મુંબઈની સંસ્કૃતિના ચાર સ્તર : મહાજન, જન, લોક અને લઘુ સંસ્કૃતિ
રાજા રવિવર્માનાં ચિત્રો મહેલમાં તેમ જ ચાલીની ખોલીમાં પણ દેખાતાં
થોડા દિવસ પહેલાં વહેલી સવારે અગિયારેક વાગે એક મિત્રનો ફોન આવ્યો. (હા, જી. અમારે માટે એ સમય ‘વહેલી સવાર’નો જ હોય છે.) તેમણે પૂછ્યું: ‘આ શું માંડ્યું છે તમે?’ ‘મેં તો નથી માંડી શેરડીના રસની દુકાન કે નથી વેચતો હું લીંબુ પાણી.’ ‘એ જ તો કહું છું. તમને ખાવા-પીવા સિવાય બીજું કાંઈ સૂઝે છે કે નહિ? છેલ્લા ત્રણ-ચાર મહિનાથી બસ, ખાધા-પીધા જ કરો છો.’ ‘દોસ્ત, તમારી કાંઈક ભૂલ થાય છે. હું તો જન્મ્યો ત્યારથી જ ખાતો-પીતો રહ્યો છું.’ ‘એ જ વાંધો છે ને. ખાય-પીએ છે તો બધા. એમાં આટલું લખવાનું શું? એના કરતાં કાંક ધરમધ્યાનની વાતો લખો તો કાયાનું કલ્યાણ થાય – તમારી તો ખબર નથી, પણ વાચકોની કાયાનું તો જરૂર થાય.’
ફોન પરની વાત તો પૂરી થઈ. પણ પછી જાત સાથેની શરૂ થઈ. આ ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, હરવું-ફરવું, એ બધાંનું જીવનમાં કશું મહત્ત્વ નથી? સંસ્કૃતિમાં કશું સ્થાન નથી? આપણી ભાષામાં લખનારામાંથી ઘણાખરા વિદ્વાનો પણ માને છે કે સંસ્કૃતિ એટલે ભાષા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, શિલ્પ, સ્થાપત્ય, વગેરે. રોજિંદા જીવનની વાતો કે વસ્તુઓ તે કાંઈ સંસ્કૃતિ કહેવાય? અને પાછા સંસ્કૃતિના બે જ ભાગ તેમને દેખાય : ગ્રામ સંસ્કૃતિ અને નગર સંસ્કૃતિ. તેમાં પહેલીની પ્રશંસા કરવાની, બીજીની ટીકા. મુંબઈ જેવા શહેરમાં રહીને, તેની બધી સગવડો ભોગવીને, કોઈ જ્યારે સ્વેચ્છાએ પાછળ છોડેલા ગામડાને સતત વાગોળ્યા જ છે ત્યારે હસવું કે રડવું એ સમજાતું નથી. ‘અરેરે, એ મારા ગોમડાનું જીવન! હવારે ચારેક વાગે ઊઠીને બા ઘંટી પર દળણું દળતી. ઘંટીના એ ઘેઘૂર અવાજથી કેવી મીઠી ઊંઘ મને આવતી! માથે ત્રણ બેડાં મૂકીને બેન કૂવેથી પાણી ભરીને આવતી એ દૃષ્ય કેવું મનોરમ!’ આવા લેખકોને કહેવાનું મન થાય કે ભલા માણસ, કોઈ દિ માને કહેલું ખરું કે મા, આજે ઘંટી હું ફેરવીશ, તું મીઠી નીંદર માણ. ક્યારે ય બહેનને કહેલું ખરું કે બહેન, આજે બેડાં મને આપ, અને હું પાણી ભરીને આવું એ મનોરમ દૃષ્ય ઓટલે બેસીને આજે તું જોજે! આવા લેખકો જે લખે છે તે તો મૂઈ ભેંસના મોટા ડોળા જેવું હોય છે.
જાણતલ અભ્યાસીઓ કહે છે કે હકીકતમાં સંસ્કૃતિના ચાર સ્તર હોય છે. ટોચ પર છે ‘મહાજન સંસ્કૃતિ’ જેને અંગ્રેજીમાં Elite culture કહે છે. પછી આવે છે ‘જન સંસ્કૃતિ.’ અંગ્રેજીમાં Popular culture. યરપ-અમેરિકામાં આજે તેનાં અનેક પાસાંનો ઊંડાણ અને ગંભીરતાથી અભ્યાસ થાય છે. આ ‘પોપ્યુલર’ એટલે લોકપ્રિય અને લોકભોગ્ય, બંને. પછી આવે ગ્રામ સંસ્કૃતિ, ફોક કલ્ચર. જે મુંબઈના ઘણા લોકોને મન ગરબા અને ડાયરામાં જ સમાઈ જાય છે. અને છેલ્લું સ્તર તે Little culture, લઘુ સંસ્કૃતિ. આપણા ઘણાખરા લખનારાઓને માટે આ લઘુ સંસ્કૃતિ લગભગ અજાણી છે. લઘુ સંસ્કૃતિ એટલે શહેરની વચ્ચે, છતાં શહેરથી લગભગ અલાયદા રહેતા નાના નાના સમૂહોની સંસ્કૃતિ.
માત્ર મુંબઈમાં જ નહિ, ઘણાંખરાં શહેરોમાં આ ચારે સ્તર જોવા મળે. રાજ્ય, ધર્મ, અર્થ, અને કામને ક્ષેત્રે અગ્રણી ગણાતા હોય તેમની સંસ્કૃતિ તે મહાજન સંસ્કૃતિ. કોઈ પણ વસ્તુ, રીતિ, વિચાર, જીવન પદ્ધતિમાં નવું અપનાવવામાં આ મહાજન સંસ્કૃતિ મોટે ભાગે મોખરે હોય છે. એક-બે દાખલા જોઈએ. ૧૯૯૭ પહેલાં આ દેશમાં મોટરનો દુકાળ હતો. ધન, સત્તા, કે લાગવગ વગર તરતોતરત મોટર ખરીદવી અસંભવ. ૧૯૯૭માં ‘લોકોની મોટર’ તરીકે મારુતિ ૮૦૦ બજારમાં આવી. ત્યારે સૌથી પહેલાં કોણે ખરીદી? જેમની પાસે બે-ત્રણ મોટર હતી જ તેમણે. અને તેમણે આ મોટરને ‘સ્ટેટસ સિમ્બલ’ બનાવી દીધી. પણ પછી જ્યારે આ મોટર જન સંસ્કૃતિનો ભાગ બની ગઈ ત્યારે મહાજનોનો રસ ઊડી ગયો. એવું જ બન્યું મેકડોનાલ્ડની બાબતમાં. અમેરિકામાં તો એ સફેદ અને ભૂરા કોલરના લોકો માટે સસ્તું અને સારું ખાવાની જગ્યા. મુંબઈમાં તેની પહેલી દુકાન ૧૯૯૩માં કોટ વિસ્તારમાં ખૂલી ત્યારે ત્યાં સૌથી પહેલાં કોણ પહોંચી ગયું? મહાજન સંસ્કૃતિના લોકો. ઉપલા મધ્યમ અને મધ્યમ વર્ગના લોકો તો પછીથી ત્યાં જતા થયા. અને ત્યારે મહાજન સંસ્કૃતિ બીજે ક્યાંક વળી ગઈ.
રાજા રવિ વર્માનું એક અત્યંત લોકપ્રિય ચિત્ર
અલબત્ત, આમાં અપવાદ હોય જ. મહાજન અને જન સંસ્કૃતિમાં એક સાથે કશુંક ફેલાઈ જાય એવું પણ બને. એક દાખલો તે ૧૯મી સદીના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માનાં ચિત્રોનો. રાજા-મહારાજાઓ અને ધનકુબેરોના મહેલ કે હવેલીને આ ચિત્રો (originals) શોભાવતાં તેમ છેક નીચલા મધ્યમ વર્ગના ઘરોમાં પણ તેમનાં ચિત્રો છાપેલાં કેલેન્ડર જોવા મળતાં. તો આઝાદી માટેની ગાંધીજીની હાકલ પહેલાં જન સંસ્કૃતિએ સાંભળી, પછી લોક સંસ્કૃતિએ, અને પછી મહાજન સંસ્કૃતિએ. લોક સંસ્કૃતિ માત્ર ગામડામાં જ જોવા મળે એવું નથી. મુંબઈ જેવા શહેરની મહાજન અને જન સંસ્કૃતિને પણ તેનું આકર્ષણ રહે જ છે. એથનિક ફૂડ, એથનિક કોસ્ચ્યુમ, એથનિક જ્વેલરી, વગેરે દ્વારા આ વર્ગના લોકો લોક સંસ્કૃતિ સાથે અનુસંધાન સાધવાનો પ્રયત્ન કરતા હોય છે.
વરળી કોળીવાડાનું એક ચિત્ર
મહાજન, જન, અને લોક સંસ્કૃતિ તો સમજ્યા. પણ Little culture, લઘુ સંસ્કૃતિ, એ વળી કઈ બલા છે? મુંબઈમાં આવેલા કોળીવાડા અને તેના લોકોનું જીવન, એ આ સંસ્કૃતિનું એક ઉત્તમ ઉદાહરણ. મહાજન, જન, અને લોક સંસ્કૃતિથી અલગ પડતી તેમની જીવનશૈલી, રીતરિવાજો, ધાર્મિક ક્રિયાકાંડ, વગેરે. ખાર દાંડા, સાયન, જુહુ, કોલાબા, ટ્રોમ્બે, વરસોવા, ધારાવી, માહીમ, મઢ, બંદર પખાડી, વગેરે જગ્યાએ આવેલા કોળીવાડા પોતાની અલગ સંસ્કૃતિ જાળવીને બેઠા છે. તો સાથે સાથે જન સંસ્કૃતિનાં કેટલાંક લક્ષણ આ કોળીવાડામાં જોવા મળે.
વાનગી તો ગણી ગણાય નહિ, તો ય મારી થાળીમાં માય
આજથી ૨૫-૩૦ વરસ પહેલાં તમે કોઈ હોટેલમાં ગુજરાતી થાળી જમવા જતા ત્યારે તેમાં કેટલી વાનગી પીરસાતી? બહુ બહુ તો બાર-પંદર. અને આજે? પચીસ-ત્રીસ વાનગી તો રમત વાત! અને ચાલીસ-પચાસ વાનગી પીરસતી હોટેલો પણ આ શહેરમાં છે. યાદ છે? અગાઉ આપણે પોપ કોર્ન ખાતા તે પૂંઠાના નાના કોનમાં વેચાતા. હવે મોટા ટબમાં વેચાય છે. અગાઉ ચીઝનો ઉપયોગ બ્રેડ કે એવી બીજી થોડી વાનગી સાથે થતો. આજે ભેળ, પાણીપૂરી, ઢોસા, ઢોકળાં, સુરતી લોચો, કઈ વાનગી પર ખમણેલું ચીઝ નથી ભભરાવતા?
જ્યોર્જ રીઝર અને તેમનું પુસ્તક
ખાવા-પીવાની બાબતમાં આ જે બદલાવ આવ્યો છે તેનું કારણ શું? Quantity = Quality એવું લોકોના મનમાં ઠસાવવાનો પ્રયત્ન, સફળ પ્રયત્ન. આ વાત તરફ સૌથી પહેલું ધ્યાન દોર્યું જ્યોર્જ રીઝર નામના અમેરિકન સમાજશાસ્ત્રીએ, ૧૯૯૩માં પ્રગટ થયેલા તેમના પુસ્તક The McDonaldization of Society દ્વારા. લેખકને મતે વિજ્ઞાન, અર્થકારણ, અને સંસ્કૃતિમાં આવેલા બદલાવને પરિણામે આ મેકસંસ્કૃતિ આખી દુનિયામાં ઝડપથી પ્રસરી રહી છે. તેનું પહેલું લક્ષણ છે કાર્યદક્ષતા. ઓછામાં ઓછા સમયમાં કામ પૂરું કેમ કરી શકાય એ અંગે સતત પ્રયોગો થતા રહે છે. બીજું લક્ષણ તે ગુણવત્તા (quality) કરતાં પ્રમાણ (quantity)ને અપાતું મહત્ત્વ. બલકે જેમ પ્રમાણ વધુ તેમ ગુણવત્તા આપોઆપ વધુ, એવું ઠસાવવાનો પ્રયત્ન. જમણવારના બૂફે ટેબલો પર ખડકાતી જાતજાતની ઢગલાબંધ વાનગીઓની પાછળ પણ આ માનસિકતા જ કામ કરે છે. જેટલું વધુ આપો તેટલા લોકો વધુ ખુશ.
ત્રીજું ધોરણ છે સમાનીકરણ (standardization). અગાઉ આપણે ચા પીવા જતા ત્યારે ભટજીને કહી શકતા : ‘કમ શક્કર’, કે ‘દૂધ જ્યાદા’. પણ હવે મોંઘીદાટ વિદેશી ચેનનાં આઉટલેટમાં ચા કે કોફી પીવા જાવ ત્યારે આવું કહી શકતા નથી. હા, બે-ત્રણ વિકલ્પ કદાચ હોય, પણ તમારે પસંદગી તેમાંથી જ કરવાની રહે. પરિણામે તમે કશું ખાવા-પીવા જાવ ત્યારે તમને પહેલેથી અંદાજ હોય છે કે અહીં શું, અને કેવું મળશે.
મેકીકરણનું છેલ્લું લક્ષણ છે અંકુશ. આ અંકુશ કામદારો પર તો ખરો જ, પણ આઉટલેટનાં ફર્નિચર, રંગ-આયોજન, કર્મચારીઓના પહેરવેશ, વગેરે તમામ પાસાં નક્કી કર્યા મુજબનાં જ હોય. દરેક કર્મચારીનું કામ પહેલેથી નક્કી જ હોય અને રોજે રોજ તેણે એ પ્રમાણે જ કામ કરવાનું હોય. વળી શક્ય હોય ત્યાં સુધી માણસને બદલે મશીનનો ઉપયોગ થાય. એ શક્ય ન હોય તો માણસને મશીનની જેમ કામ કરતાં કરી દેવાય.
રખે માનીએ કે આ મેકીકરણ માત્ર ખાવા-પીવાની વસ્તુઓ પૂરતું મર્યાદિત છે. અગાઉ વરસમાં એક વાર ઘરે દરજી બેસાડીને આખા ઘરનાં કપડાં સિવડાવતા. રેડી મેડ કપડાં મોટે ભાગે બાળકો માટે. હવે લગભગ બધાં કપડાં તૈયાર લવાય. અરે, એ લેવા માટે દુકાન સુધી જવાનીયે જરૂર નહિ. ઘરે બેઠાં ઓન લાઈન મગાવી લો. નવું ફર્નિચર બનાવવું હોય તો અગાઉ દોઢ-બે મહિના ઘરે સુતાર બેસાડવા પડતા. હવે જોઈતું બધું ફર્નિચર તૈયાર મળે. અરે, કેટલાક બિલ્ડરો તો નવા ફ્લેટ તૈયાર ફર્નિચર અને બીજાં સાધનો સાથેય વેચે.
આ બધા ફેરફાર પહેલાં મુંબઈ જેવા મહાનગરમાં આવે, તેની અસર મહાજન સંસ્કૃતિમાં જોવા મળે. પછી જન સંસ્કૃતિ સુધી ફેલાય. અને હવે તો લઘુ સંસ્કૃતિ પણ તેનાથી સાવ અળગી રહી શકતી નથી. કોળીવાડામાં માછલી પકડવાની જાળીની સાથોસાથ ઝૂંપડા પર ટી.વી.ની ડિશ એન્ટના ક્યાં જોવા નથી મળતી?
મુંબઈની વિવિધ સ્તરોની સંસ્કૃતિની બદલાતી જતી તાસીરની વાતો હવે પછી.
નોંધ : જ્યોર્જ રીઝરના પુસ્તક અને તેમાંની વિચારણા તરફ ધ્યાન દોરવા માટે મિત્ર અને સમાજશાસ્ત્રના અધ્યાપક ડો. ખેવના દેસાઈનો આભારી છું.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 17 ડિસેમ્બર 2022