અંધેરીમાં આવેલી સાડા છ કરોડ વરસ જૂની ટેકરી
૫૦૦ વરસ જૂનું ચર્ચ, ૨૨૦૦ વરસ જૂની ગુફાઓ
૧૯૭૭ની એક ચાંદની રાતે ચર્ચમાં ભૂતનો પરચો?
૧૯૭૭ના વરસની એક ચાંદનીએ ચીતરેલી મધરાત. આવે અસૂરે ટાણે પણ અંધેરી ઇસ્ટમાં આવેલી સેન્ટ જોન્સ બાપ્તિસ્ટ ચર્ચમાં ઘણા બધા ખ્રિસ્તી આસ્થાળુઓ ભેગા થયા છે. લોકો કહે છે કે આ ચર્ચમાં તો ભૂતનો વાસ છે. એટલે કોઈ અહીં ભાગ્યે જ આવે છે. પણ ચર્ચના પાદરીએ નક્કી કર્યું છે કે આજની રાતે ભૂત, પલિત, ચુડેલ, જે કોઈ હોય તેને ભગાડવું છે. પાદરી પવિત્ર બાઈબલમાંથી વાંચવાનું શરૂ કરે છે. હજી માંડ બે-પાંચ લીટી વાંચી હશે ત્યાં તો કોઈનું અટ્ટહાસ્ય સંભળાય છે. અને એ પણ કેવું? જાણે કોઈ પાગલ માણસ કરતો હોય તેવું. પછી બે-ચાર પળની શાંતિ. આસ્થાળુઓને હાશકારો થાય તે પહેલાં તો સંભળાય છે હૃદયદ્રાવક રુદન. થોડી વાર પછી રુદન પણ શમી ગયું. પણ એ જ વખતે ચર્ચ નજીક આવેલા તળાવમાં જાણે ભેખડો ધસી પડતી હોય એવો અવાજ આવ્યો. હવે અહીં રોકાવાની કોઈની હિંમત નહોતી. પાદરી સુધ્ધાં સૌ દોડીને બહાર નીકળી ગયાં. કોનું હતું એ હાસ્ય? કોનું હતું એ રુદન? કોની હતી એ ચીસ? પાદરીએ પછીથી કેટલાક શ્રધાળુને કહ્યું કે એક નવપરિણીત યુવતીની રૂહ હજી અહીં ભટકી રહી છે તેનાં હતાં એ હાસ્ય, રુદન, ચીસ. આશરે ૩૦૦ વરસ પહેલાં એ યુવતીનું અહીં મોત નિપજ્યું હતું. આપઘાત? ખૂન? અકસ્માત? ખબર નથી. બીજે દિવસે સવારે ચોકીદારે જોયું કે તળાવમાંની બધી માછલીઓ મરી ગઈ છે, અને સપાટી પર તરી રહી છે. આજે હવે એ ચર્ચ ખંડિયેર બની ગયું છે. સહેલાણીઓ પણ ભાગ્યે જ ત્યાં જાય છે. થોડે દૂર નવું ચર્ચ પણ બંધાઈ ગયું છે. અલબત્ત, ભૂતમાં માનવું, ન માનવું એ દરેક વ્યક્તિની મુનસફીની વાત છે.
સેન્ટ જોન્સ બાપ્તિસ્ટ ચર્ચ
આ ચર્ચ ફાધર મેન્યુઅલ ગોમ્સે બંધાવેલું, ૧૫૭૯માં. આ ફાધર ‘એપોસ્ટલ ઓફ સાલસેટ’ તરીકે ઓળખાતા. કોન્ડિટા નામના ગામડાની ટેકરાળ જમીન પર તેમણે આ ચર્ચ બંધાવેલું. આ ચર્ચ ડેડીકેટ કરેલું સેન્ટ જોન ધ બાપ્તિસ્ટને. પણ ૧૮૪૦માં એ ગામડામાં કોઈ અજાણ્યો જીવલેણ રોગ ફેલાયો. ત્યારે ચર્ચને નજીકના મરોલ ખાતે ખસેડવામાં આવ્યું. કોન્ડિટાનું ચર્ચ ખંડિયેર થતું ચાલ્યું. દિવાલો ધરાશાયી થઈ. ઊભા રહ્યા માત્ર ત્રણ દરવાજા. ભલે બિસ્માર હાલતમાં, પણ આજે ય ઊભા છે. પહેલાં દર વરસે એક વાર, મે મહિનામાં શ્રદ્ધાળુઓ અહીં આવતા. પણ પછી ચર્ચની આસપાસની બધી જમીન સરકારે સિપ્ઝ માટે લઈ લીધી ત્યારથી વરસે એક વાર આવવાનું પણ બંધ થયું. પણ સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને વશ થઈને ૨૦૦૩માં સરકારે એ જમીન ચર્ચને પાછી સોંપી. છતાં સલામતી ખાતર આ ચર્ચમાં કોઈને જવા દેવામાં આવતા નથી. વરસમાં માત્ર એક જ વખત, મે મહિનાના બીજા શનિવારે તે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે.
પાંચ સો વરસ જૂનાં ચર્ચની વિદાય લઈને હવે જઈએ ૨૧૦૦ વરસ જૂની ગુફાઓ જોવા. જ્યાં ‘બુદ્ધં સરણમ્ ગચ્છામિ’ મંત્ર સતત ગુંજતો રહેતો હતો તે અંધેરીની મહાકાળી ગુફાઓ. પણ આ અંધેરી નામ પડ્યું શા માટે? કેટલાક કહે છે કે દિવસે પણ જ્યાં અંધારું રહેતું એવું ગાઢ જંગલ અહીં હતું એટલે નામ પડ્યું અંધેરી. પણ ના. છેક ૧૪મી સદીમાં મરાઠીમાં ‘મહિકાવતીચી બખર’ નામનો ગ્રંથ કેશવાચાર્યે લખ્યો છે. બખર કહેતાં તવારીખનો પ્રકાર મરાઠીમાં સારો એવો ખેડાયો છે. આ ગ્રંથમાં મહિકાવતી અને તેની આસપાસના વિસ્તાર વિષે પુષ્કળ માહિતી મળે છે. આ મહિકાવતી નગરી ક્યાં આવેલી એ અંગે જાણકારોમાં મતભેદ છે. પહેલાં કેટલાક કહેતા કે આ મહિકાવતી તે મુંબઈનું એક પરું માહિમ. ના. આ મહિકાવતી તે થાણે જિલ્લામાં આવેલું માહિમ. એ કેળવે-માહિમ તરીકે પણ ઓળખાય છે. ઈ.સ. ૧૧૪૧ના અરસામાં બિંબ વંશની એ રાજધાની. એટલે એનું બીજું નામ બિંબસ્થાન. આ વિસ્તારનાં ૧૬૮ જેટલાં સ્થળ નામો વિષે આ ગ્રંથમાંથી માહિતી મળે છે. આપણે અત્યારે જે વિસ્તારમાં ફરી રહ્યાં છીએ તેનાં કેટલાંક નામ અહીં જોવા મળે છે, જેમ કે: યેસાવં (વેસાવે, વર્સોવા), આંબોલી, ઈળે (ઈર્લા), પાટળે (પાર્લે), ખારી (ખાર), દાંડે, જુહૂં, વગેરે. તેમાંનું એક નામ છે આંધેરી. આ વિસ્તારનાં ઘણાં નામ ત્યાંનાં ટેકરી કે ડુંગર પરથી પડ્યાં છે. જેમ કે કન્હેરી (કૃષ્ણગિરિ), ડોંગરી, પહાડ (ગોરેગાંવ નજીક), વગેરે. આ આંધેરી નામ પણ પડ્યું ત્યાંની એક ટેકરી પરથી. ટેકરીની ઊંચાઈ ૨૫૦ ફૂટ કરતાં થોડી ઓછી. છતાં આખા વિસ્તારનું નામ તેના પરથી પડે એવું તે શું છે ત્યાં? આજે જે મહાકાળી ગુફાઓ તરીકે ઓળખાય છે એ ગુફાઓ આ ટેકરી પર આવેલી છે, આજના અંધેરી ઇસ્ટમાં. અગાઉ અંગ્રેજ સંશોધકોએ એને કોન્ડીવટી ગુફાઓ તરીકે ઓળખાવેલી. કારણ એ નામના ગામડા નજીક એ આવેલી છે. કુલ ૧૯ ગુફા. તેમાંની ૧૫ એ ટેકરીની આગ્નેય (સાઉથ-ઇસ્ટ) બાજુએ આવેલી છે અને ચાર વાયવ્ય (નોર્થ-વેસ્ટ) દિશામાં આવેલી છે. આ ગુફાઓ ઈ.સ. પૂર્વે પહેલી સદીથી માંડીને ઈ.સ.ની છઠ્ઠી સદી સુધીમાં ટેકરીના પથ્થર કોતરી કોતરીને બનાવેલી છે. તેમાં ૯ નંબરની ગુફા સૌથી મોટી છે. તેમાં બુદ્ધની સાત પ્રતિમા ઉપરાંત બૌદ્ધ દંતથાઓનાં કેટલાંક પાત્રોની આકૃતિઓ કોતરી છે. આ ઉપરાંત ઘણી ગુફામાં પાલી ભાષામાં લખાણ કોતરેલાં છે. ૧,૨,૩ નંબરની ગુફાઓ એકબીજી સાથે જોડાયેલી છે. વચલી મોટી ગુફાની બે બાજુ એક-એક નાની ગુફા છે. વચલી ગુફામાં સ્તૂપ છે. ચાર નંબરની ગુફા ‘વિહાર ગુફા’ એટલે કે બુદ્ધ સાધુને રહેવા માટેની ગુફા છે. તેમાં નાની નાની ઓરડી બનાવેલી છે અને વચમાં સભાખંડ (હોલ) છે. પાંચ નંબરની ગુફા ચૈત્ય ગુફા છે અને આ સમૂહની સૌથી મહત્ત્વની અને સૌથી જૂની ગુફા છે.
મહાકાળી ગુફા, નંબર ૧,૨,૩
એક જમાનામાં મુંબઈની આસપાસના વિસ્તારમાં બૌદ્ધ ધર્મની સારી એવી બોલબાલા હોવી જોઈએ. કારણ પશ્ચિમ ભારતમાં આજે જે બૌદ્ધ ગુફાઓ જોવા મળે છે તેમાંની ઘણી મુંબઈની આસપાસ આવેલી છે. સૌથી વધુ જાણીતી એલિફન્ટા કે ઘારાપુરીની ગુફાઓ. પછી કન્હેરી કે કૃષ્ણગિરિની ગુફાઓ, જોગેશ્વરીની ગુફાઓ, બોરીવાલી નજીક મંડપેશ્વરની ગુફાઓ. સદીઓ સુધી આ વિસ્તારમાં બૌદ્ધ ધર્મની બોલબાલા રહી, પણ પછી ધીમે ધીમે પશ્ચિમ ભારતમાં એ ધર્મનો અસ્ત થયો. આ બધી ગુફાઓમાંથી કન્હેરી ગુફાઓમાં ઈ.સ. ૯૯૯ના ડિસેમ્બરની બીજી તારીખે સહેલાણીઓ તરીકે ૧૭ પારસીઓએ પગ મૂક્યો હતો. મુંબઈની ધરતી પર પડેલા આ પારસીઓનાં પહેલવહેલાં પગલાં. તેમણે પોતાનાં નામ એક ગુફાની દિવાલ પર પહેલવી ભાષામાં કોતર્યાં છે. પણ આનો અર્થ એ થયો કે ત્યાં સુધીમાં એ ગુફાઓ બૌદ્ધ સાધુઓ દ્વારા વપરાતી બંધ થઈ ચૂકી હતી અને સહેલાણીઓની મુલાકાત માટેનું એક સ્થળ બની રહી હતી. મહાકાલીની ગુફાઓની સ્થિતિ પણ એ અરસામાં આવી જ હોવાનો સંભવ છે. અને છતાં, આંખો બંધ કરીને, મનને શાંત કરીને સાંભળશો તો તમને દૂર દૂરથી આવતો હોય એવો ઘોષ કાને પડશે : બુદ્ધમ્ શરણમ્ ગચ્છમિ.
ગિલબર્ટ હિલ, ૧૯મી સદીમાં
પણ પાંચ સો વરસ જૂનું ચર્ચ કે ૨૧૦૦ વરસ જૂની ગુફાઓ જેની આગળ નાનું બચ્ચું લાગે એવી એક જગ્યા છે અંધેરીમાં. પણ એ માટે આપણે અંધેરી ઇસ્ટથી અંધેરી વેસ્ટ જવું પડશે. આખી દુનિયામાં આવી બીજી બે જ જગ્યા છે. એ જગ્યા આજથી ૬ કરોડ ૬૦ લાખ (બે-પાંચ લાખ વરસની ભૂલચૂક લેવીદેવી) વરસ પહેલાં અસ્તિત્વમાં આવી, આપણા અંધેરીમાં! ત્યારે આપણી આ દુનિયામાં નહોતું માણસ જાતનું અસ્તિત્ત્વ, કે નહોતું આજના ભારત દેશનું અસ્તિત્વ. ત્યારે પૃથ્વી પર ડાયનોસોર અને એવાં બીજાં પ્રાણીઓ હરતાં-ફરતાં. ભારત એ દરિયામાં તરતો – હા, તરતો – એક ટાપુ હતો. એવે વખતે કોઈ વિશાળ જ્વાલામુખી ફાટ્યો અને એના લાવારસમાંથી બની એક ૨૦૦ ફૂટ ઊંચી ટેકરી, જે આજે ગિલ્બર્ટ હિલ તરીકે ઓળખાય છે. ગ્રોવ કાર્લ ગિલ્બર્ટ નામના ભૂસ્તરશાસ્ત્રીના નામ પરથી આ નામ પડ્યું છે. આવી બીજી ટેકરી છે અમેરિકાના કેલિફોર્નિયામાં, જે ‘ડેવિલ્સ પોસ્ટપાઈલ’ તરીકે ઓળખાય છે. ત્રીજી ટેકરી છે અમેરિકાના જ વ્યોમિંગ રાજ્યમાં જે ‘ડેવિલ્સ ટાવર’ તરીકે ઓળખાય છે. અમેરિકન સરકારે આ બંનેને ‘નેશનલ મોન્યુમેન્ટ’ જાહેર કર્યાં છે અને તેની જાળવણી પાછળ દર વરસે પુષ્કળ ખરચ કરે છે. બંનેને ઊની આંચ ન આવે એવી રીતે સહેલાણીઓ એ જોવા-ચડવા જઈ શકે એવી વ્યવસ્થા કરી છે. એટલે ખરચની સામે આવક પણ થાય છે.
ગિલબર્ટ હિલ, આજે
આપણો આ ગિલ્બર્ટ હિલ બચાડો છે માત્ર ‘ગ્રેડ ટુ મોન્યુમેન્ટ’. અને તે ય કહેવા પૂરતો. બાંધકામ કરનારાઓ તેના મજબૂત પથ્થર તોડી તોડીને લઈ ગયા છે. ટેકરીને મથાળે મંદિર છે એટલે લોકોનો સતત આવરો-જાવરો રહે છે. એટલે જ્યાં જુઓ ત્યાં કચરો. મંદિર સુધી જવાનાં પગથિયાં ઘસાઈ કે તૂટી જાય ત્યારે સિમેન્ટ, ચૂનો, લાદીઓ, જે હાથ આવ્યું તેનાથી સમારાઈ જાય. અને સૌથી વધુ તો એની અડખે પડખે ઊંચાં ઊંચાં મકાનો બંધાઈ ગયાં છે. એટલે તમે સાવ નજીક જાવ નહિ ત્યાં સુધી ગિલ્બર્ટ હિલ કદાચ તમને દેખાય પણ નહિ! પણ આવું તો ક્યાં ક્યાં નથી, આપણા દેશમાં! એનો હરખશોક શો કરવો!
બસ, બૂમો પાડી પાડીને દુનિયાને કહેવું : ‘મેરા ભારત મહાન!’
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 07 ઑગસ્ટ 2021