ગયો અને છેવટે તેની હાલત બિસ્માર થઈ ગઈ. આ વાત ફરામજી કાવસજી બનાજીના ધ્યાનમાં આવી. એટલે તેમણે પોતાને ખર્ચે એ તળાવનો જીર્ણોધ્ધાર કરાવીને તેને ફરી વાપરવા લાયક બનાવ્યું. તેમની આ ઉદારતાની નોંધ લઈને સરકારે તેનું નામ ફરામજી કાવસજી ટેંક રાખવાનું ઠરાવ્યું. ૧૯૧૭માં પ્રગટ થયેલા પુસ્તક Bombay Place-names and street-namesમાં લેખક સેમ્યુઅલ શેપર્ડ લખે છે કે એ તળાવની એક બાજુએ તેમણે નીચે પ્રમાણેના લખાણવાળી તકતી જોઈ હતી:

Framji Cowasjee Tank. This tank was so called by order of Government to commemorate the late Framji Cowasjee’s liberality in expending a large sum of money on its reconstruction in the year 1839. ‘મુંબઈનો બહાર’ લખે છે કે આ કામ પાછળ ફરામજીએ ૩૫ હજાર રૂપિયા ખરચ્યા હતા. આમ ફરામજીએ આ તળાવ બંધાવ્યું નહોતું, સમરાવ્યું હતું. અને બીજું, મૂળ તળાવ છેક પોર્ટુગીઝ શાસન વખતે બંધાયું હતું અને ત્યારે તે ‘ધોબી તળાવ’ તરીકે ઓળખાતું.

અગાઉ પણ ફરામજીએ પાણી પાછળ પુષ્કળ પૈસા ખર્ચેલા. એ જમાનામાં પીવાના પાણીની ભારે તંગી. આવો એક વિસ્તાર તે બદનામ બસ્તી જેવો કામાઠીપુરાનો વિસ્તાર. ફરામજીનો ચીન સાથે બહોળો વેપાર. આજના આખા પવાઈ વિસ્તારની બધી જમીન તેમની. તેમના બેટા એદલજી વેપારના કામ માટે ચીન ગયેલા. પાછા ફરતાં મદ્રાસ (આજનું ચેન્નાઈ) સુધી વહાણમાં આવ્યા. પછી ત્યાંથી પગ રસ્તે મુંબઈ આવવા નીકળ્યા. રસ્તામાં ચોર-લૂંટારા, જંગલી જનાવરની બીક. એટલે સાથે મોટી રાઈફલ રાખેલી. પનવેલ નજીક રાતવાસો કરવા રોકાયા. ભરેલી રાઈફલ બાજુમાં રાખીને સૂતા. શું થયું, કેમ થયું, એની તો કોઈને ખબર ન પડી. પણ રાતમાં એ રાઈફલ ફૂટી અને એદલજીનો જીવ લીધો. પોતાના વહાલા દીકરાની યાદમાં શું કરવું? અને એદલજીને પેલી કામાઠીપુરાની મુસીબત યાદ આવી.

પછીથી ‘મુગભાટ લેન’ તરીકે ઓળખાતા વિસ્તારમાં ત્યારે મગ અને ભાતનાં ખેતરો. ફરામજીશેઠે ત્યાં જમીન ખરીદી. ચાર કૂવા ખોદાવ્યા. તેમાંથી પાણી કાઢવા માટે એક પંપ બેસાડ્યો અને ત્રણ મૂકાવ્યા બળદથી ચાલતા રહેંટ. પછી ત્યાંથી નાખી પાણીની પાઈપ છેક કામાઠીપુરા સુધી. એ પાણી સંઘરીને લોકોને વહેંચવા માટે ગ્રાન્ટ રોડ વિસ્તારમાં બે મોટી ટાંકી મૂકાવી. તેથી વર્ષો સુધી એ વિસ્તાર ‘દોન ટાંકી’ તરીકે ઓળખાતો. આ કામ પાછળ તેમણે ૪૦ હજાર રૂપિયા ખર્ચેલા, એ જમાનામાં. આ ઉપરાંત આ સગવડ ચાલુ રાખવા માટે તેઓ દર મહિને અઢી સો રૂપિયા ખરચતા.

મુંબઈ ઉજળું છે તે આવા દાનવીરોને લીધે.

e.mail : deepakbmehta@gmail.com 

xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 31 ડિસેમ્બર 2022

Loading

31 December 2022 Vipool Kalyani
← ના કહી શક્યાનું દુઃખ
એક એકને વધાવીએ … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved