Opinion Magazine
Number of visits: 9446688
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 11

દીપક મહેતા|Opinion - Opinion|15 September 2019

છાપેલાં પાઠ્યપુસ્તકો આવ્યાં અંગ્રેજીમાંથી વિરામ ચિહ્નો લાવ્યાં

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનની શિક્ષણનીતિને સાથ અને સહકાર મળ્યો. બહુ ઓછા અભ્યાસીઓ પણ આજે જેમનું નામ જાણે છે, તે કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસનો. તેમણે પહેલ કરીને પહેલવહેલાં ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં, કરાવ્યાં. કેપ્ટન જર્વિસનો જન્મ ૧૭૯૪ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે. વ્યવસાયે એન્જિનિયર. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી લઈને ૧૮૧૧ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પહેલી વાર મુંબઈ આવ્યા. ૧૮૧૮માં પીંઢારા સામેની અંગ્રેજોની લડાઈમાં ભાગ લીધો. પછી ત્રણ મહિનાની રજા લઇ સ્વદેશ ગયા. ૧૮૨૨ના જાન્યુઆરીની ૨૮મીએ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ચીફ એન્જિનિયરના મદદનીશ તરીકે નિમણૂક થઈ. મુખ્ય કામ બોમ્બે પ્રેસિડેન્સીમાં નવા બંધાતા રસ્તાઓ પર દેખરેખ રાખવાનું હતું. તેથી ગુજરાતી અને મરાઠીભાષી પ્રદેશોમાં સતત ફરવાનું થયું. એટલે એ બંને ભાષાઓથી સારા એવા માહિતગાર થયા. વળી દેશીઓના શિક્ષણ અંગે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે શાલેય શિક્ષણ માટેનું માધ્યમ તો ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ જ હોઈ શકે.

કેપ્ટન જર્વિસ

એટલે ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટીના અંગ્રેજ સેક્રેટરીની જગ્યાએ કામ કરવા માટે એલ્ફિન્સ્ટને તેમની સેવા ઉછીની માગી લીધી. સોસાયટીના સેક્રેટરી તરીકે જર્વિસે ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. તેમને નામે છપાયેલાં ઓછામાં ઓછાં ૧૫ ગુજરાતી અને ૧૩ મરાઠી પુસ્તકો અંગેની માહિતી આજે મળે છે. અલબત્ત, આમાંનાં ઘણાંખરાં પુસ્તકો અંગ્રેજી પાઠ્ય પુસ્તકોના અનુવાદ હતા. પણ જુદા જુદા વિષયો માટેની પરિભાષા આ બે ભાષાઓમાં નીપજાવવામાં જર્વિસનો મોટો ફાળો. અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદ તો તેનાથી પણ આગળ વધીને ગુજરાતી ગદ્યના જનકનું માન જર્વિસને આપે છે: “ગદ્યમાં લખેલું આપણી પાસે કંઈ નથી. ગદ્યમાં કાગળો લખાતા ને દરબારમાં કામ ચાલતાં. પણ તે કેવી રીતના હતા ને છે તે સહુને માલમ છે ને એ કંઈ ભાષા વિદ્યા ન કહેવાય. ભાષા વિદ્યાને જન્મ આપ્યાનું પ્રથમ માન જેરવીસને છે ને સને ૧૮૨૮ના વરસને ગુજરાતી ભાષા-વિદ્યાનો શક કહેવો જોઈએ, કે જે વરસથી ગદ્યમાં લખવાનું શરૂ થયું.” નર્મદ જર્વિસનાં નામ અને કામથી પરિચિત હતો કારણ તેના પિતા લાલશંકરે કેટલોક વખત જર્વિસના હાથ નીચે લહિયા તરીકે કામ કર્યું હતું. લાલશંકરે હાથે લખેલાં ઘણાં પુસ્તકો શીલાછાપ પદ્ધતિથી જાર્વિસની દેખરેખ નીચે છપાયાં હતાં.  

પાઠ્ય પુસ્તકો તૈયાર કરીને છપાવતાં જર્વિસને હાથે જાણ્યે અજાણ્યે એક મહત્ત્વનું કામ થયું. આજે આપણે ગુજરાતી લખવા-છાપવામાં જે વિરામ ચિહ્નો વાપરીએ છીએ તેમાંનું એક પણ ચિહ્ન સંસ્કૃત કે બીજી કોઈ ભારતીય ભાષામાં નહોતું. આ બધાં જ વિરામ ચિહ્નો આપણે અંગ્રેજીમાંથી ઉછીનાં લીધાં છે. જર્વિસે તૈયાર કરેલાં પાઠ્ય પુસ્તકોમાં પહેલી વાર અંગ્રેજીમાં વપરાતાં વિરામ ચિહ્નોનો ઉપયોગ ગુજરાતી છાપકામમાં થયો. તે અગાઉ પારસીઓએ અને પાદરીઓએ જે થોડાંક ગુજરાતી પુસ્તકો છાપ્યાં હતાં તેમાં વિરામ ચિહ્નો વપરાયાં નહોતાં.

કેપ્ટન  જર્વિસનું એક પુસ્તક શિક્ષામાલા

વખત જતાં જર્વિસ સરકારમાં જુદા જુદા મહત્ત્વના હોદ્દે નીમાયા હતા. ૧૮૨૩ના જુલાઈમાં બ્રિટીશ તેમ જ ‘દેશી’ વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગનાં શિક્ષણ અને તાલીમ આપવા માટે સરકારના આદેશથી જર્વિસે ‘ગણિત શિલ્પ વિદ્યાલય’ની સ્થાપના કરી અને તેના સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. વિદ્યાલયની બે શાખાઓ હતી – એક સર્વેયર્સ અને બીજી બિલ્ડર્સ. બંનેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી-મરાઠીમાં શિક્ષણ અપાતું. તેમાં પહેલે વર્ષે ૭ ગુજરાતી છોકરાઓ ભણતા હતા, પણ વર્ષને અંતે પરીક્ષા લેવાઈ તેમાં પાસ થનાર છોકરાઓમાં એક પણ ગુજરાતીભાષી નહોતો. બીજે વર્ષે પણ આમ જ બન્યું. એટલે સરકારે જર્વિસ પાસે ખુલાસો મગાવ્યો. તેમણે આપેલો ખુલાસો ત્રીજા વર્ષના અહેવાલમાં જોવા મળે છે. આ સંસ્થામાં ભણતા છોકરાઓ પાસ થાય પછી તેમને સરકારમાં યોગ્ય નોકરી આપવાની ખાતરી અપાઈ હતી. તો બીજી બાજુ પાસ થયા પછી પોતે ઓછામાં ઓછાં પાંચ વર્ષ સરકારી નોકરી કરશે એવી લેખિત બાંહેધરી દરેક છોકરાએ દાખલ થતી વખતે જ આપવી પડતી. પણ ત્યાં જે શિક્ષણ અને તાલીમ મળતાં તેનો ઉપયોગ કરીને ખાનગી કામ કરીને સરકારી નોકરી કરતાં વધુ આવક મેળવી શકાતી. એટલે ગુજરાતી છોકરાઓ આખું વર્ષ ધ્યાન આપીને ખંતપૂર્વક ભણતા ખરા, પણ છેવટે પરીક્ષા ન આપતા અને ખાનગી ધંધો કે નોકરી કરતા!

કવિ  નર્મદના પિતા લાલશંકર દવે

લાલશંકરના હસ્તાક્ષરમાં છપાયેલા પુસ્તકનું એક પાનું 

પુસ્તકોની વાત થાળે પડી એટલે નવા શિક્ષકોની તાલીમ અને નિમણૂક અંગે સોસાયટી વધુ સક્રિય બની. ૧૮૨૬ના મે મહિનાની ૧૯મી તારીખે મરાઠી સ્કૂલોના શિક્ષકો માટે પહેલી વાર પરીક્ષા લેવાઈ તેમાં કુલ ૧૪ ઉમેદવારો પાસ થયા. તેમને પૂના, સતારા, ધારવાડ, અહમદ નગર, નાસિક અને ધૂળિયા ખાતે મોકલવામાં આવ્યા. તેવી જ રીતે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા તે જ વર્ષના ઓગસ્ટ મહિનાની ૧૪મી તારીખે લેવાઈ જેમાં કુલ ૧૦ ઉમેદવારો પાસ થયા. તેમાંથી દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર ઉમાનાથ, હરિરામ દયાશંકર એ ત્રણને સુરત મોકલવામાં આવ્યા. તુલજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ, અને ગૌરીશંકર કૃપાશંકર એ ત્રણને અમદાવાદ મોકલવામાં આવ્યા. મુકુન્દરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ અને મયારામ જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલવામાં આવ્યા. આ દસ શિક્ષકોએ જે દસ નવી સ્કૂલ શરૂ કરી તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતીભાષી વિસ્તારની પહેલી સ્કૂલો.

સોસાયટીના આરંભથી તેની સાથે અંગ્રેજ અધિકારીઓ સંકળાયેલા હતા જ, પણ સાથોસાથ ‘દેશીઓ’ પણ સંકળાયેલા હતા. સરકાર તેને આર્થિક મદદ પણ કરતી, પણ સોસાયટી એ સરકારી સંસ્થા નહોતી. આજની પરિભાષામાં કહેવું હોય તો એ પી.પી.પી. – પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ પ્રકારની વ્યવસ્થા હતી. પણ ૧૮૪૦ના એપ્રિલની પહેલી તારીખે મુંબઈ સરકારે ‘બોર્ડ ઓફ એજ્યુકેશન’ની સ્થાપના કરી અને તેના દ્વારા શિક્ષણ વ્યવસ્થા પોતાને હસ્તક લઇ લીધી. તેમાં પ્રમુખ ઉપરાંત સરકારે નીમેલા ત્રણ અંગ્રેજ સભ્યો અને સોસાયટી દ્વારા નિમાયેલા ત્રણ દેશી સભ્યો રહેશે એવું ઠરાવવામાં આવેલું. સોસાયટીની છેલ્લી મિટિંગમાં બે જ કામ કરવામાં આવ્યાં – બોર્ડ ઓફ એજ્યુકેશન માટે ત્રણ સભ્યોનાં નામ નક્કી કરવાનું અને સોસાયટીને વિખેરી નાખવાનું. સોસાયટીએ નીમેલા ત્રણ સભ્યો હતા — જગન્નાથ શંકરશેઠ, ફરામજી કાવસજી, અને મહમ્મદ ઇબ્રાહિમ મક્બા. લગભગ ૧૫ વર્ષના આયુષ્યમાં બોર્ડ ઓફ એજ્યુકેશને ઠીક ઠીક પ્રગતિ કરી. ૧૮૫૪-૫૫ના વર્ષને અંતે બોર્ડ દ્વારા કુલ ૧૯૪ વર્નાક્યુલર સ્કૂલો ચલાવાતી હતી. પણ પછી ૧૮૫૫માં  શિક્ષણની બધી જવાબદારી માટે મુંબઈ સરકારે ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશનનો હોદ્દો ઊભો કર્યો, અને તે સાથે બોર્ડ ઓફ એજ્યુકેશનની કામગીરીનો અંત આવ્યો. આઝાદી પછી ૧૯૫૧માં ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશનનું નામ બદલીને ડિરેક્ટર ઓફ એજ્યુકેશન, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કરવામાં આવ્યું.

આપણે ત્યાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પછી જ ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ. પણ હકીકતમાં આ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પહેલાં અસ્તિત્ત્વમાં આવેલી એલ્ફિન્સ્ટન કોલેજ દ્વારા બોમ્બે પ્રેસિડેન્સીમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ હતી. ૧૮૨૭ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નરને પદેથી એલ્ફિન્સ્ટન નિવૃત્ત થયા. તેમની સ્મૃતિને કાયમ રાખવા માટે શું કરવું જોઈએ એ અંગે વિચારણા કરવા નાગરિકોની એક જાહેર સભા ૧૮૨૭ના ઓગસ્ટની ૨૮મી તારીખે મુંબઈમાં મળી. એલ્ફિન્સ્ટન પ્રોફેસરશીપ શરૂ કરવી એ ઉત્તમ રસ્તો છે એવું ઠરાવવામાં આવ્યું. તે માટે ‘દેશીઓ’ પાસેથી ફાળો ઉઘરાવવાનું પણ નક્કી થયું. કુલ રૂ. ૨,૨૬,૧૭૨નો ફાળો ભેગો થયો. અંગ્રેજી ભાષા-સાહિત્ય ઉપરાંત યુરોપનાં કળા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિષયો શીખવી શકે એવા એક કે વધુ પ્રોફેસરોની પસંદગી એલ્ફિન્સ્ટન પોતે કરે એવી વિનંતી પણ સરકારને કરવામાં આવી. અલબત્ત, સરકાર સાથેની લખાપટ્ટીમાં ઘણો વખત ગયો. છેવટે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન(પછીથી કોલેજ)ની સ્થાપના થઇ શકી. પહેલા બે પ્રોફેસરો ઓર્લેબાર અને હાર્કનેસ મુંબઈ આવ્યા પછી ૧૮૩૬માં પહેલવહેલા વર્ગો શરૂ થયા. અલબત્ત, બીજી કોઈ જગ્યાની સગવડ થઈ ન હોવાથી એલ્ફિન્સ્ટન કોલેજની શરૂઆત મુંબઈના ટાઉન હોલના મકાનમાં થઈ હતી. મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના પછી ૧૮૬૦માં તેની સાથે આ કોલેજ સંલગ્ન થઈ હતી.

૧૯મી સદીમાં બોમ્બે પ્રેસિડેન્સીમાં અર્વાચીન શિક્ષણ પ્રણાલીનો પાયો નાખવામાં અને તેની ઈમારતનું ઘડતર અને ચણતર કરવામાં જો કોઈ એક વ્યક્તિએ સૌથી વધુ મહત્ત્વનો ફાળો આપ્યો હોય તો તે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને. તેઓ પ્રમુખ થયા તે પહેલાં સોસાયટીએ જે થોડી સ્કૂલો શરૂ કરી હતી તેને સ્થાનિક પાદરીઓની દેખરેખ નીચે મૂકી હતી. એલ્ફિન્સ્ટન ચતુર હતા, સુજાણ હતા. ધર્માન્તરની પ્રવૃત્તિને કારણે દેશી લોકો પાદરીઓ તરફ શંકાની નજરે જુએ છે એ તેઓ જાણતા હતા. એટલે તેમણે સોસાયટીની બધી સ્કૂલોને જે-તે પ્રદેશના કલેકટર કે જજની દેખરેખ નીચે મૂકી. એટલું જ નહિ, સોસાયટીની સ્કૂલોમાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપવું નહિ એમ ઠરાવ્યું. બીજું, શાલેય શિક્ષણ ગુજરાતી-મરાઠી વગેરે દેશી ભાષાઓમાં જ અપાવું જોઈએ એવો પોતાનો દૃઢ મત સાથી અમલદારોનો વિરોધ વહોરીને પણ અમલમાં મૂક્યો. અલબત્ત, સાથોસાથ તેમણે અંગ્રેજીના શિક્ષણ પર પણ ભાર મૂક્યો. આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં જે કાંઈ ખામીઓ જણાય છે તેનો દોષ આજે પણ આપણે લોર્ડ મેકોલેને આપીએ છીએ. પણ મેકોલેની નીતિની અસર કલકત્તા અને મદ્રાસ પ્રેસિડેન્સીમાં અપાતા શિક્ષણ પર વધુ થઈ હતી. બોમ્બે પ્રેસિડેન્સીમાં એલ્ફિન્સ્ટનની સમન્વયકારક નીતિ વધુ પ્રભાવક બની હતી. બીજું એક નોંધપાત્ર પગલું પણ તેમણે લીધું હતું જે વિષે આજે ભાગ્યે જ કોઈ જાણે છે: તેઓ ગવર્નર બન્યા તે પહેલાં ગુજરાત પ્રદેશ માટેની અદાલત મુંબઈ ખાતે હતી, અને તેનું કામકાજ ફારસી ભાષામાં ચાલતું. એલ્ફિન્સ્ટને એ અદાલત સુરત ખસેડી અને તેનું કામકાજ ગુજરાતીમાં ચલાવવાનું ઠરાવ્યું. ત્રીજું, તેમણે ગુજરાતી-મરાઠીમાં નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરવાના કામને ખૂબ મહત્ત્વ આપ્યું. અને ચોથું, શિક્ષકોની તાલીમ માટેની વ્યવસ્થા ઊભી કરી.

ટાઉન હોલ – ૧૯મી સદીમાં

૧૭૭૯માં જન્મ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાઈને ૧૭૯૬માં કલકત્તા આવ્યા. બીજાં કેટલાંક સ્થળોએ મહત્ત્વની કામગીરી બજાવ્યા પછી ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા અને ૧૮૨૭ના નવેમ્બરની પહેલી સુધી એ પદ પર રહ્યા. તે પછી લગભગ તરત સ્વદેશ જવા રવાના થયા અને બે વર્ષની મુસાફરી કર્યા પછી ૧૯૨૯માં સ્વદેશ પહોંચ્યા. એ પછી બે વખત હિન્દુસ્તાનના ગવર્નર જનરલના પદે તેમની નિમણૂક કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી, પણ એ પદ સ્વીકારવાની તેમણે સંમતિ આપી નહોતી. કારણ? કારણ સ્વદેશ પાછા ફર્યા પછી તેઓ હિન્દુસ્તાનનો ઇતિહાસ લખી રહ્યા હતા અને તેનું લેખન પૂરું ન થાય ત્યાં સુધી બીજી કોઈ જવાબદારી સ્વીકારવા માગતા નહોતા. એ પુસ્તક ૧૮૪૧માં પ્રગટ થયું હતું. ૧૮૫૯ના નવેમ્બરની ૨૦મી તારીખે તેમનું અવસાન થયું. દેશી લોકોના શિક્ષણ ઉપર એલ્ફિન્સ્ટન કેટલો ભાર મૂકતા હતા એ એક પ્રસંગ પરથી જણાઈ આવે છે.

એક વખત તેઓ જિલ્લામાં તપાસ માટે ફરી રહ્યા હતા. એક લશ્કરી છાવણી પાસે તેમણે મુકામ કર્યો. તેઓ તંબુમાં એકલા બેઠા હતા. બાજુમાં ગુજરાતી-મરાઠી પુસ્તકોનો નાનો ઢગલો પડ્યો હતો. ફાનસના ઝાંખા અજવાળામાં તેઓ એક એક પુસ્તક હાથમાં લઈ ધ્યાનથી ઉથલાવતા હતા. ત્યાં એક લશ્કરી અફસર કર્નલ બ્રિગ્સ તેમને મળવા આવ્યા. પૂછ્યું: આવા ઝાંખા અજવાળામાં શું વાંચો છો, સાહેબ? જવાબ મળ્યો: દેશી ભાષાનાં પુસ્તકો. બ્રિગ્સે પૂછ્યું: પણ આ પુસ્તકોનો ઉપયોગ શો, સાહેબ? દેશીઓને ભણાવવા માટે. બ્રિગ્સ: પણ દેશીઓને ભણાવવા એટલે તો આપણે માટે અહીંથી સ્વદેશ પાછા જવાનો રસ્તો બાંધવો. ભણ્યાગણ્યા પછી એ લોકો આપણા તાબામાં થોડા જ રહેશે? એલ્ફિન્સ્ટન કહે: ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે. પણ દેશીઓને ભણાવવા એ શાસક તરીકે આપણી ફરજ છે અને સાચો અંગ્રેજ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવવાનું ચૂકી શકે નહિ.

છાપેલાં પાઠ્યપુસ્તકો અને નવી નિશાળો વિશેની આજની વાત કવિ, વિવેચક, સાક્ષર નરસિંહરાવ દિવેટિયાના  એક શ્લોકથી પૂરી કરીએ:

આવી સર્વ વિદેશથી જ વસિયાં, વર્ષો ઘણાં વીતિયાં,
આખા ભારતવર્ષમાં પ્રસરીને ભાષા ઘણી જીતિયાં;
પામી સ્થાન રૂડું હવે સ્થિર થઇ સેના, ન તે છોડતી,
ગર્જાવો જ વિરામચિહ્નદળનો જે-જે-ધ્વનિ જોરથી!

e.mail : deepakbmehta@gmail.com

સૌજન્ય : “ગુજરાતી મિડ ડે”, 14 સપ્ટેમ્બર 2019

Loading

15 September 2019 admin
← એન.આર.સી. : છીંડે ચડ્યો તે ચોર!
કિતાબનામા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved